લાલ કિલ્લો : મુઘલકાળથી સત્તાનું કેન્દ્ર ગણાતા કિલ્લાનું મહત્ત્વ અને ઇતિહાસ

    • લેેખક, જયદિપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

પ્રજાસત્તાકદિવસે આંદોલનકારી ખેડૂતોએ લાલ કિલ્લા તરફ કૂચ કરી અને તેની પર કબજો જમાવી લીધો. અહીં તેમણે ખેડૂત આંદોલનનો ઝંડો અને 'નિશાન સાહિબ ઝંડો' ફરકાવ્યો.

આંદોલનકારીઓના આ પગલાને દિલ્હી પોલીસની નિષ્ફળતા તરીકે જોવામાં આવે છે અને સમગ્ર હિંસાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.

લાલ કિલ્લાનું ઐતિહાસિક મહત્ત્વ હોવા ઉપરાંત લગભગ 450 વર્ષથી દેશમાં 'સત્તાના કેન્દ્ર' તરીકે સાંકેતિક મહત્ત્વ પણ રહેલું છે. દર વર્ષે સ્વતંત્રતાદિવસે દેશના વડા પ્રધાન કિલ્લા પર ધ્વજારોહણ કરીને ત્યાંથી દેશને સંબોધિત કરે છે.

1649માં મુઘલ બાદશાહ શાહજહાંએ તેનું નિર્માણ કરાવ્યું હતું. દિલ્હી સાતમી વખત શહેર તરીકે વિકસ્યું, ત્યારે તેના કેન્દ્રમાં લાલ કિલ્લો હતો.

લાલ કિલ્લો એ મુઘલ સામ્રાજ્યના સાંસ્કૃતિક વૈભવ, સ્થાપત્યની ભવ્યતા અને શક્તિનો સાક્ષી છે, તો તે રાજકીય કાવતરાં, પ્રેમ, વૈભવ-વિલાસ અને પતનનું પ્રતીક પણ છે. 1857થી અંગ્રેજશાસન વિરોધી ચળવળનું પ્રતીક પણ રહ્યો છે.

કિલ્લો : કલાનું કૌશલ્ય

ઇતિહાસકાર રાણા સફાવી પોતાના પુસ્તક 'સિટી ઑફ માય હાર્ટ'માં લખે છે, "ફેબ્રુઆરી 1628માં શાહજહાંએ આગ્રામાં બાદશાહ તરીકેનો પદભાર સંભાળ્યો. અહીંથી તેમના પિતા અને દાદા શાસનની ધૂરા સંભાળતા, પરંતુ શાહજહાંને આગ્રાનો કિલ્લો અને ત્યાંની ગલીઓ સાંકળાં લાગતાં હતાં."

"આથી શાહજહાંએ દિલ્હીમાં યમુના નદીના કિનારે નવો કિલ્લો બાંધવાનું નક્કી કર્યું, જે આગ્રાના કિલ્લા કરતાં બમણો અને લાહોરના કિલ્લા કરતાં અનેકગણો મોટો હોય."

કેટલાકના મતે પ્રિય પત્ની મુમતાઝના અવસાન બાદ આગ્રા પરથી શાહજહાંનો મોહ ઊતરી ગયો હતો. શાહજહાંની આત્મકથા 'પાદશાહનામા'ને ટાંકતા સફાવી લખે છે કે હિંદુ જ્યોતિષો તથા મુસ્લિમ હાકેમોની સલાહથી ફિરોઝશાહ કોટલા તથા સલીમગઢ (16મી સદીમાં ઇસ્લામશાહ સૂરી દ્વારા સ્થાપિત કિલ્લા)ની વચ્ચેની જગ્યા પસંદ કરવામાં આવી.

29મી એપ્રિલ 1639ના દિવસે શાહજહાંએ નવા કિલ્લાનું નિર્માણ કરવાના આદેશ આપ્યા. એજ વર્ષે 12મી મેથી કિલ્લાનું નિર્માણકાર્ય શરૂ થયું. આ અરસામાં કિલ્લાની ફરતે નવા શહેર શાહજહાંબાદ વસાવવાના આદેશ આપ્યા.

શાહજહાંએ તેમનાં પત્નીઓ, પુત્ર-પુત્રીઓ તથા ઉમરાવોને શહેરમાં ઘર, મસ્જિદો તથા બગીચાં બનાવવાં પ્રોત્સાહિત કર્યાં. શાહજહાંનાં પુત્રી જહાંઆરાએ ચાંદની ચોક બજારનું આયોજન કર્યું અને નિર્માણ કરાવ્યું.

આ સિવાય મુલાકાતીઓ માટે બેગમ સરાઈ (ગલી)નું નિર્માણ કરાવ્યું, હાલ ત્યાં દિલ્હીનું ટાઉનહૉલ આવેલું છે.

શાહજહાંના દીકરા દારા શિકોહનું રહેઠાણ નિગમબોધ ઘાટ ઉપર હતું, જ્યાં આજે સ્મશાનગૃહ આવેલું છે.

તા. 15 જૂન, 1648ના દિવસે બાદશાહ 'કિલ્લા-એ-મુબારક'માં પ્રવેશ્યાં. આ કિલ્લા માટેના લાલ પથ્થર ફતેહપુર સિકરી પાસેની ખાણોમાંથી જળમાર્ગે દિલ્હી લાવવામાં આવ્યા હતા, તેથી તેને 'લાલ કિલ્લા' તરીકે પણ ઓળખવામાં આવે છે.

શાહજહાંના શાસનકાળને 'મુઘલકાળનો સુવર્ણયુગ' કહેવામાં આવે છે. ઉસ્તાદ અહમદ લાહોરીએ તાજમહલની ડિઝાઇન તૈયાર કરી હતી અને નવનિર્મિત શાહહજાંબાદના પાયામાં પણ તેઓ જ હતા.

આ ઇમારત ઉપર ફારસી, ઇસ્લામિક, મુઘલ તથા હિંદુ સ્થાપત્યકલાનો પ્રભાવ જોવા મળે છે, જેણે બાદમાં રાજસ્થાન, દિલ્હી તથા આગ્રામાં અનેક ઇમારતો તથા બગીચાંની ડિઝાઇનને પ્રભાવિત કર્યાં.

આ ગાળા દરમિયાન લાલ કિલ્લાના 'દિવાન-એ-આમ'માં બાદશાહ સામાન્ય જનતાને મળતા અને તેમની મુશ્કેલીઓને સાંભળતા તથા 'દિવાન-એ-ખાસ'માં તેઓ પ્રધાનો, ઉમરાવો અને સુબેદારોને મળતા હતા. અહીંથી દેશનું શાસન ચાલતું હતું.

દારા શિકોહ મુઘલ શાસક શાહજહાંના સૌથી મોટા દીકરા હતા અને તેઓ સામ્રાજ્યના વારસ પણ હતા. શાહજહાં તેમને ખૂબ ચાહતા હતા. તેમણે અન્ય દીકરાને છેવાડાના વિસ્તારો પર શાસન કરવા માટે મોકલ્યા હતા, પરંતુ દારા શિકોહને બે કરોડ રૂપિયાનું વર્ષાસન આપીને પોતાની નજીક રાખ્યા હતા.

રાજકીય કાવતરાઓનો સાક્ષી

એક તરફ, દારા શિકોહ ધાર્મિક પુસ્તકોનો અનુવાદ કરાવીને, ધર્મના રહસ્યોને સમજીને ખુદને 'આદર્શ શાસક' તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યસ્ત હતા તો બીજી બાજુ, ઔરંગઝેબ શાહી તખત ઉપર દાવેદારી માટે ખુદને મજબૂત કરી રહ્યા હતા, તેઓ પોતાનું પ્રભાવક્ષેત્ર વિસ્તારી રહ્યા હતા.

બર્કલે યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રાધ્યાપક મુનિશ ફારુકીના મતે, "1657માં શાહજહાંની બીમારીને કારણે સત્તાનો શૂન્યાવકાશ સર્જાયો. સ્થિતિનો લાભ ઉઠાવતા ઔરંગઝેબે એક ચાલ ચાલી. તેઓ ભાઈ દારા શિકોહને સૈન્ય બાબતોમાં અણઘડ માનતા હતા. તેઓ માનતા કે તે અન્ય ધર્મોમાં રસ લેવાને કારણે તેઓ ધર્મત્યાગી થઈ ગયા છે, એટલે તે રાજ કરવાને કાબેલ નથી."

સત્તાની સાંઠમારી બંને ભાઈઓને મેદાન-એ-જંગ સુધી ખેંચી ગઈ. જૂન-1659માં આગ્રા પાસે સામૂગઢ ખાતે બંને ભાઈઓની સેના સામસામે આવી ગઈ. અપેક્ષા મુજબ જ આ લડાઈ લાંબી ન ચાલી અને દારા શિકોહનો પરાજય થયો.

અફઘાન સરદાર મલિકે દારાને બચાવવાનું વચન આપ્યું હતું, પરંતુ તેનું રક્ષણ કરવાના બદલે મલિકે તેમને ઔરંગઝેબને સોંપી દીધા.

આઠમી સપ્ટેમ્બર 1659ના દિવસે લાલ કિલ્લા તરફ જતા દિલ્હીના રસ્તાઓ ઉપર મોટી ભીડ ઊમટી પડી હતી.

લોકો સલ્તનતના શાહજાદા દારા શિકોહને જોવા માટે એકઠા થયા હતા. દારા ચારેય બાજુ મુઘલ સૈનિકોથી ઘેરાયેલા હતા.

આ કોઈ વિજયસરઘસ ન હતું, પરંતુ સરાજાહેર અપમાન હતું. દારા અને તેમના દીકરાને માંદલા હાથી ઉપર બેસાડવામાં આવ્યા હતા. આ ઘટનાક્રમ અંગે ઇટાલિયન મુસાફર નિકોલો મનૂચી પોતાના પુસ્તક 'સ્ટોરિયા દો મોગોર'માં લખે છે:

"હિંદુસ્તાનના શાહજાદાએ પહેરી હોય તેવી મોતીઓની સુંદર માળાઓ તેના ગળામાં ન હતી. તેના માથા પર પાઘડી ન હતી અને કોઈ સામાન્ય માણસ પહેરે એવી કાશ્મીરી શાલ તેના માથે વિંટાળવામાં આવી હતી."

"તેમની પાછળ ખુલ્લી તલવારે એક સિપાહી પણ ચાલી રહ્યો હતો. તેઓ જો ભાગવાની કોશિશ કરે તો તેમનું માથું ઘડથી અલગ કરી દેવાનો હુકમ હતો."

બહુ જ ટૂંક સમયમાં ધનવાન, તાકતવર અને વિખ્યાત શાહજાદા દારા શિકોહ ચીંથરેહાલ થઈ ગયા હતા.

ઔરંગઝેબના દરબારમાં દારા શિકોહની સુનાવણી થઈ અને દરબારે લગભગ સર્વાનુમતે તેમને મૃત્યુદંડની સજાની ભલામણ કરી અને બીજા જ દિવસે તેમના સરને ધડથી અલગ કરી દેવામાં આવ્યું. તેમનું સર ઔરંગઝેબને પેશ કરવામાં આવ્યું.

દારા શિકોહના ધડને દિલ્હીમાં હુમાયુના મકબરાના મેદાનમાં કોઈ પણ જાતની ધાર્મિકવિધિ વગર ક્યાંક દફન કરી દેવાયું. જોકે બાદમાં ઔરંગઝેબે પોતાનાં દીકરી જબ્દાતુન્નિસાની શાદી દારા શિકોહના પુત્ર સિફિર શિકોહ સાથે કરાવી હતી.

શાહજહાંએ કિતાબપ્રેમી દીકરા દારા શિકોહ માટે બંધાવી આપેલું પુસ્તકાલય આજે શહેરના કાશ્મીરી ગેટ વિસ્તારમાં સ્થિત છે.

સત્તાનું કેન્દ્ર અને પ્રતીક

'રેડ ફૉર્ટ: રિમૅમ્બરિંગ ધ મૅગ્નિફિશન્ટ મુઘલ્સ'માં ઇતિહાસકારોને ટાંકતાં દેબાશિષ દાસ મુઘલ સમ્રાટોની દીનચર્યાને ટાંકતા લખે છે:

"શાહજહાંના દિવસની શરૂઆત સવારે ચાર વાગ્યે થતી હતી. મુસ્સમન બુર્ઝમાં આવેલ 'ઝરોખા-એ-દર્શન'માં આવતાં અને જનતાને પોતાની ક્ષેમકુશળતાનો અહેસાસ કરાવતા હતા. દર્શનિય સંપ્રદાયના લોકો બાદશાહને નિહાળ્યા બાદ જ પોતાની દીનચર્યા શરૂ કરતા અથવા ભોજન લેતા હતા. આ એક અર્ધહિંદુ પરંપરા હતી."

ઔરંગઝેબના અવસાનની સાથે જ લાલ કિલ્લા અને મુઘલ સામ્રાજ્યનું પતન શરૂ થયું. 1739માં ઈરાનના શાસક નાદિરશાહે શહેરની ઉપર આક્રમણ કર્યું, તેઓ પોતાની સાથે હીરામાણેક જડિત મયૂરાસન અને કોહિનૂર લઈ ગયાં હતાં.

રોહિલ્લા, મરાઠા, શીખ, અફઘાન તથા અંગ્રેજોએ દિલ્હી પર હુમલા કર્યાં અને તેને લૂંટ્યું. 1748માં સરહિંદ ખાતે અફઘાન હુમલાખોર અહમદ શાહ અબ્દાલી સાથેની લડાઈમાં મુહમ્મદ શાહ રંગીલાનું મૃત્યુ થયું.

ઍડ્વાન્સ સ્ટડી ઇન ધ હિસ્ટ્રી ઑફ મૉડર્ન ઇન્ડિયા 1707-1813માં (પૃ. 132-135) જસવંતલાલ મહેતા લખે છે:

'મુહમ્મદશાહના મૃત્યુ પછી તેનો 21 વર્ષીય દીકરો અહમદશાહ દિલ્હીના તખ્ત ઉપર બેઠો. જોકે, સત્તાની ખરી ધૂરા તેમનાં માતાના પુરુષમિત્ર જાવેદખાનના હાથમાં હતી.'

'અવધના નવાબ સફદર જંગે જાવેદખાનને મરાવી નખાવ્યો. આ અરસામાં ઉત્તર ભારતમાં મરાઠાઓનું પ્રભુત્વ વધી રહ્યું હતું. જેની સામે સફદર જંગ ખાસ કંઈ કરી શકે તેમ ન હતા. તેઓ પોતાની તાકતના કેન્દ્ર સમાન અવધને બચાવી રાખવા માગતા હતા. આથી, તેમણે મુઘલ સમ્રાટ વતી મરાઠાઓ સાથે સંધિ કરી.'

'જે મુજબ રોકડ રકમ (રૂ. 50 લાખ), ફોજદારી (નાગપુર-મથુરા), ચૌથ (પંજાબ-સિંધ) તથા સુબેદારી (અજમેર-આગ્રા)ના બદલામાં 'બહારના આક્રમણખોર' અબદાલી સામે મુઘલોને મદદ કરવા માટે મરાઠા તૈયાર થયા.'

આ દરમિયાન મુઘલોમાં સત્તાની આંતરિક સાંઠમારી ચરમ પર હતી, પરંતુ તેમાં મરાઠાઓને કોઈ રસ ન હતો. સંધિ મુજબ મરાઠા સૈનિકોએ રાજધાની દિલ્હીમાં પ્રવેશ ન કર્યો.

જાન્યુઆરી-1757માં અબદાલીએ મુઘલોને પરાજિત કરીને દિલ્હીને કબજે કરી લીધું. અહમદશાહે મુઘલ શાસક આલમગીર દ્વિતિયનાં પુત્રી સાથે પોતાના પુત્ર તૈમુરના નિકાહ કરાવ્યા અને પોતે બે મુઘલ રાજકુમારીઓ સાથે નિકાહ કર્યા.'

'રાજવી પરિવારની મહિલાઓ, ઉપપત્નીઓ, નોકરો કરોડો રૂપિયાના ખજાના સાથે અફઘાનિસ્તાન પરત ફર્યાં. જતાં-જતાં આલમગીર દ્વિતીયને મુઘલ શાસક તરીકે નીમ્યા.'

તેમના સૌથી મોટા દીકરા શાહઆલમ દ્વિતીયે રાજકીય કાવતરામાં પોતાના પિતાના મૃત્યુ બાદ ખુદને શહેનશાહ ઘોષિત કર્યા.

અફઘાન અને મુઘલ ઉમરાવ ઇમદ-ઉલ-મુલ્ક વગેરેની સાંઠમારી વચ્ચે મરાઠાઓએ દિલ્હી પર કબજો જમાવ્યો અને 1788થી 1803 દરમિયાન તેની પર શાસન કર્યું.

બાદમાં લૉર્ડ લૅકના નેતૃત્વમાં બ્રિટિશરોએ દિલ્હી પર કબજો કર્યો. મરાઠાઓના કેદી જેવું જીવન જીવતા શાહઆલમ દ્વિતીયે તેમનું આધિપત્ય સ્વીકારી લીધું હતું.

સત્તા 'બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા' કંપનીના હાથમાં હતી અને તમામ મોટા નિર્ણય દિલ્હીમાં નિમાયેલા રૅસિડન્ટ દ્વારા લેવામાં આવતા હતા, જે 'કિલ્લેદાર' તરીકે ઓળખાતા હતા.

1813માં તેને વાર્ષિક રૂ. 12 લાખનું સાલિયાણું મળતું હતું. તેમની સત્તા લાલ કિલ્લા અને આજુબાજુના સ્થળો પૂરતી મર્યાદિત રહી હતી. અંગ્રેજોના શાસનમાં દિલ્હીમાં મહદંશે શાંતિ સ્થપાઈ, પરંતુ 1857માં ફરી એક વખત દિલ્હી ઉપર હુમલો થયો.

આખરી મુઘલ બાદશાહ

1837માં બહાદુરશાહ ઝફર દ્વિતીયે મુઘલ તખ્ત સંભાળ્યો. પોતાના પૂર્વજોની જેમ બહાદુરશાહે પણ 'ઝરોખાદર્શન'ની પરંપરાનું નિર્વહન કર્યું, તેઓ હિંદુઓ તથા મુસ્લિમો માટે સમાન રીતે આદરણીય હતા. વાસ્તવમાં તેઓ બ્રિટિશ કિલ્લેદારના પૅન્શનરથી વિશેષ કંઈ ન હતા.

એપ્રિલ-1857માં બંગાળના બૈરકપુરની છાવણીમાં અંગ્રેજોના સૈનિક મંગલ પાંડેએ વિદ્રોહનો બુલંદ ઉઠાવ્યો.

જે મેરઠ થઈને દિલ્હી પહોંચ્યો. બળવાખોર સૈનિકોએ લાલ કિલ્લાને કબજામાં લઈ લીધો અને બ્રિટિશ અધિકારીઓ, તેમનાં પરિવારજનો તથા વફાદારોની કત્લેઆમ મચાવી.

મે મહિનામાં બહાદુરશાહ ઝફર સૈનિકોની વચ્ચે આવ્યા અને બળવાને પોતાનું સમર્થન જાહેર કર્યું. જોકે, તેમણે ચળવળનું નેતૃત્વ લેવામાં ખચકાટ અનુભવ્યો. ઝાંસી, કાનપુર, અવધ, બિહાર અને બંગાળમાં વિદ્રોહનો અવાજ ઊઠ્યો, પરંતુ આયોજનના અભાવ તથા કેન્દ્રીય ચહેરાના અભાવે આ કાર્યવાહી નિષ્ફળ રહી.

ચાર મહિનાના સંઘર્ષ બાદ અંગ્રેજોએ ફરીથી કિલ્લા પર કબજો મેળવ્યો. હિંસક બનેલા સૈનિકોએ લૂંટફાટ, આગજની તથા હિંસાનો દોર ચલાવ્યો.

અંગ્રેજો દ્વારા વળતી કાર્યવાહીના ભયથી સેંકડો દિલ્હીવાસીઓ શહેર છોડી ગયા. બહાદુરશાહ ઝફર પણ તેમાં સામેલ હતા.

બહાદુરશાહની સામે સૈનિકોને બ્રિટિશ શાસન વિરુદ્ધ ઉશ્કેરવાનો, તેમનું નેતૃત્વ લેવાનો તથા ખ્રિસ્તીઓની હત્યા કરવાનો ખટલો 'દિવાન-એ-આમ'માં ચલાવવામાં આવ્યો અને તેમને રંગૂન (હાલનું યંગૂન)નો દેશનિકાલ આપવામાં આવ્યો. તેમના પુત્રોની હત્યા કરી દેવામાં આવી.

અંગ્રેજોને અધીન કિલ્લો

અંગ્રેજોએ દિલ્હીના કિલ્લાને શાહી નિવાસસ્થાનને બદલે સૈન્ય છાવણીમાં ફેરવી નાખ્યો. અહીં જરૂર પ્રમાણે, તેમાં અનેક ફેરફાર કર્યાં.

બળવાખોર સૈનિકો સાથેની લડાઈમાં કિલ્લાને નુકસાન પણ પહોંચ્યું હતું, જેમાં આંશિક સમારકામ કરાવવામાં આવ્યું.

છત પર સોનાના પતરાં તથા ચાંદીના નકાશીકામ તો મુઘલ શાસનના પતનના દિવસો દરમિયાન જ જતાં રહ્યાં હતાં. 'દિવાન-એ-આમ' સૈનિકો માટેની હૉસ્પિટલ તો 'દિવાન-એ-ખાસ' તેમનું નિવાસસ્થાન બન્યાં હતાં.

1857ના વિપ્લવ પછી બ્રિટિશ સરકારે ઇસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી શાસનની ધૂરા સંભાળી લીધી હતી. 1877, 1903 તથા 1911માં અહીં 'દિલ્હી દરબાર' ભરાયો. જે દેશી રજવાડાં પર અંગ્રેજોના આધિપત્યના પ્રતીકરૂપે હતો.

1911ના દિલ્હી દરબાર સમયે જ દેશની રાજધાનીને કલકત્તા (હાલનું કોલકાતા) ખસેડવાની જાહેરાત કરવામાં આવી હતી. એ સમયે બ્રિટનના રાજા જ્યૉર્જ પંચમ તથા ક્વિન મેરીએ મુસમ્મન બુર્જના 'ઝરોખા દર્શન'માંથી દેશની જનતાને દીદાર આપ્યા હતા.

આઝાદીનો અવાજ

અંગ્રેજો સામે બળવાનું બ્યુગલ ફૂંકનારા આઝાદ હિંદ ફોજના સુભાષચંદ્ર બોઝે બર્માના રંગૂન ખાતે કથિત રીતે બહાદુરશાહ ઝફરની કબર પાસે સૈનિકોને સંબોધિત કર્યા હતા અને 'ચલો દિલ્હી'નું સૂત્ર આપ્યું હતું. તેમણે લાલ કિલ્લામાં બ્રિટિશ સામ્રાજ્યની કબર પર સૈનિકોની પરેડ કરવાનો કોલ આપ્યો હતો.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આઈ.એન.એ. નિષ્ફળ રહ્યું. જાપાનના પરાજય અને 'નેતાજી'ના અચાનક અવસાનથી આ લડાઈ પડી ભાંગી હતી.

ત્રણ સૈન્ય અધિકારી મેજર જનરલ શાહનવાઝ ખાન (મુસ્લિમ), કર્નલ પ્રેમ સહગલ (હિંદુ) તથા કર્નલ ગુરબક્ષસિંઘ ધિલ્લોન (શીખ)ને અહીં બંધક બનાવીને રાખવામાં આવ્યા અને તેમની સામે ખટલો ચલાવવામાં આવ્યો હતો.

કૉંગ્રેસે 'આઈ.એન.એ. ડિફૅન્સ કમિટી'ની રચના કરી. જવહારલાલ નહેરુ, ભૂલાભાઈ દેસાઈ, આસફ અલી, તેજ બહાદુર સપ્રુ, કૈલાસનાથ કાત્જુ (સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ માર્કણ્ડેય કાત્જુના દાદા)એ આ અધિકારીઓ વતી કેસ લડ્યા. નવેમ્બર-1945 તથા મે-1946માં ખટલો ચાલ્યો.

એ સમયે ચૂંટણી આવી રહી હોવાથી રાજકીય પક્ષોએ આ મુદ્દો ઉઠાવ્યો. અંગ્રેજ ગુપ્તચર તંત્રનું માનવું હતું કે આરોપીઓ ભારતના ત્રણ મુખ્ય ધર્મના હોવાથી, તેમણે દેશને એક કરી દીધો હતો.

જ્યારે ખટલો ચાલી રહ્યો હતો ત્યારે દેશમાં 'ચાલીસ કરોડ લોગો કી આવાઝ, સહગલ, ધિલ્લોન, શાહનવાઝ'નો નારો બુલંદ બન્યો હતો. આ સૈન્ય અધિકારીઓને લાલ કિલ્લા પરિસરમાં આવેલા સલીમગઢમાં બંધ રાખવામાં આવ્યા હતા.

ખટલા બાદ આ સૈન્ય અધિકારીઓનું મૃત્યુ અથવા દેશનિકાલ નિશ્ચિત હતા, પરંતુ તત્કાલીન બ્રિટિશ સૈન્ય કમાન્ડર-ઇન-ચીફે આ ત્રણેય સૈન્ય અધિકારીઓને છોડી મૂકવાનો આદેશ આપ્યો.

આઝાદી પછી પંડિત નહેરુએ લાલ કિલ્લા પર તિરંગોનું ધ્વજારોહણ કર્યું. ડિસેમ્બર-2003 સુધી આ કિલ્લો ભારતીય સેનાની છાવણી બની રહ્યો.

હાલમાં આર્કિયૉલૉજિકલ સરવે ઑફ ઇન્ડિયા દ્વારા કિલ્લાની સંભાળ રાખવામાં આવે છે. 2007માં યુનેસ્કોએ તેને વૈશ્વિક વારસા તરીકે જાહેર કર્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો