‘બહેનનાં લગ્નમાં પાઘડી બાંધી એટલે માર ખાધો, કારણ કે હું દલિત છું’

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"મારા પિતાને મેં વચન આપેલું કે મારી બે બહેનોનાં લગ્ન ધામધૂમથી કરાવીશ. મારી પોલીસમાં નોકરી લાગી એટલે મારી બહેનનાં લગ્ન લેવડાવ્યાં અને લગ્નની આગલી રાત્રે અને અમારા ફળિયામાં નાના વરઘોડા જેવું આયોજન રાખ્યું. ડીજેના તાલે અમારાં સગાં નાચતાં અને ગરબા ગાતાં હતાં. મેં પાઘડી બાંધેલી હતી. અમારા ગામનાં સરપંચના દીકરાએ મને પાઘડી કાઢી નાખવા કહ્યું અને મને માર માર્યો. બસ આ મારો ગુનો. જો એક પોલીસવાળા સાથે આવું થાતું હોય તો બીજા સાથે શું થતું હશે?"

આ વ્યથા છે મોડાસાના નાનકડા ગામ નંદીસણના પોલીસજવાન ધવલ પરમારની.

નંદીસણના રહેવાસી ધવલ પરમાર બી.એસસી. થયા. એમની ઇચ્છા પણ પોતાના પિતાની માફક સર્વિસમૅન થવાની હતી.

તેમને પણ સૈન્યમાં જવું હતું પણ એમના પિતા CRPFમાંથી રિટાયર થયા અને અવસાન પામ્યા, તેથી તેઓ આર્મીમાં જોડાવા માટેની મહેનત ના કરી શક્યા.

આથી તેમણે પોલીસમાં નોકરી મેળવવાનો પ્રયાસ કર્યો અને એક વર્ષ પહેલાં ગુજરાત પોલીસમાં લોકરક્ષકદળમાં સિલેક્ટ પણ થઈ ગયા. થોડા સમય પહેલાં એમની તાલીમ ચાલુ થઈ હતી. કોરોનામાં અટકી ગયેલી તાલીમ હવે પૂરી થતાં તેઓ નોકરીમાં જોડાશે.

'પાઘડી બાંધવાનો હક માત્ર ઉચ્ચ જ્ઞાતિના લોકોને છે?'

ધવલ પરમારે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "મારી બહેન સુનીતાની ઉંમર થઈ હતી અને મને નોકરી પણ મળી ગઈ હતી એટલે મેં બહેનનાં લગ્ન કરાવવાનું નક્કી કર્યું."

"મેં મારા પિતાને એમના અવસાન સમયે વચન આપ્યું હતું કે ઘર ની જવાબદારી હું ઉપાડીશ અને બંને બહેનોનાં ધામધૂમથી લગ્ન કરાવીશ અને ભાઈને ભણાવીશ."

તેઓ આગળ વાત કરતાં કહે છે, "કોરોનામાં લગ્ન થાય એવું નહોતું એટલે આ 16 ફેબ્રુઆરીએ વસંત પાંચમના રોજ લગ્ન રાખ્યાં હતાં."

"લગ્નના આગલા દિવસે અમે ડીજે બોલાવી અમારી શેરીમાં ગરબા ગાતા હતા. દરમિયાન અચાનક અમારા ફળિયાની લાઇટો બંધ થઈ ગઈ. તોય અમે કંઈ બોલ્યા વગર ડીજેવાળાની લાઇટમાં ગરબા કરતા હતા."

"બહેનને અમે લઈને નીકળ્યા હતા એટલી વારમાં અમારા ગામનાં સરપંચનો દીકરો ધર્મરાજસિંહ આવ્યો. એણે મને પાઘડી બાંધીને નાચતા જોયો. મને ખૂણામાં બોલાવ્યો અને જાતિવિષયક શબ્દો કહીને કહ્યું કે પાઘડી બાંધવાનો અધિકાર માત્ર દરબારોને છે પાઘડી ઉતાર."

"મેં ના પાડી તો એણે એના પિતા જયેન્દ્રસિંહ ચૌહાણને બોલાવ્યા અને મને માર માર્યો. મારી સાથે ઝપાઝપી થતાં અમારાં બીજાં સગાં પણ આવી ગયાં .અમારા વડીલોએ માફી માંગવા કહ્યું પણ હું અડગ હતો મેં પાઘડી ના ઉતારી."

જૂની દાઝના કારણે થયો ખટરાગ?

પીડિત ધવલ પોતાની સાથે બનેલા બનાવ માટે વર્ષો જૂની અદાવત હોવાની વાત કરતાં આગળ જણાવે છે, "ધર્મરાજના પિતા પહેલાં ગામના સરપંચ હતા અને હવે તેમનાં માતા ગામનાં સરપંચ છે. આ પહેલાં મારા પિતા CRPFમાં હતા એ વાતની આ પરિવારને દાઝ હતી."

તેઓ આરોપીઓનાં મનમાં વર્ષોથી પોતાના પરિવાર પ્રત્યે દુર્ભાવના હોવાનો આરોપ મૂકતાં કહે છે, "જ્યારે મારા પિતા રજાઓમાં ગામડે આવતા દરમિયાન તેમણે વર્દી પહેરેલી હોય ત્યારે એમની પીઠ પાછળ આ લોકો અમારી જાતિ વિશે બોલતા કે અમે લોકોએ દરબારોનો અધિકાર છીનવી લીધો છે."

"પરંતુ મારા પિતા સોમભાઈ નોકરી કરતા ત્યાં સુધી એ કઈ કરી શક્યા નહીં પણ તેઓ રિટાયર થયા પછી એ ગામમાં જતા હતા ત્યારે ભૂલથી દૂધનું વાસણ ભૂલથી અડકી જતાં મારા પિતા સાથે આમણે ઝઘડો કર્યો હતો."

"મારા પિતાએ આ બાબતે કોર્ટમાં કેસ પણ કર્યો હતો. મારા પિતાનું અવસાન થતાં અમે કેસ પાછો ખેંચી લીધો હતો પણ એ વાતની દાઝ મનમાં જ રાખી"

તેઓ આરોપી કુટુંબ દ્વારા અવારનવાર પોતાને થતી હેરાનગતિ વિશે વાત કરતાં કહે છે, "જૂની અદાવતને પગલે ત્રણ વર્ષ પહેલાં ઉત્તરાયણના દિવસે પતંગ કેમ કાપ્યો કહી મને માર માર્યો હતો. એ વાતને અમે કોરાણે મૂકી દીધી હતી."

"પણ હું પોલીસમાં જોડાયો એ વાતની ખબર પડતાં એમણે મારી બહેનનાં લગ્ન વખતે અમારા ઓટલાવાળા ફળિયાની લાઇટો બંધ કરાવી દીધી હતી અને લગ્નમાં વિઘ્ન નાખવા ધર્મરાજસિંહ આવ્યો હતો."

"તેણે પોતાની કાર ડીજેના વાહન સામે ઊભી રાખી. ગામના લોકોને બોલાવી તે હુમલો કરવા માંગતો હતો, જેથી બીજા દિવસે લગ્ન ના થઈ શકે. પણ મેં તરત પોલીસને જાણ કરી દેતાં પોલીસ આવી પહોંચી અને એમની સામે ઍટ્રોસિટીનો ગુનો દાખલ કર્યો."

શું કહે છે પોલીસ અધિકારી?

આ અંગે વાત કરતાં મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. એન. પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "સંદેશો મળતાં અમે ઓટલા ફળિયા, નંદીસણ ગામે પહોંચી ગયા અને ત્યાં મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો."

"જોકે, મામલો શાંત નહીં થતાં ગામના પૂર્વ સરપંચ જયેન્દ્રસિંહ ચૌહાણ અને એમના દીકરા ધર્મરાજસિંહ ચૌહાણ સામે ઍટ્રોસિટીનો ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. અમે તરત જ ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી, પોલીસ બંદોબસ્ત વચ્ચે લગ્ન કરાવ્યાં છે અને બંને બાપ-દીકરા ની ધરપકડ કરી એસ. ટી. એસ.સી સેલ ને સોંપ્યા છે."

અરવલ્લી જિલ્લાના એસ.સી.એસ.ટી. સેલના વડા એસીપી સંજય ખરાતે આ મામલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "15મી ફેબ્રુઆરીએ રાત્રે જ અમે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. 16મીએ અમે પોલીસ બંદોબસ્ત હેઠળ લગ્ન સંપન્ન કરાવ્યાં જેથી કોઈ અપ્રિય ઘટના ના બને."

"લગ્ન થયા પછી વરરાજાની જાન પણ સલામત રીતે પોલીસ બંદોબસ્તમાં એમના ઘરે પહોંચાડી દીધી છે. છોકરીના ઘરના લોકોને પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો છે. 24 કલાક માટે પોલીસ તહેનાત કરવામાં આવી છે.

"જેમની સામે ગુનો દાખલ કર્યો છે એમને કોર્ટમાં રજૂ કરી કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે."

આ અંગે ગામના સરપંચ અને આરોપીનાં પત્ની રંજનબાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ એમણે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો