એ મુસ્લિમ જેને 'ઇતિહાસનો સૌથી અમીર માણસ' કહેવાય છે, તેની કેટલી સંપત્તિ હતી?

સમયખંડઃ 1280-1337 , દેશઃ માલી, સંપત્તિઃ અકલ્પ્ય

'મની' મૅગેઝિનમાં 'ઇતિહાસના સૌથી અમીર માણસ'નો પરિચય આ શબ્દો વડે શરૂ થાય છે. મનસા મૂસા પ્રથમની એક ઓળખ એ પણ છે કે તેઓ ટિમ્બકટૂના રાજા હતા.

મૂસા ખનીજ પદાર્થો અને ખાસ કરીને સોનાના જંગી ભંડારના માલિક હતા ત્યારે તેમણે માલી પર શાસન કર્યું હતું. આ એ જમાનો હતો જ્યારે સમગ્ર વિશ્વમાં સોનાની માગ ટોચ પર હતી.

તેમનું અસલી નામ મૂસા કિટા પ્રથમ હતું, પણ સિંહાસન સંભાળ્યું, ત્યારથી તેઓ મનસા તરીકે ઓળખાવા લાગ્યા હતા. મનસાનો અર્થ થાય છે 'બાદશાહ.'

પશ્ચિમી આફ્રિકામાં સમાચાર સેવા આપતી બીબીસીની પિજિન ભાષાની સેવાના જણાવ્યા મુજબ, મૂસાનું સામ્રાજ્ય એટલું મોટું હતું કે તેના છેડાનો કોઈને અંદાજ ન હતો.

આજના મોરીટાનિયા, સેનેગલ, ગામ્બિયા, ગિનયા, બુર્કિના ફાસો, માલી, નાઇજર, ચાડ અને નાઇજિરિયા ત્યારે મૂસાના સામ્રાજ્યનો હિસ્સો હતાં.

મનસા મૂસાએ અનેક મસ્જિદોનું નિર્માણ કરાવ્યું હતું, એ પૈકીની ઘણી આજે પણ મોજુદ છે.

કેટલી સંપત્તિ હતી તેમની પાસે?

આજના સમયના હિસાબે મનસા મૂસાની સંપત્તિની ગણતરી કરવાનું મુશ્કેલ કામ છે, છતાં એક અંદાજ છે કે મનસા મૂસા પાસે 4,00,000 મિલિયન અમેરિકન ડૉલર જેટલી સંપત્તિ હતી.

તેની ભારતીય ચલણના સંદર્ભમાં ગણતરી કરીએ તો અંદાજે 26 લાખ કરોડ રૂપિયા થાય છે.

તમારે આને વધારે સારી રીતે સમજવું હોય તો તાજેતરના સૌથી વધારે ધનવાન ભારતીયોની યાદી જોઈ લેવી જોઈએ અને તેની સાથે મનસા મૂસાની સંપત્તિની સરખામણી કરવી જોઈએ.

મનસા મૂસાના કિસ્સા

મનસા મૂસાની સૌથી વિખ્યાત કથા તેમની મક્કા યાત્રાની છે. એ કથા 1324ની છે. તેમાં મનસા મૂસાએ 6,500 કિલોમિટરનો પ્રવાસ કર્યો હતો.

એવું કહેવાય છે કે જે લોકો મનસા મૂસાને નિહાળવા ઇચ્છતા હતા, તેઓ તેમના કાફલા પાસે પહોંચ્યા, ત્યારે અવાક્ થઈ ગયા હતા.

લોકોએ જોયું કે મનસા મૂસાના કાફલામાં 60,000 લોકો સામેલ હતા અને તેમાં 12,000 તો બાદશાહના અંગત સેવકો જ હતા.

મનસા મૂસા જે ઘોડા પર સવાર થયા હતા, તેની આગળ 500 લોકોની એક ટુકડી ચાલતી હતી અને એ ટુકડીમાં દરેકના હાથમાં સોનાની એક લાકડી હતી.

મનસા મૂસાના એ 500 સંદેશવાહકો ઉત્તમ રેશમનો પોષાક પહેરતા હતા.

મનસા મૂસાના કાફલામાં 80 ઊંટો પણ સામેલ હતાં અને એ ઊંટોની પીઠ પર 136 કિલો સોનું લાદેલું રહેતું હતું.

દાનને કારણે મોંઘવારી વધી

મનસા મૂસા એટલા ઉદાર હતા કે જેઓ ઇજિપ્તની રાજધાની કૈરોમાંથી પસાર થયા ત્યારે ત્યાંના ગરીબોને જંગી પ્રમાણમાં દાન આપ્યું હતું, પરિણામે એ વિસ્તારમાં મોટાપાયે મોંઘવારી વધી હતી.

મનસા મૂસાની આ યાત્રાને કારણે તેમની સંપત્તિના કિસ્સા યુરોપના લોકો કાન સુધી પહોંચ્યા હતા.

મનસા મૂસાની સંપત્તિ વિશે જે કહેવામાં આવે છે એ કેટલી હદે સાચું છે એ જોવા માટે યુરોપના લોકો તેમની પાસે આવતા હતા.

મનસા મૂસાના સમયના મહત્વપૂર્ણ નકશા કૈટલન ઍટલાસમાં માલી સામ્રાજ્ય અને તેના બાદશાહનું નામ સામેલ કરવામાં આવ્યું, ત્યારે મનસા મૂસા પાસે જંગી દોલત હોવાની હકીકતને સમર્થન મળ્યું હતું.

14મી સદીના કૈટલન ઍટલાસમાં એ સમયની તમામ જગ્યાઓનું વર્ણન છે, જેના વિશે યુરોપના લોકો માહિતગાર હતા.

અમીર હોવું એટલે શું?

યુનિવર્સિટી ઑફ મિશિગનના ઇતિહાસના પ્રોફસર રુડોલ્ફ વેટરે 'મની' મૅગેઝિનને જણાવ્યું હતું, "આ ઇતિહાસના એ સમયના સૌથી અમીર આદમીની વાત છે.

"તમારી પાસે અંદાજ લગાવવો મુશ્કેલ થઈ જાય એટલી સંપત્તિ હોય, ત્યારે સમજવું કે તમે અત્યંત અમીર માણસ છો."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો