કાશ્મીરમાં કલમ 370 રદ કરાયા બાદ દોઢ વર્ષથી જેલોમાં બંધ લોકોની કહાણી

    • લેેખક, માજિદ જહાંગીર
    • પદ, બીબીસી માટે, શ્રીનગરથી

પાંચ ઑગસ્ટ 2019માં જ્યારે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા બંધારણના અનુચ્છેદ 370ને સરકારે ખતમ કર્યો હતો, ત્યારે હજારો લોકોની ધરપકડ કરાઈ હતી.

આ વાતને હવે દોઢ વર્ષ વીતી ચૂક્યાં છે. જે લોકોની ધરપકડ કરાઈ હતી તેમાંથી ઘણા પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે અને તેઓ હજુ પણ જેલમાં બંધ છે.

હાલમાં ભારત સરકારે દેશની સંસદને જણાવ્યું છે કે પબ્લિક સેફ્ટી ઍક્ટ એટલે કે સાર્વજનિક સુરક્ષા અધિનિયમ અંતર્ગત હાલ 189 લોકો જેલોમાં બંધ છે.

સરકારે એવું પણ કહ્યું છે કે એક ઑગસ્ટ 2019 બાદથી જમ્મુ કાશ્મીરમાં પબ્લિક સેફ્ટી ઍક્ટ હેઠળ 613 લોકોની ધરપકડ કરાઈ હતી.

કહાણી આશિક અહમદ રાઠેરની

30 વર્ષના ધર્મગુરુ આશિક અહમદ રાઠેર પુલવામા જિલ્લાના કુંજપુરા ગામમાં રહે છે. જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હઠાવવાનો નિર્ણય લેવાયાના બે દિવસ પહેલાં સુરક્ષાદળના જવાનો દ્વારા તેમની ધરપકડ કરી લેવાઈ હતી.

ધરપકડના અમુક દિવસો બાદ આશિક અહમદ પર પબ્લિક સેફ્ટી ઍક્ટ હેઠળ આરોપ લગાવવામાં આવ્યા અને તેમને આગ્રા સૅન્ટ્રલ જેલ શિફ્ટ કરી દેવાયા. હાલ તેઓ આગ્રાની જેલમાં જ બંધ છે.

આશિક અહમદના પિતા ગુલામ નબી રાઠેર જણાવે છે કે જ્યારે રાત્રિના સમયે સુરક્ષાદળના જવાનો તેમના દીકરાની ધરપકડ કરવા માટે પહોંચ્યા હતા, ત્યારે પરિવારના તમામ સભ્યો સૂતા હતા.

તેઓ કહે છે, "તેઓ ઘરની બાઉન્ડ્રી વૉલની અંદર હતા અને જોર-જોરથી વાતો કરી રહ્યા હતા. અમારી ઊંઘ તૂટી ગઈ. અમે દરવાજો ખોલ્યો. મારો દીકરો આશિક પણ પોતાના રૂમમાંથી બહાર આવી ગયો. સુરક્ષાદળના જવાનોએ તેને જોતાં જ પકડી લીધો. અમે આ વાતનો વિરોધ પણ કર્યો પરંતુ તેમણે અમારી વાત ન સાંભળી. તેમણે ટિયરગૅસ શેલ છોડ્યા અને અમને વેરવિખેર કરવાની કોશિશ કરી."

બીજા દિવસે પરિવારના સભ્યો સ્થાનિક પોલીસ સ્ટેશન પહોંચ્યા અને તેમણે આશિક અહમદ સાથે મુલાકાત કરી.

ગુલામ નબી જણાવે છે, "બે દિવસ બાદ અમને ખબર પડી કે આશિકને આગ્રા સૅન્ટ્રલ જેલમાં લઈ જવાયો છે. એક મહિના બાદ અમે આગ્રા જેલ ગયા પરંતુ ત્યાં અધિકારીઓએ અમને અમારા દીકરા સાથે મુલાકાત ન કરવા દીધી."

"જેલના અધિકારીઓએ કહ્યું કે અમે સ્થાનિક પોલીસના અધિકારીઓ પાસેથી લેખિતમાં મંજૂરી લેવી પડશે. અમે ચાર દિવસ આગ્રામાં રહ્યા અને એક મુલાકાત માટે અધિકારીઓને વિનંતી કરતા રહ્યા પરંતુ અમારી વાત કોઈએ ન સાંભળી."

ગુલામ નબી રાઠેર પોતાના દીકરાની મુલાકાત લીધા વગર જ કાશ્મીર પાછા ફર્યા.

એ બાદ પોતાના પુત્રને જોવાની આશામાં તેઓ ફરી એક વાર પૈસા ખર્ચીને આગ્રા ગયા. જોકે એ બાદ ક્યારેક ખરાબ વાતાવરણ, હિમવર્ષા તો ક્યારેક કોરોના મહામારીના કારણે લદાયેલા પ્રતિબંધોને કારણે તેઓ આગ્રા ન જઈ શક્યા.

‘મેં મારા દીકરાને નથી જોયો’

આશિક અહમદના નાના ભાઈ આદિલ અહમદ કહે છે કે, "કોરોના મહામારીના કારણે અમે ગભરાઈ ગયા. અમે વિચારી રહ્યા હતા કે જો આશિકને કંઈક થઈ ગયું તો શું કરીશું? અમે એક ડેસ્કથી બીજા ડેસ્ક, એક અધિકારીથી બીજા અધિકારીને મળતા રહ્યા અને કોશિશ કરતા રહ્યા પરંતુ કોઈ પરિણામ ન આવ્યું."

આશિક અહમદનાં માતા રાજા બેગમ કહે છે કે તેઓ શુક્રવારના દિવસે પંપોરની જામિયા મસ્જિદમાં નમાજ પઢાવતા હતા અને સપ્તાહના બાકીના દિવસો કુંજપુરા ગામની મસ્જિદમાં જતા હતા.

તેઓ રડતાંરડતાં જણાવે છે કે, "તેની ધરપકડ બાદથી મેં તેને નથી જોયો. ગમે તે મા તમને જણાવી દેશે કે મહિનાઓ સુધી પોતાના બાળકને ન જોવું કેટલું તકલીફદાયક હોય છે. હું એક માતા છું અને મારા દીકરા માટે માના પ્રેમની કિંમત જાણું છું. મારી ઉંમર થઈ ગઈ છે મારા માટે આટલી દૂર આગ્રા જવું સરળ નથી."

"દોઢ વર્ષ બાદ મેં હાલમાં પોતાના દીકરા સાથે ફોન પર વાત કરી છે. તેની સાથે માત્ર એક મિનિટ સુધી જ વાત થઈ શકી. હું દરવાજા તરફ જોતી રહું છું અને મને લાગે છે કે મારો દીકરો આવી જશે. સરકારને હું દરખાસ્ત કરવા માગું છું કે તે મારા દીકરાને છોડી મૂકે."

આશિક અહમદનાં પત્ની ગઝાલા કહે છે કે જ્યારથી તેમના પતિ પર પબ્લિક સેફ્ટી ઍક્ટ લગાવવામાં આવ્યો છે ત્યારથી તેમનું જીવન નર્કસમું બની ગયું છે.

તેઓ કહે છે, "મારા દર્દની કોઈ કલ્પના નથી કરી શકતું. હું અસહાય થઈ ચૂકી છું. મારા માટે દરેક દિવસ એક નવો બોજ હોય છે. હું મારું જીવન શાંતિથી કેવી રીતે પસાર કરું જ્યારે મારા પતિ જેલમાં છે. મારી બે વર્ષની દીકરી પોતાના પિતાને યાદ કરતી રહે છે અને વારંવાર બાબા-બાબા કરતી રહે છે."

આશિક અહમદ ઉર્દૂ ભાષામાં એમ. એ. અને બી. ઍડ. સુધી ભણ્યા છે. ગઝાલા પોતાના પતિ પર પોલીસ દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપો નકારે છે અને કહે છે કે તેઓ પોતાના પતિને ખૂબ સારી રીતે ઓળખે છે.

તેઓ કહે છે કે, "મેં ક્યારેય તેમને એવું કોઈ ગેરકાયદે કામ કરતા કે પછી એ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિમાં સામેલ થતા નથી જોયા. તેઓ એક અત્યંત સામાન્ય જીવન જીવનાર વ્યક્તિ છે. જો તેમ છતાં સરકારને લાગે છે કે તેમણે કશુંક ખોટું કર્યું છે તો સરકાર મારી દીકરી અને મારા દુ:ખને સમજે અને તેમને માફ કરી દે. તેમને છોડી મૂકે."

પોલીસ અધિક્ષકે પુલવામાં જિલ્લા મૅજિસ્ટ્રેટ સમક્ષ ડૉઝિયર રજૂ કર્યું તે અનુસાર આશિક અહમદ સ્થાનિક યુવાનોને ઉગ્રવાદી સમૂહોમાં સામેલ થવા માટે ઉશ્કેરતા હતા.

પુલવામાં જિલ્લા મૅજિસ્ટ્રેટની તરફથી પબ્લિક સેફ્ટી ઍક્ટ લગાવવાને લઈને જે આદેશ જારી કરાયા છે તે અનુસાર "આશિક અહમદનું સ્વતંત્ર રેહવું રાજ્યની સુરક્ષા માટે ખતરો સાબિત થઈ શકે છે કારણ કે પ્રદેશનો માહોલ પહેલાંથી જ તણાવગ્રસ્ત છે."

આદિલ અહમદ જણાવે છે કે આશિકની આ પહેલાં પણ બે વખત ધરપકડ થઈ ચૂકી છે પરંતુ તેમની વિરુદ્ધ કોઈ મામલો નોંધવામાં આવ્યો નહોતો. જોકે, પોલીસ દ્વારા વર્ષ 2016માં નોંધાયેલી એક એફઆઈઆરમાં આશિક અહમદના નામનો ઉલ્લેખ છે.

પબ્લિક સેફ્ટી ઍક્ટ એક પ્રકારનો સુરક્ષાત્મક કાયદો છે જે હેઠળ તંત્ર કોઈ વ્યક્તિને 'સાર્વજનિક શાંતિ જાળવી રાખવાના હેતુસર' એક વર્ષ સુધી ટ્રાયલ વગર અને 'રાષ્ટ્રીય સુરક્ષાના હિતાર્થે' બે વર્ષ સુધી ટ્રાયલ વગર પકડીને રાખી શકે છે.

આશિક અહમદ એવા સેંકડો લોકો પૈકી એક છે જેઓ જેલમાં કેદ છે અને કાશ્મીરમાં પોતાનાં ઘરોથી દૂર છે.

દેશની અંદર અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ટીકા છતાં ભારત સરકારનું કહેવું છે કે વિસ્તારમાં હાલના દિવસોમાં ચરમપંથી પ્રવૃત્તિઓમાં વધારો થયો છે અને કાયદો તથા વ્યવસ્થા જાળવવા માટે આવી ધરપકડો જરૂરી હતી.

હયાત અહમદ બટની કહાણી

શ્રીનગરના સૌરાના રહેવાસી 47 વર્ષીય હયાત અહમદ બટની જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હઠાવાયાના બે મહિના બાદ ઑક્ટોબર 2019માં ધરપકડ કરાઈ હતી.

પોલીસે ટેકનિકલ અને ગુપ્ત જાણકારીના આધારે નાટકીય રીતે હયાતની પહેલાં અટકાયત કરી અને પછી તેની ધરપકડ કરી લીધી. પોલીસની ટીમે સાદાં કપડાંમાં તેમને પહેલાં સૌરામાં ખોળી કાઢ્યા અને પછી આંચરથી તેમની ધરપકડ કરવામાં આવી.

હયાત અહમદનાં પત્ની મસર્રત પોલીસ દ્વારા લગાવાયેલા તમામ આરોપોને નકારે છે અને કહે છે કે અન્ય લોકો અનુચ્છેદ 370 હઠાવવાની કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા હતા અને તેમના પતિએ પણ એવું જ કર્યું.

તેમણે કહ્યું, "જ્યારે સરકારે અનુચ્છેદ 370 હઠાવવાનું એલાન કર્યું ત્યારે અમારા વિસ્તારમાં લોકોએ તેનો વિરોધ કર્યો. મારા પતિ પણ આવા જ એક વિરોધપ્રદર્શનમાં ગયા હતા. તેમણે મીડિયા સાથે વાતચીત કરી અને સરકારના આ પગલાનો વિરોધ કર્યો. અમુક દિવસ બાદ પોલીસે તેમની ધરપકડ કરી લીધી."

"પહેલાં તો અમને તેમની સાથે મળવા ન દેવાયાં. બાદમાં પૂછપરછકેન્દ્રમાં તેમને મળવા દેવાયા. ત્યાર બાદ તેમને સૅન્ટ્રલ જેલ શિફ્ટ કરી દેવામાં આવ્યા અને છ મહિના સુધી ત્યાં રાખવામાં આવ્યા. ત્યાર બાદ તેમને જમ્મુની કોટ ભલવાલ જેલમાં મોકલી દેવાયા."

તેઓ જણાવે છે, "અમારી આર્થિક પરિસ્થિતિ સારી નથી અને આ કારણે તેમની ધરપકડ બાદ અમે તેમની સાથે મુલાકાત નથી કરી શક્યાં. મારા પતિ જે કમાતા, તેનાથી જ પરિવારનો ખર્ચ ચાલતો હતો. હવે તેઓ જેલમાં છે, તો અમારા પરિવારનો નિર્વાહ કેવી રીતે થશે? પિતાની ધરપકડ બાદ મારાં બંને બાળકોની માનસિક પરિસ્થિતિ પણ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે."

મસર્રત વ્યવસ્થા પર કટાક્ષ કરે છે અને પ્રશ્ન પૂછે છે કે આપણે કેવા પ્રકારના પ્રજાસત્તાકમાં રહીએ છીએ. તેઓ કહે છે, "જ્યારે અમે ન્યાય માટે કાયદા પાસે જઈએ છીએ તો અમને ત્યાંથી કાઢી મૂકવામાં આવે છે, ન અમને ન્યાય મળી રહ્યો છે ના અમારી વાત કોઈ સાંભળી રહ્યું છે."

પોતાના ડોઝિયરમાં પોલીસે કહ્યું છે કે બટ પર વિસ્તારના યુવાનોને અનુચ્છેદ 370 હઠાવવાના પગલાના વિરોધ માટે ઉશ્કેરવાનો આરોપ છે. પોલીસે કહ્યું છે કે બટ વિરોધપ્રદર્શન કરી રહેલા લોકોના નેતા હતા.

ડોઝિયરમાં પોલીસે કહ્યું છે કે વર્ષ 2002માં પબ્લિક સેફ્ટી ઍક્ટ હેઠળ હવાલા સાથે જોડાયેલા એક મામલામાં બટની ધરપકડ કરાઈ હતી. આ દસ્તાવેજ અનુસાર કુલ 18 એફઆઈઆરમાં તેમનું નામ છે.

સૌરાનો આંચર વિસ્તાર એ જગ્યાઓ પૈકી એક છે જ્યાં જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હઠાવાયાના પગલે મોટા પ્રમાણમાં વિરોધ થયો હતો.

હયાત અહમદ બટના પરિવારે પબ્લિક સેફ્ટી ઍક્ટને હઠાવવાને લઈને જમ્મુ કાશ્મીર હાઇકોર્ટમાં દરખાસ્ત કરી છે. તેમના વકીલ મોહમ્મદ અશરફનું કહેવું છે કે હાલ તેઓ મામલાની સુનાવણીની રાહ જોઈ રહ્યા છે.

વિસ્તારમાં જાણકારોનું કહેવું છે કે અનુચ્છેદ 370 હઠાવ્યા બાદ આ સુરક્ષાત્મક કાયદાનો ઉપયોગ સરકારના નિર્ણયોનો વિરોધ કરવાવાળાનો અવાજ દબાવવા માટે કરવામાં આવ્યો હતો.

કાશ્મીર વિશ્વવિદ્યાલયના કાયદાવિભાગના પ્રોફેસર શેખ શૌકત હુસૈન જણાવે છે, "એક રીતે જોવામાં આવે તો જમ્મુ-કાશ્મીરમાં એવો કાયદો છે જેના આધારે કોઈ પણ જાતની ટ્રાયલ વગર કોઈ પણ વ્યક્તિને બે વર્ષ સુધી જેલ મોકલી શકાય છે. તેનો અર્થ એ થયો કે કાશ્મીરમાં કોઈને જેલમાં મોકલવા માટે તે ગુનેગાર છે તે અંગેના પુરાવા નથી જોઈતા. શંકાના આધારે કોઈ પણ અપરાધ વગર વ્યક્તિને જેલ મોકલી શકાય છે."

"આ કાયદા અંતર્ગત સરકાર કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી શકે છે. અને જ્યારે અનુચ્છેદ 370માં ફેરફાર કરવામાં આવ્યા ત્યારે સરકાર તેના વિરોધમાં ઊઠી રહેલા અવાજો નહોતી સાંભળવા માગતી. સરકાર એવું જ સુનિશ્ચિત કરવા માગતી હતી કે અનુચ્છેદ 370 હઠાવવાના સરકારના નિર્ણયનો કોઈ વિરોધ ન થઈ શકે. શંકાના આધારે કેટલાક લોકોને કસ્ટડીમાં રાખવામાં આવ્યા. લોકોની ન માત્ર ધરપકડ કરવામાં આવી પરંતુ તેમને જમ્મુ કાશ્મીરની બહારની જેલોમાં મોકલી દેવામાં આવ્યા."

કાશ્મીરમાં કામ કરનાર માનવાધિકાર કાર્યકરોનું કહેવું છ કે સરકારે પબ્લિક સેફ્ટી કાયદાનો ખોટો લાભ લીધો છે અને લોકોના અધિકાર આંચકી લીધા છે.

પબ્લિક સેફ્ટી ઍક્ટ અંતર્ગત ધરપકડ કેમ?

માનવાધિકાર કાર્યકર અને વકીલ રિયાઝ ખાવર કહે છે, "5 ઑગસ્ટ 2019 બાદ જે ધરપકડો કરવામાં આવી તેની કોઈ જરૂર નહોતી. મોટા ભાગના મામલાઓમાં લોકોની પબ્લિક સેફ્ટી ઍક્ટ અંતર્ગત ધરપકડ કરાઈ છે."

"કોઈ વ્યક્તિ પર પબ્લિક સેફ્ટી ઍક્ટ લગાવવા માટે જરૂરી છે કે સરકાર કે અધિકારી પાસે એ વાત પર વિશ્વાસ કરવા માટેનું કારણ હોય કે તે વ્યક્તિ પોતાની પાછલી પ્રવૃત્તિઓ ફરીથી કરી શકે છે. આ મામલાઓમાં આપણને આવો આધાર જોવા મળતો નથી."

તેઓ કહે છ કે ઘણા મામલાઓમાં કોર્ટે પબ્લિક સેફ્ટી કાયદા હેઠળ ધરપકડ કરાયેલા વ્યક્તિઓને છોડી મૂક્યા છે અને માન્યું છે કે આ ધરપકડો ગેરકાયદેસર હતી.

રિયાઝ ખાવર કહે છે કે વર્ષ 1990થી આ કાયદાનો ઉપયોગ રાજકીય પ્રતિદ્વંદ્વીઓના અવાજ દબાવવા માટે કરાઈ રહ્યો છે.

વર્ષ 2019માં પોતાના વાર્ષિક રિપોર્ટમાં જમ્મુ-કાશ્મીરનાં નાગરિક સંસ્થાનોના ગઠબંધન (માનવાધિકાર સંગઠનોનું ગઠબંધન)નું કહેવું છે કે નવેમ્બર 20ના રોજ સરકારે સંસદમાં સ્વીકાર્યું છે કે, "પાંચ ઑગસ્ટ બાદથી અત્યાર સુધી 5,161 લોકોની ધરપકડ કરાઈ છે જેમાં 609 લોકો હજુ પણ જેલમાં છે જ્યારે બાકીઓને છોડી મુકાયા છે."

અત્યાર સુધી એ વિશે સ્પષ્ટ જાણકારી નથી કે આ પૈકી કેટલા લોકોની પબ્લિક સેફ્ટી ઍક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

બંધારણનો અનુચ્છેદ 370 હઠાવાયા બાદ જે લોકોની ધરપકડ કરાઈ છે તેમાં 144 કિશોરો પણ સામેલ છે.

સપ્ટેમ્બર, 2019માં પોલીસે જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટની જુવેનાઇલ જસ્ટિસ કમિટી સામે જ રિપોર્ટ રજૂ કર્યો હતો, જે અનુસાર પોલીસે કહ્યું કે ધરપકડ કરાયેલા 144 કિશોરોમાંથી 142ને છોડી મુકાયા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો