You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખદીજા : ઇસ્લામના પ્રારંભમાં અગત્યની ભૂમિકા ભજવનાર મહિલા
- લેેખક, માર્ગરિટા રોડ્રીગ્ઝ
- પદ, બીબીસી ન્યૂઝ
ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની પયગંબર મહમદ પરની ટિપ્પણીથી વિવાદ થયો છે અને વિશ્વના મુસ્લિમ દેશો સતત વિરોધ નોંધાવી રહ્યા છે.
ત્યારે આ અહેવાલમાં જાણો કે ઇસ્લામના પ્રારંભમાં અગત્યની ભૂમિકા ભજવનાર મહિલા કોણ હતાં?
"તેમણે ખરેખર ભેદભાવોને તોડી પાડ્યાં હતાં. 1400 વર્ષ પહેલાં તેમણે જે કર્યું તે આજેય નારીઓ માટે પ્રેરણારૂપ બની શકે છે."
ઇંગ્લૅન્ડના માન્ચેસ્ટર ખાતેના ઇમામ અસદ ઝમાન ખદીજા માટે આ કહી રહ્યા છે. આજે સાઉદી અરેબિયા છે ત્યાં છઠ્ઠી સદીમાં ખદીજાનો જન્મ થયો હતો.
સમાજમાં ખદીજાનું ભારે માનસન્માન હતું. તેઓ સમૃદ્ધ વેપારી અને શક્તિશાળી બન્યાં હતાં અને અનેક ઉમરાવ તેમની સાથે શાદી કરવા માગતા હતા, પણ તેમણે પ્રસ્તાવો નકારી કાઢ્યાં હતાં.
તેમણે જોકે બે વાર શાદી કરી હતી. પ્રથમ પતિનું મૃત્યુ થયું હતું, જ્યારે બીજા પતિને તેમણે છોડી દીધા હતા એમ માનવામાં આવે છે.
તે પછી ફરીથી શાદી નહીં કરવાની તેમણે પ્રતિજ્ઞા લીધી હતી, પરંતુ એક એવી વ્યક્તિ સાથે તેમની મુલાકાત થઈ કે તેમણે પ્રતિજ્ઞા તોડીને ત્રીજી શાદી કરી લીધી.
ઝમાને બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે ખદીજાએ ત્રીજા પતિ તરીકે તે માણસને પસંદ કર્યા, કેમ કે તેમને "કેટલાક અનોખા ગુણ જોવા મળ્યા હતા અને તેના કારણે શાદી બાબતમાં તેમનો નિર્ણય બદલાયો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખદીજાએ જ તેમને પસંદ કર્યાં હતા અને તેમણે સામે ચાલીને તેમને શાદી કરવા માટે દરખાસ્ત કરી હતી.
ખદીજા ત્યારે 40 વર્ષનાં હતાં, જ્યારે તે યુવાન માત્ર 25 વર્ષના અને સામાન્ય પરિવારના જ હતા.
આ ઘટના માત્ર એક પ્રેમકહાણી નથી, પરંતુ આ પ્રેમગાથામાંથી જ જન્મ થયો હતો એક એવા ધર્મનો જેને આજે દુનિયામાં અનેક લોકો પાળે છે.
મહમદ પયગંબર બન્યા તે પહેલાં ખદીજાએ તેમની સાથે શાદી કરી હતી.
વેપારી નારી
ન્યૂ યોર્ક યુનિવર્સિટીના એન્શ્યન્ટ મિડલ ઇસ્ટર્ન હિસ્ટ્રીના પ્રોફેસર રોબર્ટ હોયલેન્ડ કહે છે કે ખદીજા વિશે સ્પષ્ટ કોઈ વિગતો મેળવવી મુશ્કેલ છે. તેનું કારણ એ કે ખદીજા વિશે તેમનાં અવસાનનાં ઘણાં વર્ષો પછી જ લખાયું હતું.
હોયલેન્ડે બીબીસી મુન્ડોને જણાવ્યું કે મોટા ભાગના ગ્રંથકારોએ વર્ણન કર્યું છે કે ખદીજા "સાહસી અને મહત્ત્વાકાંક્ષી તથા મક્કમ ઇચ્છાશક્તિ ધરાવતાં મહિલા હતાં."
દાખલા તરીકે પરિવારની ઇચ્છા પ્રમાણે તેમણે પિતરાઇ સાથે શાદી કરવાનો ઇનકાર કર્યો હતો, કેમ કે તેઓ પોતાના જીવનસાથી જાતે પસંદ કરવાં માગતાં હતાં.
ખદીજાનાં પિતા બહુ મોટા વેપારી હતા અને ખદીજાએ જ આગળ જતા પરિવારનો ધંધો વિસ્તારીને મોટું વેપારી સામ્રાજ્ય જમાવ્યું હતું.
એક યુદ્ધમાં પિતાનું મૃત્યુ થયું તે પછી ખદીજાએ પરિવારની વેપારી પેઢી સંભાળી લીધી હતી.
"ખદીજા દુનિયામાં પોતાનો રસ્તો જાતે કંડારી લેવામાં માનતાં હતાં" એમ બીબીસી ડૉક્યુમેન્ટ્રીમાં ઇતિહાસકાર બેટની હ્યુજીસે જણાવ્યું હતું.
"હકીકતમાં તેમની વેપારી કુનેહને કારણે જ આગળ જતા એવી સ્થિતિ નિર્માણ થવાની હતી, કે જેના કારણે આખી દુનિયાનો ઇતિહાસ બદલાઈ ગયો."
મહમદ બન્યા વેપારી સહાયક
મક્કાથી ખદીજા વેપાર ચલાવતાં હતાં અને તેમનો કાફલો માલસામાન લઈને મધ્ય પૂર્વના મોટા મોટા નગરો સુધી વેપાર કરવા જતો હતો.
ખદીજાનાં વેપારી કાફલા આ તરફ છેક દક્ષિણ યમન અને ઉત્તરમાં સીરિયા સુધી જતા હતા.
પરિવારનો વેપારી વારસો મળ્યો હતો, પણ ખદીજાએ પોતાની રીતે વેપારને ખૂબ સમૃદ્ધ કર્યો હતો એમ ઇંગ્લેન્ડની લીડ્સ યુનિવર્સિટીનાં ઇસ્લામિક હિસ્ટ્રીના પ્રોફેસર ફૌઝિયા બોરા બીબીસી મુન્ડોને જણાવે છે.
"તેઓ આત્મવિશ્વાસથી ભરેલાં, પોતાની રીતે સફળ થયેલાં વેપારી મહિલા હતાં."
પોતાનાં વેપારને ચલાવવા માટે ખદીજા સારા માણસોને નોકરીએ રાખતા હતા.
એક યુવાન બહુ પ્રામાણિક અને મહેનતુ છે એવું ખદીજાને જાણવા મળ્યું.
ખદીજા તેમને મળ્યાં અને એક વેપારી કાફલાને સંભાળી લેવા જણાવ્યું. થોડા જ વખતમાં આ યુવાન તેમનાં વિશ્વાસુ બની ગયા હતા.
ખદીજા તેમની કામગીરીથી એટલા પ્રભાવિત થયા કે આખરે તેમની સાથે શાદી કરી લેવાનું નક્કી કર્યું.
બોરાનાં જણાવ્યા અનુસાર અનાથ અને કાકાને ત્યાં ઉછરેલા મહમદ માટે આ શાદી ઉપકારક હતી અને તેના કારણે તેમને "સ્થિર અને આર્થિક રીતે સમૃદ્ધ જીવન પ્રાપ્ત થયું."
તેમને ચાર સંતાનો થયાં હતાં, તેમાંથી માત્ર પુત્રીઓ જ બચી હતી એમ મનાય છે.
"સામાજિક રીતે તે વખતના સમયગાળાને સમજવો જોઈએ. તે વખતે બહુપતિ-પત્નીત્વનો ચાલ હતો. મોટા ભાગના પુરુષો એકથી વધુ લગ્નો કરતા હતા, પણ તે વખતે મહમદ અને ખદીજાએ એક માત્ર જીવનસાથીથી સંતોષ માન્યો હતો" એમ મુસ્લિમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ લંડનના સભ્ય પ્રોફેસર રાનિયા હાફેઝે બીબીસીનાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું.
પ્રથમ સંદેશ અને પ્રથમ મુસલમાન
કુરેશ કબીલામાં મહંમદનો જન્મ થયો હતો અને ખદીજા પણ તે જ કૂળનાં હતાં. તે વખતે તે પ્રદેશમાં જુદાં-જુદાં કબીલા અલગ-અલગ દેવ-દેવીઓને પૂજતા હતા.
ખદીજા સાથે લગ્ન પછી મહંમદ ચિંતન-મનન સ્પિરિચ્યુઅલ બાબત તરફ વળ્યા હતા અને મક્કાની પહાડીઓમાં તેઓ મેડિટેશન કરવા માટે જતા હતા.
ઇસ્લામની પરંપરા અનુસાર મહમદને દૂત ગ્રેબિયલ તરફથી અલ્લાનો સંદેશ પ્રાપ્ત થયો હતો. દૂત ગ્રેબિયલે જ મેરીને સંદેશ આપ્યો હતો કે તમે ઈસુના માતા બનશો.
આ રીતે મુસ્લિમના પવિત્ર ગ્રંથ કુરાનનો સંદેશ તેમની મારફત ઊતરી આવ્યો.
એવું કહેવાય છે કે પ્રથમ સંદેશ મળ્યો ત્યારે આગળ શું કરવું તે મહમદ સમજી શક્યા નહોતા અને બીજાને તે જણાવ્યો નહોતો.
"તેમને જે અનુભવ થઈ રહ્યો હતો તેનું કેવી રીતે વર્ણન કરવું તે તેમને સમજાતું નહોતું. તેઓ અલ્લાહ કે એક જ દેવવાદ વિશે કોઈ જાણકારી ધરાવતા નહોતા" એમ બોરા જણાવે છે.
"તેઓ આ અનુભવોથી વિચલિત થયા હતા અને તેમને મળેલા સંદેશને કેવી રીતે સમજવો તે માટે અકળામણ અનુભવી રહ્યા હતા. અનુભવ બહુ કોમળ હતો, પણ શારીરિક રીતે તેઓ આકરો અનુભવ કરી રહ્યા હતા."
આથી મહમદે પોતાના અનુભવો કોઈ સમજી શકે તેને જણાવવાનું નક્કી કર્યું. હોયલેન્ડ કહે છે "ખદીજા એવાં હતાં કે જેમનાં પર તેઓ સંપૂર્ણ ભરોસો મૂકી શકે."
ખદીજાએ તેમને સાંભળ્યાં અને તેમને સાંત્વના આપી. ખદીજાને પણ સ્ફૂરણા થઈ કે કોઈ સારો સંદેશ મળી રહ્યો છે અને તેમને પણ તેની અનુભૂતિ થવા લાગી.
હકીકતમાં તેમણે આ બાબતને સમજવા માટે ખ્રિસ્તી ધર્મને જાણનારા એક કુટુંબીની સલાહ લીધી હતી.
આ કુટુંબ વરાક્કા ઇબ્ન નૌફલે મહમદને પ્રાપ્ત થઈ રહેલા સંદેશ મોઝેશને મળ્યા હતા તેના જેવા છે એવું જણાવ્યું હોવાનું માનવામાં આવે છે.
બોરા જણાવે છે કે "તેઓ અગાઉ લખાયેલાં ગ્રંથો જાણતાં હતાં અને તેથી આ સંદેશોની ખરાઈ તેઓ કરી શકે તેમ હતાં."
"આપણે જાણીએ છીએ કે કુરાનમાં જણાવેલા સંદેશ જ્યારે પ્રાપ્ત થયા ત્યારે મહંમદને પણ પ્રારંભમાં સંશય હતો પણ ખદીજાએ તેમને જણાવ્યું કે તમને પયંગબર તરીકે પસંદ કરવામાં આવ્યા છે" એમ હાર્વર્ડ યુનિવર્સિટીનાં પ્રોફેસર અને ઇસ્લામનાં જાણકાર લૈલા અહમદે હ્યુજીસની ડૉક્યુમેન્ટ્રીમાં જણાવ્યું છે.
પ્રથમ મુસ્લિમ
ઘણા વિદ્વાનો કહે છે કે મહમદને મળેલા સંદેશને સૌ પ્રથમ જાણનારાં ખદીજા બન્યાં હતાં તેથી તેઓ મુસ્લિમ ધર્મ અંગિકાર કરનારાં પ્રથમ મહિલા બન્યાં હતાં.
"તેમણે સંદેશમાં વિશ્વાસ મૂક્યો અને તેને સ્વીકાર્યો" એમ બોરા કહે છે.
"તેના કારણે મહંમદને પણ સંદેશમાં વિશ્વાસ બેઠો અને તેઓ અલ્લાહનો સંદેશ પ્રસરાવવા માટે પ્રેરિત થયા."
હ્યુજીસના જણાવ્યા અનુસાર કબીલાના સરદારોની અવગણના કરીને પણ પોતાનો સંદેશ જાહેરમાં જણાવવાનું મહમદે નક્કી કર્યું કે "અલ્લાહ એક માત્ર છે, અન્યની પૂજા કરવી તે ઇશ્વરનિંદા છે."
બોરાનાં જણાવ્યા અનુસાર મહમદે ઇસ્લામનો પ્રચાર શરૂ કર્યો ત્યારે મક્કામાં તેમનો વિરોધ થયો અને એક માત્ર અલ્લાહના તેમના સંદેશનો વિરોધ થયો હતો.
"જોકે ખદીજા તેમને સાથ અને સંરક્ષણ આપતાં રહ્યાં, જેની ત્યારે બહુ જરૂર હતી."
હોયલેન્ડ કહે છે કે તે વખતે મહમદ થોડા હતાશ પણ થયા હતા, કેમ કે કુટુંબના સભ્યો અને દેવી-દેવતાઓની પૂજા કરનારો વર્ગ તેમનાથી દૂર થવા લાગ્યો હતો.
આમ છતાં તેમણે દૃઢનિશ્ચય કરી લીધો અને પયગંબર તરીકે સંદેશ પહોંચાડવાની ફરજ ઉપાડી લીધી.
"આગામી 10 વર્ષો સુધી ખદીજાએ પોતાનાં પારિવારિક સંબંધો અને બધી જ ધનદૌલત પતિના ધર્મના સમર્થનમાં લગાવી દીધી. તે વખતે અનેક દેવમાં માનતા સમાજમાં એક માત્ર અલ્લાહનો સંદેશ તેમનો ધર્મ આપી રહ્યો હતો" એમ હ્યુજીસ કહે છે.
"વિલાપનું વર્ષ"
ખદીજા પોતાના જીવનનાં અંત સુધી પતિ તથા ઇસ્લામને સમર્થન આપવાં માટે બધું જ કરી છૂટ્યાં.
સન 619માં તેઓ બીમાર પડ્યાં અને અવસાન પામ્યાં. 25 વર્ષના સહજીવન પછી હવે મહમદ એકાકી થઈ ગયા હતા.
"ખદીજાના અવસાનના આઘાતમાંથી તેઓ ક્યારેય બેઠાં થઈ શક્યા નહોતા" એમ હોયલેન્ડ જણાવે છે.
"સૌથી અગત્યની વાત એ છે કે વિદ્વાનોએ ખદીજાને હંમેશાં મહમદનાં સૌથી ઉત્તમ મિત્ર કહ્યાં છે, અબુ બકર કે ઓમર જેવા ઘનિષ્ઠ સાથીઓ કરતાંય નીકટનાં સાથી કહ્યાં છે. બંને વચ્ચેનો પ્રેમાળ સંબંધ હતો."
હ્યુજીસ વધુમાં જણાવે છે કે "મુસ્લિમો આજેય તેમનાં અવસાનનાં વર્ષને વિલાપનું વર્ષ ગણાવે છે."
ખદીજાનાં અવસાનનાં થોડાં વર્ષો પછી પરંપરા પ્રમાણે મહંમદે બીજી શાદી કરી હતી.
બીબીસીનાં એક કાર્યક્રમમાં ખદીજા વિશે બાળપુસ્તક તૈયાર કરનારા વિદ્વાન લેખક ફાતિમા બર્કતુલ્લાએ જણાવ્યું કે ખદીજા વિશે હદીથમાંથી માહિતી મળે છે. હદીથમાં મહમદની જીવનકથાના પ્રસંગો નોંધાયેલા છે.
હદીથની કથા કહેનારામાં એક આયશા પણ હતાં, જેઓ મહમદના પત્ની હતાં અને ઇસ્લામમાં અગત્યનું સ્થાન ધરાવે છે.
"દેખીતી રીતે જ મહમદ પયંગબરે પ્રથમ સંદેશ વખતે શું થયું હતું વગેરેની ખદીજાની વાતો આયશાને જણાવી હતી અને આયશાએ તે કથાઓ આગળ જણાવી" એમ બર્કતુલ્લા જણાવે છે.
આયશાએ મહમદના સંદેશ પ્રાપ્ત કરવાના દિવસો જોયાં નહોતાં, પરંતુ તેમણે જે કંઈ પોતે સાંભળ્યું હતું તે મુસ્લિમોને જણાવવાની ફરજ અદા કરી છે એમ તેઓ કહે છે.
"પ્રેરણાદાયી ઉદાહરણ"
પ્રાચીન મુસ્લિમ સમુદાયમાં સ્ત્રીઓને ઘરમાં જ પુરાઈ રહેવું પડતું હતું તેવી માન્યતાને તોડવા માટે ખદીજાનો ઇતિહાસ જાણવો જરૂરી છે એમ બોરા માને છે.
મહંમદે ખદીજાને ક્યારેય તેમની પ્રવૃત્તિઓ માટે રોક્યા નહોતા. જાણકારો કહે છે કે ઊલટાનું ઇસ્લામમાં તે વખતે સ્ત્રીઓને વધારે અધિકારો અને મહત્ત્વ અપાયું હતું.
"એક ઇતિહાસકાર અને મુસ્લિમ તરીકે મારા માટે આયશા અને (મહંમદ તથા ખદીજાનાં પુત્રી) ફાતિમાની જેમ જ ખદીજા પ્રેરણાદાયી નારી છે."
"આ નારીઓ બુદ્ધિશાળી અને રાજકાજમાં સક્રિય હતી તથા ઇસ્લામના પ્રસારમાં તથા મુસ્લિમ સમાજના ઘડતરમાં અગત્યની ભૂમિકા ભજવી હતી."
"આ નારીઓ વિશે મારા વિદ્યાર્થીઓને (ઇસ્લામ પાળનારા કે અન્યોને) ભણાવવાનું મારા માટે ઉત્સાહજનક છે."
પ્રોફેસર હોયલેન્ડ થોડા વર્ષો પહેલાં પાકિસ્તાનમાં અધ્યાપન કરતાં હતાં ત્યારે તેમને પણ ખદીજા એક પ્રેરણાદાયી પાત્ર છે તેનો અનુભવ થયો હતો.
"બે વિદ્યાર્થીઓ તેમને મળ્યા હતા અને ખદીજા વિશે વધુ જાણવાં માગતાં હતાં. પોતાની રીતે વેપાર કરનારી નારી તરીકે ખદીજા તેમના માટે સશક્ત પ્રેરણાદાયી હતાં."
હ્યુજીસ જણાવે છે તે રીતે આજે ઇસ્લામમાં સ્ત્રીઓના સ્થાન વિશે જોરદાર ચર્ચા ચાલી રહી છે, કેમ કે ઘણા લોકો તેમનું શોષણ થતું હોવાનું કહી રહ્યા છે.
હ્યુજીસે વિદ્વાન મેરિયન ફ્રાન્કો-કેરાને પૂછ્યું હતું "તમે ખદીજા અને આયશા જેવા ઉત્તમ ઉદાહરણ વિશે વિચારો ત્યારે તમને શું લાગે છે, 21મી સદીમાં ઇસ્લામે જે રીતે આકાર લીધો છે તેના વિશે તેઓએ કેવી રીતે વિચાર્યું હોત?"
તેના જવાબમાં મેરિયને કહ્યું હતું કે "આજે જે રીતે પાલન થઈ રહ્યું છે તેને તેઓ સ્વીકારી શક્યાં હોત કે કેમ તેની મને ખાતરી નથી. મને નથી લાગતું કે કમરામાં પૂરાઈ રહેવાનું કહેવામાં આવે કે પોતાનાં વિચારો વ્યક્ત કરતાં અટકાવવામાં તે વાત આયશાને ગમે. તેઓ પુરુષોને શીખ આપતાં હતાં, તેમને માર્ગદર્શન આપતાં હતાં. તેઓ પોતાની વાત મૂકવાનાં જ."
"અને સામર્થ્યવાન ખદીજાને મર્યાદામાં રહેવાનું કહેવામાં આવે, તેમના વાણી, અધિકારોને અટકાવવામાં આવે તે તેઓ સ્વીકારી લે તેમ મને લાગતું નથી."
તેઓની જીવનકથા ઇસ્લામમાં સ્ત્રીના દરજ્જા વિશેની ઘણાની માન્યતા બદલી નાખે તેવી છે.
"ઇસ્લામની બહાર આપણે બહુ થોડાં લોકો આ નારીઓ વિશે જાણીએ છીએ તે આઘાતજનક છે" એમ અંતમાં હ્યુજીસ જણાવે છે.
(આ અહેવાલ ડિસેમ્બર 2020માં સૌપ્રથમ વાર પ્રકાશિત થયો હતો)
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો