B. R. Ambedkar : જ્યારે અમદાવાદમાં આંબેડકરને કાળા વાવટા બતાવાયા હતા

    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાત સાથે ડૉ. આંબેડકરના સંબંધોની કથા પ્રચંડ વિરોધાભાસોથી ભરેલી છે.

વડોદરા અને મહારાજા ગાયકવાડ સાથેના તેમના પ્રમાણમાં જાણીતા સંબંધની મધુર-કરુણ વિગતમાં જતાં પહેલાં, અમદાવાદ સાથે ડૉ. આંબેડકરનો સંબંધ જાણી લેવા જેવો છે.

ફરક માત્ર 14 વર્ષનો હતો, પરંતુ ડૉ. આંબેડકર 1931માં અમદાવાદ આવ્યા અને 1945માં આવ્યા, ત્યારે થયેલા તેમના સ્વાગતમાં આભજમીનનો ફરક પડી ગયો.

દલિત નેતા તરીકે જાણીતા બન્યા પછી તેમની ભૂમિકા દલિતોની સમસ્યા બાબતે ગાંધીજીના આકરા ટીકાકાર તરીકેની હતી.

આથી, જૂન 28, 1931ના રોજ તે અમદાવાદની મુલાકાતે આવ્યા, ત્યારે સ્ટેશન પર જ કેટલાકે તેમનો કાળા વાવટાથી વિરોધ કર્યો હતો.

એ મુલાકાત દરમિયાન ડૉ. આંબેડકર ખાનપુરમાં તુલસીદાસ આચાર્યે સ્થાપેલા દલિત છાત્રાલયમાં ગયા.

ત્યાર પછી 'દરિયાપુર નવયુવક મંડળ'ના સમારંભમાં તેમને માનપત્ર આપવામાં આવ્યું અને સાંજે છ વાગ્યે પ્રેમાભાઈ હૉલમાં દલિતોએ યોજેલા સત્કાર સમારંભમાં તેમણે હાજરી આપી. (હિંદુ વર્ણ વ્યવસ્થા, સમાજ પરિવર્તન અને ગુજરાતના દલિતો, લે. મકરન્દ મહેતા, 1995 પૃ.134-138).

સમારંભના પ્રમુખ મૂળદાસ વૈશ્ય ગાંધીવાદી અને આંબેડકરવિરોધી હતા.

તેમણે ડૉ. આંબેડકર સમક્ષ ગાંધીજીનો મહિમા કર્યો, પરંતુ તેમની સાથે રાજકીય ચર્ચામાં ઊતર્યા વિના ડૉ. આંબેડકરે કેળવણી પર ભાર મૂક્યો.

બાબાસાહેબની બીજી મુલાકાત

અમદાવાદમાં ડૉ. આંબેડકરની બીજી મુલાકાત 1938માં થઈ હોવાનું જણાય છે. ઑક્ટોબર 1938માં તે અમદાવાદ અને બાવળા આવ્યા હતા.

બાવળાની દલિત વસતીમાં તેમનું સન્માન યોજાયું હતું. ત્યાં આપેલા પ્રવચનમાં દલિતોની દુર્દશા જોઈને તેમને હિંમતભેર આગળ વધવાનું કહ્યું હતું.

અમદાવાદમાં પ્રેમાભાઈ હૉલમાં થયેલી સભામાં તેમણે ગાંધીજીની અને ત્યારે કેટલાંક રાજ્યોમાં સ્થપાયેલાં કૉંગ્રેસનાં મંત્રીમંડળોની કાર્યપદ્ધતિની ટીકા કરી હતી.

તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રની અને મધ્ય પ્રાંતની કૉંગ્રેસ સરકારોએ તેમના મંત્રીમંડળમાં કોઈ દલિતનો સમાવેશ કેમ નથી કર્યો? (ડૉ. આંબેડકરઃ લાઇફ ઍન્ડ મિશન, લે. ધનંજય કીર, પૃ.311, પ્રથમ આવૃત્તિ, મે, 1954)

મકરન્દ મહેતાની નોંધ પ્રમાણે, માર્ચ 15-16, 1941ના દિવસોમાં ડૉ. આંબેડકરના પ્રમુખપદ હેઠળ અમદાવાદમાં મહાગુજરાત દલિત રાજકીય પરિષદ મળી હતી. ત્યાર પછી 1945માં તેમની અમદાવાદની મુલાકાત 1931ની કાળા વાવટાવાળી મુલાકાત કરતાં સાવ સામા છેડાની રહી. નવેમ્બર 29-30, 1945ના રોજ સાબરમતી નદીના કાંઠે ભરાયેલી શિડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશનની પ્રાંતિક બેઠકમાં ડૉ. આંબેડકર ઉપસ્થિત હતા. આ મુલાકાત દરમિયાન, નવેમ્બર 30ના રોજ અમદાવાદની મ્યુનિસિપાલિટીએ તેમનું સન્માન કર્યું.

મ્યુનિસિપાલિટીનો આભાર માનતાં ડૉ. આંબેડકરે કહ્યું કે મુંબઈ મ્યુનિસિપાલિટીએ તો તેમના સન્માનનો ઠરાવ એજન્ડામાં મૂકવાનો પણ ઇનકાર કરી દીધો હતો. (ડૉ. આંબેડકરઃ લાઇફ ઍન્ડ મિશન, લે. ધનંજય કીર, પ્રથમ આવૃત્તિ, મે, 1954, પૃ.374)

ડૉ. આંબેડકરના સમયમાં કાઠિયાવાડનો હિસ્સો ગણાતા રાજકોટમાં એક વાર ગાંધીજી અને ડૉ. આંબેડકર વચ્ચે મુલાકાત થઈ હતી.

રાજ્યની રિફૉર્મ્સ કમિટીમાં દલિતોને સામેલ ન કરાતાં, કેટલાક સ્થાનિક દલિતોએ ડૉ. આંબેડકરને તત્કાળ રાજકોટ બોલાવ્યા.

તે એપ્રિલ 18, 1939ની સાંજે પહોંચ્યા, રાજકોટના ઠાકોરને મળ્યા અને સાંજે દલિતોની સભામાં રાજકીય હકો માટે લડાઈ જારી રાખવા આહ્વાન કર્યું.

બીજા દિવસે રિફૉર્મ્સ કમિટીમાં દલિતોના પ્રતિનિધિત્વ અંગે ગાંધીજી સાથે 45 મિનીટ સુધી તેમણે ચર્ચા કરી. પરંતુ બીમાર ગાંધીજીની તબિયત વધુ બગડતાં બધા મુદ્દા વિશે ચર્ચા થઈ ન શકી.

આ મુલાકાત વિશે ગાંધીસાહિત્યમાં કશા વિગતવાર ઉલ્લેખ મળતા નથી. તે સમયે ઝવેરચંદ મેઘાણીના તંત્રીપદે પ્રગટ થતા 'ફૂલછાબ'ના અંકમાં ડૉ. આંબેડકરની મુલાકાત વિશે અછડતી માહિતી મળે છે, જેનો સૂર ટીકાત્મક છે. ('ફૂલછાબ', એપ્રિલ 21, 1939, પાનું 7-8)

ગુજરાત સાથે આંબેડકરનો સંબંધ

ગુજરાત સાથે ડૉ. આંબેડકરનો પહેલવહેલો સંબંધ ગુજરાતમાં પગ મૂકતાં પહેલાં બંધાઈ ચૂક્યો હતો.

મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં બી. એ.નો અભ્યાસ કરતા આંબેડકરનું ભણતર આર્થિક તંગીને કારણે અટકી પડે તેમ હતું.

ત્યારે તેમના શિક્ષક કૃષ્ણાજી કેળુસ્કરની ભલામણથી તેઓ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડને મળ્યા.

આંબેડકર સાથેની વાતચીતથી સંતુષ્ટ થયેલા ગાયકવાડે દર મહિને પચીસ રૂપિયાની શિષ્યવૃત્તિ આપવાનું સ્વીકાર્યું.

બી. એ. થયા પછી 1913માં આંબેડકર વડોદરા રાજ્યની નોકરીમાં આવ્યા અને હજુ તો વડોદરા રહ્યા-ન રહ્યા, ત્યાં પંદર દિવસમાં પિતાજીની ચિંતાજનક તબિયત વિશે તાર આવ્યો.

એટલે તેઓ વડોદરાથી ટ્રેનમાં મુંબઈ જવા નીકળ્યા. રસ્તામાં સુરત સ્ટેશને પિતાજી માટે મીઠાઈ લેવા ઊતર્યા, તેમાં ટ્રેન ઊપડી ગઈ. એટલે તેઓ બીજા દિવસે ઘરે પહોંચી શક્યા. પણ પિતાજી સાથે મુલાકાત થઈ ખરી. એ જ સુરતમાં ત્રણેક દાયકા પછી જાન્યુઆરી 17, 1943ના રોજ, ડૉ. આંબેડકર એક રેલીમાં ભાગ લેવા ગયા.

ત્યારે પિતાની ગંભીર બીમારી વખતે સુરતથી ટ્રેન ચૂકી ગયેલા આંબેડકર અને રેલીમાં સંબોધન કરનાર ડૉ. આંબેડકર વચ્ચે તાપીમાંથી ઘણું પાણી વહી ચૂક્યું હતું. સુરતમાં કરેલા સંબોધનમાં ડૉ. આંબેડકરે લશ્કરી તાલીમ પર ખાસ ભાર મૂક્યો હતો. (ડૉ. આંબેડકરઃ લાઇફ ઍન્ડ મિશન, લે. ધનંજય કીર, પ્રથમ આવૃત્તિ, મે, 1954, પૃ.356)

પિતાજીના અવસાન પછી એ જ વર્ષે, સયાજીરાવ ગાયકવાડે તેજસ્વી વિદ્યાર્થીઓને અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં ભણવા મોકલવા માટે સ્કૉલરશિપની જાહેરાત કરી.

આંબેડકરે તેના માટે અરજી કરી અને બાંહેધરી આપી કે ભણીને પાછા આવ્યા પછી તે દસ વર્ષ સુધી વડોદરા રાજ્યની નોકરી કરશે.

એ વખતે આંબેડકરનો ગુજરાત સાથે લાંબા ગાળાનો સંબંધ થાય, એવી પૂરી સંભાવના હતી. ચાર વર્ષ સુધી, પહેલાં અમેરિકામાં અને પછી લંડનમાં બધું સમુંસૂતરું ચાલ્યું.

કોલંબિયા યુનિવર્સિટીમાં માસ્ટર્સ પૂરું કરીને પીએચ. ડી.નો અભ્યાસ, લંડનની ગ્રેઝ ઇનમાં કાયદાનું ભણતર અને લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સ ઍન્ડ પૉલિટિકલ સાયન્સમાં તેમણે અર્થશાસ્ત્રમાં પીએચ. ડી. શરૂ કર્યાં.

પણ ગાયકવાડ રાજમાં નવા નીમાયેલા દીવાન મનુભાઈ મહેતાએ સ્કૉલરશિપની મુદત પૂરી થઈ હોવાનું જણાવીને, આંબેડકરને અધૂરા અભ્યાસે પાછા આવી જવા જણાવ્યું.

એટલે, 1917માં તેઓ ભારત પાછા આવીને સપ્ટેમ્બરમાં વડોદરા પહોંચ્યા. તેમને મહારાજાના મિલિટરી સેક્રેટરીનો હોદ્દો આપવામાં આવ્યો.

બાબાસાહેબનો વડોદરાવાસ

મહારાજાએ આપેલી સ્કૉલરશિપ આંબેડકરના જીવનનો હકારાત્મક વળાંક બની, તો તેમનો બીજો વડોદરાનિવાસ તેમના જીવનનાં કરુણ પ્રકરણોમાંનું એક બની રહ્યો.

આટલું ભણેલા હોવા છતાં ઑફિસમાં ચોથા વર્ગના કર્મચારી તેમને ફાઇલ હાથોહાથ આપવાને બદલે, ટેબલ પર ફેંકતા હતા, જેથી અભડાઈ ન જવાય.

ઑફિસમાં પીવાનું પાણી ન મળે. ઑફિસનાં અપમાનોથી બચવા તેઓ કામ ન હોય ત્યારે વડોદરાના પુસ્તકાલયમાં જઈને બેસતા.

પરંતુ ખરી મુસીબત રહેવાની હતી. અસ્પૃશ્ય ગણાતી જ્ઞાતિનો માણસ ગમે તેટલો વિદ્વાન હોય, પણ તેને ઘર કોણ આપે?

એટલે આંબેડકર પારસીઓની વીશીમાં પહોંચ્યા. ત્યાં પારસીઓ સિવાય બીજા કોઈને પ્રવેશ ન હતો. પણ નામ બદલીને જેમતેમ તેમણે થોડા દિવસ ટૂંકા કર્યા.

એ જગ્યા તેમને કાળકોટડી જેવી લાગતી હતી. 'વેઇટિંગ ફોર અ વિઝા' મથાળા હેઠળ અંગત અનુભવોમાં તેમણે વડોદરાનિવાસ અને પારસીઓની વીશીનું થોડી વિગતે વર્ણન કર્યું છે.

તેમાં લખ્યા પ્રમાણે, 'મારી હાલત એટલી દયાજનક હતી કે મારો ભાણેજ બાકી સામાન લઈને મુંબઈથી આવ્યો, ત્યારે એ મારી સ્થિતિ જોઈને રડી પડ્યો. તે એટલું રડવા લાગ્યો કે મારે એને તરત પાછો મોકલી દેવો પડ્યો.'

તેમને સરકારી બંગલો મળે તેમ હતો. પણ એ માટેની તેમની અરજી એક ઑફિસથી બીજી ઑફિસ વચ્ચે અટવાતી હતી.

છેવટે અગિયારમા દિવસે પારસી વીશીમાં તેમના બદલાયેલા નામનો ભેદ ખૂલી ગયો અને ડઝનેક પારસીઓ લાઠીઓ સાથે ત્યાં આવી પહોંચ્યા.

આંબેડકરે ઘણી વિનંતી કરી, એકાદ અઠવાડિયાની મુદત આપવા કહ્યું, પણ ટોળું સાંજ સુધી રૂમ ખાલી કરવાની ધમકી આપીને જતું રહ્યું.

ત્યાર પછી તેમણે વડોદરાના એક હિંદુ મિત્રનો સંપર્ક કર્યો. તેમણે દિલગીરીથી કહ્યું કે 'તમે મારા ઘરે આવશો, તો મારા નોકરો જતા રહેશે.' એક ખ્રિસ્તી મિત્રને પૂછ્યું, તો તેમણે પણ વાત ટાળી દીધી.

આમ ને આમ સાંજ પડી ગઈ અને મુંબઈ જતી ટ્રેન રાતની હતી.

એટલે પાંચ કલાક તેમણે વડોદરાના કમાટીબાગમાં વીતાવ્યા. આ ઘટનાક્રમ વિશે ડૉ. આંબેડકરે લખ્યું હતું, 'હુમલો કરવા સજ્જ પારસીઓનું ટોળું અને તેમની સામે આતંકિત ચહેરે દયાની ભીખ માગતો હું—આ એક એવું દૃશ્ય છે, જે 18 વર્ષના સમયગાળા દરમિયાન ક્યારેય ધૂંધળું પડ્યું નથી. હજુ હું એ દૃશ્ય યાદ કરી શકું છું અને તેના સ્મરણમાત્રથી આંખમાં આંસુ આવી જાય છે.'

ગુજરાતી ભાષા બોલી જાણતા ડૉ. આંબેડકરના થોડાઘણા ગુજરાતી સાથીદારો અને મોટા પ્રમાણમાં વિચારવિરોધીઓને કારણે ગુજરાત સાથેનો તેમનો સંબંધ બે અંતિમો વચ્ચે ઝૂલતો રહ્યો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો