You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સરકારી ઑફિસોમાં કોના ફોટોગ્રાફ ટાંગી શકાય?
- લેેખક, રાહુલ ગાયકવાડ
- પદ, બીબીસી મરાઠી
તાજેતરમાં યોજવામાં આવેલી પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(આપ)એ મોટો વિજય મેળવ્યો છે અને વિધાનસભાની કુલ 117 બેઠકોમાંથી 92 બેઠકો જીતી હતી.
પક્ષના નેતા ભગવંત માને ચૂંટાઈ આવ્યા પછીની વિજય રેલીમાં અનેક જાહેરાતો કરી હતી.
ભગવંત માને તાજેતરમાં જ પંજાબના મુખ્ય મંત્રી તરીકે પદભાર સંભાળ્યો છે. પદભાર સંભાળ્યા બાદના તેમના એક ફોટોગ્રાફની આજકાલ સોશિયલ મીડિયામાં વ્યાપક ચર્ચા થઈ રહી છે.
તે ફોટોગ્રાફમાં ભગવંત માન મુખ્ય મંત્રીની ખુરશી પર બેઠા છે અને તેમની પાછળની દીવાલ પર ભગતસિંહ તથા ડૉ. બાબાસાહેબ આંબેડકરની તસવીરો જોવા મળે છે. લોકો આ ફોટોગ્રાફનાં વખાણ કરી રહ્યાં છે.
આપના પ્રમુખ અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ગત જાન્યુઆરી માસમાં દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં આ સંબંધે જાહેરાત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે દિલ્હી સરકારની ઑફિસોમાં હવેથી નેતાઓ કે મુખ્ય મંત્રીઓના ફોટોગ્રાફ ન લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નેતાઓ તથા મુખ્ય મંત્રીના ફોટોગ્રાફને બદલે તમામ સરકારી ઑફિસોમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર અને શહીદ ભગતસિંહના ફોટોગ્રાફ લગાવવામાં આવશે.
ભગવંત માને પણ આવી જ જાહેરાત કરી હતી. પંજાબ વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદની વિજય રેલીમાં તેમણે જાહેરાત કરી હતી કે પંજાબની સરકારી ઑફિસોમાં પણ ભગતસિંહ તથા ડૉ. બાબાસાહેબ આંબેડકરના ફોટોગ્રાફ ટાંગવામાં આવશે.
જાણકારોનું કહેવું છે કે આ નિર્ણય રાજકીય છે, પરંતુ સરકારી ઑફિસોમાં ખરેખર કોના ફોટોગ્રાફ લગાવી શકાય? આ બાબતે બંધારણમાં કોઈ નિયમો છે? આ સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ કરીએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સરકારી ઑફિસોમાં ફોટોગ્રાફ ટાંગવા વિશેનો કોઈ નિયમ છે?
સરકારી ઑફિસ હોય કે કોઈ પ્રધાનનું કાર્યાલય, તેમાં કોના ફોટોગ્રાફ લગાવી શકાય એ વિશે કોઈ નિયમ છે ખરો? અમે બંધારણના નિષ્ણાત ઉલ્હાસ બાપટ પાસેથી આ સવાલનો જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
સરકારી ઑફિસોમાં લગાવવામાં આવતા ફોટોગ્રાફ બાબતે ઉલ્હાસ બાપટે કહ્યું હતું કે "સરકારી ઑફિસોમાં કોના ફોટોગ્રાફ ટાંગવા એ બાબતે કોઈ બંધારણીય નિયમ કે કાયદો નથી. સામાન્ય રીતે દેશના રાષ્ટ્રપતિ અથવા વડા પ્રધાનના ફોટોગ્રાફ મૂકવામાં આવે છે."
"પૂર્વ રાજ્યપાલ કે ડૉ. આંબેડકરના ફોટોગ્રાફ્સ લગાવવાની પ્રથા પણ છે, પરંતુ ચોક્કસ વ્યક્તિઓના ફોટોગ્રાફ જ લગાવવા જોઈએ તેવો કોઈ નિયમ નથી. રાષ્ટ્રવાદ એક મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણ છે. તેની અભિવ્યક્તિ માટે દેશના મહાન નેતાઓના ફોટોગ્રાફ લગાવવામાં આવે છે. તે વ્યક્તિ સ્વાતંત્ર્યનો એક હિસ્સો છે."
આ વાતને આગળ વધારતાં ઍડ્વોકેટ અસીમ સરોદેએ કહ્યું હતું કે "સરકારી ઑફિસોમાં કોના ફોટોગ્રાફ લગાવવા તે બાબતે બંધારણમાં કશુ જણાવવામાં આવ્યું નથી, પરંતુ બંધારણનો સિદ્ધાંત એ છે કે સરકારી ભવનો, સરકારી વાહનો અને સરકારી જમીન ધર્મનિરપેક્ષ સ્થાનો છે."
"જે રીતે ભારતનો કોઈ ધર્મ નથી એ રીતે તે જગ્યાઓનો પણ કોઈ ધર્મ નથી. આ સંબંધે સિટિઝન ચાર્ટર બનાવવું જોઈએ એવું કહેવામાં આવે છે."
કોર્ટમાં કોના ફોટોગ્રાફ ટાંગવા જોઈએ એ બાબતે વાત કરતાં અસીમ સરોદેએ કહ્યું હતું કે "જે લોકો જીવંત છે તેઓ રાજ્ય તથા કેન્દ્ર સરકાર ચલાવી રહ્યા છે."
"તેમના પક્ષના અનેક કાર્યકરો વિરુદ્ધના કેસોની કાર્યવાહી પણ અદાલતમાં હાથ ધરવામાં આવતી હોય છે. આ કારણે રાજ્ય તથા કેન્દ્ર સરકારનું નેતૃત્વ કરતા લોકોના ફોટોગ્રાફ અદાલતોમાં ટાંગીને ન્યાયપ્રક્રિયા પર દબાણ ન લાવવામાં આવે તે અપેક્ષિત હોય છે. તેથી અદાલતોમાં રાજકીય નેતાઓ કે વડા પ્રધાનના ફોટોગ્રાફ લગાવવા ન જોઈએ."
અસીમ સરોદેએ ઉમેર્યું હતું કે "ડૉ. આંબેડકરને બંધારણના નિર્માતા તરીકે અને ભગતસિંહને સ્વાતંત્ર્ય માટે લડેલા ક્રાંતિકારી તરીકે ઇતિહાસમાં સ્થાન મળ્યું છે. તેમની મહાનતા સર્વવિદિત છે. તેથી સરકારી ઑફિસોમાં તેમના ફોટોગ્રાફ લગાવવામાં કોઈ વાંધો નથી."
"અમે મુખ્ય મંત્રીના ફોટોગ્રાફ સરકારી ઑફિસોમાં લગાવીશું નહીં તેવું આપે કહ્યું છે તે સારી વાત છે. તે દર્શાવે છે કે તેઓ વ્યક્તિપૂજાને પ્રોત્સાહિત કરવા ઇચ્છતા નથી. આ વાત હકારાત્મક રાજકારણનો હિસ્સો છે."
ભગતસિંહ અને ડૉ. આંબેડકરના ફોટોગ્રાફ લગાવવાનો નિર્ણય શા માટે?
પંજાબની સરકારી ઑફિસોમાં ભગતસિંહ તથા ડૉ. આંબેડકરના ફોટોગ્રાફ લગાવવાની જાહેરાત ભગવંત માને કરી તેના ઘણા સમય પહેલાં અરવિંદ કેજરીવાલે દિલ્હીની સરકારી ઑફિસોમાં ભગતસિંહ તથા ડૉ. આંબેડકરના જ ફોટોગ્રાફ ટાંગવાનો નિર્ણય કર્યો હતો.
ભગવંત માને અરવિંદ કેજરીવાલને અનુસરવાનું નક્કી કર્યું છે. તેથી ભગવંત માનના મુખ્ય મંત્રી તરીકેના પ્રથમ ફોટોગ્રાફમાં ભગતસિંહ તથા ડૉ. આંબેડકરની તસવીરો પણ જોવા મળે છે.
આપે આ કારણસર ભગતસિંહ અને ડૉ. આંબેડકરના ફોટોગ્રાફ લગાવવાનો નિર્ણય કર્યો હતો કે પછી તેમાં કોઈ રાજકીય ગણતરી છે? અમે આ સવાલનો જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
બીબીસી પંજાબીના પ્રતિનિધિ ખુશાલ લાલીએ કહ્યું હતું કે "આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ની વિચારધારા એકસમાન છે. ભાજપની માફક આપ પણ બહુમતિનું રાજકારણ રમે છે. હવે આપે વધુ એક કામ કર્યું છે અને દલિતોને પોતાની સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. તેણે હિન્દુવાદ અને દલિતવાદ બન્નેને જોડ્યાં છે."
ભગતસિંહને રાષ્ટ્રવાદી તથા બિનસાંપ્રદાયિક વ્યક્તિ ગણવામાં આવે છે. આપે તે ખાલિસ્તાનતરફી હોવાના આક્ષેપનો જવાબ, ભગતસિંહ અને ડૉ. આંબેડકરને જોડીને આપ્યો છે.
વળી ભગતસિંહ તથા ડૉ. આંબેડકરની પ્રતિભાથી આખો દેશ વાકેફ છે. કોઈ એમના વિશે સવાલ કરી શકતું નથી. કૉંગ્રેસ અને ભાજપે આપ ખાલિસ્તાનતરફી હોવાનો આરોપ મૂક્યો હતો, જે આપે ભગતસિંહ તથા ડૉ. આંબેડકરના ફોટોગ્રાફ વડે ધોઈ નાખ્યો છે.
બીજી તરફ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) બન્ને રાષ્ટ્રવાદના મુદ્દે ભગતસિંહનો પારાવાર આદર કરે છે. તેથી તેમણે પણ સહમતિનો સૂર પુરાવ્યો છે.
આપ હવે કૉંગ્રેસનું સ્થાન લેવા ઇચ્છે છે. દલિતોના મતને જ કૉંગ્રેસની વોટ બૅન્ક માનવામાં આવે છે અને એ વોટ બૅન્કને પોતાની સાથે જોડવા માટે ડૉ. આંબેડકરનું નામ બહુ મોટું છે. તેથી ભગતસિંહ અને ડૉ. આંબેડકરના ફોટોગ્રાફ પોતાની સરકારી ઑફિસોમાં લગાવીને આપે એવો સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે કે "અમે રાષ્ટ્રવાદી પણ છીએ અને આંબેડકરવાદી પણ છીએ. એ ઉપરાંત અમે કૉંગ્રેસ તથા ભાજપથી અલગ છીએ," તેવું ભારપૂર્વક દર્શાવવાનો પ્રયાસ પણ આપ કરી રહી છે, એવું ખુશાલ લાલીએ જણાવ્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો