ભય, કામેચ્છા અને શક્તિના આધારે ઘડાઈ હતી પૌરાણિક કથાઓ

    • લેેખક, ડેઈઝી ડ્યૂન
    • પદ, બીબીસી કલ્ચર

પ્રથમ સદીમાં બાથ શહેરના લોકો નહાવા પડ્યા અને તેમનાં વસ્ત્રો ચોરાઈ ગયાં. આવી શરમજનક સ્થિતિમાં મુકાયા પછી કોનો સંપર્ક કરવો તે તેઓ જાણતા હતા. ગરમ પાણીના ઝરા, ઠંડા પાણીના કુંડ અને રોમન ઇમારતના તરણહોજની દેવી સુલીસને શરણે જવું પડે.

શાતા આપનારી દેવી તરીકે જાણીતાં સુલીસનું મગજ બગડે ત્યારે બદલો લીધા વિના ના છોડે તેવાં નારી તરીકે પણ જાણીતાં હતાં. સુલીસના નામે બનેલા હોજમાંથી પ્રાચીન શીલાલેખો મળ્યા છે, જેમાં ચોરી કરનારા લોકોને સખત નસિયત કરવાની વિનવણી અને 100 જેટલા શ્રાપને વર્ણન છે.

બ્રિટિશ મ્યુઝિયમમાં ફેમિનાઈન પાવર નામે રજૂ થયેલા નવા પ્રદર્શનમાં સુલીસ સહિત અનેક દેવીઓને રજૂ કરવામાં આવી છે. હજારો વર્ષ દરમિયાન દુનિયાના છએ ખંડોમાં કેવી રીતે આ દેવીઓ અને નાયીકાઓને પૂજાતી રહી તેના આ પ્રદર્શનમાં પવિત્ર પ્રતિમાઓ ઉપરાંત તે વખતના સામાજિક પ્રવાહો પણ સમજી શકાય તેમ છે.

રોમન દેવી મિનરવાના દેશી સ્વરૂપ સુલીસથી માંડીને ઇજિપ્તની સેખમત અને હિન્દુ દેવી કાલીથી લઈને જાપાની કેનોન અને મેક્સિકોની કોએટ્લીક્યૂ સહિતની દેવીઓનાં સ્વરૂપો અહીં રજૂ થયાં છે.

બહુ નવાઈ લાગે એવી વાત છે કે આમાંની ઘણી દેવીઓ પરસ્પર વિરોધાભાસી શક્તિઓ માટે પૂજાતી આવી છે. સુલીસમાં શાતા આપવાની ક્ષમતા ઉપરાંત બદલો લેવાની તાકાત પણ નિહિત છે અને મેસોપોટેમિયાનાં પ્રાચીન દેવી ઇનાન્ના પણ કામ અને યુદ્ધ બંને માટેનાં દેવી ગણાય છે.

એક પ્રાચીન સૂક્તમાં તેમને મૃત્યુ પામેલાં દેવી ગણાવાયાં છે, જે યુદ્ધમાં પુરુષોને ખતમ કરી નાખીને તે પુરુષોના પરિવારમાં શોક લાવે છે. અન્ય સાહિત્યમાં ઇનાન્નાને જાતીય ફળદ્રુપતાની દેવી ગણાવાયાં છે અને તેમના આશીર્વાદ ઊતરે તેની કામેચ્છા પ્રબળ બની જાય છે. સુમેરના રાજાઓ ઇનાન્નાના આશીર્વાદ મળે તે માટે તેમની સાથે સહશયનના સપનાં જોતાં, જેથી યુદ્ધમાં તેમનું રક્ષણ મળે અને પ્રબળ કામશક્તિ પણ પ્રાપ્ત થાય.

પૃથ્વી પર સ્ત્રી અને પુરુષના ભેદ ઊભા થયા તેને પાર કરી જવામાં દેવી શક્તિમાન છે એ બાબતને કારણે જ સામાન્ય નારીની સામે તેમને પૂજ્ય ગણવામાં આવતાં રહ્યાં છે. ઇનાન્નામાં એવી તાકાત ગણાતી કે તેઓ પુરુષને સ્ત્રીમાં અને સ્ત્રીને પુરુષ બનાવી શકે છે. તેની પ્રસંશામાં ઘણી વાર એવી રીતે લખાયેલું છે જાણે ઇનાન્ના પોતે પુરુષ જ હોય.

પ્રદર્શન માટે ગેસ્ટ કન્ટ્રિબ્યૂટરોમાંનાં એક પ્રોફેસર મેરી બિયર્ડે કેટેલોગની પ્રસ્તાવનામાં લખ્યું છે કે આવી જ રીતે ડહાપણનાં ગ્રીક દેવી એથિના પણ "લડાયક મિજાજ ધરાવતાં હતાં, જે ગ્રીકની સ્ત્રીઓની માન્યતાથી તદ્દન વિપરીત હતાં".

રોમન દેવી વિનસ સમાજની સરહદોને બહુ આસાનીથી ઓળંગી જાય છે

ઇનાન્નાની જેમ જ વિનસ પણ યુદ્ધના મેદાનમાં અને શયનખંડમાં બંને જગ્યાએ પુરુષોના હૃદયમાં બિરાજમાન થયેલાં છે. મેરિ બિયર્ડ સમજાવે છે: "અચળ અને અદમ્ય એષણા અને વિનસને કારણે જ એક રીતે રોમને લશ્કરી વિજયો મળતા રહ્યા છે." જુલિયસ સિઝર વિનસના જ વારસ મનાય છે, કેમ કે વિનસના પુત્ર એનિયસના તેઓ પુત્ર છે.

ટ્રોજન યુદ્ધમાં તેઓ શરણાગતમાંથી નાયક સાબિત થાય છે અને પોતાના સિક્કામાં દેવી વિનસને સ્થાન આપે છે. આગળના શાસકો પણ પોતાની સત્તા માટે રોમન દેવીઓનો આશરો લેતા રહ્યા છે. મિનરવાની તસવીર વેલિંગ્ટન અને નેપોલિયન તેમજ રાણી એલિઝાબથ પ્રથમ સાથે દર્શાવાતી રહી છે.

ઇતિહાસમાં માત્ર મહિલાઓને શક્તિશાળી નારી પાત્રોમાં રસ પડ્યો છે અને પુરુષને નહીં તેવી માન્યતા ખોટી છે. ઇજિપ્તના 18મા રાજવંશના ફેરો આમેનહોતેપ દ્વારા સેખમતની અનેક મૂર્તિઓ તૈયાર કરાઈ હતી અને નાઈલ નદીના કિનારે પોતાના અંતિમધામ ખાતે તેને મુકાવી હતી. સેખમત દેવી પ્લેગ સહિતની આપત્તિઓ સામે રક્ષણ આપશે એવી માન્યતા હતી. આજે પણ જે દેવીઓનાં અનોખાં શિલ્પો કે ચિત્રો મળે છે તેમાંથી ઘણાં બધાં પુરુષોએ જ સર્જ્યાં હતાં.

પ્રદર્શનનાં લીડ ક્યુરેટર બેલિન્ડા ક્રેરારે બીબીસી કલ્ચરને જણાવ્યું કે, "ઘણા બધા કિસ્સામાં કોણે આ નમૂના તૈયાર કર્યા હતા તે આપણે જાણતા નથી. આપણે એવું ધારી લઈએ છીએ તે પુરુષોએ બનાવ્યા હશે, પણ તેવું જરૂરી હોતું નથી. પ્રદર્શનના પ્રથમ વિભાગમાં બર્મિંગહમમાં બનેલી બ્રોન્ઝની ડિશ છે, જેને સ્ત્રીઓએ સજાવી હતી."

ભય અને સન્માન

ઘણી દેવીઓ સ્ત્રીઓને સંતાન પ્રાપ્તી માટે આશીર્વાદ આપનારી મનાતી રહી છે, પણ કેટલીક દેવીઓને તેનાથી વિપરીત શક્તિ ધરાવનારી પણ ગણાવાઈ છે. હકીકતમાં શક્તિશાળી દેવી સ્વરૂપો સ્ત્રીઓ માટે વિમાસણ ઊભી કરી શકે તેવાં હોય છે. સુમેર સંસ્કૃતિમાં લામાસ્તુ દેવી છે, જેમનું કપાળ સિંહણનું અને જડબું ગર્દભીનું છે. આ દેવી પ્રસૂતા નારીના કમરામાં ઘૂસીને તેમનાં સંતાનોને ચોરી જતાં હોવાની માન્યતા હતી.

મેક્સિકોમાં ચિહૂઆતેતિયો (પવિત્ર નારી) પ્રસૂતા દરમિયાન મૃત્યુ પામેલાં માતાનો આત્મા મનાય છે. એવી માન્યતા છે કે આઝટેકનું નવું વર્ષ શરૂ થાય તેના પાંચ દિવસે તેઓ આવીને ઘોડિયામાંથી શીશુઓને ઉપાડી જાય છે. લિલિથને આદમનાં પ્રથમ પત્ની ગણવામાં આવે છે, જે શીશુનું અકાળે મોત અને વંધ્યત્વ લાવનારાં મનાય છે.

પ્રદર્શનમાં લિલિથનું એક ડરામણું ચિત્ર વર્તમાન કાળના કલાકાર કિકિ સ્મિથે તૈયાર કર્યું છે તે ઉપર દીવાલમાં ઉપર લગાડેલું છે. તેના તરફ જુઓ તો તેમની ભૂરી આંખો તમને ગભરાવી દે.

માનવજાત જે બાબતથી ડરતી હોય તેના પ્રતીક તરીકે આ દેવી સ્વરૂપો બન્યાં છે. એવું પણ કહી શકાય કે જીવન વિશે એક પ્રકારની અનિશ્ચિતતા હોય છે તેમાંથી પણ આ દેવીની કથાઓ બની હોય છે અને તેમાં દેવી શક્તિ નિરૂપવામાં આવી હોય છે.

પુરુષોની પૃથ્વી વિશે કલ્પનામાં દેવી શક્તિ નિહિત

ઘણી પ્રારંભિક સંસ્કૃતિમાં ધરતીને જ સ્ત્રી માનવામાં આવી છે અથવા ધરતી માતાને ફરતે ઘૂમતો ગ્રહ માનવામાં આવ્યો છે. પ્રાચીન ગ્રીક દંતકથામાં દિમેતર અને પર્સેફોનને ઋતુઓનાં દેવીઓ ગણાવાયાં છે. ભૂતળના હેડિસે પોતાની પુત્રીનું અપહરણ કર્યું છે તેની જાણ થતાં દિમેતર શોકમાં પડી જાય છે. ઊભા પાકનું તે રક્ષણ કરનારાં દેવી તરીકે તે ગણાતાં હતાં, પણ તેમના શોકને કારણે પાક નિષ્ફળ જાય છે.

પર્સેફોન દાડમના દાણા ખાઈ લે છે એટલે વર્ષના અમુક હિસ્સામાં તે અંધકારની ગર્તામાં જતાં રહે છે. તે ફરી આકાશમાં ચમકે છે ત્યારે તેમનાં માતા પણ ખુશ થઈ જાય છે અને વસંત ઋતુનું આગમન થાય છે, જેમાં ફળફૂલ ખીલી ઊઠે છે.

હિન્દુ ગ્રંથોમાં પણ શ્રીલક્ષ્મી વિશે એવું વર્ણન મળે છે કે તે રિસાઈને પૃથ્વી છોડીને જતાં રહે છે, તેના કારણે દુકાળ પડે છે.

પુરુષોએ આપણી પૃથ્વી વિશે કલ્પના કરી તેમાં દેવી શક્તિ નિહિત છે અને તેથી આવી દેવી શક્તિઓની ગાથાઓ પ્રગટી છે. હિન્દુ ધર્મમાં શિવનાં પત્ની સતી અવસાન પછી બ્રહ્માંડનો હિસ્સો બની જાય છે. તેમના શરીરનાં અંગો ધરતી પર પડે છે અને તેમાં જે સ્થળે ગુહ્ય ભાગ પડે છે ત્યાં આસામમાં કામખ્યા મંદિર બનેલું છે.

આજે પણ ચોમાસામાં અહીં ઉત્સવ મનાવાય છે. અહીં કુદરતી રીતે પ્રગટેલું ઝરણું આયર્ન ઓક્સાઇડને કારણે લાલ રંગનું થઈ જાય છે તે જોઈને શ્રદ્ધાઓનું નવાઈ પામે છે. તેના પરથી એવી માન્યતા છે કે દેવી માસિક ધર્મમાં છે.

આ દેવી પ્રતીકો પૂજા માટે માહાત્મ્ય ધરાવે છે તેની સાથે જ એવું પણ લાગે છે કે પુરુષોએ દેવી શક્તિને ઇરાદાપૂર્વક અમાનવીય તાકત ધરાવતી પણ દર્શાવી છે. કદાચ સ્ત્રી શાસનથી પૃથ્વી પર આપત્તિ આવશે એવું જણાવવા માગે છે. ઇજિપ્તનાં દેવી સેખમત જીવન આપનારાં છે, પણ સાથે જ વિનાશ કરનારાં પણ ગણાય છે. પોતાના પિતા સૂર્ય દેવતા રા સામે ધરતીવાસીઓએ બળવો કર્યો તે પછી તેમને સજા કરવા માટે સેખમતને મોકલાયાં હતાં તેવી દંતકથા પણ છે.

સેખમતને સૂચના હતી તે પ્રમાણે મનુષ્યોને સજા કરી, પણ તેની હિંસા એટલી લોહિયાળ થઈ ગઈ કે સૂર્ય દેવ રા પણ સંકોચમાં પડી ગયા અને પુત્રી સેખમતને પાછાં વળવા કહ્યું. જોકે સેખમત હવે અટકે તેમ નહોતાં અને તેમને માત્ર હવે રા જ રોકી શકે તેમ હતા. આ માટે રાએ એવું કરવું પડ્યું કે શરાબ લોહીના સ્વરૂપમાં આપવો પડ્યો, જે પીને સેખમત એટલાં નશામાં આવી ગયાં કે વધારે હિંસા કરી શક્યાં નહીં.

આજે પણ સત્તાસ્થાને રહેલી સ્ત્રીઓ માટે સન્માનની સાથે તેમના પ્રત્યે ડર પણ હોય છે. કમસે કમ તે પરંપરા તોડીને સફળ થઈ જશે તો જોખમી બની જશે એવું માની લેવાતું હોય છે. ભૂતકાળનાં આ ઉદાહરણો જોઈએ ત્યારે લાગે છે કે સ્ત્રી પાત્રો હંમેશાં અપેક્ષાથી આગળ વધવા માટે તૈયાર હોય છે. આસપાસના લોકો માનતા હોય કે નારી શું શું ના કરી શકે તે બધામાં તે ઉત્તમ સાબિત થતી હોય છે.

ડેઈઝી ડ્યૂનનું નવું પુસ્તક નોટ ફાર ફ્રોમ બ્રાઇડ્સહેડ: ઓક્સફર્ડ બિટવિન ધ વૉર્સ પ્રગટ થઈ ચૂક્યું છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો