You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
માખનલાલ બિંદ્રુ : એ કાશ્મીરી પંડિત જે ચરમપંથીઓના ખોફ બાદ પણ અડગ રહ્યા
- લેેખક, રિયાઝ મસરૂર
- પદ, બીબીસી સંવાદદાતા, શ્રીનગર
શ્રીનગરમાં મંગળવારે જાણીતા કૅમિસ્ટ માખનલાલ બિંદ્રુ સહિત પાંચ લોકોની થયેલી હત્યાએ કાશ્મીર ખીણના લગભગ 1,000 કાશ્મીરી પંડિત પરિવારોની ચિંતા વધારી દીધી છે.
આ એ પરિવારો છે જેમને 90ના દાયકામાં વધતી ઉગ્રવાદી ઘટનાઓ વચ્ચે પણ કાશ્મીર ન છોડવાનો નિર્ણય કર્યો હતો, એ વખતે અનેક કાશ્મીરીઓ ઘર-કારોબાર છોડીને ચાલ્યા ગયા હતા.
પોલીસનું કહેવું છે કે મંગળવારે સાંજે અજાણ્યા બંદૂકધારીઓએ 68 વર્ષીય જાણીતા કૅમિસ્ટ માખનલાલ બિંદ્રુની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
માખનલાલ શ્રીનગરમાં છેલ્લાં 40 વર્ષથી દવાઓ વેચે છે અને ત્યાં ઘરે-ઘરે લોકો તેમને ઓળખે છે.
જ્યારે તેમની હત્યા કરી દેવાઈ, ત્યારે તેઓ શ્રીનગરના ઇકબાલ પાર્કમાં પોતાની દુકાન 'બિંદ્રુ હેલ્થ ઝોન' પર હતા. તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા માટે લઈ જવાતા હતા, તે દરમિયાન જ તેમનું મૃત્યુ થયું હતું.
શ્રીનગરમાં એસએમએચએસના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉક્ટર કવલજિતસિંહે કહ્યું, "માખનલાલને અનેક ગોળીઓ વાગી હતી, મૃત્યુ થઈ ગયા બાદ તેમને હૉસ્પિટલ લાવવામાં આવ્યા હતા."
"પોલીસનું કહેવું છે કે ઉગ્રવાદીઓએ માખનલાલના મેડિકલ દુકાન પર અંધાધૂંધ દોળીબાર કર્યો હતો. પોલીસનું કહેવું છે કે સમગ્ર વિસ્તારની કિલ્લેબંધી કરી દેવાઈ છે અને ઉગ્રવાદીઓને શોધવાનું અભિયાન જારી છે."
માખનલાલ બિંદ્રુનો 1970થી ફાર્મસીનો વ્યવસાય
સામાજિક કાર્યકર સતીશ મહલદાર અનુસાર, એમએલ બિન્દ્રુએ 1970માં ફાર્મસીનો ધંધો શરૂ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મહલદાર કહે છે, "સામાન્ય લોકોને તેમના પર એટલો ભરોસો હતો કે તેમની દુકાન પર ભીડ જામતી હતી અને તેમની પત્નીને કામમાં મદદ કરવી પડતી હતી."
મોટી સંખ્યામાં લોકોને વિશ્વાસ હતો કે બિન્દ્રુ નકલી દવાઓ નથી વેચતા.
બિન્દ્રુના લાંબા સમયથી ગ્રાહક રહેલા ગુલામ રસૂલ કહે છે કે "લોકોનું માનવું હતું કે તેઓ ક્યારેય અપ્રમાણિત બ્રાન્ડની દવાઓ નહીં વેચે."
કાશ્મીરની સેવા માટે પુત્રને દિલ્હીથી બોલાવ્યો
બિન્દ્રુએ કરણનગર વિસ્તારમાં એક નાનકડી દુકાનથી શરૂઆત કરી હતી અને પછી અન્ય વિસ્તારોમાં વ્યાપ વધાર્યો હતો.
છેવટે તેમણે પૉલિક્લિનિકની સ્થાપના કરી હતી, જ્યાં તેમના પુત્ર તથા વિખ્ય એંડોક્રિનોલૉજિસ્ટ ડૉ. સિદ્ધાર્થ તેમનાં ફિઝિયૉથૅરપિસ્ટ પત્ની સાથે પ્રૅક્ટિસ કરતા હતા.
પારિવારિક સૂત્રોના કહેવા પ્રમાણે, ડૉ. સિદ્ધાર્થ દિલ્હીની એક સારી હૉસ્પિટલમાં કામ કરતા હતા, ત્યારે તેમના પિતાએ તેમને કાશ્મીર પરત આવીને સ્થાનિક લોકોની સેવા કરવા માટે કહ્યું હતું.
મહલદારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને એક આવેદનપત્ર સોંપ્યા બાદ બીબીસીને જણાવ્યું, "આ એક દુખદ ઘટના છે. બિન્દ્રુ તેમના પુત્ર તથા પુત્રવધૂને દિલ્હીથી પરત લઈ આવ્યાં તથા અહીં ક્લિનિક ખોલવા માટે કહ્યું. મને નથી ખબર કે તેમની હત્યા શા માટે કરવામાં આવી, પરંતુ આ પ્રકારની હત્યાઓથી કાશ્મીર કે કાશ્મીરીઓમાંથી કોઈનું ભલું નથી થવાનું."
તેમણે કહ્યું, "મેં કોઈની જવાબદારી નક્કી કરવા ભારત સરકારને કહ્યું છે. જો તેમને લાગતું હોય કે આ ઇન્ટેલિજન્સની નિષ્ફળતા છે, તો તેમણે જવાબદારી નક્કી કરવી જોઈએ અને તેના માટે જવાબદાર લોકોને સજા મળવી જોઈએ."
કાકાની હત્યા થઈ છતાં કાશ્મીર ન છોડ્યું
ખીણપ્રદેશમાંથી કાશ્મીરી પંડિત પરિવારોની હિજરત થઈ, ત્યારે પણ અનેક પંડિતોએ ત્યાં જ રહેવાનો નિર્ણય કર્યો હતો, જેમની સંખ્યા આજે પાંચ હજાર આસપાસ છે.
બિન્દ્રુ પણ તેમાંથી જ એક હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે, 1990ના દાયકામાં ઉગ્રવાદીઓએ જૂના શ્રીનગર વિસ્તારમાં બિન્દ્રુના કાકાની તેમની જ દુકાનની બહાર હત્યા કરી નાખી હતી, છતાં માખનલાલે અહીં જ રહેવાનો નિર્ણય કર્યો હતો.
થોડા વર્ષો પહેલાં બિન્દ્રુનાં ફિઝિયૉથૅરપિસ્ટ પુત્રી શ્રદ્ધાનું લગ્ન થયું હતું. આ ઘટનાથી હચમચી ગયેલા શ્રદ્ધાએ અંતિમસંસ્કારના થોડા સમય પહેલાં કહ્યું : "એમએલ બિન્દ્રુનું મૃત્યુ નથી થયું. તેમનો મિજાજ જીવતો રહેશે. જેમણે ગોળી મારી હતી, તેઓ આવે અને સામસામે અમારી સાથે તર્ક કરે."
"મેં કુરાન (ઇસ્લામનું પવિત્ર પુસ્તક) વાચ્યું છે, જે કહે છે કે આત્માઓ મરતા નથી. મેં હત્યારાઓને ચર્ચા માટે પડકાર આપ્યો છે તથા મને વિશ્વાસ છે કે આ પ્રકારની હત્યાઓથી તેમને કોઈ મંજિલ નહીં મળે."
બિન્દ્રુ સિવાય બે લોકોની હત્યા
સંજય ટિક્કુએ 1990 દરમિયાન કાશ્મીર છોડ્યું ન હતું તથા હાલમાં તેઓ વિસ્થાપિત ન થયા હોય તેવા કાશ્મીરીઓની સંસ્થાના વડા છે.
ટિક્કુ કહે છે, "1990 પહેલાં કાશ્મીરમાં માત્ર પંડિતો જ ફાર્મસીના વ્યવસાયમાં હતા. બિન્દ્રુ સૌથી સફળ, સક્રિય તથા ઉત્સાહિત લોકોમાંથી હતા. તેમણે ગરીબ તથા જરૂરિયાતમંદોને મદદ કરીને વિશ્વાસ સંપાદિત કર્યો હતો. તેઓ જરૂરિયાતમંદોને ખૂબ જ સસ્તી કિંમતે જીવનરક્ષક દવાઓ ઉપલબ્ધ કરાવતા હતા."
મંગળવારની સાંજે બિન્દ્રુ ઉપરાંત પણ બે લોકોને ગોળી મારવામાં આવી હતી. શ્રીનગરમાં જ અન્ય એક સ્થાનિક ન હોય તેવી વ્યક્તિને ગોળી મારી દેવામાં આવી હતી.
જ્યારે ત્રીજી હત્યા અહીંથી 60 કિલોમીટર દૂર કરવામાં આવી હતી. બાંદીપુરામાં એક ટેક્સી ડ્રાઇવરને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.
આ પહેલાં અઠવાડિયાની શરૂઆતમાં અન્ય બે લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસ રેકર્ડ પ્રમાણે, ચાલુ વર્ષે સમગ્ર કાશ્મીરમાં અલગ-અલગ જગ્યાએ લગભગ 30 લોકો માર્યા ગયા છે.
ચાલુ વર્ષની શરૂઆતમાં રાકેશ નામના કાશ્મીરી પંડિતની દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં હત્યા કરી દેવામાં આવી હતી. તેઓ પંચાયતપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
વર્ષ 2020માં અન્ય એક કાશ્મીરી પંડિતની ત્રાલમાં હત્યા કરી દેવામાં આવી હતી, જેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીત્યા હતા.
લગભગ દરેક રાજકીય પક્ષોએ આ હત્યાઓને વખોડી છે તથા એમએલ બિન્દ્રુની હત્યાને એક ટીકાપાત્ર કૃત્ય ગણાવ્યું છે.
પૂર્વ મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું, "આ હત્યાઓ જમ્મુ-કાશ્મીરમાં સામાન્ય સ્થિતિના દાવાઓને જવાબ છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો