You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિલ્હી : લાલ કિલ્લા પર ત્રિરંગો પાસે લહેરાવાયેલો ઝંડો કોનો છે અને શું છે તેનો ઇતિહાસ?
દિલ્હીમાં ગણતંત્ર દિવસ પર જે દૃશ્યો સર્જાયા એવું કદાચ ક્યારેય જોવા મળ્યું નહોતું.
દર વર્ષે દિલ્હી 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની ઉજવણી માટે સજ્જ હોય છે પરંતુ આ વર્ષે દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રૅક્ટર રેલી થઈ અને તેમાં હિંસા અને અરાજકતા જોવા મળી.
બે મહિનાથી દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહેલા ખેડૂતોએ 26 જાન્યુઆરીનો દિવસ દિલ્હીમાં પ્રવેશ માટે પસંદ કર્યો હતો.
ખેડૂતોએ દિલ્હીમાં અલગઅલગ રસ્તેથી ઍન્ટ્રી કરી અને અલગઅલગ સ્થળોએ સેંકડોની સંખ્યામાં ટ્રૅક્ટર લઈને રેલી કાઢી.
પોલીસ સાથે નક્કી કરેલા રૂટથી અલગ કેટલાક ખેડૂતો લાલ કિલ્લા તરફ કૂચ કરી ગયા અને રેલીમાં અનેક સ્થળોએ થયેલા હંગામા પછી પ્રદર્શનકારીઓએ લાલ કિલ્લા પર ઝંડો પણ ફરકાવ્યો હતો.
લાલ કિલ્લા પર ખેડૂતોએ જ્યાં ઝંડો ફરકાવ્યો એ એ જ જગ્યા છે જ્યાં 15 ઑગસ્ટે વડા પ્રધાન ભારતનો તિરંગો ફરકાવતા હોય છે.
કેસરિયો ઝંડો ફરકાવવાની થોડી મિનિટો પછી પણ પ્રદર્શનકારીઓએ ખેડૂત આંદોલનનો પીળો ઝંડો પણ ફરકાવ્યો હતો.
લાલ કિલ્લાના એક ગુંબજ ઉપર પણ ઝંડો લહેરાવવામાં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખેડૂતો દ્વારા લાલ કિલ્લા પર ઝંડો ફરકાવવાની ટીકા થઈ રહી છે તો આ ઝંડો ખાલિસ્તાનીઓ સાથે જોડાયેલા હોવા અંગે પણ ચર્ચા થઈ રહી છે.
સોશિયલ મીડિયા પર કેટલાક લોકો લાલ કિલ્લા પર ખાલિસ્તાનનો ઝંડો લહેરાવવામાં આવ્યો હોવાની વાતને નકારી રહ્યા છે.
પાકિસ્તાન ફર્સ્ટ નામના ટ્વિટર હૅન્ડલ પરથી એક ટ્વીટ કરવામાં આવ્યું જેમાં કહેવામાં આવ્યું કે લાલ કિલ્લા પર ખાલસા ઝંડો ફરકાવવામાં આવ્યો છે. ઇતિહાસ બનાવવામાં આવી રહ્યો છે.
સોશિયલ મીડિયામાં પણ ચર્ચા ચાલી રહી છે કે લાલ કિલ્લા પર ઝંડો ફરકાવવો એ શરમજનક કાર્ય છે.
ત્યારે જાણીએ કે આ ઝંડોની કહાણી શું છે?
કયો ઝંડો ફરકાવવામાં આવ્યો અને તેનો ઇતિહાસ શું છે?
બીબીસી પંજાબીના સંવાદદાતા ખુશાલસિંહ લાલી જણાવે છે કે 'આ કેસરી ઝંડો શીખ ધર્મનો ધાર્મિક ઝંડો છે. આ ઝંડો ગુરુદ્વારા અને અન્ય શીખ ધાર્મિક સ્થળો પર જોવા મળે છે.'
તેની ઉપર બનેલા નિશાન વિશે વાત કરતા ખુશાલસિંહ લાલી જણાવે છે કે 'આ ઝંડા પર જે નિશાન છે તેમાં બે કિરપાણ અને એક ચક્ર છે. આ કિરપાણ મીરી અને પીરી કહેવાય છે જે સંત અને તલવારનું પ્રતીક છે.'
'આ નિશાનમાં જે ચક્ર છે એ અકાલ-નિરંકારનું પ્રતીક છે, એટલે જેનો કોઈ આરંભ નથી અને જેનો કોઈ અંત નથી.'
આ ઝંડાના ઇતિહાસની વાત કરતા તેઓ જણાવે છે કે 'શીખોના છઠા ગુરુ ગુરુ હરગોવિંદસિંહ સાહેબના સમયમાં આ ઝંડાની શરૂઆત થઈ હતી. ગુરુ ગોવિંદ સિંહે જે લડાઈઓ લડી અને મુગલો સામે જે ઝુંબેશ શીખોએ ઉપાડી તેમાં આ ઝંડો એક નિશાન બની ગયો, જેની હેઠળ શીખો એક થતા હતા.'
'આમ શીખ ધર્મ એક અલગ ધર્મ છે એટલે આ ઝંડો તેના એક સ્વતંત્ર ધર્મ અને રાષ્ટ્રીયતાનું પ્રતીક બની ગયું.'
તેઓ જણાવે છે કે આ ઝંડાને ખાલસાઈ નિશાન કહેવાય છે પરંતુ તેનો ખાલિસ્તાનીઓ સાથે કોઈ સંબંધ નથી.
લાલ કિલ્લા પર પ્રદર્શનકારીઓ દ્વારા બે ઝંડા લગાવવામાં આવ્યા હતા જેમાં એક ખાલસાઈ નિશાન છે અને બીજો ખેડૂત આંદોલનનો ઝંડો છે.
લાલ કિલ્લા પર જે થયું એ દુર્ભાગ્યપૂર્ણ
26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસે દિલ્હીમાં જ્યાં ભવ્ય કાર્યક્રમનું આયોજન થાય છે તે દિવસે રાજધાનીમાં લાલ કિલ્લા પર ઝંડો ફરકાવવાની આ ઘટનાની ટીકા થઈ રહી છે.
ખેડૂત સંગઠનોએ પણ આ ઘટનાને વખોડી નાખી છે અને અરાજક તત્ત્વો આંદોલનમાં ઘૂસી આવ્યા હોવાની વાત કરી. પોલીસે કહ્યું કે ખેડૂતોએ નિયત માર્ગ અને સમય બદલી દીધો એના કારણે હિંસા થઈ.
કૉંગ્રેસ નેતા શશિ થરૂરે ટ્વીટ કરીને લખ્યું કે 'આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે. મેં ખેડૂત આંદોલનને હંમેશા ટેકો આપ્યો છે પરંતુ હું ગેરવ્યવસ્થાની સાથે નથી. ગણતંત્રદિવસ પર લાલ કિલ્લા પર તિરંગા સિવાય કોઈ ઝંડો ન લહરાવો જોઈએ.'
અભિનેત્રી કંગના રનૌતે ટ્વીટ કરીને કહ્યું કે દિલજીત દોસાંજ અને પ્રિયંકા ચોપરા તમે સમજાવો કે આ શું છે? આખી દુનિયા આપણા પર હસી રહી છે, તમે આ જ ઇચ્છતા હતા!!! અભિનંદન.
ત્યારે ખેડૂત આંદોલનના સમર્થક યોગેન્દ્ર યાદવે દિલ્હીમાં ખેડૂત ટ્રૅક્ટર રેલીમાં થયેલા હંગામાને વખોડી કાઢ્યો છે.
યોગેન્દ્ર યાદવે એક ટીવી ચેનલને ઇન્ટરવ્યૂ આપતા કહ્યું કે, એક વિશેષ જૂથે ખેડૂત આંદોલનને બદનામ કરવા માટે લાલ કિલ્લા પર આ કામ કર્યું.
આ સિવાય 41 ખેડૂત સંગઠનોના સંયુક્ત કિસાન મોર્ચાએ કહ્યું છે કે 'ખેડૂતોને ગણતંત્ર દિવસ પરેડમાં ભાગ લેવા માટે ખેડૂતોનો આભાર. અમે આજે થયેલી અપ્રિય અને અસ્વીકાર્ય ઘટનાઓને વખોડી કાઢીએ છીએ અને અમે પોતાને તેનાથી અલગ કરીએ છીએ.'
સંયુક્ત કિસાન મોર્ચાના નિવેદનમાં કહેવાયું છે, 'અનેક પ્રયત્નો છતાં કેટલાંક સંગઠનો અને લોકોએ રૂટનું ઉલ્લંઘન કર્યું અને ટીકાપાત્ર કૃત્યો કર્યાં. અસામાજિક તત્વોએ શાંતિપૂર્ણ આંદોલનમાં ઘૂસણખોરી કરી. અમે હંમેશા કહ્યું છે કે શાંતિ અમારી સૌથી મોટી શક્તિ છે અને આનું ઉલ્લંઘન ખેડૂત આંદોલનને નુકસાન પહોંચાડશે.'
પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે પણ દિલ્હીમાં થયેલી ઘટનાઓને વખોડી કાઢી છે.
ટ્વીટ કરીને તેમણે કહ્યું કે 'દિલ્હીમાં સ્તબ્ધ કરનાર દૃશ્યો છે. અમુક તત્વોની હિંસા સ્વીકાર્ય નથી. ખેડૂતોના શાંતિમય ધરણા પ્રત્યે સદ્ભાવને ઠેસ પહોંચશે. ખેડૂત નેતાઓએ આ ઘટનાઓથી પોતાને અલગ કરી દીધા છે અને ટ્રૅક્ટર રેલીને રદ કરી છે. હું બધા અસલી ખેડૂતોને દિલ્હી ખાલી કરીને દિલ્હીની સરહદ પર આવવાની વિનંતી કરું છું.'
ત્યારે ટ્વિટર પર લેખક જયરાજસિંહ આરે કહ્યું કે, લાલ કિલ્લા પર નિશાન સાહિબનું લહેરાવવું એટલું જ દુખદ અને હતાશ કરનાર છે જેટલું દુ:ખદ એ કારણ છે જેના લીધે આપણો દેશ આજે આ સ્થિતિમાં છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો