You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુંબઈમાં માન્યા સૂર્વેથી લખનભૈયા સુધીનાં ઍન્કાઉન્ટર
- લેેખક, નામદેવ અંજના
- પદ, બીબીસી મરાઠી પ્રતિનિધી
મુંબઈ પોલીસના ઈતિહાસનો વિચાર કરીએ ત્યારે એક સમયે ઍન્કાઉન્ટર માટે જાણીતા મુંબઈની યાદ આવે એ સ્વાભાવિક છે.
મુંબઈની ગુંડાટોળકીઓ અને તેમની વચ્ચેની અથડામણ પર પૂર્ણવિરામ મૂકવા માટે પોલીસે ગુંડાસરદારોનાં ઍન્કાઉન્ટરો કેવી રીતે કર્યાં એ વિશે અનેક ફિલ્મો બની છે.
એ ફિલ્મો કેટલી સાચી છે એ અલગ મુદ્દો છે, પરંતુ ઍન્કાઉન્ટર શબ્દ એક સમયે મુંબઈમાં જે આસાનીથી ઉચ્ચારવામાં આવતો હતો એટલો જ એ આજે ચર્ચામાં છે.
મુંબઈના ઇતિહાસના કેટલાક દાયકા ઍન્કાઉન્ટરની રોમાંચક ઘટનાઓથી ભરપૂર છે.
ઇતિહાસના તે પાના ઉઘાડતા પહેલાં મુંબઈમાં 28 વર્ષ પહેલાં બનેલી ઘટનાનો ઉલ્લેખ કરવો જરૂરી લાગે છે. એ ઘટના તાજેતરમાં હૈદરાબાદમાં ઘટેલી ઘટના જેવી જ હતી અને તેનો અંત પણ ઍન્કાઉન્ટર સાથે આવ્યો હતો. બળાત્કારની ઘટના ઘટ્યા બાદ હૈદરાબાદમાં પોલીસે આરોપીઓનું ઍન્કાઉન્ટર કરી નાખ્યું હતું.
28 વર્ષ પૂર્વે પોલીસે કર્યું હતું એન્કાઉન્ટર
1991ની 7 એપ્રિલે મુંબઈના આગ્રીપાડામાં 13 વર્ષની કિશોરી પર બળાત્કારની ઘટના બની હતી. તેમાં 27 વર્ષનો બાલી નાંદિવડેકર અને 28 વર્ષનો બાબા પરમેશ્વર એમ બે આરોપી હતા. એ બન્ને 'બાબા-બાલી'ના નામે ઓળખાતા હતા.
એ પ્રકરણમાં આરોપીને ખતમ કરવા માટે શું કરવામાં આવ્યું હતું તેની વિગતવાર વાત પોલીસ અધિકારીઓ અંબાદાસ પોટે તથા સુધીર નિરગુડકરે 'ધ એશિયન એજ'નાં પત્રકાર વૃષાલી પુરંદરે સાથે કરી હતી.
નાંદિવડેકર અને પરમેશ્વરે પેલી કિશોરીનો પીછો કરીને તેના ઘર સુધી ગયા હતા. ત્યાં બન્નેએ કિશોરીના પિતાને પકડી રાખ્યા. બાપ-દીકરીને મારી નાખવાની ધમકી આપી અને કિશોરીને દારુ-ગાંજો પીવડાવીને તેના પર બળાત્કાર કર્યો હતો. આ ઘટનાથી મુંબઈ હચમચી ઊઠ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તત્કાલીન ડીસીપી અરૂપ પટનાઈકે બન્ને આરોપીને પકડવા માટે એક ખાસ ટુકડી તૈયાર કરી હતી. અંબાદાસ પોટે અને સુધીર નિરગુડકર એ ટુકડીમાં સામેલ હતા.
નાંદિવડેકર અને પરમેશ્વર સાંતાક્રુઝના કાલિના વિસ્તારમાં વધુ એક ગુનો કરવા આવવાના છે એવી બાતમી પોટેને મળી હતી. એ અનુસંધાને પોટે અને નિરગુડકર આરોપીઓને પકડવા છૂપાયા હતા. પોટેને મળેલી બાતમી સાચી હતી.
બન્ને આરોપી આવ્યા. કાલિનાના સાંકડા વિસ્તારમાં પ્રવેશ્યા. થોડીવારમાં આરોપીઓને સમજાઈ ગયું હતું કે પોલીસ તેમનો પીછો કરી રહી છે, કારણ કે નિરગુડકરે પોલીસનો યુનિફોર્મ પહેર્યો હતો. બન્ને આરોપી ભાગવા લાગ્યા.
પુરંદરે સાથે વાત કરતાં પોટેએ કહ્યું હતું, "અમે આરોપીઓને ઊભા રહેવા કહ્યું હતું. અમે ત્યાં કોઈ જ પગલાં લઈ શકીએ તેમ ન હતા, કારણ કે એ ગીચ વસતીવાળો વિસ્તાર હતો."
એ સમયે પોટેની સાથે બાબા રાણે નામના એક પોલીસ કૉન્સ્ટેબલ હતા, જે આરોપીઓનો પીછો કરતા હતા.
નાંદિવડેકરે બાબાની છાતી પર ચોપર વડે હુમલો કર્યો. ખરાબ રીતે ઘવાયેલા બાબાને અન્ય પોલીસ કર્મચારીઓ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા.
થોડીવાર પછી પરમેશ્વરે નિરગુડકર પર ચોપર વડે હુમલો કર્યો. નિરગુડકર પણ ઘાયલ થયા. જીવલેણ હુમલા છતાં બાબા-બાલીનો પીછો કરી રહેલા નિરગુડકર અને પોટેએ તેમની રિવોલ્વરમાંથી ગોળીબાર કર્યો અને બન્ને આરોપીઓ જમીન પર ફસડાઈ પડ્યા.
બન્ને આરોપીનું 28 વર્ષ પહેલાં ઍન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. એ કાર્યવાહીમાં સામેલ અંબાદાસ પોટે બાદમાં ડીસીપી તરીકે નિવૃત્ત થયા હતા, જ્યારે સુધીર નિરગુડકર હાલ મેઘવાડી પોલીસ સ્ટેશનમાં વરિષ્ઠ પોલીસ નિરીક્ષક તરીકે ફરજ બજાવે છે.
એ ઘટના પછી મુંબઈ એક-બે નહીં, અનેક વખત પોલીસ ઍન્કાઉન્ટરનું સાક્ષી બન્યું હતું.
ગૅંગવૉર, ગૅંગસ્ટર, ડૉન, માફિયા, મર્ડર, સ્મગલિંગ વગેરે શબ્દો મુંબઈના દૈનિક જીવનનો હિસ્સો બની ગયા હતા. બહુ ક્રૂર સમય હતો. જોકે, આપણે ફકત ઍન્કાઉન્ટર વિશે વાત કરવાની છે અને તેની શરૂઆત મન્યા સૂર્વેથી થાય છે.
મુંબઈમાં પહેલું ઍન્કાઉન્ટર
મનોહર અર્જુન સૂર્વે ઉર્ફે મુંબઈનો એક સમયનો કુખ્યાત ગુંડો મન્યા સૂર્વે.
મન્યા સૂર્વેએ દાદરસ્થિત કીર્તિ કૉલેજમાં ઉચ્ચ અભ્યાસ કર્યો હતો અને 1970-80ના દાયકામાં મુંબઈની ગુનાખોરીની દુનિયામાં તેનો દબદબો હતો. મન્યા સૂર્વેએ દાઉદ ઈબ્રાહિમને પડકારનારા ડૉન તરીકે ખ્યાતિ કે કુખ્યાતિ મેળવી હતી.
1980ની 10 જાન્યુઆરીએ મન્યા સૂર્વે પોતાની ગર્લફ્રેન્ડ સાથે મુંબઈની આંબેડકર કૉલેજ બહારના બ્યુટી પાર્લર પાસે આવ્યો હતો.
મન્યા સૂર્વેનું ઍન્કાઉન્ટર કરી ચૂકેલા ભૂતપૂર્વ પોલીસ અધિકારી ઈસાક બાગવાને 'હિન્દુસ્તાન ટાઈમ્સ' દૈનિક સાથેની વાતચીતમાં કહ્યું હતું, "અમારે મન્યાને ખતમ કરવો ન હતો. ધરપકડ કરીને તેને ન્યાયલય સુધી પહોંચાડવો હતો, પણ એ સમયે સ્વરક્ષણ માટે અમારે ગોળીબાર કરવો પડ્યો હતો."
મન્યા સૂર્વેના આ ઍન્કાઉન્ટરને મુંબઈ સહિતનું દેશનું સૌપ્રથમ ઍન્કાઉન્ટર માનવામાં આવે છે.
1983ની બેચ
મુંબઈના ઍન્કાઉન્ટરના ઈતિહાસમાં પોલીસ અધિકારીઓની 1983ની બેચ સીમાચિહ્નરૂપ સાબિત થઈ છે.
વરિષ્ઠ પત્રકાર એસ. હુસૈન ઝૈદીએ હિન્દુસ્તાન ટાઈમ્સ દૈનિકમાં લખેલા એક લેખમાં 1983ની બેચને 'કિલર બેચ'ની ઉપમા આપી હતી. આ બેચના અધિકારીઓએ મુંબઈની ગુનાખોરીને દુનિયામાં ફફડાટ ફેલાવ્યો હતો.
ઇન્સ્પેક્ટર પ્રદીપ શર્મા, પ્રફુલ્લ ભોસલે, વિજય સાલસકર, રવીન્દ્ર આંગ્રે અને અસ્લમ મોમીન જેવા અધિકારીઓને નાસિક પોલીસ ટ્રેનિંગ સ્કૂલમાં ખાસ તાલીમ આપવામાં આવી હતી. તેમની બેચ 1984માં પોલીસ સેવામાં દાખલ થઈ હતી.
પ્રદીપ શર્માએ વિધાનસભાની ગત ચૂંટણીમાં ઉમેદવારી કરી ત્યારે બીબીસી મરાઠીએ (18 ઓક્ટોબરે) નિવૃત્ત પોલીસ ડિરેક્ટર જનરલ અરવિંદ ઈનામદાર સાથે વાતચીત કરી હતી.
એ વાતચીતમાં 1983ની બેચ બાબતે વાત કરતાં અરવિંદ ઈનામદારે કહ્યું હતું, "1990ના દાયકામાં મુંબઈમાં મોટા પ્રમાણમાં ગૅંગવૉર ફાટી નીકળી હતી."
"એ સમયે પોલીસ અધિકારીઓની ખાસ ટુકડી તૈયાર કરવામાં આવી હતી. એ ટુકડીએ સૌપ્રથમ દાઉદ ઇબ્રાહિમ પર દરોડો પાડ્યો હતો અને ત્રણ-સાડા ત્રણ કરોડ રૂપિયાનું સોનું જપ્ત કર્યું હતું. એ પછી અરુણ ગવળી, છોટા શકીલ વગેરેની ધરપકડ કરવામાં આવી હતી. એ સમયે બધા અધિકારીઓ ઉત્તમ કામ કરતા હતા."
ઈનામદારે ઉમેર્યું હતું, "એ બધા ગ્રૅટ ફાઈટર્સ હતા. તેમને તાલીમ જ એ રીતે આપવામાં આવી હતી. રમખાણો, વિસ્ફોટો, આતંકવાદી હુમલાઓ વગેરે દરમિયાન શું કરવું તે માટે તેઓ સારી રીતે પ્રશિક્ષિત અને સજ્જ હતા."
અરવિંદ ઈનામદારનું 2019ની 8 નવેમ્બરે નિધન થયું હતું.
એંસીનો સળગતો દાયકો
1983ની બેચ પોલીસ સેવામાં જોડાઈ ત્યારે અન્ડરવર્લ ડૉન દાઉદ ઇબ્રાહિમે દેશ છોડી દીધો હતો. મુંબઈ માત્ર ગૅન્ગસ્ટર્સ અને માફિયાઓ સામે ઝઝમતું હતું. 1983ની બેચના અધિકારીઓ દાઉદ ઈબ્રાહિમ, છોટા રાજન અને અરુણ ગવળીની ગૅંગો સામે લડતા હતા.
વરિષ્ઠ પત્રકાર આબિદ શેખ કહે છે, "એંસીના દાયકામાં અન્ડરવર્લ્ડનો વ્યાપ ઘણો મોટો હતો. દાઉદ ઇબ્રાહિમ, અમર નાઈક ને અરુણ ગવળીની મોટી ટોળકીઓ હતી. તેમની વચ્ચે નાણાકીય મુદ્દાસર ગૅંગવૉર ચાલતી હતી."
"આપણે જેને ઍન્કાઉન્ટર કહીએ છીએ તેનું ચલણ એ સમયગાળામાં વધ્યું હતું."
વરિષ્ઠ પત્રકાર રામ પવાર કહે છે, "એંસીના દાયકામાં ગોદી એટલે કે ડૉકયાર્ડમાં વ્યાપક દાણચોરી ચાલતી હતી. એ વખતે દુબઈનાં કપડાંની પ્રચંડ માગ હતી. કન્ટેનરો ભરીભરીને દાણચોરીનો માલ આવતો હતો. તેમાં ગુંડાટોળકીઓ બની અને તેના આર્થિક વ્યવહારમાં ગૅંગવૉરનો પ્રારંભ થયો હતો."
જોકે, એસ. હુસૈન ઝૈદી ઍન્કાઉન્ટરના સમયગાળાનું નેવુંના દાયકા પહેલાં અને પછી એમ બે ભાગમાં વિભાજન કરે છે.
બીબીસી મરાઠી સાથે વાત કરતાં ઝૈદી કહે છે, "નેવુંના દાયકા પહેલાં છૂટાછવાયાં ઍન્કાઉન્ટર થતાં હતા. એટલે કે 1982માં ઈશાક બાગવાને માન્યા સુર્વેનું ઍન્કાઉન્ટર કર્યું. 1987માં પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કાટધરેએ રામા નાઈકનું ઍન્કાઉન્ટર કર્યું અને 1987માં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઇમેન્યુઅલ અમોલિકે મહેમૂદ કાલિયાનું ઍન્કાઉન્ટર કર્યું."
1990ના દાયકા પછી અને ખાસ કરીને 1993ના બૉમ્બ વિસ્ફોટ પછી મુંબઇમાં ઍન્કાઉન્ટર સામાન્ય બાબત બની ગયાં હતાં.
1995માં પોલીસ અધિકારી આર. ડી. ત્યાગીએ ક્રાઇમ બ્રાંચ અને વિભાગીય નાયબ કમિશનરોને દરેક વિભાગમાં 10 વૉન્ટેડ ગુનેગારોની યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો.
બીજી તરફ તત્કાલીન ડીસીપી સત્યપાલસિંહ અને ડીસીપી પરમબીરસિંહે ઍન્કાઉન્ટર સ્કવૉડની રચના કરી હતી, જેમાં 1983ની બેચના ઘણા અધિકારીઓ સામેલ હતા.
એ ટુકડીનું નેતૃત્વ પ્રફુલ્લ ભોસલે, વિજય સાલસકર અને પ્રદિપ શર્માને સોંપવામાં આવ્યું હતું. આ અધિકારીઓને વધુ સત્તા આપવામાં આવી હતી અને આ ત્રણેય અધિકારીઓએ મુંબઈમાં માફિયાઓ સામે લડવાનું શરૂ કર્યું હતું.
વરિષ્ઠ પત્રકાર રામ પવારના જણાવ્યા મુજબ, ગૅંગવૉર પર પૂર્ણવિરામ મૂકવા 1993 પછી પોલીસવિભાગ અને તત્કાલીન રાજકીય નેતૃત્વએ કરેલા પ્રયાસોનું ફળ મળવા લાગ્યું હતું.
રામ પવાર કહે છે, "1998 પછી ગૅંગવૉરનું પ્રમાણ ઘટ્યું હતું ત્યાં સુધીમાં કેટલાક ગૅન્ગસ્ટર પોલીસ ઍન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા, જ્યારે દાઉદ અને છોટા રાજન જેવા ડૉન વિદેશ ભાગી ગયા હતા. જોકે, વિદેશમાં પણ તેમની વચ્ચે ગૅંગવૉર ચાલતી રહી. છોટા રાજન પર યૂકેમાં થયેલો હુમલો ગૅંગવૉરનું જ પરિણામ હતો."
'ઍન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ'
આગળ જતાં આ અધિકારીઓને 'ઍન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ' તરીકે જાણીતા થયા હતા. જોકે, મુંબઈના ભૂતપૂર્વ પોલીસ વડા જુલિયો રિબેરોના જણાવ્યા મુજબ, "પોલીસ ખાતામાં ઍન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ જેવી કોઈ વસ્તુ જ નથી હોતી. બધાને એકસરખી તાલીમ આપવામાં આવે છે."
વરિષ્ઠ પત્રકાર રામ પવાર કહે છે, "ઍન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ જેવી કોઈ વસ્તુ ભલે ન હોય, પણ આ અધિકારીઓ પાસે બાતમીદારોનું મોટું નેટવર્ક હતું. તેઓ તેનો લાભ લેતા હતા. દરેક પાસે આ પ્રકારનું નેટવર્ક નહોતું."
વરિષ્ઠ પત્રકાર આબિદ શેખ કહે છે, "ઍન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ જેવી કોઈ પદવી કે વાત પોલીસ દળમાં ન હોય, પણ સંબંધિત અધિકારીની બહાદુરીને કારણે તેમની એવી ઓળખ બની છે. આવી કામગીરી કરવા માટે મનોબળ એકદમ મજબૂત હોવું જોઈએ. મનોબળ મજબૂત હોય એ જ આવી કાર્યવાહી કરી શકે."
આબિદ શેખ ઉમેરે છે, "દરેક ઍન્કાઉન્ટરની તપાસ થતી હોય છે. એ વખતે પૂરાવા રજૂ કરવા પડે છે. પોતાનો પક્ષ રજૂ કરવો પડે છે. તેથી મજબૂત મનોબળ ન હોય તો આવી કામગીરી કોઈ કરી શકે નહીં. અન્યથા મુંબઈમાં તો આટલા પોલીસવાળા છે, બધાએ એવાં કામ કેમ કર્યાં નહીં? જે લોકો યોગ્ય હતા તેમણે જ પહેલ કરીને કાર્યવાહી કરી."
મુંબઈમાં ગૅંગવૉર ખતમ કરવામાં પ્રદીપ શર્મા, દયા નાયક, સચિન વાઝે, રવીન્દ્ર આંગ્રે અને વિજય સાલસકર જેવા મોટા અધિકારીઓએ મોખરાની ભૂમિકા ભજવી હતી.
પોલીસ અધિકારીઓ વચ્ચે આંતરિક વિખવાદ
મુંબઈમાં ઍન્કાઉન્ટરની ચર્ચા થઈ ત્યારે ઍન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ્સ વચ્ચે પણ વાદવિવાદ થયો હતો. તેમાં પ્રદીપ શર્મા અને વિજય સાલસકર વચ્ચેનો વિવાદ બહુ ગાજ્યો હતો.
થોડા દિવસ પહેલાં ટીવી 9 મરાઠી ચેનલ સાથે વાત કરતાં પ્રદીપ શર્માએ કહ્યું હતું કે "મારી અને સાલસકર વચ્ચે જામતું ન હોવાની વાત મીડિયાએ ફેલાવી હતી."
પ્રદીપ શર્માએ ઉમેર્યું હતું કે, "હકીકતમાં એવું કશું નથી. અમારી વચ્ચે ખબરીઓ બાબતે વિખવાદ થાય. તેનો ખબરી હોય તેને ટ્રૅપ કરીને મારી બાજુ વાળવાના પ્રયત્ન હું કરું. મારા ખબરીને તેની તરફ વાળવાના પ્રયત્ન એ કરે. અમારી વચ્ચે અબોલા જેવું કશું નહોતું."
પ્રદીપ શર્માએ ભારપૂર્વક કહ્યું હતું કે "શહીદ વિજય સાલસકર મારા જિગરી દોસ્ત હતા. પોલીસ પ્રશિક્ષણમાં અવટંકના પહેલા અક્ષરને આધારે કર્મચારીઓની ટુકડી બનાવવામાં આવે છે."
"તેમની સરનેમ સાલસકર અને મારી શર્મા. એ કારણે અમે 1983માં પોલીસ પ્રશિક્ષણની એક જ ટુકડીમાં હતા. અમે આખું વર્ષ સાથે રહ્યા હતા. મુંબઈ આવ્યા પછી પણ ઘણાં વર્ષો સાથે હતાં. ક્રાઈમ બ્રાન્ચમાં પણ અમે સાથે કામ કર્યું હતું. અનેક મોટી કામગીરી અમે સાથે મળીને કરી હતી."
"વિજય સાલસકર સાથે કરેલાં કામ આજે પણ યાદ આવે છે. વિજય સાલસકર ખબરીઓનું સૌથી મોટું નેટવર્ક ધરાવનાર પોલીસ અધિકારી હતા એવું હું આજે પણ માનું છું. મારા કરતાં સો ગણું મોટું નેટવર્ક તેમનું હતું."
વિવાદનું ઍન્કાઉન્ટર
ઍન્કાઉન્ટર શબ્દ જ્યાં આવે ત્યાં વિવાદ થાય જ. મુંબઈમાં અનેક ઍન્કાઉન્ટર વિવાદાસ્પદ રહ્યાં છે. તેમાં લખનભૈયા ઍન્કાઉન્ટરની ચર્ચા સૌથી વધુ થઈ છે.
2009માં રામનારાયણ ગુપ્તા ઉર્ફે લખનભૈયાની હત્યા પ્રકરણે પ્રદીપ શર્માની ધરપકડ કરવામાં આવી હતી. કૂલ 13 પોલીસ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી.
ચાર વર્ષ થાણે મધ્યવર્તી જેલમાં પસાર કર્યાં પછી 2013માં પ્રદીપ શર્માને મુક્ત કરવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્રમાં પહેલું ઍન્કાઉન્ટર અહમદનગરમાં
મન્યા સૂર્વેના ઍન્કાઉન્ટરને મહારાષ્ટ્રનું પહેલું ઍન્કાઉન્ટર માનવામાં આવે છે, પણ કેટલાક લોકો માને છે કે એવું નથી.
વરિષ્ઠ પત્રકાર આબિદ શેખ કહે છે, "મન્યા સૂર્વેનું ઍન્કાઉન્ટર મુંબઈમાં નોંધાયેલું પહેલું ઍન્કાઉન્ટર છે. મહારાષ્ટ્રમાં એ પહેલાં પણ ઍન્કાઉન્ટર થયું હતું. અહમદનગર જિલ્લાના સંગમનેરમાં કિસન સાવજી નામના ગેંગસ્ટરનું ઍન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ગિરીધર ઢુમણે સાવજીને ખતમ કર્યો હતો."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો