મુંબઈમાં જ્યારે મિલો બંધ થઈ અને મજૂરોનાં બાળકોએ અંડરવર્લ્ડની વાટ પકડી

    • લેેખક, મયંક ભાગવત
    • પદ, બીબીસી મરાઠી

કાપડ મિલોમાં ધમધમતાં મશીનો બંધ પડ્યાં હતાં, સાયરનનો અવાજ શાંત થઈ ગયો હતો, મિલોની ચીમનીમાંથી ધુમાડો નીકળવાનું બંધ થયું હતું અને ભારતનું માન્ચેસ્ટર ગણાતું મુંબઈ ભાંગી પડ્યું હતું.

કામદારોની હડતાળને કારણે મિલોને તાળાં લાગી ગયાં હતાં. લાખો કામદારો બેરોજગાર થઈ ગયા હતા. પરિવારો વિસ્થાપિત થયા હતા.

ઘરમાં પૈસા જ ન આવતા હોવાને કારણે આર્થિક બરબાદીનાં પગરણ થયાં હતાં. બેકારીના દિવસોમાં કોઈની પાસે કામ ન હતું. તેથી મિલ કામદારોનાં બાળકો આસાનીથી પૈસા મેળવવા માટે ગુનાખોરી તરફ વળ્યાં હતાં.

વરિષ્ઠ પત્રકાર પ્રભાકર પવાર કહે છે, "મિલો બંધ થવાથી કામદારોના બાળકોનું શિક્ષણ રઝળી પડ્યું હતું. બેકારી હોય ત્યારે ઘરમાં ચૂલો કેવી રીતે પેટાવવો? આ સવાલ મિલ કામદારોને અને તેમના પરિવારોને સતાવતો હતો. મિલ કામદારોનાં બાળકો ગુનાખોરી ભણી વળ્યાં તેનું મુખ્ય કારણ આ જ હતું."

મુંબઈના અન્ડરવર્લ્ડ એટલે કે અંધારી આલમમાં, મિલ કામદારોના પરિવાર સાથે સીધો સંબંધ હોય તેવા મુખ્ય બે ચહેરા હતાઃ ભાયખલાની દગડી ચાલનો અરુણ ગવળી અને દાદરનો અમર નાઈક.

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ વડા રાકેશ મારિયાએ 'લેટ મી સે ઈટ નાઉ' નામના પુસ્તકમાં લખ્યું છે, "અરુણ ગવળી અને અમર નાઈક બન્ને સામાન્ય મિલ કામદારના પરિવારનાં સંતાનો હતાં. અન્ડરવર્લ્ડમાં તેમનો ઝપાટાભેર ઉદય થયો હતો."

અન્ડરવર્લ્ડમાં ડોન બન્યા એ પહેલાં અરુણ ગવળી મુંબઈની મહાલક્ષ્મી મિલમાં કામદાર હતા.

ગુનાખોરીની દુનિયા

મધ્ય મુંબઈના પ્રભાદેવી, ચિંચપોકલી, સાત રસ્તા, માઝગાવ, દાદર, ભાયખલા અને આગ્રીપાડા જેવા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં મિલ કામદારો વસતા હતા. એ વિસ્તાર 'ગિરણગાવ' તરીકે ઓળખાતો હતો.

કાપડ મિલોમાં કર્મચારી સંગઠન સક્રિય હતાં અને કામદારોના એ યુનિયનોમાં સ્થાનિક ગુંડાઓનો દબદબો હતો. કાપડ મિલોમાં 'ભાઈગીરી'ની શરૂઆત 1980થી થઈ હતી. તેમાં આગ્રીપાડાનો ગુંડો બાબ્યા ઉર્ફે બાબુ રેશિમ મોખરે હતો.

પોલીસદળમાં 35 વર્ષ ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત આસિસ્ટંટ પોલીસ કમિશનર ઈસાક બાગવાને કાપડ મિલોમાંની આવી ભાઈગીરી અને મિલ કામદારોનાં સંતાનોનો અન્ડરવર્લ્ડમાં ઉદય પોતાની સગી આંખે નિહાળ્યો છે.

ઈસાક બાગવાન કહે છે, "બાબુ રેશિમ રાષ્ટ્રીય મિલ મજૂર સંગઠન નામના કામદાર યુનિયનમાં સક્રિય હતો. કામદારોને ધમકાવવા, હડતાળ પડાવવી વગેરે જેવી ભાઈગીરી તે કરતો હતો. બાબુ રેશિમને ભાયખલાના રમા નાઈકનો સાથ મળ્યો હતો. રમા નાઈક પણ કામદાર સંગઠનમાં સક્રિય હતો."

ગૅન્ગસ્ટર દાઉદ ઇબ્રાહીમ

આગ્રીપાડામાં બાબુ રેશિમ, ભાયખલામાં રમા નાઈક, બૉમ્બે સૅન્ટ્રલમાં વાલજી-પાલજીની ગૅન્ગ, જ્યારે રોક્સી થિયેટર પરિસરમાં નરેન્દ્ર નાર્વેકર સક્રિય હતા.

એ દાદાગીરી માત્ર કાપડ મિલો પૂરતી મર્યાદિત ન હતી. ડોક એટલે કે બંદરમાં હાજી મસ્તાન, યુસૂફ પટેલ અને કરીમ લાલા જેવા ગુંડાઓનું વર્ચસ્વ હતું. હાજી મસ્તાનનું કામકાજ ડોંગરીના દાઉદ ઇબ્રાહીમ સંભાળતા હતા.

પ્રભાકર પવારના જણાવ્યા મુજબ, "દાઉદ ઇબ્રાહીમ કોકણી મુસલમાન હતો. મરાઠીઓનાં સંતાનો કાયમ તેની આજુબાજુ રહેતાં હતાં. તેથી મિલ કામદારોનાં સંતાનો દાઉદની ટોળકીમાં કામ કરવા લાગ્યાં હતાં. પોતે ભાઈ માટે કામ કરે છે તે વાત મિલ કામદારોને સંતાનોને બહુ આકર્ષક જણાતી હતી. કાપડ મિલો બંધ થઈ ત્યાંથી 1997 સુધી મિલ કામદારોનાં સંતાનો અન્ડરવર્લ્ડમાં સક્રિય હતાં."

ગૅન્ગવૉર એટલે કે ગુંડાટોળકીઓ વચ્ચેની લડાઈમાં 1987ની પાંચમી માર્ચે બાબુ રેશિમ માર્યા ગયા હતા. એ પછી રમા નાઈક તેની ગૅન્ગનો વડો બન્યો હતો.

ભાયખલા, આગ્રીપાડા અને લોઅર પરેલ વિસ્તારમાં તેનો દબદબો વધ્યો હતો. એ વિસ્તારમાં ઘણી કાપડ મિલો પણ હતી. તેથી મિલ કામદારોનાં તરુણ સંતાનો રમા નાઈકની ગૅન્ગમાં જોડાયાં હતાં.

રમા નાઈક આગ્રીપાડા ખાતેની હાઉસિંગ બોર્ડની કૉલોનીમાં રહેતા હતા. તેમના ઘરની સામે જ મિલ કામદારોની કોલોની તરીકે ઓળખાતી દગડી ચાલ હતી. એ દગડી ચાલમાં અરુણ ગવળી નામનો એક યુવક રહેતો હતો. તેના પિતા મિલ કામદાર હતા.

ઈસાક બાગવાનના જણાવ્યા મુજબ, "એ સમયે અરુણ ગવળી ખાસ સક્રિય ન હતો. એ અન્ડરવર્લ્ડમાં સક્રિય થવાના પ્રયાસ કરતો હતો."

મુંબઈમાં એ સમયે જોરદાર ગૅન્ગવૉર ચાલતી હતી. વર્ચસ્વની એ લડાઈમાં જાહેર રસ્તાઓ પર ધોળા દિવસે રક્તપાત થતો હતો. દાઉદ અને ગવલી ગૅન્ગ વચ્ચે થતા ગોળીબારમાં મિલ કામદારોનાં સંતાનો સામેલ હતાં. એ ગૅન્ગવૉરમાં મિલ કામદારોનાં આવાં ઘણાં સંતાનો માર્યાં પણ ગયાં હતાં.

આંતરિક વેરઝેર

રમા નાઈકનું મોત પોલીસ ઍન્કાઉન્ટરમાં થયા પછી નાઈક ટોળકીના સૂત્રધાર અરુણ ગવળી બન્યા હતા. પ્રભાકર પવાર કહે છે, "એ પછી મિલ કામદારોનાં સંતાનો અરુણ ગવળીની ટોળકી માટે કામ કરવા લાગ્યાં હતાં."

ભાયખલા, આગ્રીપાડા અને સાત રસ્તા વિસ્તારમાં અરુણ ગવળીનો દબદબો વધવા લાગ્યો હતો. બીજી તરફ દાદરમાં અમર નાઈક અન્ડરવર્લ્ડમાં સક્રિય હતા. મિલ કામદારોનાં સંતાનો અમર નાઈકની ગૅન્ગમાં પણ હતાં.

ગુંડા ટોળકીઓમાં મિલ કામદારોને શું કામ સોંપવામાં આવતું હતું, એવા સવાલના જવાબમાં પ્રભાકર પવાર કહે છે, "કેટલાકને કોર્ટ પર નજર રાખવાની જવાબદારી સોંપવામાં આવતી હતી, જ્યારે કેટલાકને ચોક્કસ કામો માટે રેકી કરવાનું કામ સોંપવામાં આવતું હતું. એ લોકો ખંડણીના મૅસેજ પહોંચાડવાનું કામ પણ કરતા હતા અને મિલ કામદારોનાં એ સંતાનોમાં કેટલાક શાર્પશૂટર્સ પણ હતા."

પ્રભાકર પવારના જણાવ્યા મુજબ, અરુણ ગવળી અને અમર નાઈકે મિલ કામદારોનાં સંતાનોને ઘણાં વર્ષ સુધી સંભાળી રાખ્યાં હતાં.

અમર નાઈક અને અરુણ ગવળીની ટોળકીઓ વચ્ચેની દુશ્મનાવટ જગજાહેર હતી.

અમર નાઈકના સગાભાઈ અશ્વિનને 1994ની 18 એપ્રિલે મુંબઈની ટાડા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અશ્વિન કોર્ટની કાર્યવાહી પતાવીને બહાર નીકળ્યા ત્યારે વકીલના વેશમાં ઊભેલા એક યુવાને અશ્વિન પર ધાણીફૂટ ગોળીબાર કર્યો હતો.

ઈસાક બાગવાન ઉમેરે છે, "અશ્વિન નાઈકને કોર્ટ બહાર જેણે શૂટ કર્યો હતો એ યુવાનનું નામ રવીન્દ્ર સાવંત હતું અને તે મિલ કામદારનો જ દીકરો હતો."

જોગેશ્વરીમાં રહેતો રવીન્દ્ર સાવંત થોડા સમય પહેલાં જ અરુણ ગવળીની ગૅન્ગમાં જોડાયા હતા.

મુંબઈની વિખ્યાત ખટાઉ મિલ ભાયખલા વિસ્તારમાં હતી. તે મિલના માલિક તથા પ્રસિદ્ધ ઉદ્યોગપતિ સુનીલ ખટાઉ અને અરુણ ગવળી વચ્ચે ઘનિષ્ઠ સંબંધ હતા. રમા નાઈકના મોત પછી અરુણ ગવળીની આર્થિક તાકાત કંઈ ખાસ ન હતી.

પ્રભાકર પવાર ઉમેરે છે, "અરુણ ગવળીએ તેની ટોળકીના સંખ્યાબંધ યુવાનોને સુનીત ખટાઉ તેમની મિલમાં નોકરી આપી હતી. અરુણ ગવળીનો આર્થિક આધાર સ્તંભ ખટાઉ હતા."

એ દરમિયાન 1994ની સાતમી મેએ સુનીલ ખટાઉની જાહેર રસ્તામાં હત્યા કરવામાં આવી હતી.

અરુણ ગવળીને ખટાઉ મિલના માલિક આર્થિક પીઠબળ પૂરું પાડતા હોવાની શંકા અમર નાઈકને હતી. "તેથી અમર નાઈકે સુનીલ ખટાઉની હત્યા કરાવી હતી," એમ પ્રભાકર પવાર કહે છે.

રાકેશ મારિયાએ તેમના પુસ્તકમાં લખ્યું છે, "સુનીલ ખટાઉની હત્યા પછી હું ગિરણગાવમાંના આ લક્ષ્યહીન યુવાનો વિશે સારી રીતે જાણતો થયો હતો."

"મિલ કામદારોનાં આ સંતાનોમાં વિશ્વાસઘાત અને પોતે પીડિત હોવાની લાગણી આકાર પામી હતી. માયાનગરી તરીકે ઓળખાતા મુંબઈમાં આ યુવાનો ગુનાખોરી ભણી વળ્યા, આસાનીથી મળતા પૈસા અને ખતરનાક લાલચ ભણી તેઓ કઈ રીતે આકર્ષાયા તે મને સમજાયું હતું," એમ રાકેશ મારિયાએ તેમના પુસ્તકમાં લખ્યું છે.

મહાનગરના અન્ડરવર્લ્ડમાં ગૅન્ગવૉર ઉત્તરોતર ખતરનાક બનતી જતી હોવાથી મુંબઈ પોલીસે અમર નાઈક અને અરુણ ગવળીની ગુંડાટોળકીઓ વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી હતી.

1994ના અંત સુધીમાં તો મુંબઈ પોલીસે અમર નાઈક ટોળકીના 14 ગુંડાઓનું ઍન્કાઉન્ટર કરી નાખ્યું અને નાઈક ટોળકીનો લગભગ સફાયો કરી નાખ્યો હતો. એ પછી 1997ની મધ્યમાં અરુણ ગવળીની ટોળકીના મુખ્ય શૂટર્સને ઍન્કાઉન્ટરમાં ઠાર કરીને મુંબઈ પોલીસે ગવળી ગૅન્ગને મોટો ફટકો માર્યો હતો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો