You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સચીન વાઝે : મુકેશ અંબાણીના ઘર બહારથી મળેલી કારના કેસમાં ધરપકડ કરાઈ એ પોલીસ અધિકારી કોણ છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
પોલીસ અધિકારી સચીન વાઝેની કેન્દ્રીય તપાસ એજન્સી(NIA)એ મુકેશ અંબાણીના ઘર બહારથી મળેલી જિલેટિન ભરેલી કારના મામલામાં અટકાયત કરી હતી, જે બાદ તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર એનઆઈએએ એવું પણ જણાવ્યું છે કે 25 ફેબ્રુઆરીએ કારમાઇકલ રોડ પર વિસ્ફોટક ભરેલું વાહન રાખવામાં સચીન વાઝેની ભૂમિકાને પગલે તેમની ધરપકડ કરાઈ છે.
જ્યારે સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે વાઝે વિરુદ્ધ આઈપીસીની કલમ 285, 465, 473, 506(2), 120 B અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.
મુંબઈના પૉશ વિસ્તાર પેડર રોડ પર સ્થિત મુકેશ અંબાણીના ઘર ઍન્ટિલિયાની બહાર એક સ્કૉર્પિયોમાં જિલેટિનની સ્ટિક મળી હતી, આ પછી સ્કૉર્પિયોના માલિક મનસુખ હીરેનનો મૃતદેહ ઠાણે પાસેથી મળ્યો હતો. આના કારણે આ આખો કેસ કેટલાંક દિવસોથી ચર્ચાનું કારણ બનેલો છે.
આ પહેલાં પત્રકાર અરણવ ગોસ્વામીની ધરપકડ વખતે સચીન વાઝે ચર્ચામાં આવ્યા હતા, ગોસ્વામીની ધરપકડ માટે જે પોલીસની ટીમ ગઈ હતી તેમાં તેઓ જોવા મળ્યા હતા.
ચર્ચામાં રહેનારા પોલીસ અધિકારી સચીન વાઝે કોણ છે?
બીબીસી મરાઠી માટેના અહેવાલમાં મયંક ભાગવત લખે છે મુંબઈ પોલીસમાં ઍન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા સચીન વાઝે આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરના પદ પર તહેનાત છે.
હાલમાં તેઓ મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના ઇન્ટેલિજન્સ યુનિટના પ્રમુખ છે. આ યુનિટની જવાબદારી મુંબઈમાં થનારા ગુના વિશે ગુપ્ત માહિતી એકઠી કરીને ગુનાને રોકવાની છે.
ઉલ્લેખનીય છે કે સચીન વાઝેને મુંબઈ પોલીસે 16 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જૂન, 2020માં મુંબઈ પોલીસ કમિશનર પરમબીરસિંહના નેતૃત્વવાળી સમિતિએ સચીન વાઝેનું સસ્પેન્શન પરત લીધું હતું, જેના પછી તેઓ નોકરી પર પરત ફર્યા. પરમબીરસિંહે તેમને પ્રતિષ્ઠિત મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાં તહેનાત કર્યા હતા.
સચીન વાઝેનું આખું નામ સચીન હિંદુરાવ વાઝે છે, વાઝે મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાંથી આવે છે.
1990માં તેમની પસંદગી મુંબઈ પોલીસમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે થઈ હતી.
વાઝેના પોલીસ કૅરિયર પર નજર રાખનારા એક સિનિયર ક્રાઇમ રિપોર્ટરે કહ્યું, "વાઝેની પહેલી નિમણૂક નક્સલ પ્રભાવિત વિસ્તાર ગઢચિરૌલી જિલ્લામાં થઈ હતી. આ પછી 1992માં તેમની ટ્રાન્સફર ઠાણેમાં કરવામાં આવી હતી."
મુંબઈમાં અન્ડરવર્લ્ડનો દબદબો 1990ના દાયકામાં શરૂ થયો હતો.
દાઉદ ઇબ્રાહિમ, છોટા રાજન અને અરુણ ગવલી જેવા ગૅંગસ્ટરોના કારણે મુંબઈની ગલીઓ ખૂનથી રંગાવા લાગી હતી.
ત્યારે મુંબઈ પોલીસે અન્ડરવર્લ્ડની સામે અભિયાન શરૂ કર્યું હતું. મુંબઈ પોલીસે અન્ડરવર્લ્ડના શાર્પશૂટરોનું એક પછી એક ઍન્કાઉન્ટર કરવાનું શરૂ કર્યું હતું. આ જ સમયે સચીન વાઝેની ટ્રાન્સફર મુંબઈમાં થઈ હતી.
સબ ઇન્સ્પેક્ટરમાંથી 'ઍન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ'
વાઝેને મુંબઈની ક્રાઇમ બ્રાન્ચમાં તહેનાત કરવામાં આવ્યા હતા, તેમની કૅરિયર પર નજર રાખનારા સિનિયર રિપોર્ટર તેમની ઓળખ ન આપવાની શરતે કહે છે, "વાઝે તે દિવસોમાં પ્રદીપ શર્માના હાથ નીચ કામ કરતા હતા, અને શર્માની ઓળખ ઍન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકેની હતી. એ વખતે શર્મા અંધેરી ક્રાઇમ ઇન્ટેલિજન્સનું નેતૃત્વ કરતા હતા."
જે બાદ વાઝેની પણ ઍન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકેની ઓળખ બનવા લાગી હતી.
સિનિય ક્રાઇમ રિપોર્ટરનો દાવો છે કે "સચીન વાઝેએ અત્યાર સુધીમાં અંડરવર્લ્ડના 60થી વધુ લોકોના ઍન્કાઉન્ટર કર્યા છે."
પહેલી વખત સચીન વાઝેનું નામ મુન્ના નેપાળીના ઍન્કાઉન્ટર બાદ ચર્ચામાં આવ્યું હતું, એ પહેલાં સચીન વાઝે મુંબઈની ક્રાઇમ બ્રાન્ચમાં તહેનાત હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો