જિજ્ઞેશ મેવાણીના કૉંગ્રેસમાં જવાથી દલિત આંદોલનને ફાયદો કે નુકસાન?

    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં દલિત અધિકારોના આંદોલનનો ચહેરો બની ચૂકેલા જિેજ્ઞેશ મેવાણી હવે કૉંગ્રેસ પાર્ટી સાથે જોડાઈ ગયા છે. ત્યારે ગુજરાતનાં દલિત આંદોલનોના ભવિષ્યને લઈને પણ ચર્ચા થઈ રહી છે.

ઉના અત્યાચારથી સમાચારોમાં આવેલા જિજ્ઞેશ મેવાણી કૉંગ્રેસના સહયોગ સાથે અપક્ષ ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા અને ત્યારબાદ રાજ્યભરમાં દલિતો ઉપર થતા અત્યાચારો માટે ખૂલીને બોલતા રહ્યા છે.

એક તરફ નિષ્ણાતો એવું માને છે કે તેમનું આ પગલું દલિત આંદોલનને મજબૂત કરશે, તો અમુક એવું પણ માની રહ્યા છે કે તેમનું આ પગલુંથી આંદોલનને નુકસાન પણ કરી શકે છે.

ગુજરાતમાં જો દલિતો પરના અત્યાચારોની વાત કરવામાં આવે તો ઉના અત્યાચાર પછી એવા અનેક બનાવો બન્યા છે જે પહેલાં સામાન્ય લોકો સુધી પહોંચતા ન હતા. પરંતુ ઉના અત્યાચારના પડઘા સ્વરૂપે અનેક દલિત પરિવારો પોતાની સામે થતા અત્યાચારોને લઈને ફરિયાદો કરવા માટે આગળ આવતા રહે છે.

આ પ્રકારનો વિશ્વાસ લોકોને જિજ્ઞેશ મેવાણીની દલિત આંદોલનની ચળવળથી મળ્યો છે એમ અમદાવાદના એક યુવા દલિત નેતા યશ મકવાણાએ બીબીસીને કહ્યું.

તેઓ કહે છે કે, "મારા જેવા અનેક લોકો પહેલાં પોતાની રીતે જ કોઈ પણ મદદ વગર નાનાંનાનાં આંદોલનો કરતાં હતાં, પરંતુ હવે અમને ખબર છે કે દલિત આંદોલનની સાથે એક મોટો પક્ષ છે અને અમને જ્યારે જરૂર પડશે ત્યારે તે અમારી માટે આવશે એટલે આંદોલનમાં એક નવો વિશ્વાસ આવી ચૂક્યો છે."

જોકે બીજી અનેક દલિત નેતાઓ એવું પણ માને છે કે ગુજરાતમાં દલિતોના હક્કોની લડાઈ ઘણા દાયકાઓથી ચાલી રહી છે અને જિજ્ઞેશ તો તેમાં હાલમાં જ આવેલા એક કર્મશીલ નેતા છે. દલિતોની લડત ગુજરાતનાં વિવિધ પ્લૅટફોર્મ પર તેની ગતિએ ચાલતી રહેશે, તેને કોઈ મોટો ફરક નહીં પડે.

ગુજરાતમાં દલિતોનાં મુખ્ય આંદોલનો

1986માં ગોલાણામાં ચાર દલિતોની ધોળે દિવસે ગોળી મારીને તેમની હત્યા કરી દેવાઈ હતી તે સમયે ગુજરાતમાં દલિત આંદોલને વેગ પકડ્યો હતો.

ગુજરાતના દલિત આંદોલનની વાત કરતા દલિત કર્મશીલ અને નવસર્જન સંસ્થાના સંસ્થાપક માર્ટીન મેકવાન કહે છે કે, "દલિત આંદોલન શરૂઆતમાં અમદાવાદના મિલમજૂરોની ચાલીઓ સુધી જ સીમિત હતું."

"આ તમામ એવા લોકો હતા જે ડૉ. બીઆર આંબેડકરના સંપર્કમાં આવ્યા હતા અને ભણતરનું મહત્ત્વ સમજી રહ્યા હતા, પરંતુ રાજ્યમાં ખરેખર તો ગોલાણા હત્યાકાંડ પછી આખા દલિત આંદોલને વેગ પકડ્યો હતો."

"આ હત્યાકાંડમાં ઉચ્ચવર્ગના લોકોએ આણંદ જિલ્લાના ગોલાણા ગામમાં ગોળીબાર કરીને ચાર દલિતોને મારી નાખ્યા હતા."

"ગોલાણા હત્યાકાંડ બાદ દલિતોના આંદોલનમાં આક્રોશ આવ્યો, અનેક સંસ્થાઓ બની, લોકોએ અલગઅલગ મુદ્દાઓ પર કામ કરવાનું શરૂ કર્યું અને દલિતોમાં પોતાના હક્ક માટે લડવાની હિમ્મત આવી."

મેકવાન કહે છે, "આ જ પ્રકારની બીજી ઘટના સુરેન્દ્રનગરના થાનગઢમાં પણ થઈ હતી. 2012માં થયેલી આ ઘટનામાં પોલીસ ફાયરિંગમાં ત્રણ દલિત યુવાનોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. તે ઘટનાના પડઘા હજી પડે છે, પરંતુ ઘણા દલિત નેતાઓ માને છે કે તે એક સ્વયંભૂ આંદોલન હતું અને તેનો કોઈ એક ચહેરો બહાર નીકળીને ઉભરી આવ્યો ન હતો."

"ધારાસભ્ય બન્યા બાદ જિજ્ઞેશ મેવાણીએ વિધાનસભામાં આ હત્યાકાંડનો રિપોર્ટ, (જે તે સમયના સોશિયલ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપાલ સેક્રેટરીએ તૈયાર કર્યો હતો) જાહેર કરવાની અનેક વખત માગણી કરી છે, પરંતુ તે રિપોર્ટ હજી સુધી જાહેર થયો નથી."

જિજ્ઞેશ મેવાણીના કૉંગ્રેસમાં જવાથી આંદોલનને ફાયદો કે નુકસાન?

જોકે ગુજરાતમાં દલિત આંદોલનને વેગ ઉના અત્યાચાર પછી મળ્યો હતો.

એક દલિત આગેવાન કાંતિલાલ પરમારે જણાવ્યું કે "તે સમયે અમદાવાદથી ઉના સુધીની યાત્રા કાઢીને જિજ્ઞેશ મેવાણી આ આંદોલનનો ચહેરો બની ગયા હતા અને દલિત આંદોલનને એક નવી ઊર્જા અને જુસ્સો મળ્યો હતો. ત્યારબાદ અનેક યુવાનો આ આંદોલનમાં જોડાયા હતા."

છેલ્લા અમુક દાયકામાં ગુજરાતમાં એવી અનેક ઘટનાઓ બની છે, જે સમાચારપત્રોની હેડલાઇન બની હોય, પરંતુ ઉના અત્યાચારનો પડઘો દેશભરમાં પડ્યો હતો.

2016ની તે ઘટના પછી 2017ની ચૂંટણીમાં જિજ્ઞેશ મેવાણી એક અપક્ષ ઉમેદવાર તરીકે વડગામથી લડ્યા અને જીત્યા. 2017માં એમની ઉમેદવારીને કૉંગ્રેસ સહિત અનેક પક્ષોએ ટેકો આપ્યો હતો. વિપક્ષ કૉંગ્રેસે વડગામ બેઠક પર ઉમેદવાર ઊભો નહોતો રાખ્યો.

રાજનીતિ ઉપરાંત જિજ્ઞેશ મેવાણીએ પોતાની સંસ્થા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની સ્થાપના કરી.

અપક્ષ ધારાસભ્ય તરીકે તેઓ દલિતોના ઘણા મુદ્દાઓની લડત માટે સમાચારોમાં રહ્યા છે અને રાષ્ટ્રીય મુદ્દાઓ બાબતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના આકરા ટીકાકાર પણ રહ્યા છે.

જિજ્ઞેશ મેવાણી પછી શરૂ થયેલા દલિતોના આંદોલન વિશે વાત કરતા દલિત આગેવાન અને કર્મશીલ ચંદુભાઈ મહેરિયા બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે, "હાલમાં કૉંગ્રેસમાં નૌશાદ સોલંકી અને શૈલેશ પરમાર જેવા દલિત ધારાસભ્યો છે. આ લોકોને કોઈ પણ મુદ્દા પર બોલવા કે કામ કરવા માટે પક્ષના નેતાઓ સાથે ચર્ચા કરવી પડતી હોય છે, પરંતુ બીજી બાજુ જિજ્ઞેશ મેવાણી જે અપક્ષ ધારાસભ્ય છે તે દરેક મુદ્દા પર ખૂલીને ગમે તે રીતે બોલી શકે છે."

"મેવાણીને હવે આ પ્રકારની છૂટ મળશે કે નહીં તે જોવાનું રહેશે. જો જિજ્ઞેશની નેતાગીરીને પાર્ટી ડિસિપ્લિનના નામે બાંધી દેશે તો તે દલિત આંદોલન માટે મોટું નુકસાન રહેશે."

જોકે તેમણે એ પણ કહ્યું કે "હાલમાં ગુજરાતમાં દલિત આંદોલનમાં મુખ્યત્વે અનામત અને અત્યારની વાત થાય છે, પરંતુ બંધુત્વના મુદ્દા પર હજી સુધી કોઈ પણ નેતાએ ગુજરાતમાં દલિતો માટે કામ કર્યું નથી."

તેઓ કહે છે કે આજે શહેરોમાં અનામતને લઈને અને ગામડાંઓમાં આભડછેટને લઈને દલિતો પર જે અત્યાચારો છે, તે બંધુત્વની ભાવનાની કમીને કારણે છે અને ગુજરાતમાં તેની જરૂર છે."

તો દલિત આંદોલનનું ભવિષ્ય શું છે?

આ વિશે માર્ટીન મેકવાન કહે છે કે "ડૉ. આંબેડકરે કહ્યું છે કે રાજ્યના નાગરિક બનવા માટે પોલિટિકલ રિપ્રિઝેન્ટેશન જરુરી છે."

"જ્યાં સુધી કોઈ પણ સમાજના લોકોનું પ્રતિનિધિત્વ રાજનીતિમાં ન હોય ત્યાં સુધી તે સમાજ આગળ વધી ન શકે. દેશની રાજનીતિમાં રામવિલાસ પાસવાન અને માયાવતી જેવા દિગ્ગજ દલિત નેતા ઇલેક્ટોરલ પોલિટિક્સમાં આવ્યાં અને અમુક અંશે સફળ પણ થયાં."

"જોકે તેમાંથી મોટા ભાગના નેતા પછી સમાજ કરતા પોતાને આગળ મૂકવા માંડ્યા અને દલિતોને નિરાશા જ મળી. ગુજરાતમાં હવે જ્યારે આટલાં વર્ષો પછીના દલિત આંદોલન બાદ આંદોલનનો જ ચહેરો જ્યારે આ રીતે સક્રિય થયો છે, ત્યારે જ્યાં સુધી એક ઑર્ગેનાઇ્ડ ફોર્સ તેની સાથે નહીં રહે ત્યાં સુધી તેના માટે રસ્તો અઘરો રહેશે."

પરંતુ તેઓ માને છે કે, "ગુજરાતમાં દલિત આંદોલને પૉલિસી લેવલ પર વધારે અસરકારક કામ કર્યું છે, જેમાં નાનાં ગામડાંઓમાં દલિત આગેવાનો અને કર્મશીલો સક્રિય થઈને લોકોના દરેક મુદ્દા પર કામ કરે છે અને તે કામ આજે પણ સારી રીતે ચાલી રહ્યું છે."

જોકે ભારતીય જનતા પાર્ટીના (એસસી મોરચો)ના ભૂતપૂર્વ પ્રમુખ અને સોજીત્રા વિધાનસભા બેઠકના ભૂતપૂર્વ ધારાસભ્ય અંબાલાલ રોહિત સાથે જ્યારે બીબીસીએ ગુજરાતના દલિત આંદોલન વિશે વાત કરી તો તેમણે ક્હ્યું કે, "રાજયમાં દલિતોને સમસ્યા છે અને તેનાં આંદોલનો પણ ચાલુ છે, પરંતુ જિજ્ઞેશ મેવાણીના કૉંગ્રેસમાં જવાથી આ આંદોલનોને કોઈ ફરક નહીં પડે."

તેમનો એવો પણ દાવો છે કે કૉંગ્રેસની સીટ પર વડગામમાં જિજ્ઞેશ મેવાણીને ચૂંટણી જીતવામાં પણ મુશ્કેલી પડી શકે છે, કારણ કે ઘણા દલિતો જે અપક્ષ હોવાને કારણે તેમની સાથે હતા, હવે તેમની સાથે નહીં રહે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો