You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગોધરા નગરપાલિકામાં અસદુદ્દીન ઓવૈસીના પક્ષ AIMIMની અપક્ષો સાથે સત્તામાં ભાગીદારી - BBC TOP NEWS
ગોધરા નગરપાલિકામાં અસદુદ્દીન ઓવૈસીના પક્ષ ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમિન (AIMIM)એ અપક્ષોએ સાથે મળીને સત્તા હાંસલ કરી છે.
બીબીસી ગુજરાતીના સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાના જણાવ્યા અનુસાર ગોધરા નગરપાલિકાના 11 વૉર્ડમાં કુલ 44 બેઠકો છે, જેમાંથી ભાજપને 18 બેઠકો મળી છે, જ્યારે AIMIMએ સાત બેઠકો જીતી છે. AIMIMએ અપક્ષો સાથે મળીને નગરપાલિકામાં સત્તા હાંસલ કરી છે. ગોધરા નગરપાલિકામાં સત્તા માટેનો જાદુઈ અંક 23 છે.
રોક્સી ગાગડેકર છારા જણાવે છે, "નગરપાલિકાના 11 વૉર્ડમાંથી પાંચમાં મુસ્લિમ જ્યારે પાંચમાં હિંદુ સમુદાય બહુમતીમાં છે, જ્યારે એક વૉર્ડમાં મિશ્ર વસતી છે. વર્ષ 2015ની સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે 18 બેઠકો જીતી હતી. જ્યારે કૉંગ્રેસે એક બેઠક જીતી હતી અને 25 બેઠકો પર અપક્ષ ઉમેદવારો ચૂંટાઈ આવ્યા હતા."
"એ વખતે અપક્ષ ચૂંટાયેલા 25 ઉમેદવારોમાંથી આઠ ભાજપમાં ભળી ગયા હતા અને એ રીતે ભાજપે નગરપાલિકામાં બહુમતીનો આંક હાંસલ કરી લીધો હતો."
"આ વખતની ચૂંટણીમાં AIMIMએ આઠ ઉમેદવારો ઊભા રાખ્યા હતા, જેમાંથી સાત સભ્યો ચૂંટાઈ આવ્યા છે. જ્યારે 18 અપક્ષોનો પણ ચૂંટણીમાં વિજય થયો છે."
"નગરપાલિકામાં સત્તા મેળવવા માટે AIMIMએ આગેવાની લેતાં 17 અપક્ષ ઉમેદવારોનું સમર્થન મેળવ્યું છે અને એ રીતે જાદુઈ અંક હાંસલ કરી લીધો છે."
AIMIM ગુજરાતના પ્રવક્તા શમશાદ પઠાણે રોક્સી ગાગડેકર છારા સાથેની વાતચીતમાં કહ્યું, "આ વખતે અમે ગોધરામાં અંકોનું ગણિત સેટ કરી દીધું છે. ભાજપને સત્તામાંથી બહાર રાખવો એ જ અમારો સંદેશ હતો અને અમે એ કરી બતાવ્યું છે. "
ગોધરા નગરપાલિકામાં સંજય સોની પ્રમુખ બનશે. શમશાદ પઠાણના જણાવ્યા અનુસાર AIMIM તમામ સમુદાયને પ્રતિનિધિત્વ આપવા માગે છે અને એટલે પ્રમુખ તરીકે સોની પર પસંદગી ઉતારવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાહુલ ગાંધીનો નરેન્દ્ર મોદી પર પ્રહાર, 'સદ્દામ હુસૈન અને ગદ્દાફી પણ ચૂંટણી જિત્યા હતા'
સ્ક્રોલ ડોટ ઇનના અહેવાલ પ્રમાણે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર ચૂંટણીના માર્ગે તાનાશાહી ચલાવવાનો આરોપ મૂક્યો છે.
તેમણે નિવેદનમાં કહ્યું કે ઇરાકના નેતા સદ્દામ હુસૈન અને લિબ્યાના નેતા મુઅમ્મર ગદ્દાફી પણ ચૂંટણીઓમાં જીત મેળવતા હતા.
બ્રાઉન યુનિવર્સિટીના પ્રોફેસર આશુતોષ વર્ષને, અન્ય ફૅકલ્ટી અને વિદ્યાર્થીઓ સાથે એક વર્ચ્યુઅલ ચર્ચામાં ભાગ લેતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું કે કોઈ પણ વ્યક્તિ ચૂંટણી કેન્દ્રિત લોકશાહીને સંસ્થાગત માળખાથી અલગ ન કરી શકે.
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, "લોકો માત્ર જઈને વોટિંગ મશીનનું બટન દબાવી આવે એ ચૂંટણી નથી. તે એક નૅરેટિવ છે. દેશનું તંત્ર બરોબર ચાલે તે સુનિશ્ચિત કરવા અંગેની પ્રક્રિયાને ચૂંટણી સાથે સંબંધ છે. ન્યાયતંત્ર વાજબી હોવુ અને સંસદમાં ચર્ચા થવી વગેરે વાતોને પણ ચૂંટણી સાથે સંબંધ છે."
તેમણે આ ચર્ચામાં આગળ કહ્યું કે, "સદ્દામ હુસૈન અને મુઅમ્મર ગદ્દાફી પણ પોતપોતાના દેશોમાં ચૂંટણીઓ યોજતા અને જીતતા પણ. પરંતુ તેનો અર્થ એ નહોતો કે લોકો મત નહોતા આપી રહ્યા પરંતુ ત્યાં મતની રક્ષા માટે કોઈ સંસ્થાગત માળખું નહોતું."
ગુજરાતના પાંચ જિલ્લાના તમામ ઘરોમાં નળનું પાણી પહોંચે છે : વિજય રૂપાણી
મંગળવારે ગુજરાત વિધાનસભામાં રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે ગુજરાતના 33 જિલ્લાઓ પૈકી પાંચ જિલ્લાઓમાં 'નલ સે જલ' યોજના અંતર્ગત બધાં ઘરોમાં નળ વડે પાણી પહોંચાડવામાં આવે છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ડોટકૉમના અહેવાલ અનુસાર તેઓ પ્રશ્નકાળ દરમિયાન 'નલ સે જલ' યોજના અંગેના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા.
તેમણે આ પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, "ગુજરાતમાં ચાલુ વર્ષે 10.30 લાખ ઘરોમાં પાણીના નળનું કનેક્શન અપાયું છે. કુલ 96 લાખ ઘરોમાં નળ વડે પાણી પહોંચાડવામાં આવશે. અમે એક એક કરીને બધા જિલ્લામાં કામ કરી રહ્યા છીએ."
તેમણે પોતાના જવાબમાં જે જિલ્લાઓમાં બધાં ઘરોમાં પાણીના નળનાં કનેક્શન અપાયાં છે તે અંગે માહિતી આપતાં કહ્યું કે, "અત્યાર સુધી પોરબંદર, બોટાદ, ગાંધીનગર, મહેસાણા અને આણંદમાં તમામ ઘરોમાં નળ વડે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે."
તેમણે કહ્યું કે બાકી રહેલાં 17 લાખ ઘરોમાં તબક્કાવાર પાણીના નળનાં કનેક્શન આપી દેવાશે. આ યોજના માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર સાથે મળીને નાણાકીય વ્યવસ્થા કરી રહી છે.
મોરવા હડફ વિધાનસભા બેઠક પર 17 એપ્રિલે ચૂંટણી યોજાશે
ઇન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર ગુજરાતના પંચમહાલ જિલ્લાની મોરવા હડફ વિધાનસભા બેઠક પર 17 એપ્રિલના રોજ ચૂંટણી યોજવામાં આવસે.
નોંધનીય છે કે મોરવા હડફ વિધાનસભાની બેઠક આદિવાસી ઉમેદવાર માટે અનામત બેઠક છે.
અહેવાલ અનુસાર ભારતના ચૂંટણીપંચ મંગળવારે દેશની વિવિધ વિધાનસભાની બેઠકો અને લોકસભાની ખાલી પડેલી બેઠકો પર ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. જેમાં મોરવા હડફ વિધાનસભાની બેઠક પણ સામેલ છે.
મધ્ય ગુજરાતમાં સ્થિત મોરવા હડફ બેઠક પરથી વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ભૂપેન્દ્ર ખાંટ ચૂંટાઈ આવ્યા હતા.
પરંતુ ભૂપેન્દ્ર ખાંટે દસ્તાવેજો સાથે ચેડાં કર્યાં હોવાની વાત અંગે ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલ કેસમાં ભારતના ચૂંટણીપંચે સ્વીકારતાં તેમને મે, 2019માં ગેરલાયક ઠેરવાયા હતા.
ભારતના ચૂંટણીપંચ અનુસાર વિધાનસભાની બેઠકો પર ચૂંટણી યોજવા માટેનું ગૅઝેટ નોટિફિકેશન 23 માર્ચના રોજ ઇશ્યૂ કરાશે. જ્યારે આ ચૂંટણીમાં નૉમિનેશન કરવાની અંતિમ તારીખ 30 માર્ચ હસે.
નૉમિનેશનની ચકાસણી 31 માર્ચે કરવામાં આવશે. જ્યારે ચૂંટણી લડવા માટે ઇચ્છુક ન હોય તેવા ઉમેદવારો 3 એપ્રિલ સુધી પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકે છે. ત્યાર બાદ 17 એપ્રિલે ચૂંટણી યોજાશે જેનાં પરિણામ 2 મેના રોજ જાહેર કરવામાં આવશે.
ગુજરાત : પાછલાં બે વર્ષમાં ઔદ્યોગિક અકસ્માતોમાં 421 કામદારોએ જીવ ગુમાવ્યા
મંગળવારે રાજ્ય સરકારે ગુજરાત વિધાનસભામાં જાહેર કર્યું કે પાછલાં બે વર્ષોમાં ગુજરાતમાં વિવિધ ફૅક્ટરીઓમાં કુલ 421 કામદારો અકસ્માતો કે બેદરકારીના કારણે મૃત્યુ પામ્યા છે.
પ્રશ્નકાળ દરમિયાન આ અંગેના પ્રશ્નનો જવાબ આપતાં ગુજરાતના શ્રમ અને રોજગારમંત્રી દિલીપ ઠાકોરે કહ્યું કે સમગ્ર રાજ્યમાં પાછલાં બે વર્ષોમાં 322 ઘટનાઓમાં 421 કામદારો અકસ્માત કે બેદરકારીના કારણે મૃત્યુ પામ્યા છે.
ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ ડોટકૉમના એક અહેવાલ અનુસાર ભરૂચ જિલ્લાનાં કારખાનાંમાં પાછલાં બે વર્ષોમાં રાજ્યમાં સૌથી વધુ 68 કામદારોનાં મૃત્યુ થયાં છે. જ્યારે આ યાદીમાં અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમાંક પર સુરત અને અમદાવાદ છે. સુરતમાં આ પ્રકારની ઘટનાઓમાં 67 કામદારોનાં મૃત્યુ થયાં છે જ્યારે અમદાવાદમાં 61 કામદારો મૃત્યુ પામ્યા છે.
શ્રમ અને રોજગારમંત્રી દિલીપ ઠાકોરે જણાવ્યું કે આ તમામ ઘટનાઓ અંગે રાજ્ય સરકારે જુદાં જુદાં ઔદ્યોગિક એકમો સામે ફૅક્ટરીઝ ઍક્ટ અંતર્ગત પાછલાં બે વર્ષોમાં 288 ગુનાહિત મામલા નોંધાવ્યા છે.
મમતા બેનરજીની મંદિર મુલાકાતો માટે ભાજપ દ્વારા લવાયેલું પરિવર્તન જવાબદાર : યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે એક ચૂંટણીસભામાં કહ્યું કે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સરકાર આવ્યા બાદ લોકોના વિચારોમાં આવેલા પરિવર્તનને કારણે મમતા બેનરજીએ જાહેરમાં 'ચંડી પાઠ' વિશે વાત કરવી પડે છે, તેમજ મંદિરની મુલાકાત લેવી પડે છે.
NDTV ડોટકૉમના એક અહેવાલ પ્રમાણે તેઓ પશ્વિમ બંગાળના પુરુલીયા જિલ્લાના બલરામપુર ખાતે એક ચૂંટણીસભા સંબોધી રહ્યા હતા.
તેમણે જ્યાં જ્યાં ચૂંટણી યોજાવાની છે ત્યાંનાં મંદિરોની મુલાકાત લેવા બદલ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીની પણ ટીકા કરી હતી.
આ રેલીમાં પોતાના ભાષણ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે આગળ કહ્યું હતું કે, "વર્ષ 2014 પહેલાં જ્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર નહોતી ત્યારે એવો એક મોટો વર્ગ ઊભો થયો હતો જેઓ વિચારતા હતા કે માત્ર મંદિરની મુલાકાત લેવાથી પણ તેમની ધર્મનિરપેક્ષ છબિ પર અસર પડશે."
તેમણે આગળ કહ્યું કે, "પરંતુ હવે સમય બદલાયો છે હવે મમતા દીદીએ પણ મંદિરોની મુલાકાત લેવી પડે છે અને 'ચંડી પાઠ' વિશે જાહેરમાં વાત કરવી પડે છે. આટલું જ નહીં રાહુલ ગાંધી પણ હવે મંદિરોની મુલાકાતો લેતા થયા છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો