ભારતમાં જ્ઞાતિવ્યવસ્થા '3000 વર્ષ પહેલાં' કેવી રીતે શરૂ થઈ?

    • લેેખક, બીબીસી વર્લ્ડ ન્યૂઝ
    • પદ, .

હાલમાં આરએસએસના પ્રમુખ મોહન ભાગવતના ભારતમાં જ્ઞાતિવ્યવસ્થા અંગેના એક નિવેદનને લઈને વિવાદ ઉત્પન્ન થયો છે.

આરએસએસના પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકર અનુસાર મોહન ભાગવતે કહ્યું છે કે, "સત્ય એ છે કે મોહન ભાગવતે કહ્યું કે -(ભગવાને કહ્યું કે) હું દરેક પ્રાણીમાં છું, તેથી રૂપ-નામ કંઈ પણ હોય, પરંતુ યોગ્યતા એક છે, માન-સન્માન એક છે, દરેક માટે પોતાપણું છે. કોઈ પણ ઊંચ-નીચ નથી. શાસ્ત્રોનો આધારે પંડિત લોકો જે (જાતિ આધારિત ઊંચ-નીચની વાત) કરે છે તે ખોટી છે."

"સત્ય જ ઈશ્વર છે, સત્ય કહે છે હું સર્વવ્યાપી છું, રૂપ ગમે તે રહે યોગ્યતા એક છે, ઊંચ-નીચ નથી, શાસ્ત્રોના આધારે કેટલાક પંડિતો જે કહે છે તે ખોટું છે. જાતિની શ્રેષ્ઠતાની કલ્પનામાં ઊંચ-નીચમાં અટવાઈને આપણે ગુમરાહ થઈ ગયા છે, ભ્રમ દૂર કરવાનો છે."

ભારતમાં જ્ઞાતિવ્યવસ્થા શું છે અને તે કઈ રીતે કામ કરે છે? ભારતની જ્ઞાતિવ્યવસ્થા (અથવા વર્ણવ્યવસ્થા)એ સામાજિક વર્ગીકરણનું સૌથી જૂનું સ્વરૂપ છે, જે આટલાં વર્ષો સુધી ટકી રહ્યું છે.

આ વ્યવસ્થા હેઠળ હિંદુઓને તેમના કર્મ (કાર્ય) અને ધર્મ (અહીં તેનો અર્થ ફરજ થાય છે)ના આધારે ચુસ્ત રીતે ઉપરથી નીચેના ક્રમમાં ગોઠવવામાં આવે છે.

ભારતીય વર્ણવ્યવસ્થા 3000 વર્ષ કરતાં જૂની હોવાનું માનવામાં આવે છે અને તે અત્યંત જટિલ છે.

જ્ઞાતિનો ઉદ્ભવ કેવી રીતે થયો?

હિંદુત્વ અંગે સૌથી મહત્ત્વના અને આધારભૂત ગણાતા પુસ્તક મનુસ્મૃતિની રચના ઇસુના જન્મથી એક હજાર વર્ષ પૂર્વે થઈ હતી. તેમાં જ્ઞાતિવ્યવસ્થાને સમાજમાં વ્યવસ્થા અને વિશ્વાસના પાયા સમાન ગણાવીને તેને ન્યાયોચિત માનવામાં આવી છે.

જ્ઞાતિવ્યવસ્થા હેઠળ હિંદુઓને મુખ્ય ચાર વર્ગમાં વહેંચવામાં આવે છેઃ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર.

ઘણા લોકો માને છે કે આ જૂથો મૂળભૂત રીતે સર્જનના હિંદુ દેવતા બ્રહ્મામાંથી પેદા થયાં હતાં.

જ્ઞાતિવ્યવસ્થામાં બ્રાહ્મણો સૌથી ટોચ પર હતા. તેઓ મુખ્યત્વે શિક્ષકો અને બુદ્ધિજીવીઓ હતા અને તેઓ બ્રહ્માના મસ્તિસ્કમાંથી પેદા થયા હોવાની માન્યતા છે.

ત્યાર પછીના ક્રમે ક્ષત્રિયો છે, જેઓ લડાયક જૂથ અથવા શાસક વર્ગ છે. તેમની રચના બ્રહ્માની ભુજાઓમાંથી થઈ હોવાની માન્યતા છે.

વૈશ્ય અથવા વેપારીઓ આ જ્ઞાતિવ્યવસ્થામાં ત્રીજા ક્રમે છે. તેમની રચના બ્રહ્માની સાથળમાંથી થઈ હોવાની માન્યતા છે.

આ જ્ઞાતિવ્યવસ્થામાં શુદ્રો સૌથી તળિયે છે. તેઓ બ્રહ્માના પગમાંથી રચાયા હતા.

આ ઉપરાંત મુખ્ય જ્ઞાતિઓને પણ બીજી 3000 જ્ઞાતિ અને 25,000 પેટાજ્ઞાતિઓમાં વહેંચવામાં આવી છે. દરેકનો પોતાનો ચોક્કસ વ્યવસાય છે.

જ્ઞાતિવ્યવસ્થા કઈ રીતે કામ કરે છે?

સદીઓથી હિંદુ ધર્મ અને સામાજિક જીવનનાં દરેક પાસાં પર જ્ઞાતિનો પ્રભાવ રહ્યો છે. દરેક જૂથ જટિલ વરિષ્ઠતા ક્રમમાં પોતાનું ચોક્કસ સ્થાન ધરાવે છે.

ભારતમાં ગ્રામીણ સમુદાય લાંબા સમયથી જ્ઞાતિના આધારે ગોઠવાયેલો છે.

ઉચ્ચ અને નીચલા વર્ગના લોકો લગભગ હંમેશાં જુદા-જુદા સમુદાયમાં રહે છે. તેમના પાણીના કૂવા પણ અલગ-અલગ હોય છે. બ્રાહ્મણો શુદ્રોએ સ્પર્શ કરેલું પાણી પીતા નથી. લોકો પોતાની જ્ઞાતિની અંદર જ લગ્ન કરે છે.

આ જ્ઞાતિ વ્યવસ્થામાં ઉચ્ચ વર્ગને ઘણા વિશેષાધિકાર મળે છે. તેના કારણે વિશેષાધિકાર ધરાવતાં જૂથો દ્વારા નીચલા વર્ગનું શોષણ થાય છે.

આ વ્યવસ્થા અન્યાયી અને શોષણકારી હોવાનું જણાવીને તેની ઘણી ટીકા કરવામાં આવી છે.

આમ છતાં સદીઓથી જ્ઞાતિવ્યવસ્થા યથાવત્ રહી છે. તેમાં લોકો એક નિશ્ચિત સામાજિક ક્રમમાં પુરાઈ રહે છે.

જોકે, આટલા બધા અવરોધો છતાં કેટલાક દલિતો અને 'અન્ય નીચલા વર્ગ'ના લોકો ભારતમાં ઉચ્ચ પદ સુધી પહોંચી શક્યા છે. તેમાં ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બી. આર. આંબેડકર અને ભારતના પ્રથમ દલિત રાષ્ટ્રપતિ બનેલા કે. આર. નારાયણન સામેલ છે.

આવું એટલા માટે શક્ય બન્યું છે, કારણ કે ઇતિહાસકારોના જણાવ્યા મુજબ 18મી સદી સુધી ઔપચારિક જ્ઞાતિવિષયક ભેદભાવનું મર્યાદિત મહત્ત્વ હતું. તે સમયે સામાજિક ઓળખ વધારે લવચિક હતી અને લોકો એક જ્ઞાતિમાંથી બીજી જ્ઞાતિમાં સરળતાથી જઈ શકતા હતા.

એક નવા અભ્યાસ અનુસાર બ્રિટિશ સંસ્થાનવાદી શાસકોએ ભારતમાં જ્ઞાને લગતી ચુસ્ત સીમાઓ નક્કી કરી. બ્રિટિશરોએ વ્યવસ્થાના સરળીકરણ માટે વસતીગણતરી કરી ત્યારે જ્ઞાતિને ભારતીય સમાજની મુખ્ય લાક્ષણિકતા બનાવી દીધી.

તેમનો હેતુ એક જ કાયદા હેઠળ એક સમુદાયની રચના કરવાનો હતો જેના પર સરળતાથી શાસન થઈ શકે.

શું તે કાયદેસર છે?

સ્વતંત્ર ભારતના બંધારણ મુજબ જ્ઞાતિના આધારે લોકોમાં ભેદભાવ રાખવો એ ગુનો છે.

ઐતિહાસિક અન્યાયની ભૂલને સુધારવા અને જે લોકો સદીઓથી પછાત રહી ગયા હતા તેમને બરાબરીની તક આપવા માટે 1950માં સરકારે સરકારી નોકરીઓ તથા શિક્ષણસંસ્થાઓમાં સૌથી પછાત વર્ગ માટે અનામત ક્વોટા રાખવાની શરૂઆત કરી.

1989માં આ ક્વોટા વિસ્તારવામાં આવ્યો અને તેમાં ઓબીસી (અન્ય પછાત વર્ગ) નામના જૂથનો પણ સમાવેશ કરવામાં આવ્યો. જ્ઞાતિવ્યવસ્થામાં આ જૂથના લોકો ઉચ્ચ વર્ગ અને નીચલા વર્ગની વચ્ચે આવતા હતા.

તાજેતરના દાયકાઓમાં બિનસાંપ્રદાયિક શિક્ષણના વ્યાપ અને શહેરીકરણના ફેલાવાની સાથે જ્ઞાતિનો પ્રભાવ અમુક અંશે ઘટ્યો છે. ખાસ કરીને શહેરોમાં તેની અસર ઓછી દેખાય છે, જ્યાં જુદી-જુદી જ્ઞાતિના લોકો નજીક-નજીક રહે છે.

હવે આંતરજ્ઞાતીય લગ્નો પણ વધુ સામાન્ય બની રહ્યાં છે. દક્ષિણનાં કેટલાંક રાજ્યોમાં અને ઉત્તરમાં બિહાર જેવાં રાજ્યમાં સામાજિક સુધારાની ચળવળ પછી ઘણા લોકો સિંગલ નામનો ઉપયોગ કરતા થયા છે.

આમ છતાં જ્ઞાતિની ઓળખ હજુ પણ મજબૂત છે અને વ્યક્તિની અટક પરથી તે કઈ જ્ઞાતિની છે, તેનો અંદાજ મળી જાય છે.

જ્ઞાતિનું રાજકારણ

તાજેતરનાં વર્ષોમાં ઘણા સમુદાયોએ પોતાને ઓબીસીના જૂથમાં મૂકવાની માગણી કરીને આંદોલન કર્યાં છે.

2016માં હરિયાણામાં જાટ સમુદાયે અને 2015માં ગુજરાતમાં પટેલોએ પોતાના માટે અનામત ક્વોટાની માગણી કરીને આંદોલન કર્યાં હતાં, આંદોલનો દરમિયાન હિંસા પણ થઈ હતી.

આ બંને નાણાકીય રીતે સમૃદ્ધ અને રાજકીય રીતે પ્રભુત્વ ધરાવતા સમુદાયો છે. પરંતુ તેમની દલીલ છે કે તેમનામાં મોટી સંખ્યામાં લોકો હજુ પણ ગરીબ અને વંચિત છે.

કેટલાકનું કહેવું છે કે રાજકારણીઓએ જ્ઞાતિવ્યવસ્થાને વારંવાર મજબૂત કરવાનું કામ કર્યું ન હોત તો અત્યાર સુધીમાં જ્ઞાતિવ્યવસ્થા નાબૂદ થઈ ગઈ હોત.

ચૂંટણી વખતે ઘણા લોકો પોતાની જ્ઞાતિના આધારે સામુહિક મતદાન કરે છે અને મત મેળવવા માટે રાજકારણીઓ અમુક જૂથોને આકર્ષવા પ્રયાસ કરે છે.

તેના કારણે વંચિત લોકોની સ્થિતિ સુધારવા માટે જે કામચલાઉ વ્યવસ્થા કરવામાં આવી હતી તે હવે ઘણા રાજકારણીઓ માટે મત મેળવવાનું સાધન બની ગઈ છે.

(આ અહેવાલ સૌપ્રથમ વાર જાન્યુઆરી 2021માં પ્રકાશિત કરાયો હતો)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો