કુતુબુદ્દીન ઐબક : એ 'ગુલામ' જેમણે ભારતમાં મુસ્લિમ સામ્રાજ્યનો પાયો નાખ્યો

    • લેેખક, મિર્ઝા એ.બી. બેગ
    • પદ, બીબીસી ઉર્દૂ ડોટ કૉમ, દિલ્હી

800 વર્ષ પહેલાંની આ વાત છે, જ્યારે સુલતાન મોઇઝુદ્દીન (શહાબુદ્દીન) ઘોરી અફઘાનિસ્તાનના ગઝની શહેરમાં આવેલી પોતાની રાજધાનીમાં વૈભવી મહેફિલો જમાવતા અને પોતાના સાથીઓની કામગીરી અને તેમની હોશિયારીનું પ્રશસ્તિગાન માણતા.

આવી જ એક મહેફિલ જામી હતી અને કલાકારો કલાનાં વિવિધ કરતબો દેખાડી રહ્યા હતા. ગઝલો અને નજમો સાંભળીને ખુશ થઈને સુલતાન તેમને નજરાણાં આપી રહ્યા હતા.

એ રાત્રે પણ સુલતાન ઘોરીએ સોના અને ચાંદીના સિક્કાથી દરબારીઓ અને ગુલામોને ખુશ કરી દીધા હતા. તેમાંના એક ગુલામ એવા પણ હતા, જેમણે પોતાને જે મળ્યું હતું તે સઘળું પોતાનાથી નીચેના માણસોને, તુર્કોને, નાના વેપારીઓને, નાના ગુલામોને આપી દીધું હતું.

આ વાત સુલતાનના કાન સુધી પહોંચી ત્યારે તેમને પણ થયું કે આવો ઉદાર ગુલામ કોણ છે જરા જોઈએ તો ખરા.

સુલતાનને જણાવવામાં આવ્યું કે તેમનો આ ગુલામ એટલે (કુતુબુદ્દીન) ઐબક.

ઘોરી સામ્રાજ્યના ઇતિહાસકાર, મિન્હાજ-ઉલ-સિરાજ (અબુ ઉસ્સાન મિન્હાજ-ઉદ-દીન બીન સિરાજ-ઉદ-દીન)એ પોતાના પુસ્તક 'તબકાત-એ-નાસિરી'માં પણ આ કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે.

આ ઇતિહાસકારે માત્ર ઐબકનો કાર્યકાળ નહીં, પરંતુ તેમના પછી થયેલા સુલતાન શમ્સુદ્દીન અલ-તુર્મીશ અને ગિયાસુદ્દીન બલબનનું શાસન પણ જોયું હતું.

તેમણે લખ્યું છે કે મહમદ ઘોરી ઐબકની આ ઉદારતાથી બહુ ખુશ થઈ ગયા અને પોતાના અંગત સેવક તરીકે તેમને રાખી લીધા.

ધીમે ધીમે તેમને મહત્ત્વના દરબારી કામકાજ પણ સોંપતા ગયા. આગળ જતાં સમગ્ર કારોબાર તેમને સોંપી દેવાયો. તેમની પ્રતિભા જોઈને સુલતાને તેમને અમીર અખોર બનાવ્યા હતા.

અમીર અખોર એટલે રૉયલ અશ્વદળના વડા. આ પદ બહુ અગત્યનું હતું, કેમ કે એન્સાઇક્લોપીડિયા ઑફ ઇસ્લામ (દ્વિતીય આવૃત્તિ) અનુસાર અમીર અખોરની નીચે એક હજાર ઘોડેસવાર કામ કરતા હોય. તેની નીચે ત્રણ અને તે ત્રણેયની નીચે 40-40 ટુકડીઓના આગેવાનો હોય.

કુતુબુદ્દીન ઐબક એટલે એ મુસ્લિમ સુલતાન જેમણે ભારતમાં મુસ્લિમ સામ્રાજ્યનો પાયો નાખ્યો અને તે પછી 600 વર્ષ સુધી, 1857ની ક્રાંતિ સુધી તે શાસન ચાલતું રહ્યું.

ઐબકને ભારતમાં ગુલામ વંશના સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ નઝફ હૈદર કહે છે કે તેમને કે તેમના અનુગામીને ગુલામ વંશના ન કહેવા જોઈએ, પરંતુ તુર્ક અથવા મામલુક કહેવા જોઈએ. હૈદર જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાં પ્રોફસર છે અને મધ્ય યુગના ઇતિહાસના જાણકાર છે.

દિલ્હીની જામીયા મિલિયા ઇસ્લામિયા વિશ્વવિદ્યાલયના ઇતિહાસનાં આસિસ્ટન્ટ પ્રોફેસર રહેમા જાવેદ રશિદ પણ કહે છે કે મુસ્લિમ શાસનમાં ગુલામીની પ્રથા બાઇઝેન્ટાઇનની ગુલામી કરતાં અલગ પ્રકારની હતી. અલગ અભિગમને કારણે જ એવું બન્યું છે કે ઘણા ગુલામો વારસદાર તરીકે શાસન કરતા થયા હતા.

ઇતિહાસ પર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે મહમદ ગઝનીને પોતાનાં સંતાનો કરતાં અયાજ પર વધારે હેત હતું. અલ્લામા ઇકબાલની મશહૂર નજમ 'શોકોહ' ઇસ્લામમાં ગુલામનો કેવો દરજ્જો હતો તે દર્શાવે છે.

એક હી સફ મેં ખડે હો ગયે મહમૂદ વ અયા,

ના કોઈ બંદા રહા ઔર ના કોઈ બંદા નવાજ.

(નમાજ માટે એક જ સફ (લાઇન)માં ઊભા રહ્યા મહમૂદ અને અયાજ, ના કોઈ ગુલામ રહ્યું, ના કોઈ માલિક)

રઝિયા સુલતાન અથવા બાહુબલી જેવી ફિલ્મો જોનારા સમજી શક્યા હશે કે ગુલામો અને દાસનું પણ કેટલું મહત્ત્વ હતું.

રઝિયા સુલતાનના સિદ્દી અંગરક્ષક યાકૂત અથવા બાહુબલીના કટ્ટપા એવા ગુલામ હતા, જે માલિક માટે જીવ આપી દેવા તૈયાર રહેતા હતા. બાઇઝેન્ટાઇન યુગની પણ કથા છે કે એર્તુગ્રુલ પોતે ગુલામ હતા, પણ તેમને ખાણ માલિકે છોડાવ્યા હતા અને બાદમાં તેઓ મજબૂત બન્યા ત્યારે તેમણે બીજા ગુલામોને પણ મુક્ત કરાવ્યા હતા.

નજફ હૈદર કહે છે કે એવું કહેવાય છે કે મહમદ ઘોરીને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારે કોઈ એવો પુત્ર છે જે તમારું નામ ભવિષ્યમાં ઉજાળે, ત્યારે તેમણે જવાબ આપેલો કે, 'મારે ઘણા પુત્રો છે અને તે બધા જ મારું નામ રાખે તેવા છે.'

પ્રોફેસર હૈદરનું કહેવું છે કે ઘોરી પોતાના માનીતા ગુલામો - ઇલદિઝ, ઐબક અને કબાચા વિશે આમ જણાવી રહ્યા હતા.

રહેમા જાવેદ કહે છે કે ઘોરીએ આ ગુલામો વચ્ચે કૌટુંબિક સંબંધો પણ બંધાવ્યા હતા અને ઇલદિઝનાં એક પુત્રીની શાદી ઐબક સાથે અને એક પુત્રીની શાદી કબાચા સાથે કરાવી હતી. આ રીતે તેઓ એક બીજાની સામે પડે તેના બદલે એક બીજાને સહાયક બની રહે તેવી ગોઠવણ કરી હતી.

ઑક્સફર્ડ સેન્ટર ફૉર ઇસ્લામિક સ્ટડીઝ ખાતેના સાઉથ એશિયન ઇસ્લામના પ્રોફેસર મોઇન અહમદ નિઝામીએ બીબીસીને જણાવ્યું કે ઐબકને ગુલામ વંશના સ્થાપક તરીકે નહીં, પરંતુ ભારતમાં તુર્કી અથવા મામલૂક સામ્રાજ્યના સ્થાપક તરીકે યાદ કરવા જોઈએ.

પ્રારંભિક જીવન

મોઇન અહમદ નિઝામીએ કહ્યું કે કુતુબુદ્દીન ઐબક તુર્કી કબીલા ઐબકના હતા. નાનપણમાં જ તેમને કુટુંબમાંથી અલગ કરીને લઈ જવાયા અને નેશાપુરની ગુલામ બજારમાં વેચવા મુકાયા હતા.

એક વિદ્વાન કાઝી ફકરુદ્દીન અબ્દુલ અજીજ કોફીએ તે બાળકને ખરીદ્યું અને પોતાના પુત્ર તરીકે તેમનો ઉછેર કર્યો. તેમને ભણાવ્યું અને લશ્કરી તાલીમ પણ આપી.

મિન્હાજ-ઉલ-સિરાજે પોતાના ઇતિહાસના ગ્રંથ 'તબકાત-એ-નાસિરી'માં લખ્યું છે કે ઐબકના કાજી તરીકે જે આવ્યા તે ફકરુદ્દીન અબ્દુલ અજીજ, બીજા કોઈ નહીં પણ ઇમામ અબુ હનિફાના પરિવારના હતા અને તેઓ જ નેશાપુર અને આસપાસના પ્રદેશના શાસક હતા.

તેઓ લખે છે, "કુતુબુદ્દીને કાજીની સેવા કરવા સાથે તેમના પુત્રોની સાથે જ અભ્યાસ કર્યો અને અશ્વસવારી તથા તીરંદાજી પણ શીખી. થોડા વખતમાં તે કુશળ અને બહાદુર તરીકે સ્થાપિત થઈ ગયા અને પ્રશંસા પામવા લાગ્યા હતા."

એવું કહેવાય છે કે કાજીના મૃત્યુ પછી તેમના પુત્રે ઐબકને ફરી વેચી દીધા. એક વેપારીએ તેમને ખરીદ્યા અને તેમને ગઝનીની બજારમાં લઈ આવ્યા, જ્યાં સુલતાન ગાઝી મુએઝ્ઝીન સામ (સુલતાન મહમદ ઘોરી)એ તેમને ખરીદી લીધા હતા.

તબકાત-એ-નાસિરીમાં લખ્યું છે કે ઐબકમાં બહુ આવડતો હતી અને પ્રામાણિકપણું હતું, તેમને એક શારીરિક ખામી હતી એટલે તેમને 'ઐબક શેલ' કહેવાતા હતા - એટલે કે નબળી આંગળીવાળા. તેમની એક આંગળી ભાંગી ગઈ હતી.

તુર્કી કબીલો ઐબક અને તેનો અર્થ

કુતુબુદ્દીન તુર્કી કબીલા ઐબકમાંથી હતા એવું કહેવાય છે, પણ તેમના પિતા કે તેમના કબીલા વિશે વધુ કશું જાણીતું નથી. તેમની જન્મતારીખ 1150ના વર્ષમાં નોંધાયેલી છે, પણ તેની પણ કોઈ ખાતરી નથી.

તુર્કી ભાષામાં ઐબકનો અર્થ થાય છે "ચંદ્રનો સ્વામી". ઐબક કબીલાના સ્ત્રીપુરુષો બહુ સુંદર ગણાતાં હતાં અને તેથી તેમના કબીલાને ચંદ્રનું નામ અપાયું હતું એમ મનાય છે. જોકે કુત્બુદ્દીન પોતે બહુ દેખાવડા નહોતા એમ કહેવાય છે.

જોકે જાણીતા ઉર્દૂ શાયર અસદુલ્લા ખાન ગાલિબે તેમની એક ફારસી ગઝલમાં પોતાને ઐબક અને તુર્કી ગણાવ્યા હતા અને તે રીતે ચાંદથી પણ ખૂબસૂરત હોવાની વાત કહી હતી.

"અમે તુર્કની ઐબક કબીલાના છીએ અને એથી ચાંદ કરતાંય 10 ગણા વધારે ખૂબસૂરત છીએ," એવું ગાલિબે લખ્યું હતું.

એ જ રીતે નિઝામુદ્દીન ઓલિયાના શિષ્ય અને સુપ્રસિદ્ધ શાયર અમીર ખુશરોએ પણ પોતાના વિશે શાયરી લખી હતી, તેમાં ઐબકની વિશેષતાનાં વખાણ કર્યાં હતાં.

ખુશરોએ લખ્યું હતું:

હું ક્યારેક તાતર છું, ક્યારેક સિદ્દી,

ક્યારેક ઐબક અને ક્યારેક લાછી.

ઐબક શબ્દનો ઉપયોગ પ્રિયજન માટે, પ્રતિમા માટે અને સંદેશવાહક માટે પણ પ્રયોજાતો રહ્યો છે. 13મી સદીમાં થઈ ગયેલા મશહૂર સૂફી શાયર મૌલાના જલાલુદ્દીન રુમીએ તે શબ્દનો ઉપયોગ સંદેશવાહક તરીકે પણ કર્યો છે અને તેમાંથી એક અર્થ વફાદારી એવો પણ નીકળે છે.

રુમીએ લખ્યું છે કે, 'કોઈએ કહ્યું છે કે તે સંદેશવાહકને લાવો જેથી હું અલ હસનને જવાબ આપી શકું.'

મોઇન અહમદ નિઝામી કહે છે કે ગુલામ તરીકે ખરીદવામાં આવ્યા તે પછી ઐબક તરત સૌનું ધ્યાન ખેંચવા લાગ્યા.

તેમની ચાતુર્ય અને બહાદુરીને કારણે તેમના પર મોઇઝુદ્દીનનું ધ્યાન પડ્યું.

નિઝામીના જણાવ્યા અનુસાર મહમદ ઘોરીએ ભારત પર આક્રમણ કર્યું એ સમય સુધીમાં ઐબક અમીર-એ-આખુર બની ચૂક્યા હતા. આ હુમલા વખતે લડાયેલા દ્વિતીય તરાઈના યુદ્ધમાં ઐબકે ભારે બહાદુરી બતાવી હતી અને યુદ્ધમાં સુલતાન ઘોરીનો વિજય થયો હતો. તે પછી ઐબકને કહરામ અમને સમાના એ થાણાના સૂબા બનાવાયા હતા.

પ્રથમ તરાઈના યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણ સામે મહમદ ઘોરી હારી ગયા હતા. પરંતુ તરાઈનનું બીજું યુદ્ધ ઘણી બધી રીતે નિર્ણાયક સાબિત થયું.

પ્રથમ યુદ્ધમાં હારી ગયા પછી એક વર્ષ પછી ઘોરીએ ફરીથી આક્રમણ કર્યું હતું. આ વખતે તેમની સાથે અફઘાન, તાજિક અને તુર્કોનું એક લાખથી વધુ સૈનિકોનું લશ્કર હતું.

મુલતાન અને લાહોર થઈને તેઓ તરાઈ પહોંચ્યા હતા. (આ વિસ્તાર અત્યારે હરિયાણામાં કર્નાલ નજીક આવેલો છે અને તરોરી તરીકે જાણીતો છે.) આ જગ્યાએ 3,000 હાથી સાથે ચૌહાણે સામનો કર્યો હતો અને ભયંકર યુદ્ધ ખેલાયું હતું.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ભૂતપૂર્વ ઇતિહાસકાર અને જાણીતા પ્રોફેસર મહમદ હબીબ અને ખાલિક અહમદ નિઝામી કહે છે કે સૈનિકો અને હાથીઓની સંખ્યાની બાબતમાં અતિશયોક્તિ કરવામાં આવી હતી. આ બંને લેખકોએ એ કોમ્પ્રિહેન્સિવ હિસ્ટરી ઑફ ઇન્ડિયા પુસ્તક લખ્યું છે અને તેમનું કહેવું છે કે આવી રીતે સંખ્યા વધારીને જણાવાતી રહી છે.

દ્વિતીય તરાઈ યુદ્ધ (1192)માં આ વખતે મહમદ ઘોરીએ અલગ યુદ્ધ રચના અપનાવી. તેમણે પોતાની સેનાને પાંચ ભાગમાં વહેંચી નાખી અને જુદી જુદી જગ્યાએ ગોઠવી દીધી.

તે પછી 12,000 સૈનિકો સાથે આગળ આક્રમણ કરવામાં આવ્યું. તેનો સામનો પૃથ્વીરાજની સેના સામે થયો અને તેમણે પીછેહઠ કરી. પૃથ્વીરાજ ચૌહાણ અને તેની ટુકડીએ ભાગતાં સૈનિકોનો દૂર સુધી પીછો કર્યો.

પરંતુ હવે વ્યૂહરચના પ્રમાણે ચાર બાજુએ ગોઠવી દેવાયેલી ઘોરીની ટુકડીઓ આગળ આવીને ચૌહાણની ટુકડીને ચારે તરફથી ઘેરી લીધી. આ રીતે ઘેરો ઘલાયો તે સાથે હવે ભાગી રહેલી ઘોરીની સેના પણ અટકી અને આક્રમણ કરવા આગળ આવી.

એવું કહેવાય છે કે આ રીતે ઘેરાઈ ગયા પછી પૃથ્વીરાજ ચૌહાણ હાથી પરથી ઊતરીને એક અશ્વ પર સવાર થઈ ગયા હતા અને તે રીતે ઘેરામાંથી નીકળી શક્યા હતા.

મોઇન અહમદ નિઝામીના જણાવ્યા અનુસાર આ યુદ્ધને કારણે ઐબકની સત્તા જામવાની શરૂ થઈ. તેઓ સૂબા બન્યા અને આગળ જતાં 1206માં મોઇઝુદ્દીન ઘોરીના અવસાન પછી દિલ્હીના સુલતાન પણ બની ગયા.

લાહોરમાં રાજ્યાભિષેક

ઇતિહાસકારો એ વાતે સહમત છે કે સુલતાન મહમદ ઘોરીનું અચાનક મોત થયું એટલે પોતાના ઉત્તરાધિકારી નક્કી કરવાનો સમય મળ્યો નહોતો. તેના કારણે વારસા માટે લડાઈ ચાલતી રહી. તેમની વચ્ચે દરબારમાં સૌથી ઊંચું પદ ધરાવતા ઐબકે મોકો જોઈને પોતાની ચાલાકી અને હોશિયારીથી સત્તા હાંસલ કરી લીધી.

ઘોરીના અવસાન પછી તેનું સ્થાન લેવા માટે ત્રણ દાવેદાર હતા - દિલ્હીના સૂબા તરીકે રહેલા કુતુબુદ્દીન ઐબક, મુલતાનના સૂબા નસીરુદ્દીન કબાચા, અને ગઝનીના સૂબા તાજુદ્દીન ઇલદિઝ.

આ ત્રણેય વચ્ચે ઘર્ષણ ચાલતું રહ્યું. રહેમા જાવેદ કહે છે એક ચોથા ગુલામ પણ સ્પર્ધામાં હતાં, જેમનું નામ હતું બખ્તિયાર ખીલજી. પણ તેમણે આ લડાઈમાં પડ્યા વિના બિહાર અને બંગાળ તરફ જતા રહેવાનું નક્કી કર્યું અને પોતાને ત્યાંના સુલતાન જાહેર કરી દીધા.

આ બાજુ ઐબક હરીફોને પહોંચી વળ્યા અને 25 જૂન, 1206ના રોજ લાહોરના કિલ્લામાં તખ્તનશીન થયા. જોકે ઐબકે સુલતાન તરીકેનો ખિતાબ ના લીધો કે પોતાના નામે સિક્કા પણ બહાર ના પાડ્યા કે પોતાનો ખુતબો પણ બહાર ના પાડ્યો.

આ વિશે સમજાવતા મોઇન અહમદ નિઝામી કહે છે કે આવું ના કરવામાં આવ્યું, કેમ કે હજી તેમનો દરજ્જો ગુલામ તરીકેનો હતો. ગુલામ તરીકે તેમને મુક્તિ નહોતી એથી સુલતાન તરીકે તેમનો સ્વીકાર થવો મુશ્કેલ હતો.

જોકે 1208માં ઐબકે ગઝની શહેરની મુલાકાત લીધી હતી. ગઝનીમાં 40 દિવસ રહ્યા પછી ઐબક પરત ફર્યા, પણ તે પછી મહમદ ઘોરીના એક વારસદારે પોતાને સુલતાન તરીકે 1208-09માં જાહેર કરી દીધા. ઇતિહાસકારો કહે છે કે આ થયા પછી ઐબકે નક્કી કર્યું અને પોતાનું નામ બદલીને કુત્બુદ્દીન (ધર્મની ધરી) કર્યું.

પોતાના માલિક મહમદ ઘોરીની જેમ જ ઐબકે રાજ્યનો વિસ્તાર કરવાની નીતિ અપનાવી. 1193માં ઘોરીએ અજમેર જીતી લીધું હતું. તેની આસપાસનાં ચાર હિન્દી રાજ્યો સરસ્વતી, સમાના, હાંસી અને છેલ્લે કનૌજના રાજા જયચંદને હરાવ્યા હતા.

ચંદવારના યુદ્ધમાં જીત મેળવીને દિલ્હી કબજે કર્યું. આ રીતે એક વર્ષમાં ઘોરીએ રાજસ્થાનથી ગંગા જમના તટપ્રદેશ સુધીનાં રાજ્યોને કબજે કરી લીધાં હતાં.

આ પછી ઐબકે બીજા પ્રદેશો જીતી લેવાનું શરૂ કર્યું હતું. મિન્હાજ-ઉલ-સિરાજમાં લખ્યું છે કે "કહરામથી કુતુબુદ્દીન મેરઠ તરફ આગળ વધ્યા અને 587 AH (હિજરી પછી)માં તે જીતી લીધું. 588 AHમાં દિલ્હી પર કબજો કર્યો અને 590 AHમાં સુલતાન તરીકે સ્થાપિત થયા. 591 AH થાનકર પણ જીતી લીધું. આ રીતે છેક ચીનની સરહદ સુધી તેનું સામ્રાજ્ય વિસ્તરી ગયું હતું.

અજમેરમાં ઇમારતો અને દિલ્હીમાં કુતુબમિનાર

મધ્ય યુગના મુસ્લિમ સુલતાનોની જેમ ઐબકને સ્થાપત્યમાં રસ હતો. તેથી દિલ્હીમાં 1199માં (કુતુબ) મિનાર ચણવાનું શરૂ કર્યું હતું. ભારતમાં ઘોરી સામ્રાજ્યની સફળતાનાં ચિહ્ન તરીકે તેનું બાંધકામ શરૂ થયું હતું. આવા જ મિનારા ગઝનીમાં પણ હતા. ઘોર પ્રાંતમાં હરી નદીના કિનારે જામ મિનાર બનેલા હતા.

કુતુબમિનાર ઉપરાંત અજમેરની જીત પછી ત્યાં કુત્તુલઇસ્લામ મસ્જિદનો પાયો નાખ્યો હતો. આને અઢી દિવસની ઝૂંપડી પણ કહે છે. માત્ર અઢી દિવસમાં મસ્જિદ તૈયાર કરી લેવામાં આવી હતી.

જોકે બાદમાં હેરાતના સ્થપતિ અબુ બક્રે નકશો તૈયાર કર્યો હતો અને તે રીતે ઇન્ડો-ઇસ્લામિક સ્ટાઇલમાં 1199માં મસ્જિદ ચણવામાં આવી હતી. આ સ્થાપત્યનો તે સૌથી પહેલો માસ્ટર પીસ ગણાય છે.

દિલ્હીમાં કુતુબુદ્દીને શરૂ કરેલો કુતુબમિનાર તેના પછી આવેલા શમસુદ્દીન અલ-તુર્મીશના વખતમાં પૂરો થયો હતો. આ દુનિયાનો સૌથી ઊંચો, પાંચ માળનો ઈંટોનો બનેલો ટાવર છે અને તેના પર કુરાનની આયાતો કોતરેલી છે. તેની બાજુમાં જ ઐબકે કુત્બુલઇસ્લામ મસ્જિદ ચણાવી હતી, જે આજે પણ કુતુબમિનારની બાજુમાં જોવા મળે છે.

ઇતિહાસકાર રહેમા જાવેદે બીબીસીને જણાવ્યું કે ફારસી સ્રોતોમાં આ મસ્જિદને જામા મસ્જિદ કહેવામાં આવે છે. પણ તે મસ્જિદ કુત્બ-ઉલ-ઇસ્લામ છે એટલે કે ઇસ્લામના આશરે અથવા તો ઇસ્લામનો ગુંબજ. જોકે સર સૈયદ અહમદ ખાને પોતાના પુસ્તક 'અથર-ઉલ-સનાદીદ' તેને કુત-ઉલ-ઇસ્લામ મસ્જિદ તરીકે ઓળખાવે છે.

રહેમા જાવેદ રશિદ કહે છે કે મોંગોલે ઇસ્લામી સામ્રાજ્યો પર હુમલા કરીને તેનો કબજો કરી લીધો હતો. પરંતુ ભારતમાં રહેલું મુસ્લિમ સામ્રાજ્ય સલામત હતું અને તેથી દુનિયાભરના ઇસ્લામી વિદ્વાનોએ અહીં આશરો લીધો હતો.

અહીં સચવાયેલું સાહિત્ય મિન્હાજ-ઉલ-સિરાજને અપાયું હતું. દિલ્હીને તેથી જ કબાત-ઉલ-ઇસ્લામ (ઇસ્લામનું અભયારણ્ય) કહેવાય છે.

મસ્જિદને ઇન્ડો-ઇસ્લામિક સ્થાપત્ય પ્રમાણે તૈયાર કરવામાં આવી હતી અને ભારતીય કારીગરોએ તેના પર કોતરણી કરી હતી. આ કારીગરો અરબી જાણતા નહોતા, પણ કોતરણીકામમાં કુશળ હતા. તેમાં જૈન મંદિરોના અવશેષોનો પણ સ્તંભ તરીકે ઉપયોગ થયેલો છે.

જોકે તેના પરની મૂર્તિઓને તોડી નાખવામાં આવી હતી. આ મસ્જિદનું બાંધકામ પણ શમસુદ્દીન અલ-તુર્મીશના રાજમાં પૂરું થયું હતું.

પોલોની રમતમાં મોત

1208-09માં સુલતાન બની ગયા પછીય ઐબક મોટા ભાગનો સમય લાહોરમાં વિતાવતા હતા. ચોમાસાની વિદાય પછી શિયાળો બેસી ગયો હતો અને નવેમ્બર મહિનામાં એક દિવસે પોતાના સેનાપતિઓ અને સૈનિકો સાથે પોલોની રમત રમી રહ્યા હતા. તેમાં ઘોડાનું પેગડું તૂટી ગયું અને તે નીચે પડી ગયા.

મિન્હાજ-ઉલ-સિરાજમાં આ ઘટનાનું કંઈક આ રીતે વર્ણન કરવામાં આવ્યું છે : "607 AH (1210)માં આખરે મોત આવ્યું અને ચોગાનમાં તેઓ ઘોડા પરથી પડી ગયા. અશ્વ તેમની માથે પડ્યો હતો. પેંગડાની અણી કુત્બુદ્દીનની છાતીમાં ઘૂસી ગઈ હતી અને તેમનું અવસાન થયું.''

કુતુબુદ્દીનની દફનવિધિ લાહોરમાં જ થઈ હતી, જ્યાં આજે પણ તેમનો મકબરો છે. દર વર્ષે ત્યાં ઉર્સ મનાવવામાં આવે છે.

લાખ બક્ષ

મોઇન અહમદ નિઝામી જણાવે છે કે "તે વખતના અને બાદમાં આવેલા બધા ઇતિહાસકારોએ ઐબકની લશ્કરી કુશળતા અને બહાદુરી ઉપરાંત તેની વફાદારી, ઉદારતા, હિંમત અને ન્યાયનાં વખાણ કર્યાં છે."

ઐબકને લાખ બક્ષ તરીકે ઓળખવામાં આવતા હતા, કેમ કે તેઓ લાખ રૂપિયાની ચાંદી દાનમાં આપતા હતા. દખ્ખણમાં પણ તેમની ખ્યાતિ પહોંચી ગઈ હતી. 17મી સદીના એક પ્રવાસીએ વર્ણન કર્યું છે કે દખ્ખણમાં ઉદાર લોકોને ઐબક તરીકે ઓળખવામાં આવતા હતા.

એવું પણ કહેવાતું કે દિલ્હીમાં કોઈ એવું નહોતું જેને ઐબકની ખેરાત ના મળી હોય. એવું મનાય છે કે તેમણે કુરાન મોઢે કરી લીધું હતું અને એટલી સારી રીતે આયતો પઢતા હતા કે તેમને કુરાનના પઠન કરનાર તરીકે ઓળખાવવામાં આવતા હતા.

જોકે ઐબકના ત્રાસને પણ કોઈ પણ પહોંચી વળે તેમ નહોતું. આથી જ મોઇન અહમદ નિઝામી કહે છે કે આમ છતાં ઐબકને ઉદાર સુલતાન ગણાતા હતા તે ખરેખર પ્રસંશા કહેવાય, કેમ કે બીજા કોઈ સુલતાનની ઉદારતા માટે વખાણ થયાં નથી.

કુતુબુદ્દીન ઐબક સતત યુદ્ધો લડતા રહ્યા અને છતાં ઇતિહાસમાં તેઓ પોતાની છાપ ઉદારતા અને ન્યાયપ્રિયતાના પ્રતીક તરીકે છોડતા ગયા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો