શું ગુજરાતની શાળાઓ કોરોનાની હૉટસ્પોટ બની રહી છે?

    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાત સરકાર દ્વારા કોરોનાની મહામારીને પગલે કરાયેલ લૉકડાઉન બાદ લગભગ એક વર્ષનો સમય વીતી ગયા બાદ રાજ્યમાં ફરીથી શાળાકીય શિક્ષણકાર્ય શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

પહેલાં ધોરણ 10 અને 12 પછી ધોરણ 9 અને 11 ત્યારબાદ અંતે 18 ફેબ્રુઆરીએ ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ માટે રાબેતા મુજબ શાળાકીય શિક્ષણકાર્યની શરૂઆત થઈ હતી.

આ પહેલાં રાજ્ય સરકારે કૉલેજના વિદ્યાર્થીઓ માટે તો કૉલેજમાં જ શિક્ષણકાર્ય અગાઉથી જ શરૂ કરી દીધું હતું.

ઘણા વાલીઓ અને નિષ્ણાતો આ નિર્ણયને યોગ્ય ગણાવી તેને વધાવી રહ્યાં હતાં. જ્યારે ઘણા નિષ્ણાતો અને માતા-પિતા એવાં પણ હતાં, જેઓ કોરોનાની પરિસ્થિતિમાં બાળકોને શાળા અને કૉલેજે મોકલવાથી હજુ પણ ખચકાઈ રહ્યાં હતાં.

તેમને ભય હતો કે આવું કરવાથી રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ થોડી ઘણી નિયંત્રણમાં આવી હોવાનું કહેવામાં આવતું હતું તેમાં ફરીથી વધારો થશે અને કોરોના આ નિર્ણયના કારણે ફરીથી વકરી શકે તેવા ભયસ્થાન અંગે તેઓ ચેતવી રહ્યાં હતાં.

આ માતા-પિતા અને નિષ્ણાતોનો મત એવો હતો કે જ્યાં સુધી તમામ લોકોને રસી ન મુકાઈ જાય ત્યાં સુધી ફિઝિકલ શિક્ષણકાર્ય કરતાં તેના અવેજી તરીકે વિકસાવાયેલી ઑનલાઇન શિક્ષણની વ્યવસ્થા ચાલુ રાખવી જોઈએ.

ઘણા રાજ્ય સરકારના આ નિર્ણયને ઉતાવળિયો ગણાવી રહ્યા હતા. હવે જ્યારે પાછલા અમુક સમયથી રાજ્યમાં કોરોનાના નવા કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને તેમાં પણ આ નવા કેસોમાં નોંધપાત્ર કેસો શાળાનાં બાળકો અને શિક્ષકોના આવી રહ્યા હોવાથી કોરોના વકરવા અંગે ચિંતા વ્યક્ત કરનાર વાલીઓ અને નિષ્ણાતોનો અંદાજ સાચો પુરવાર થતો હોય તેવું જણાઈ રહ્યું છે.

તાજેતરની પરિસ્થિતિ અંગે વધુ માહિતી મેળવવા માટે અમે કેટલાક નિષ્ણાતો અને સરકારી અધિકારીઓ સાથે વાત કરી અને હાલ સર્જાયેલી પરિસ્થિતિના કારણે ગુજરાતની શાળાઓને કોરોનાનો હોટસ્પોટ બનતી અટકાવવા માટે કયાં પગલાં લઈ શકાય તે અંગે જાણવાનો પ્રયત્ન કર્યો.

ગુજરાતની શાળાઓમાં કેસ કેમ વધી રહ્યા છે?

થોડા સમય પહેલાં કોરોનાના કેસની સંખ્યા જે 400 કરતાં પણ ઓછી થઈ ગઈ હતી તે ફરીથી વધીને દરરોજના 700 કેસ સુધી પહોંચી ગઈ છે.

શનિવારે (13 માર્ચ) સુરત જિલ્લામાં નવા નોંધાયેલા 188 કોરોનાના કેસ પૈકી 31 કેસ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય મદદનીશ સ્ટાફના હોવાથી વાલીઓ અને નિષ્ણાતોનાં મનમાં આ નિર્ણય અંગે રહેલી ચિંતામાં વધારો થયો છે.

નોંધનીય છે કે આ કેસમાં 27 નવા કેસ તો વિદ્યાર્થીઓના જ હતા. આ અગાઉ પણ સ્થાનિક મીડિયામાં શાળા અને કૉલેજો શરૂ થયા બાદથી સમયાંતરે નવા કેસમાં શાળા અને કૉલેજોમાં ભણતાં બાળકો અને શિક્ષકોના કોરોના પૉઝિટિવ આવ્યા હોવાના સમાચારો જોવા મળતા હતા.

ગુજરાત રાજ્ય (ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન)ના ભૂતપૂર્વ પ્રમુખ ડૉક્ટર ચંદ્રેશ જરદોશ તાજેતરમાં શાળાઓમાં વધી રહેલા કોરોનાના કેસ માટે બાળકોની પ્રકૃતિ અને સ્વભાવને એક મોટું કારણ ગણાવે છે.

તેઓ કહે છે કે, "મોટી ઉંમરના લોકોની સરખામણીએ બાળકો સ્વભાવે વધુ ચંચળ હોય છે અને નિર્દોષભાવે કોરોનાની રોકથામ માટે જરૂરી પગલાં લેવાનું ચૂકી જતાં હોય છે. તેના કારણે તાજેતરમાં શાળાઓ અને કૉલેજોના વિદ્યાર્થીઓમાં પણ કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે."

ડૉ. જરદોશ શાળા અને કૉલેજોમાં વધી રહેલા કોરોનાના કેસ બાબતે વાઇરસના નવા સ્ટ્રેઇનને પણ જવાબદાર માને છે.

તેઓ કહે છે કે, "હાલ ગુજરાતમાં પણ ઘણાં સ્થળોએ યુનાઇટેડ કિંગ્ડમ અને આફ્રિકાના કોરોના વાઇરસના સ્ટ્રેઇન જોવા મળી રહ્યા છે."

"આ નવો સ્ટ્રેઇન ન માત્ર વધુ ઘાતક છે પરંતુ બાળકોને પોતાના શિકાર બનાવી રહ્યો છે. અગાઉના કોરોના વાઇરસના સ્ટ્રેઇનથી બાળકો ખૂબ ઓછી સંખ્યામાં સંક્રમિત થતાં હતાં. જોકે આ સ્ટ્રેઇન બાળકોને પણ લાગી રહ્યો છે. જે એક ચિંતાનો વિષય છે."

ડૉ. ચંદ્રેશ જરદોશ કોરોનાના નવા સ્ટ્રેઇનના ઘાતકીપણા વિશે વાત કરતાં કહે છે કે, "બાળકોમાં નવા સ્ટ્રેઇનથી જલદી રિકવર થવાની ક્ષમતા જોવા મળી છે. પરંતુ તેમના થકી આ વાઇરસ તેમનાં માતાપિતા અને ઘરના અન્ય વડીલોને પણ લાગી શકે છે. જે ઘણી વાર ઘાતક પુરવાર થઈ શકે છે."

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થના વડા ડૉ. દિલીપ માવળંકર પણ શાળા અને કૉલેજોમાં કોરોનાના કેસ વધુ આવી રહ્યા છે તે માટે નાનાં બાળકોમાં કોરોનાની ગાઇડલાઇન માટે ગંભીરતાની નિર્દોષ ગેરહાજરીને કારણભૂત માને છે.

તેઓ કહે છે કે, "સ્વાભાવિકપણે નાનાં બાળકો તમામ નિયમો અને જોગવાઈઓ અનુસરીને ક્લાસરૂમમાં બેસે તેવી અપેક્ષા ન રાખી શકાય. પરંતુ શાળાઓએ બાળકો શક્ય તેટલી સાવચેતીઓ રાખે તે માટે યોગ્ય ઉપાય કરવા જોઈએ."

"માતાપિતા અને શાળાના પ્રયત્નોથી જ બાળકો આ નવી પરિસ્થિતિથી ટેવાશે. જો વિદ્યાર્થીઓ આ બાબતે થોડા સચેત થશે તો જ આ પરિસ્થિતિ વધુ પ્રતિકૂળ બનતા અટકી શકશે."

શું કહે છે અધિકારી?

પાછલા અમુક સમયથી શાળાના વિદ્યાર્થીઓમાં સામે આવી રહેલા કોરોનાના નવા કેસો અંગે તંત્રની પ્રતિક્રિયા જાણવા માટે બીબીસી ગુજરાતીએ સુરતના ડેપ્યુટી હેલ્થ કમિશનર ડૉ. આશિષ નાયક સાથે વાત કરી.

તેમણે સ્કૂલે અને કૉલેજે જતાં બાળકોના નવા કેસો સામે આવવા માટે સ્થાનિક તંત્ર તરફથી જ્યારથી શાળા-કૉલેજો શરૂ થઈ ત્યારથી શરૂ કરાયેલ ટેસ્ટિંગ અને ટ્રૅકિંગ ડ્રાઇવને જવાબદાર ગણાવી હતી.

ડૉ. આશિષ નાયક કહે છે કે "શાળાઓ શરૂ થયા બાદ પાછલા 35 દિવસથી તંત્રની ટીમો જિલ્લાની શાળા અને કૉલેજોમાં સતત ટેસ્ટિગની કાર્યવાહી હાથ ધરી છે. જેના કારણે જે એસિમ્પ્ટોકમેટિક બાળકો પોતાને કોરોના છે એવી જાણ વગર સ્કૂલે કે કૉલેજે જઈ રહ્યાં હતાં તેમને શોધી શકાયાં."

"તેમને શોધ્યા બાદ તેમની કૉન્ટેક્ટ ટ્રેસિંગ, આઇસોલેશન અને સેનિટાઇઝેશન જેવી કામગીરી દ્વારા સંક્રમણને આગળ વધતો અટકાવવા માટેના પ્રયાસો કરાઈ રહ્યા છે. કેટલીક પરિસ્થિતિમાં સંબંધિત શૈક્ષણિક સંસ્થા સીલ કરવી પડે તો તે પણ પગલાં લેવાઈ રહ્યાં છે."

તેઓ વધુમાં તમામ લોકોને અપીલ કરે છે કે કોરોનાને અટકાવવા માટે તેઓ અચૂકપણે સરકારી ગાઇડલાઇનનું પાલન કરે, પોતાની સુરક્ષાનાં તમામ પગલાં ભરે.

વડોદરાના મેડિકલ ઑફિસર ઑફ હેલ્થ ડૉ. દેવેશ એમ. પટેલે જણાવ્યું કે, "અમે વડોદરામાં શાળાઓને કે અન્ય કોઈ એકલદોકલ કિસ્સાઓને ધ્યાને રાખીને ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટેસ્ટિંગની કામગીરી કરતા નથી."

"અમારું ધ્યાન મોટા ભાગે સમગ્ર સમાજ પર કેન્દ્રીત હોય છે. તેમાંથી જનરલ માસ ટેસ્ટિંગની વ્યૂહરચના અનુસરીને કોરોનાની રોકથામના પ્રયત્નો કરાય છે."

"સમગ્ર સમાજને અનુલક્ષીને પ્રયત્નો કરાતા હોઈ શાળાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાનું અમને યોગ્ય લાગતું નથી, કારણ કે આખરે શાળામાં પણ વ્યક્તિઓ તો સમાજમાંથી જ આવવાની છે. તેથી શાળાએ જવાના કારણે કોઈ વ્યક્તિ કે બાળકને કોરોના થયો એ વાતને આધારભૂત માનીને અમે કોરોનાની રોકથામ માટે કોઈ પ્રયાસ કરતા નથી."

જ્યારે ડૉ. આશિષ નાયકને પૂછવામાં આવ્યું કે શું આગામી દિવસોમાં શાળાઓમાં કોરોનાના કેસો ન વધે તે માટે ફરીથી ઑનલાઇન શિક્ષણપદ્ધતિ શરૂ કરાશે કે કેમ?

તો તેમણે આ પ્રશ્નના જવાબમાં કહ્યું કે, "આ અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. સ્થાનિક તંત્ર સારી રીતે ટ્રૅસિંગ અને ટૅકિંગની કાર્યવાહી કરી રહ્યું હોવાથી હાલ તબક્કે આવું કોઈ પગલું લેવાનું વિચાર હેઠળ નથી. જોકે, આ અંગે આખરી નિર્ણય તો સરકારશ્રી જ લઈ શકશે."

આ સમસ્યાના ઉપાય શું?

નોંધનીય છે કે આ અગાઉ પણ ઘણા નિષ્ણાતો અને વાલીઓ રાજ્ય સરકારના આ નિર્ણય અંગે નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે.

તેમજ જો આ રોગને રોકવા માટે યોગ્ય પગલાં નહીં લેવાય તો કોરોનાની સ્થિતિ વધુ વણસશે તેવું પણ કહેવાઈ રહ્યું છે.

શાળાઓ અને કૉલેજોમાં વધી રહેલા કોરોનાના નવા કેસની રોકથામ માટેના ઉપાયો સૂચવતાં ડૉ. ચંદ્રેશ જરદોશ જણાવે છે કે, "શાળાઓ અને કૉલેજોમાં બાળકો કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરે એ સુનિશ્ચિત કરવાની જરૂરિયાત છે. જે માટે તંત્રે કામ કરવું જોઈએ."

"તેમજ સરકારે બેવડા માપદંડો અપનાવાનું બંધ કરી પાણી પહેલાં પાળ બાંધવાની વ્યૂહરચના પર કામ કરવું જોઈએ."

"કોરોના હજુ ગયો નથી એ હકીકત સ્વીકારી ફરીથી કૉમ્બેટ મોડમાં આવી જવાની જરૂરિયાત છે જો આવું થશે તો આપમેળે શાળાઓ જેવી સંસ્થાઓમાં પણ સલામતીનાં પગલાં લેવાં માટેની ગંભીરતા વધશે."

તો ડૉ. દિલીપ માવળંકર કહે છે કે, "શાળાઓ પાસે હાલ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી શકાય તેટલા ક્લાસરૂમો નથી હોતા. આવી પરિસ્થિતિમાં જો આપણે ઇચ્છતા હોઈએ કે બાળકો સંપૂર્ણપણે સુરક્ષિત રહે અને તેની સાથે શિક્ષણ મેળવે તો તેના માટે જરૂરી છે કે શાળાઓ વૈકલ્પિક દિવસો પર વિદ્યાર્થીઓને બોલાવવા જેવી કેટલીક અલગ વ્યવસ્થાઓ ઘડે."

"આ સિવાય શાળાઓ અને કૉલેજોના શિક્ષકોને પણ ફ્રન્ટ વૉરિયર્સની જેમ રસી મળે એ જરૂરી છે. જેથી તેમના થકી બાળકોને ચેપ ન લાગે. આ સિવાય આપણે ત્યાં રસીકરણની ઝડપ સુધારીને પણ મોટા ભાગના લોકોને વાઇરસના જોખમથી સુરક્ષિત કરી શકાય છે."

શું ફરીથી ઑનલાઇન શિક્ષણ તરફ વળવું હિતાવહ રહેશે?

ડૉ. ચંદ્રેશ જરદોશ જણાવે છે કે, "મોટી ઉંમરના વિદ્યાર્થીઓ માટે આ ઑનલાઇન શિક્ષણ વ્યવસ્થા કારગત સાબિત થઈ શકે છે. પરંતુ નાની ઉંમરના બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રત્યક્ષ શિક્ષણના વિકલ્પ તરીકે ઑનલાઇન શિક્ષણને સંપૂર્ણપણે અપનાવી શકાય નહીં, કારણ કે બાળકોની પ્રતિભા સોળે કળાએ ખીલે તે માટે જરૂરી છે કે તેમને પરંપરાગત શિક્ષણ મળે. ઑનલાઇન શિક્ષણ તેનો 100 ટકા સલામત અને સલાહભર્યો વિકલ્પ નથી."

જ્યારે ડૉ. દિલીપ માવળંકરની આ મુદ્દે સલાહ માગવામાં આવી તો તેમણે કહ્યું કે, "પ્રત્યક્ષ શિક્ષણના અવેજી તરીકે ઑનલાઇન શિક્ષણ સંપૂર્ણપણે યોગ્ય નથી."

"તેમજ તેની પહોંચ પણ બાળકોના અમુક જ વર્ગ સુધી સીમિત હોઈ શકે તેવું બને. જેથી શાળઓ અને સરકારે સમન્વય સાધી પ્રત્યક્ષ શિક્ષણ રાબેતા મુજબ ચાલે અને તેના કારણે કોરોનાના કેસોની સંખ્યા પણ ન વધે તેવી કોઈ વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે."

કઈ કઈ જગ્યાએ વિદ્યાર્થીઓ કોરોના પૉઝિટિવ આવ્યા?

શનિવારે સુરતમાં અમુક શાળાઓમાં વિદ્યાર્થીઓ કોરોના પૉઝિટિવ હોવાનું સામે આવ્યાં એ પહેલાં શુક્રવારે સુરતની એક કૉલેજમાં પણ ટેસ્ટિંગની કાર્યવાહી દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ કોરોના પૉઝિટિવ હોવાનું માલૂમ પડ્યું હતું. જે બાદ કૉલેજ સીલ કરી દેવાઈ હતી.

તેમજ થોડા દિવસો પહેલાં વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલી એક શાળામાં પણ એક શિક્ષણનો રિપોર્ટ કોરોના પૉઝિટિવ આવતાં આ શાળા 11 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.

અન્ય એક અહેવાલ અનુસાર પાછલા અમુક સમયમાં વડોદરાના ફતેપુરા અને અકોટા વિસ્તારની બે સ્કૂલોમાં બે શિક્ષકો કોરોના પૉઝિટિવ મળી આવ્યા હતા.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક રિપોર્ટ અનુસાર 5 માર્ચે સુરત શહેરમાં કોવિડ-19ના નવા 91 કેસો પૈકી બે શાળાના વિદ્યાર્થીઓ અને એક પ્રિન્સિપાલને કોરોના થયો હતો.

આ અગાઉ 11 જાન્યુઆરીએ જ્યારે કોરોના વાઇરસના લૉકડાઉન બાદે ધોરણ દસ અને 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ફરીથી શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું ત્યારે શાળાના પ્રથમ જ દિવસે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાની એક શાળામાં 11 વિદ્યાર્થિનીઓનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો.

NDTV ડોટકૉમના એક અહેવાલ અનુસાર 122 વિદ્યાર્થીઓના રેન્ડમ કોરોના ટેસ્ટિંગ બાદ 11 વિદ્યાર્થિનીઓ કોરોના પૉઝિટિવ મળી આવી હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો