નખમાં પણ ન આવે એવડી ભમરીએ આખા દેશના અર્થતંત્ર બચાવી લીધું

    • લેેખક, વિલિયમ પાર્ક
    • પદ, બીબીસી ફ્યૂચર

દક્ષિણ-પૂર્વ એશિયાના અત્યંત જીવવૈવિધ્ય ધરાવતાં જંગલોમાં રહેતા લાખો ખેડૂતો કસાવા (સ્ટાર્ચયુક્ત મૂળ ધરાવતી વનસ્પતિ) ઉગાડીને પોતાનું ગુજરાન ચલાવે છે.

કસાવા એક રોકડિયો પાક છે. એક-બે હેક્ટર જમીન ધરાવતા નાના ખેડૂતોથી લઈને હજારો હેક્ટરમાં પથરાયેલા ફૅક્ટરી ફાર્મ દ્વારા તેની ખેતી કરવામાં આવે છે. આ ઉત્પાદન મુખ્યત્વે કારખાનાંને વેચવામાં આવે છે જેઓ તેના સ્ટાર્ચમાંથી પ્લાસ્ટિક અને ગ્લુ બનાવે છે.

કસાવાને જ્યારે સૌથી પહેલાં સાઉથ અમેરિકામાંથી દક્ષિણ-પૂર્વ એશિયામાં લાવવામાં આવ્યું (જે રીતે થોડા દાયકા અગાઉ આફ્રિકામાં લાવવામાં આવ્યું હતુ) ત્યારે તેને જંતુનાશકોની મદદ વગર ઉગાડી શકાયું હતું.

ત્યાર બાદ 2008માં એશિયામાં કસાવા મિલિબગ નામના રોગનો પ્રવેશ થયો અને તેણે પાકને નષ્ટ કરવાનું શરૂ કર્યું. આ નુકસાનની ભરપાઈ કરવા માટે ખેડૂતો તેમના ખેતરની આસપાસનાં જંગલોમાં ઘૂસણખોરી કરવા લાગ્યા, જેથી થોડી વધારે ઊપજ લઈ શકાય.

બેઇજિંગ ખાતે ચાઇનીઝ ઍકેડેમીમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ પ્લાન્ટ પ્રોટેક્શન ખાતે બાયોલૉજિકલ કન્ટ્રોલના નિષ્ણાત ક્રિસ વાયક્યુસ કહે છે, “આ પૈકીના કેટલાક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં જંગલો ખતમ થઈ રહ્યાં છે.”

તેઓ જણાવે છે, “કમ્બોડિયામાં ટ્રોપિકલ (ઉષ્ણકટિબંધીય) જંગલોનો નાશ થવાનું પ્રમાણ સૌથી ઊંચું છે.”

કસાવા મિલિબગથી માત્ર તેનો ઉછેર કરનારા લોકોની આજીવિકા પર અસર પડી એટલું જ નહી, પરંતુ તેણે આ પ્રદેશમાં કેટલાક દેશોનાં રાષ્ટ્રીય અર્થતંત્રો પર પણ અસર કરી હતી.

સ્ટાર્ચ માર્કેટમાં કેટલાંક વૈકલ્પિક ઉત્પાદનો જેવાં કે મકાઈ અને બટાટાના ભાવ વધી ગયા હતા. વિશ્વના અગ્રણી નિકાસકાર થાઈલૅન્ડમાં કસાવા સ્ટાર્ચનો ભાવ ત્રણ ગણો વધી ગયો હતો.

ક્રિસ વાયક્યુસ કહે છે, “જ્યારે કોઈ જંતુના કારણે પાકની ઊપજમાં 60થી 80 ટકાનો ઘટાડો થાય ત્યારે તેને મોટી અસર કહી શકાય.”

આ સમસ્યાનો ઉકેલ મિલીબગના કુદરતી દુશ્મન શોધવાનો હતો. આ દુશ્મન એટલે 1 મિલિમિટર લાંબી પરોપજીવી ભમરી ( Anagyrus lopezi ) જે મૂળ દક્ષિણ અમેરિકાની છે.

આ ભમરી તેના લાર્વાના યજમાન તરીકે યુક્કા મિલીબગને પસંદ કરવામાં બહુ કાળજી રાખે છે. 2009ના અંત સુધીમાં તેણે થાઇલૅન્ડના કસાવા ફાર્મલૅન્ડમાં પ્રવેશ કર્યો હતો અને તેણે મિલિબગને ખાવાનું શરૂ કરી દીધું હતું.

જૈવિક નિયંત્રણનું શ્રેષ્ઠ ઉદાહરણ

આ ભમરીના કારણે દેશમાં મિલીબગની વસતીમાં કેટલી ઝડપથી ઘટાડો થયો તેની કોઈ વિગતવાર માહિતી નથી.

2010ના અંત સુધીમાં કરોડોની સંખ્યામાં પરોપજીવી ભમરીઓને ઉછેરીને થાઇલેન્ડમાં મુક્ત કરવામાં આવી હતી. ભમરીઓને મુક્ત કરવા માટે વિમાનનો પણ ઉપયોગ કરાયો હતો. અમને લાગે છે કે મિલીબગની વસતી પર આ ભમરીઓની અસર ટૂંક સમયમાં પડશે, તેમ વાયક્યુસ જણાવે છે.

પશ્ચિમ આફ્રિકામાં 1980ના દાયકાની શરૂઆતમાં મિલીબગને નિયંત્રણમાં રાખવા માટે આ જ ભમરીનો ઉપયોગ થયો હતો. ત્યારે તેણે જીવાતની વસતીને તરત નિયંત્રણમાં લઈ લીધી હતી. આ જીવાતની સંખ્યા દરેક કસાવા દીઠ 100 કરતા વધારે હતી, તે ઘટીને 10થી પણ ઓછી થઈ ગઈ હતી.

ત્રણ વર્ષ બાદ આ ભમરી દક્ષિણ પશ્ચિમ નાઇજિરિયામાં બે લાખ ચોરસ કિલોમીટર કરતાં વધારે વિસ્તારમાં ફેલાયેલી છે અને તે આ વિસ્તારમાં મોટા ભાગના કસાવાનાં ખેતરોમાં મળી આવી હતી.

આ પ્રકારની દખલગીરીને ક્લાસિકલ બાયોકન્ટ્રોલ અથવા જૈવિક નિયંત્રણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કોઈ જંતુના કુદરતી દુશ્મન શોધવા અને તેને એવી રીતે મુક્ત કરવા જેથી તે જંતુનો પ્રસાર અટકી શકે.

વાયક્યુસના અંદાજ પ્રમાણે એશિયા-પૅસિફિકમાં 26 દેશોના ખેડૂતોને આ ભમરીના કારણે વાર્ષિક 14.6 અબજ ડૉલરથી 19.5 અબજ ડૉલર સુધીનો ફાયદો થયો હશે.

તેઓ કહે છે, “1 મિમિનું કદ ધરાવતી ભમરીની મદદથી વૈશ્વિક સ્ટાર્ચ માર્કેટ પરની નાણાકીય અસરનો ઉકેલ લાવી શકાયો હતો.”

આધુનિક કૃષિમાં જૈવિક નિયંત્રણ હવે જુનવાણી બાબત ગણાય છે. પરંતુ ખેતરોમાં કોઈ જીવાતના દુશ્મન શોધવાની પદ્ધતિ સદીઓ જૂની છે.

કૅનેડાસ્થિત સ્વતંત્ર હોર્ટિકલ્ચર સાયન્સ ઑર્ગેનાઇઝેશન, વાઇનલૅન્ડ રિસર્ચ ઍન્ડ ઇનોવેશન સેન્ટરના વૈજ્ઞાનિક રોઝ બ્યુટેનહ્યુસ જણાવે છે કે, બાયોલૉજિકલ નિયંત્રણની પ્રથા હજારો વર્ષોથી છે. તેથી આ કોઈ નવો ઉપાય છે એવું નથી.

કથિત “બાયોકન્ટ્રોલ” આટલું બધું સફળ થઈ શકતું હોય તો, જીવાતોનો સામનો કરવા માટે આ પદ્ધતિનો આટલો ઓછો ઉપયોગ શા માટે થાય છે? ધાર્યા પ્રમાણે પરિણામ ન મળે તો શું થાય? સંશોધનકર્તાઓ તેને બદલવા માટે શા માટે પ્રયાસ કરી રહ્યા છે?

જૂની રીત

પ્રિ-કોલંબિયન મેસોઅમેરિકાના લોકો માટે કેન ટોડ (એક પ્રકારના મોટા દેડકા) એ જીવન અને મૃત્યુ વચ્ચેનો જીવ હતા. તેમને અંડરવર્લ્ડના સંકલનકર્તા તરીકે પૂજવામાં આવતા હતા.

આ દેડકા અત્યંત શક્તિશાળી ઝેર પેદા કરતા હતા જેનાથી નશાનો અનુભવ થતો હતો. માયન પ્રજા સાપ અને શિકારી પક્ષીઓને પૂજતી હતી. મેસોઅમેરિકન કળામાં તેનો વ્યાપક ઉલ્લેખ જોવા મળે છે. તેમણે પોતાની કળાકૃતિઓમાં પણ દેડકાને સ્થાન આપ્યું છે.

જમીન અને પાણી બંને જગ્યાએ રહી શકતા દેડકા વરસાદનો વરતારો આપતા હતા અને પાકને ટકાવવા માટે વરસાદ અનિવાર્ય હતો. તેથી દેડકાને પાણીના સમાનાર્થી ગણવામાં આવતા હતા અને પરિણામે તેઓ જીવનનું પ્રતીક હતા.

પાકને નુકસાન પહોંચાડતી જીવાતોને દૂર રાખવા માટે પણ દેડકા ખૂબ ઉપયોગી હતા. મકાઈનાં ખેતરોમાં અને પાકનો સંગ્રહ કરવાની જગ્યા પર દેડકા આવે તેનાથી ખેડૂતો ખુશ થતા હતા. કારણ કે તેઓ નાનાં જીવડાં અને પાકને નુકસાન પહોંચાડતા ઉંદરોનો શિકાર કરતા હતા.

પરંતુ આ દેડકામાં બ્યુફોટેનિન નામનું ન્યુરોટોક્સિન એટલે કે ઝેર પણ હોય છે. ધાર્મિક વિધિ કરનારાઓ તેનો ઉપયોગ નશાકારક પદાર્થ તરીકે કરે છે. દેડકો પોતાના દુશ્મનોથી બચવા માટે આ ઝેરનો ઉપયોગ કરે છે અને બેદરકાર માનવીનું તેનાથી મૃત્યુ પણ થઈ શકે છે.

મેસોઅમેરિકાના મૂળ નિવાસીઓ કુદરતી વિશ્વના આ બેવડા રૂપને બરાબર સમજતા હતા. તેથી કેન ટોડ નામના દેડકા તેમના માટે જીવન અને મૃત્યુ બંનેનાં પ્રતીક હતા.

આજની સમસ્યાઓ

પરંતુ ઑસ્ટ્રેલિયામાં લોકો કેન ટોડ દેડકાને નફરત કરે છે.

1935માં આ ઝેરી દેડકાને અમેરિકા ખંડમાંથી બાયોકન્ટ્રોલ માટે લાવવામાં આવ્યો હતો. શેરડીના ખેતરોમાં તેને યોગ્ય વાતાવરણ મળવાથી ઉત્તરપૂર્વના રાજ્યોમાં તેની સંખ્યામાં વધારો થયો હતો.

શેરડીના ખેતરમાં તેમને કેન બીટલ નામની મનપસંદ જીવાત પુષ્કળ પ્રમાણમાં મળતી હતી. આ ઉપરાંત બીજા ઑસ્ટ્રેલિયન જીવજંતુનો પણ તે શિકાર કરતા હતા. આ દેડકાને ખતમ કરી શકે તેવા શિકારીઓની સંખ્યા ઓછી હોવાથી કેન ટોડની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો હતો.

2007માં ઑસ્ટ્રેલિયન જંગલ વિસ્તારોમાં કેન ટોડની સંખ્યા એટલી વધી ગઈ કે તેઓ 1.2 મિલિયન ચોરસ કિમી જગ્યા રોકી શકે તેવો અંદાજ હતો. આ ઝેરી દેડકાની કુલ વસતી લગભગ 1.5 અબજ જેટલી હતી. હવામાનમાં ફેરફારની સાથે આ સંખ્યા વધશે તેવી ધારણા છે.

પરંતુ તેના વિનાશક પરિણામ આવ્યાં. શિકારીઓની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો. ક્વોલ્ઝ (શરીર પર થેલી ધરાવતા પ્રાણીનો પ્રકાર) અને ગોઆના (મોટા કદની ગરોળી) જેવી પ્રજાતિઓ સામાન્ય દેડકાને ખાઈને ટકી રહેતી હતી તે કેન ટોડના ઝેરના કારણે મૃત્યુ પામવા લાગી.

ઑસ્ટ્રેલિયન સરકાર અને સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા દર વર્ષે લાખો દેડકાને દૂર કરવામાં આવે છે.

વાયક્યુસ કહે છે કે, “તે સમયે વૈજ્ઞાનિક સલાહ વગર દેડકાને મુક્ત કરવામાં આવ્યા હતા.”

આ દેડકાને ઑસ્ટ્રેલિયામાં મુક્ત કરવાની કોઈ જરૂર ન હતી અને આધુનિક બાયોલૉજિકલ કન્ટ્રોલમાં તે બિલકુલ અશક્ય છે. કોઈ સામાન્ય, વિવિધભક્ષી, કરોડરજ્જુવાળા શિકારીને મુક્ત કરવા ન જોઈએ.

કેન ટોડનો કિસ્સો વિશિષ્ટ નથી. બાયોલૉજિકલ કન્ટ્રોલના એવા ઓછામાં ઓછા દસ કેસ મળી આવે છે જેમાં કોઈ પ્રજાતિની સંખ્યા પર નિયંત્રણ કરવાનું મુશ્કેલ બની ગયું હતું.

બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાની અને સાથી દળોએ પૅસિફિક ટાપુઓ પર સૈનિકોને મલેરિયાથી બચાવવા માટે મચ્છરના લાર્વા પર જીવતી ખાસ માછલીઓને પાણીમાં છોડી હતી.

આ નાનકડી અને સામાન્ય દેખાતી માછલી હવે તે પ્રદેશમાં નિયંત્રણ બહાર જતી રહી છે. તેમની સંખ્યા એટલી મોટી છે કે સ્થાનિક પ્રજાતિઓ કરતાં તે વસતીમાં આગળ છે. આ જ બાબત યુરોપમાં એશિયન લેડીબગને લાગુ થાય છે જેનો ઉપયોગ પાકને નુકસાન પહોંચાડતા એફિડ નામના જંતુઓના નિયંત્રણ માટે કરાયો હતો.

આ પ્રકારની મોટી નિષ્ફળતાઓના કારણે વીસમી સદીના ઉત્તરાર્ધમાં બાયોકન્ટ્રોલના બદલે રાસાયણિક નિયંત્રણ એટલે કે જંતુનાશકોનો ઉપયોગ થવા લાગ્યો.

પરંતુ કેટલાક અપવાદોને બાદ કરવામાં આવે તો બાયોકન્ટ્રોલની વિવાદાસ્પદ છબિ નિરાધાર છે. બાયોકન્ટ્રોલમાં જેટલી નિષ્ફળતા મળી તેની સરખામણીમાં સફળતાનું પ્રમાણ 25 ગણું વધારે છે.

હવે કેટલાક સંશોધનકર્તાઓ બાયોલૉજિકલ કન્ટ્રોલ વિશે ધારણા બદલવા પ્રયાસ કરી રહ્યા છે. તેઓ કહે છે કે જંતુનાશકોના દિવસો પૂરા થવાના છે.

જંતુનાશકોનો યુગ પૂરો થશે?

બ્યુટેનહ્યુસ કહે છે કે, "1930, 1940, અને 1950ના દાયકામાં રાસાયણિક નિયંત્રણોએ ઘણી સમસ્યાઓ ઉકેલી હતી. ખેડૂતોએ સખત મહેનત કરવાની જરૂર ન હતી. તેમણે માત્ર પોતાનું ડ્રોઅર ખોલીને સ્પ્રે શોધવાનું હતું. તેના દ્વારા જંતુઓને મારી શકાતાં હતાં.”

સમસ્યા એ છે કે હાનિકારક જીવાતનું પ્રજનન બહુ ઝડપી હોય છે. એટલે કે જેના પર જંતુનાશકની અસર થતી ન હોય તેવા જંતુઓ ઝડપી વૃદ્ધિ કરી શકે છે.

તેથી જંતુનાશકના ઉત્પાદકોએ પોતાની દવાઓને સતત સુધારતી રહેવી પડે છે જેથી જીવાતોનો સામનો કરી શકાય. બ્યુટેનહ્યુસ તેને જંતુનાશકો માટે ‘ટ્રેડમિલ્સ’ કહે છે.

ખેડૂતો માટે ઉપલબ્ધ જંતુનાશકોનું પ્રમાણ ઘટી રહ્યું છે.

2018માં યુરોપિયન યુનિયને નિયોનિકોટીનોઇડ્સ રસાયણના વર્ગમાંથી બનેલા ત્રણ જંતુનાશકો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો હતો. 2013માં પણ આ જંતુનાશકોના ઉપયોગ પર ચુસ્ત નિયંત્રણ મુકાયાં હતાં.

આ રસાયણો નિકોટિન જેવું બંધારણ ધરાવે છે. તેઓ બિયારણ પર એક આવરણ રચે છે અને તેને જીવાત સામે રક્ષણ આપે છે. પરંતુ પાકની વૃદ્ધિની સાથે જંતુનાશક અંદર શોષાય છે અને તે છોડની પેશીઓ સુધી ફેલાય છે. ત્યાં તે પરાગરજમાં એકત્ર થાય છે.

આ છોડનું ભક્ષણ કરનારા અને પરાગનયન માટે જવાબદાર જીવો પર આ જંતુનાશકની વિપરીત અસર થાય છે.

આ પ્રતિબંધની ટીકા કરનારાઓનું કહેવું છે કે બિયારણની ટ્રીટમેન્ટ માટેના જંતુનાશકોને મર્યાદિત કરવાથી એરોસોલ જંતુનાશકો તેનું સ્થાન લેશે. તે પણ પરાગનયન કરનારા જંતુઓ માટે એટલું જ નુકસાનકારક હશે અને ખેડૂતોને તે વધારે મોંઘા પડશે.

વાયક્યુસ કહે છે કે જંતુનાશકોને લગતા નકારાત્મક સામાજિક અને પર્યાવરણીય કારણો મોટી સંખ્યામાં છે.

રસાયણોના ઉત્પાદન અને વિતરણ માટે વપરાતા ગ્રીનહાઉસ ગૅસથી લઈને આવા ગૅસના ઉત્સર્જન અને ખેડૂતો તથા ગ્રાહકોના આરોગ્ય સુધી માઠી અસર પહોંચે છે."

"આ અસર માત્ર ખેતરો પૂરતી મર્યાદિત નથી. પર્યાવરણમાં આ અસર અનેકગણી વધી જાય છે. જમીન પરનાં પાણી, ધૂળ તથા હવામાં શોષાયેલા એરોસોલ દ્વારા તે ફેલાય છે."

કોસ્ટા રિકાના ક્લાઉડ ફોરેસ્ટ અને અને ઑસ્ટ્રેલિયાના ગ્રેટ બેરિયર રિફ વિસ્તારમાં પણ જંતુનાશકના અંશ મળી આવ્યા છે.

જંતુનાશકો જ્યારે ખોટી જગ્યાએથી મળી આવે ત્યારે તે બાયોસાઇડ્સ બની જાય છે. એટલે કે તે જીવનને ખતમ કરે છે. તેઓ જ્યારે કૃષિની જમીનમાં ભળી જાય ત્યારે તેનાથી બાયોલૉજિકલ સમુદાયને નુકસાન પહોંચે છે અને ઇકોસિસ્ટમ ખોરવાય છે.

બાયોલૉજિકલ કન્ટ્રોલની સારી બાબત એ છે કે તેનો ઉપયોગ વધુ સચોટ રીતે થઈ શકે છે. આ બાબત વાયક્યુસ જેવા વૈજ્ઞાનિકોને પસંદ છે.

બીજા કયા વિકલ્પો છે?

એકંદરે વાત કરવામાં આવે તો બાયોકન્ટ્રોલના ત્રણ પ્રકાર છેઃ પ્રિડેટર્સ, પેરાસાઇટોઇડ્સ અને પેથોજેન્સ.

કેન ટોડ નામના દેડકા એ પ્રિડેટરી બાયોલોજિકલ કન્ટ્રોલનું ઉદાહરણ છે. તેઓ શેરડીમાં થતી જીવાત ખાય છે. પરંતુ તેની સમસ્યા એ છે કે તેઓ પોતાની પસંદગીમાં બહુ ચુસ્ત નથી. ઑસ્ટ્રેલિયામાં તેમણે બીજાં જંતુઓને પણ ખાવાનું ચાલુ કરી દીધું હતું જે પાક માટે હાનિકારક ન હતાં.

પેરાસાઇટોઇડ્સ એ થોડા વધુ ખરાબ હોય છે. આ પ્રકારના બાયોલૉજિકલ કન્ટ્રોલમાં ઘણી વખત એવી પરોપજીવી ભમરીઓ અથવા માખીઓ હોય છે જે ઇયળ અથવા જીવડાંમાં ઇંડાં મૂકે છે. તેના કારણે યજમાન જંતુના પેટમાંથી લાર્વા નીકળે છે અને તે મૃત્યુ પામે છે.

પેથોજેન્સ એ ફૂગ, બૅક્ટેરિયા અથવા વાઇરસનું સ્વરૂપ ધારણ કરે છે જે યજમાન જીવાતને મારી નાખે છે અથવા વંધ્ય બનાવે છે. તેથી તેનો ઉપયોગ ચોક્કસ જંતુઓની પ્રજાતિઓ સામે થઈ શકે છે. આધુનિક બાયોલૉજિકલ કન્ટ્રોલ સંશોધનમાં તેને વધુ પસંદ કરવામાં આવે છે કારણ કે તેઓ બિનહાનિકારક જંતુની પ્રજાતિઓને નુકસાન પહોંચાડે તેવી શક્યતા ઓછી હોય છે.

આપણે જાણ્યું છે તે મુજબ વાઇરસ એક સમયાંતરે પ્રજાતિથી બીજી પ્રજાતિ સુધી કૂદે છે અને તેમાં ઘણા સફળ પણ રહે છે.

બાયોકન્ટ્રોલને સફળ થવા દેવું હોય તો તેમાં પ્રજનનનો દર ઘણો ઊંચો હોવો જોઈએ જેથી તે ઝડપથી વસતી વધારી શકે અને જીવાતને ખતમ કરી શકે. તેણે કઈ જીવાતને ખતમ કરવા છે તે ઝડપથી નક્કી કરવું પડે. આ ઉપરાંત તે શિકારને ઝડપથી શોધવા માટે સક્ષમ હોવું જોઈએ.

વ્યવહારમાં જોવા જતા કોઈ પણ બાયોકન્ટ્રોલ સંપૂર્ણ નથી હોતું. તેથી સંશોધનકર્તાઓ દરેકની સાથે સંકળાયેલા જોખમોનું સંતુલન સાધે છે.

વાયક્યુસ કહે છે કે, “યુરોપિયન ગ્રીનહાઉસ ઉદ્યોગમાં સંવર્ધિત નિયંત્રણ બહુ લોકપ્રિય છે. કેટલાક વિસ્તારોમાં તો જંતૂનાશકોનો બિલકુલ ઉપયોગ નથી થતો.”

તાજેતરનાં વર્ષોમાં બાયોકન્ટ્રોલની લોકપ્રિયતા વધી છે. તેનો ઉપયોગ હવે ફૂલ ઉગાડવા, દ્રાક્ષની ખેતી તથા સ્ટ્રોબેરી જેવાં આઉટડોર ફળોની ખેતીમાં થાય છે.

તેઓ કહે છે, "કૅનેડામાં અમે 2017-18માં એક સરવે કરાવ્યો હતો. ફુલ ઉગાડનારા 92% ખેડૂતો હવે જીવાતને અંકુશમાં રાખવા માટે મુખ્યત્વે બાયોકન્ટ્રોલનો ઉપયોગ કરે છે."

"આ એક અદ્ભુત સફળતાની કહાણી છે. તે ખાસ કરીને જંતુઓ સામેના પ્રતિરોધના કારણે જોવા મળ્યું છે."

બ્યુટેનહ્યુસ અને રિડને આશા છે કે મોટાં ખેતરો ધરાવતા ખેડૂતો તેમના ધાન્ય અને અનાજ માટે બાયોકન્ટ્રોલ અપનાવવા લાગશે.

"કોઈ ખેડૂત નક્કી કરે કે ઘઉં અથવા જવના પાક પર બાયોલૉજિકલ કન્ટ્રોલનો ઉપયોગ કરવો છે, તો તેનો આધાર તેમના પર રહેલો છે," તેમ રીડ જણાવે છે.

આ ઉપરાંત બ્યુટેનહ્યુસ જણાવે છે કે કમ્બોડિયા, ઇક્વેડોર અને કેન્યા જેવા દેશોને આ પદ્ધતિ અપનાવવા માટે સમજાવવા એ ‘મોટી સિદ્ધિ’ હશે.

બ્યુટેનહ્યુસ કહે છે કે, "તે થવાનું જ છે. ખેતીમાં માત્ર રસાયણોનો ઉપયોગ કરવામાં આવે તે લાંબા ગાળાની ટકાઉ વ્યૂહરચના ન હોઈ શકે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો