નરેન્દ્રગીરી મૃત્યુ કેસ: ધન, પ્રતિષ્ઠા અને જમીનના સંઘર્ષનો સાધુ અખાડાઓનો ઇતિહાસ

    • લેેખક, સમીરાત્મજ મિશ્ર
    • પદ, લખનૌથી બીબીસી ગુજરાતી માટે

અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ નરેન્દ્રગીરીના સંદિગ્ધ મૃત્યુના કેસમાં તેમના વાઘંબરી મઠની જમીન સંબંધી વિવાદને મુખ્ય કારણ ગણાવવામાં આવે છે.

જોકે, સમગ્ર ઘટનાની તપાસ ખાસ તપાસ ટુકડીને સોંપી દેવામાં આવી છે.

સાધુ અખાડાઓ અને મઠોમાં જમીનનો વિવાદ એ કોઈ નવી બાબત નથી. એવા વિવાદો લાંબા સમયથી સર્જાતા રહ્યા છે. એ સિવાય જુદા-જુદા અખાડાઓ વચ્ચે પણ વિવાદો સર્જાતા રહ્યા છે.

1954માં કુંભ મેળામાં થયેલી નાસભાગ બાદ અખાડાઓ વચ્ચેના ટકરાવ તથા અવ્યવસ્થાને ટાળવા માટે અખાડા પરિષદની સ્થાપના કરવામાં આવી હતી. તેમાં સ્વીકૃતિ પામેલા તમામ 13 અખાડાના બે-બે પ્રતિનિધિ હોય છે. અખાડાઓ વચ્ચે સમન્વય સાધવાનું કામ આ પરિષદ મારફત કરવામાં આવે છે.

અખાડાઓ વચ્ચેના વિવાદો અખાડા પરિષદની રચના પછી પણ યથાવત્ રહ્યા છે, પરંતુ અખાડાઓ વચ્ચે સંઘર્ષની પરિસ્થિતિ સર્જાઈ નથી.

અખાડાઓનો તિહાસ

બૌદ્ધ ધર્મના વધતા પ્રસારને રોકવા માટે આદિ શંકરાચાર્ય દ્વારા આઠમી-નવમી સદીમાં અખાડા વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

આદિ શંકરાચાર્યે બદરીનાથ, દ્વારકા, રામેશ્વરમ અને જગન્નાથ પુરીમાં ચાર ધામની સ્થાપના કરી હતી, જે બાદમાં મઠ તરીકે ઓળખાતા થયા હતા.

સમય જતાં એ જ મઠો સાથે સંકળાયેલા 13 અખાડાની રચના થઈ હતી. એ અખાડાઓમાં સાધુ-સંતોને શાસ્ત્ર તથા શસ્ત્ર બન્નેનું શિક્ષણ તથા દીક્ષા આપવામાં આવતી હતી.

જાણકારોનું કહેવું છે કે આ અખાડાઓને સંગઠનાત્મક સ્વરૂપ આપવાનું કામ નવમી સદીમાં આદિ શંકરાચાર્યે જ કર્યું હતું. સંન્યાસીઓ તથા તેમની સાથે સંકળાયેલા અખાડાઓ તથા મઠોની પરંપરા તો ઘણી પુરાણી છે.

અલાહાબાદ યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર હેરંબ ચતુર્વેદી કહે છે, "અખાડાની પરંપરાની શરૂઆત સિકંદરના આક્રમણના સમયથી થઈ હોવાનું માનવામાં આવે છે. સર જદુનાથ સરકારે તેમના પુસ્તક 'અ હિસ્ટ્રી ઑફ દશનામી નાગા સંન્યાસીઝ'માં આ સંબંધી ઘણી બાબતોનો ઉલ્લેખ કર્યો છે. પહેલાં શિવ અને વૈષ્ણવ એમ બે જ અખાડા હતા અને એ બન્નેમાં આધિપત્ય તથા શ્રેષ્ઠતાના મુદ્દે હંમેશાં સ્પર્ધા ચાલતી રહી છે. આદિ શંકરાચાર્યે મઠોની સ્થાપના કરી એ પછી અખાડાઓનું પણ સંગઠનાત્મક માળખું તૈયાર થયું હતું."

અખાડાઓનું સંચાલન

વર્તમાન સમયમાં અખાડાઓનું સંચાલન મહામંડલેશ્વર કરે છે અને અનેક મંડલેશ્વર તેમને આધીન હોય છે.

અખિલ ભારતીય અખાડા પરિષદના મહાસચિવ મહંત હરિગીરી કહે છે, "એક અખાડો આઠ ખંડ અને બાવન કેન્દ્રોમાં વિભાજિત હોય છે. આ સંખ્યા અખાડાના કદના હિસાબે વધુ-ઓછી હોઈ શકે. પ્રત્યેક કેન્દ્રમાં એક મહંતની દેખરેખ હેઠળ ધાર્મિક ગતિવિધિ ચાલતી હોય છે."

"અખાડાની ગતિવિધિનું સંચાલન કરતી પાંચ સભ્યોની વહીવટી સમિતિની ચૂંટણી પ્રત્યેક કુંભ મેળામાં કરવામાં આવતી હોય છે. મહામંડલેશ્વર અખાડાઓના વડા હોય છે અને એમના અખાડાના પ્રતિનિધિઓ જ અખાડા પરિષદના સભ્યોની ચૂંટણી કરતા હોય છે."

મહંત હરિગિરિના જણાવ્યા મુજબ, અખાડાઓમાં સાધુઓ આસાનીથી પ્રવેશ મેળવી શકતા નથી. એ માટે તેમણે આકરી પરીક્ષામાંથી પસાર થવું પડે છે. સાધુઓને પ્રવેશ આપવા માટે અખાડાઓમાં અલગ-અલગ વ્યવસ્થા છે, પરંતુ લગભગ તમામ અખાડાઓમાં પ્રવેશ પહેલાં સાધુઓએ ચાર-પાંચ વર્ષ સુધી સેવા કરવી પડે છે. એ પછી કોઈ કુંભ મેળામાં જ તેમને દીક્ષા આપવામાં આવે છે.

અખિલ ભારતીય અખાડા પરિષદ સાથે જોડાયેલા હિન્દુ ધર્મ આ 13 અખાડા શૈવ, વૈષ્ણવ અથવા વૈરાગી અને ઉદાસીન એમ ત્રણ પંથમાં વહેંચાયેલા છે. આ સંપ્રદાયમાં પાંચેક લાખ સાધુ-સંતો હોવાનું માનવામાં આવે છે.

અખાડાઓની છાપ અને હકીકત

આ અખાડાઓ અને તેમાં રહેતા સાધુ-સંતો આધ્યાત્મિક કાર્યોમાં લીન રહેતા હોવાનું માનવામાં આવે છે, પરંતુ ઇતિહાસ જણાવે છે કે એ સાધુ-સંતોએ ઘણી વાર સશસ્ત્ર સંઘર્ષોમાં પણ ભાગ લીધો હતો.

પ્રોફેસર હેરંબ ચતુર્વેદીના જણાવ્યા મુજબ, 19મી સદીમાં કુંભ મેળા દરમિયાન પેશ્વાઓના સ્નાન પછી વિવાદનું નિરાકરણ થયું હતું અને તેથી શાહીસ્નાનને પેશવાઈ પણ કહેવામાં આવે છે.

પ્રોફેસર હેરંબ ચતુર્વેદી કહે છે, "શૈવ સંપ્રદાયના લોકો તો શરૂઆતથી જ શસ્ત્ર ધારણ કરતા રહ્યા છે. સર જદુનાથ સરકારે કુરુક્ષેત્રમાં શૈવ તથા વૈરાગીઓ વચ્ચે થયેલા સંઘર્ષનો પણ ઉલ્લેખ કર્યો છે. તેનો ઉલ્લેખ અકબરનામામાં પણ કરવામાં આવ્યો છે અને બાદશાહ અકબર ખુદ તેના સાક્ષી હતા. તેની પુષ્ટિ નિઝામુદ્દીન અહમદના પુસ્તક તબકાતે અકબરી વડે પણ થાય છે."

વાસ્તવમાં એ સમય સુધીમાં અખાડાઓ ઔપચારિક રીતે સંગઠિત થઈ ગયા હતા. એ અગાઉ પણ કર્નલ ટોડે તેમના પુસ્તક 'ઍનલ્સ ઍન્ડ ઍક્ટિવિટીઝ ઑફ રાજસ્થાન'માં નાગા સંન્યાસીઓનો ઉલ્લેખ કર્યો છે.

વિવાદ સાથે જૂનો સંબંધ

1801માં ચિત્રકૂટમાં વૈષ્ણવ અખાડાના પ્રતિનિધિઓએ આવેદન કર્યું હતું અને તેને સ્નાનની તક ક્યારે મળશે તેનો ફેંસલો પેશ્વાઓના ન્યાયાલયમાં થયો હતો.

એ પછી 1813માં ઉજ્જેનમાં યોજાયેલા કુંભ મેળાથી પેશ્વા કોર્ટના નિર્ણયને આધારે બન્ને સંપ્રદાયોના સંન્યાસીઓના સ્નાનનો ક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. શાહીસ્નાન કે પેશવાઈ શબ્દ એ પછી જ ચલણમાં આવ્યો હતો.

1954માં અખિલ ભારતીય અખાડા પરિષદના રચના થયા પછી પણ અખાડાઓની અંદર અને અલગ-અલગ અખાડાઓ વચ્ચે અનેક વિવાદો સર્જાતા રહ્યા છે, ખાસ કરીને કુંભ કે અર્ધ કુંભ વખતે.

અખાડાઓ પાસે માત્ર જમીન જ નહીં, પરંતુ મોટા પ્રમાણમાં દાન મળતું હોય એવાં કેટલાંક મંદિરોના વહીવટની જવાબદારી પણ હોય છે. સમય જતાં એ અખૂટ સંપત્તિ મઠો તથા અખાડાઓમાં વિવાદનું કારણ બનવા લાગી હતી અને સંન્યાસીઓના સંદિગ્ધ મોતના સમાચાર પણ વારંવાર આવવા લાગ્યા હતા.

અખાડાઓ પાસે દાનમાં મળેલી હજારો એકર જમીન છે. તેનો ઉપયોગ આ અખાડાઓ કમાણી માટે કરવા લાગ્યા છે. એટલું જ નહીં, અખાડાઓની જમીન પર ગેસ્ટહાઉસ, હોટલો અને એપાર્ટમેન્ટ્સ પણ બનાવી નાખવામાં આવ્યાં છે, તેમજ એ જમીનો વેચી મારવામાં આવી છે.

આર્થિક હિતની ટક્કર

મઠો અને અખાડાઓમાંના સંઘર્ષ વિશે લખનૌના વરિષ્ઠ પત્રકાર યોગેશ મિશ્રે થોડાં વર્ષો પહેલાં એક ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરી લખી હતી.

તેમના જણાવ્યા મુજબ, અયોધ્યામાં દરેક અખાડાની માલિકીનું કોઈ મંદિર કે જમીન છે અને જેની સામે કાયદાની આકરી કલમો મુજબ કેસ ન નોંધાયા હોય એવો ભાગ્યે જ કોઈ મહંત હશે. કેટલાકની સામે તો બળાત્કાર તથા હત્યા સુધીના કેસો નોંધાયેલા છે.

યોગેશ મિશ્ર કહે છે, "અખાડાઓમાં હવે કોઈ પ્રકારે લોકશાહી નથી. અગાઉ લોકશાહી હતી, પણ હવે તો મહંત ઇચ્છે તેને આગળ ગોઠવી દેતા હોય છે. અખાડાના પ્રમુખની ચૂંટણી પણ મહંત જ કરે છે."

"અખાડામાં વિવાદનાં અનેક કારણ છે. વિવાદનું પહેલું કારણ ધન-સંપત્તિ અને જમીન જ હતી, પરંતુ હવે મહંતો તથા અખાડા પ્રમુખોના રાજકારણમાં વધતા રસને કારણે તેમની વચ્ચેની પ્રતિસ્પર્ધામાં વધારો થયો છે."

"નવાસવા છોકરાઓ સાધુ-સંત બને છે અને તેમનામાં પણ, અન્ય ક્ષેત્રો જેવી જ પ્રગતિ કરવાની ઝંખના હોય છે. તેથી પ્રગતિ માટે કોઈ પણ માર્ગ પસંદ કરતાં તેઓ ખચકાતા નથી."

ધન તથા રાજકીય પ્રતિષ્ઠાની ઝંખના

ધન તથા રાજકીય પ્રતિષ્ઠા ઝંખનાને કારણે અખાડાઓમાં મહામંડલેશ્વરોની સંખ્યા પણ વધતી રહી છે અને મનફાવે તેમ મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા છે.

સચીન દત્તા નામના દારૂ તથા રિયલ એસ્ટેટના એક વ્યવસાયીને 2015માં મહામંડલેશ્વર બનાવવા બદલ નરેન્દ્રગીરી અન્ય સંતોની નારાજગીનો ભોગ બન્યા હતા. એ પછી, સચીન દત્તાને આપવામાં આવેલી મહામંડલેશ્વરની પદવી સંતોના દબાણને કારણે પાછી લેવી પડી હતી.

એટલું જ નહીં, મહામંડલેશ્વર પદ આપવાના બદલામાં લાખો રૂપિયાની લેવડદેવડના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. જોકે, તે આક્ષેપોની પુષ્ટિ અત્યાર સુધી થઈ શકી નથી.

એ વિવાદને કારણે કોઈને મહામંડલેશ્વરની પદવી આપવા માટે અખાડા પરિષદે 2017માં નવી પ્રક્રિયા બનાવી હતી અને તલસ્પર્શી તપાસ વિના કોઈને મહામંડલેશ્વરની પદવી નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

નરેન્દ્રગીરી અખાડા પરિષદના અધ્યક્ષ બન્યા એ પહેલાંથી જ તે પદ વિવાદોનું કેન્દ્ર બનેલું હતું. નરેન્દ્રગીરી પહેલાં અયોધ્યાના હનુમાન ગઢીના મહંત જ્ઞાનદાસ અખાડા પરિષદના અધ્યક્ષ હતા.

મહંત જ્ઞાનદાસના સ્થાને મહંત નરેન્દ્રગીરીને 2014માં અખાડા પરિષદના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, પરંતુ મહંત જ્ઞાનદાસે નરેન્દ્રગીરીની ચૂંટણીને હાઈકોર્ટમાં પડકારી હતી. હાઈકોર્ટે તેની સામે સ્ટે ઑર્ડર આપ્યો હતો, પરંતુ નરેન્દ્રગીરીને અધ્યક્ષ તરીકે સ્વીકારી લેવાયા હતા.

2016માં ઉજ્જૈનમાં યોજાયેલા સિંહસ્થ કુંભમાં અખાડા પરિષદના અધ્યક્ષ તરીકે નરેન્દ્રગીરીના નામ પર મહોર મારવામાં આવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો