You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડૉ. બાબાસાહેબ આંબેડકરે હિંદુ ધર્મ ત્યજીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો ત્યારે શું થયું હતું?
- લેેખક, રોહન નામજોશી
- પદ, બીબીસી સંવાદદાતા
બાબાસાહેબે 1935માં એવી જાહેરાત કરી હતી કે "હું એક હિંદુ તરીકે જન્મ્યો છું, પરંતુ હિંદુ તરીકે મરીશ નહીં." એ ઘટનાના 21 વર્ષ પછી 1956ની 14 ઑક્ટોબરે તેમણે હિંદુ ધર્મની અસમાનતામાંથી છુટકારો મેળવીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો.
એ દિવસે બાબાસાહેબ વહેલા ઊઠી ગયા હતા. તેઓ નવોનક્કોર લાંબો સફેદ કોટ, સફેદ સદરો અને સફેદ ધોતીયું પહેરીને વહેલી સવારે શ્યામ હોટલમાંથી દીક્ષાભૂમિ જવા રવાના થયા હતા.
તેઓ તેમનાં પત્ની માઈ સાથે 11 ઑક્ટોબરે નાગપુર પહોંચ્યા હતા.
નાગપુર શહેરની વચ્ચોવચ આવેલી દીક્ષાભૂમિમાં હજ્જારો લોકો એકત્ર થયા હતા.
બાબાસાહેબ અને માઈ ત્યાં પહોંચી મંચ પર ઊભા રહ્યાં ત્યારે તાળીઓનો ગડગડાટ થયો હતો.
એ સમયના સૌથી વૃદ્ધ બૌદ્ધ ભિખ્ખુ મહાસ્થવીર ચંદ્રમણીને આ કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
મંચ ઉપરના એક ટેબલ પર બુદ્ધની નાની મૂર્તિ મુકવામાં આવી હતી. તેની બાજુમાં બે વાઘ હતા. ધર્મોપદેશક વ્યાસપીઠ પર બેઠા હતા. સમારંભની શરૂઆત એક મરાઠી ગીત સાથે કરવામાં આવી હતી.
બાદમાં, ચાર સાધુઓએ બાબાસાહેબ અને તેમનાં પત્નીને 'બુદ્ધમ શરણમ ગચ્છમી', 'ધમ્મમ શરણમ ગચ્છમી', 'સંઘમ શરણમ ગચ્છમી' બોલવા જણાવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હત્યા, ચોરી, અસત્ય વાણી, વ્યભિચાર અને દારૂથી દૂર રહેવાની પંચશીલ પ્રતિજ્ઞા લીધી પછી બાબાસાહેબે ભગવાન બુદ્ધના ચરણમાં મસ્તક નમાવ્યું હતું અને પ્રતિમાને ત્રણ વખત વંદન કર્યાં હતાં તથા પુષ્પહાર ચડાવ્યો હતો.
એ પછી, બાબાસાહેબે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યાની જાહેરાત કરવામાં આવી હતી. એ સાથે જ 'બાબાસાહેબ આંબેડકર કી જય', 'ભગવાન બુદ્ધ કી જય' એવો જયજયકાર કરવામાં આવ્યો હતો અને વિજયાદશમીના મુહૂર્તમાં બાબાસાહેબનું ધર્મપરિવર્તન થયું હતું.
એ સમારંભ પછી બાબાસાહેબે જાહેરાત કરી હતી કે "મેં મારા જૂના ધર્મનો ત્યાગ કર્યો છે અને આજે મારો પુનર્જન્મ થયો છે. એ ધર્મ અસમાનતા અને દમનનો પ્રતિનિધિ હતો."
"ઈશ્વરના અવતારની કલ્પનામાં મને ભરોસો નથી. હું કોઈ હિંદુ દેવીદેવતાનો ભક્ત નથી. હું ભગવાન બુદ્ધે પ્રબોધેલા અષ્ટાંગ માર્ગનું ચુસ્ત પાલન કરીશ. બૌદ્ધ ધર્મ જ ખરો ધર્મ છે. મારું જીવન જ્ઞાન, માર્ગદર્શન અને કરુણાના સિદ્ધાંતો પર આધારિત છે."
એ પછી તેમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા માગતા લોકોને ઊભા થવા અપીલ કરી હતી.
ત્યાં ઉપસ્થિત લગભગ બધા લોકો ઊભા થઈ ગયા હતા. લોકોને પંચશીલ તથા બાવીશ શપથ લેવાનું જણાવવામાં આવ્યું હતું.
એ દિવસે આશરે ત્રણ લાખ લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હોવાનો ઉલ્લેખ ધનંજય કીરલિખિત બાબાસાહેબ આંબેડકરના જીવનચરિત્રમાં કરવામાં આવ્યો છે.
(બીબીસી ગુજરાતી પર આ અહેવાલ સૌપ્રથમ 14 ઑક્ટોબર 2021ના દિવસે પ્રકાશિત થયો હતો)
સંક્ષિપ્તમાં : ડૉ. બાબાસાહેબ આંબેડકરે બૌદ્ધ ધર્મ કેવી રીતે અપનાવ્યો હતો?
- બાબાસાહેબે તમામ ધર્મોનો અભ્યાસ કર્યા બાદ બૌદ્ધ ધર્મનો અંગીકાર કરવાનું નક્કી કર્યું હતું.
- 14 ઑક્ટોબર 1956ના રોજ બાબાસાહેબ આંબેડકરે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો.
- બાબાસાહેબ આંબેડકર સાથે લગભગ ત્રણ લાખ લોકોએ બૌદ્ધ ધર્મનો આંગીકાર કર્યો હોવાનો તેમના જીવનચરિત્રમાં ઉલ્લેખ
- નાગપુર શહેરની વચ્ચે આવેલી દીક્ષાભૂમિમાં હજારો લોકોની વચ્ચે તેમણે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો.
- સંબોધનમાં તેમણે કહ્યું, "મેં મારા જૂના ધર્મનો ત્યાગ કર્યો છે અને આજે મારો પુનર્જન્મ થયો છે. એ ધર્મ અસમાનતા અને દમનનો પ્રતિનિધિ હતો."
કથળતા સ્વાસ્થ્યની સમસ્યા
1955 પછી બાબાસાહેબનું સ્વાસ્થ્ય કથળવા લાગ્યું હતું. એકેય સારવારથી તેમની તબીયતમાં સુધારો થતો ન હતો.
એ વખતે 'બુદ્ધ આણિ ત્યાચા ધમ્મ' નામનું પુસ્તક લખવાનું કામ પણ ચાલુ હતું.
પોતાની હયાતી દરમિયાન એ પુસ્તક પ્રકાશિત થાય તેવી બાબાસાહેબની ઈચ્છા હતી.
તમામ અનુયાયીઓ બૌદ્ધ ધર્મ અંગીકાર નહીં કરે તો શું થશે એવો ભય કોઈએ વ્યક્ત કર્યો ત્યારે બાબાસાહેબે કહ્યું હતું કે "ધર્માંચરનું કામ હવે મુલતવી રાખી શકાય નહીં. જેમણે મારી સાથે ધર્મપરિવર્તન કરાવવું હોય તેઓ કરાવી લે."
પોતાની તબિયત કથળી રહી છે એ બાબાસાહેબ જાણતા હતા.
બાબાસાહેબે આયુષ્યના અંતિમ સમયમાં બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. ધર્માંતર કર્યાના 50 દિવસમાં તેઓ મૃત્યુ પામ્યા હતા. તેને કારણે બૌદ્ધ ધર્મની માહિતી તેઓ વધારે લોકો સુધી પહોંચાડી શક્યા નહીં, એવો અફસોસ બાબાસાહેબના અનેક અનુયાયીઓ વ્યક્ત કરે છે.
અર્થશાસ્ત્રી અને રાજ્યસભાના સભ્ય નરેન્દ્ર જાધવ કહે છે, "બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા બાદ બાબાસાહેબ મહાપરિનિર્વાણ પામ્યા હતા. તેથી બૌદ્ધ ધર્મનો પ્રસાર કરવાનું તેમનું લક્ષ્યાંક હાંસલ કરી શકાયું ન હતું, પરંતુ 14 ઑક્ટોબર પછી મુંબઈમાં ધર્માંતરનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમાં પ્રહ્લાદ કેશવ અત્રે સહિતના અનેક નેતા ઉપસ્થિત રહ્યા હતા. માત્ર બાબાસાહેબની જ સહભાગી થઈ શક્યા ન હતા."
નરેન્દ્ર જાધવ ઉમેરે છે, "આપણે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો તો ખરો, પણ તેના આચરણની વ્યવસ્થાનું નિર્માણ કરી શક્યા નથી. એ વ્યવસ્થા તેની પોતાની રીતે આકાર પામી છે. બૌદ્ધ ધર્મનું આચરણ અનેક જગ્યાએ કરવામાં આવે છે, પરંતુ દરેકની તેના વિશેની આગવી થિયરી છે. બધું પદ્ધતિસર થવું જોઈએ, જે થયું નથી તે સ્વીકારવું પડશે."
શા માટે કર્યું ધર્માંતરણ?
હિંદુ ધર્મનો ત્યાગ કરવાની જાહેરાત 1935માં કર્યા બાદ બાબાસાહેબે તમામ ધર્મોનો તુલનાત્મક અભ્યાસ કર્યો હતો અને અંતે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.
હિંદુ ધર્મ છોડતાં પહેલા તેમણે હિંદુ ધર્મમાં સુધારા લાવવાનો પ્રયાસ કર્યો હતો.
તેમાં ખાસ સફળતા ન મળવાને કારણે બાબાસાહેબે હિંદુ ધર્મનો ત્યાર કર્યો હતો, એમ જણાવતાં સામાજિક કાર્યકર્તા રૂપા કુલકર્ણી બોધી કહે છે, "તેમણે હિંદુત્વમાં સુધારા માટે આકરી મહેનત કરી હતી. તેમણે અકસ્માતે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો ન હતો. મહાડનો સત્યાગ્રહ, કાળારામ મંદિરનો સત્યાગ્રહ તેનાં ઉદાહરણ છે. તેમણે એસ એમ જોશી, સાવરકર અને ટિળકના પુત્ર શ્રીધર ટિળક સહિતના અનેક હિંદુ નેતાઓ સાથે ચર્ચા કરી હતી."
રૂપા કુલકર્ણી બોધી ઉમેરે છે, "તેઓ અખબારો મારફત સમગ્ર સમાજમાં જાગૃતિ લાવ્યા હતા. તેઓ 1942થી રાજકારણમાં હતા. બંધારણ લખ્યું. તેમાં તમામને અધિકાર આપ્યા. તેમ છતાં નિરાકરણ થયું ન હતું. આખરે છેલ્લા ઉપાય તરીકે તેમણે હિંદુત્વના બહિષ્કારનો નિર્ણય કર્યો હતો."
સંદર્ભ પુસ્તકોઃ
- ડૉ. બાબાસાહેબ આંબેડકર - લેખકઃ ધનંજય કીર
- બાબાસાહેબાંચી ભાષણં આણિ લેખન- ભાગ 1
- ઍનિહિલેશન ઑફ કાસ્ટ - લેખકઃ ડૉ. બાબાસાહેબ આંબેડકર
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો