You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અક્ષર પટેલ : ઇંગ્લૅન્ડ સામેની ડેબ્યૂ મૅચમાં પાંચ વિકેટ લેનાર આ ગુજરાતી બૉલર કોણ છે?
ચેન્નાઈ ખાતે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મૅચથી ગુજરાતી બૉલિંગ ઑલરાઉન્ડર અક્ષર પટેલે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તેમણે ડેબ્યૂ મૅચની બીજી ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી.
અત્રે નોંધવું રહ્યું કે અક્ષર પટેલ પહેલી ટેસ્ટમાં રમવાના હતા પરંતુ બીસીસીઆઈ અનુસાર ઈજાને કારણે તેઓ નહોતા રમી શક્યા, જોકે બીજી ટેસ્ટમાં તેમનો સમાવેશ થઈ ગયો હતો.
મૅચ પૂર્વે વિરાટ કોહલીએ તેમને ટેસ્ટ કૅપ આપી હતી અને કોચ રવિ શાસ્ત્રીએ ભેટીને તેમને શુભકામનાઓ આપી હતી.
ગુજરાતની ટીમના કપ્તાન અક્ષર પટેલ
અક્ષર પટેલ હાલ ગુજરાતની ટીમના કૅપ્ટન છે અને આ પહેલાં તેઓ ટી-20 અને વન-ડેમાં ભારતીય ટીમમાં રમી ચૂક્યા છે.
ઇએસપીએન ક્રિકઇન્ફો પ્રમાણે અક્ષર પટેલનું ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પદાર્પણ ગુજરાતની ટીમ વતી થયું હતું, જોકે એ સીઝનમાં તેમને એક જ મૅચ રમવાની તક મળી હતી.
બૉલિંગ ઑલરાઉન્ડર અક્ષર પટેલની કારકિર્દી પણ અનેક ભારતીય યુવા ક્રિકેટરોની માફક ઇન્ડિયન પ્રીમિયર લીગ બાદ ચમકી હતી.
વર્ષ 2013માં આઈપીએલ થકી તેમને વધુ એક તક મળી. મુંબઈ ઇન્ડિયન્સ સાથે તેમનો કૉન્ટ્રેક્ટ થયો હતો પણ તેઓ આખી સિરીઝ દરમિયાન બૅન્ચ પર જ રહ્યા હતા.
જોકે એ બાદ 2014ના વર્ષમાં અક્ષર પટેલનો ચડતો સૂરજ હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
IPL 2014માં આ ખેલાડીએ કિંગ્સ ઇલેવન પંજાબ માટે શાનદાર પ્રદર્શન કર્યું, જેમાં તેમણે 16 વિકેટ લીધી હતી.
વર્ષ 2014માં તેમને 2012-13 માટે બીસીસીઆઈ અંડર-19 ક્રિકેટર ઑફ ધ યર રહ્યા હતા.
તેમણે 38 વન ડેમાં 45 વિકેટ ખેરવી છે. જ્યારે 11 ટી-20માં 9 વિકેટ લીધી છે. આઈપીએલની 97 મેચમાં તેણે 80 વિકેટ લીધી છે.
કહેવાય છે કે ચેન્નાઈની પીચ સ્પિનરો માટે ખાસ મદદરૂપ સાબિત થાય છે, આથી ગુજરાતી ઑલરાઉન્ડર અને સ્પિનર અક્ષર પટેલને સામેલ કરાયા છે.
અક્ષર પટેલે પહેલી ટેસ્ટ પૂર્વે પોતાના ડાબા ધૂંટણમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી. આથી તેઓ પહેલી મૅચમાં રમી નહોતા શક્યા.
અક્ષર પટેલ મૂળ ગુજરાતના ચરોતર વિસ્તારના છે. તેમનો પરિવાર આણંદ-નડિયાદમાં રહે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો