રસીકરણ બાદ કોરોના વાઇરસ કાયમ માટે જતો રહેશે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ભારતમાં કોરોના વાઇરસના રસીકરણની પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે. મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં સાડા ચાર લાખથી વધુ લોકોને રસી અપાઈ ચૂકી છે.

જોકે આ રસી લેનારાઓને આડઅસર થઈ રહી હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. ભારતમાં ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં રસી આપ્યા બાદ બે લોકોનાં મૃત્યુ થયાં હતાં.

જોકે, સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું આ મૃત્યુ રસીને લીધે થયાં નથી.

હવે જ્યારે ભારતમાં રસીકરણની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે લોકોના મનમાં રસીને લઈને ગભરાટ પણ છે તો બીજી તરફ લોકો એવું માની રહ્યા છે કે રસી આવવાથી કોરોના વાઇરસ હવે જતો રહશે. પરંતુ શું ખરેખર કોરોના વાઇરસ આગામી દિવસોમાં ખતમ થઈ જશે?

આ સવાલનો જવાબ મેળવતા પહેલાં આપણે એ જાણવું પડશે કે કોરોનાની રસી શરીરમાં ગયા પછી કેવી રીતે કામ કરે છે?

રસી કેવી રીતે કામ કરે છે?

રસી કેવી કામ કરે છે, તેની ફૉર્મ્યૂલા હંમેશાં એક જ છે - રસી શરીરમાં ગયા પછી એક ઍન્ટિજન બનાવે છે.

આ ઍન્ટિજન એક નિષ્ક્રિય (મૃત) વાઇરસ, કમજોર વાઇરસ (જે કોઈને બીમાર ન કરે), વાઇરસનો એક ભાગ, કેટલુંક પ્રોટિન જે વાઇરસ જેવું દેખાતું હોય અથવા ન્યૂક્લિક એડિટ (જેમ કે આરએનએ વૅક્સિન), તેમાંથી કંઈ પણ હોઈ શકે છે.

સાઓ પાઉલો યુનિવર્સિટીની ફેકલ્ટી ઑફ મેડિસિનના ડૉ. જ્યૉર્જ કલીલ અનુસાર, "ઍન્ટિજન ઇમ્યુન સિસ્ટમને ઉશ્કેરે છે. જે શરીરને દૂષિત જંતુ કે વાઇરસ સામે લડવા તૈયાર કરે છે. જેથી આ વાઇરસની ઓળખ થઈ શકે અને ઇમ્યુન સિસ્ટમ તેનાથી લડવા માટે ઍન્ટિબૉડીઝ પેદા કરી શકે."

ફરી વાર જ્યારે વાઇરસના સંપર્કમાં આવશો તો શરીર યાદ રાખશે કે તેની સાથે કેવી રીતે લડવું છે અને તરત આ જોખમ સામે અસરકારક રીતે લડી શકાય છે.

આ પ્રતિક્રિયાને ઍડેપ્ટિવ ઇમ્યુન રિસ્પૉન્સ કહેવાય છે અને દરેક વાઇરસ માટે અલગ હોય છે.

નતાલિયા પસ્ટર્નક કહે છે, "આ એવી પ્રતિક્રિયા છે, જેની શરીરમાં થતી અસર દેખાવવામાં કમસે કમ બે અઠવાડિયાંનો સમય લાગે છે."

તેઓ આગળ કહે છે, "રસી મળ્યા બાદ શરીરની પહેલી પ્રતિક્રિયા હોય છે - ઍન્ટિબૉડી બનાવવી, જે વાઇરસ સાથે ચોંટી રહે છે અને તેને બૉડી સેલમાં પ્રવેશતાં રોકે છે અને તેનો ઉપયોગ કરીને વધુ વાઇરસ તૈયાર કરે છે.

એક સારી ઇમ્યુનવાળી વ્યક્તિના શરીરમાં જંતુઓ પ્રવેશતાં જ ઍન્ટિબૉડી રિલીઝ થાય છે, જે બૉડી સેલ્સ (કોશિકાઓ)ને નુકસાન કરતાં બચાવે છે.

પરંતુ એક બીજી રીતનો ઇમ્યુન રિસ્પૉન્સ પણ છે, જેને સેલ્યુલર રિસ્પૉન્સ કહેવાય છે.

નતાલિયા કહે છે, "તેને ટી-સેલ કહેવાય છે, જે વાઇરસને રોકતી નથી, પણ તેની ઓળખ કરે છે કે કયો સેલ વાઇરસથી ગ્રસિત છે અને તેની ઓળખ કરી નષ્ટ કરે છે."

એટલે જો વાઇરસ કોઈ રીતે ઍન્ટિબૉડીથી બચીને શરીરના કોઈ સેલમાં ચાલ્યો જાય તો ટી-સેલ્સ તેને શોધવાનું અને 'જૉમ્બી સેલ્સ'ને નષ્ટ કરવાનું કામ કરે છે, જેથી વધુ વાઇરસ પેદા ન થાય.

જ્યૉર્જ કલીલ કહે છે, "સેલ્યુલર રિસ્પૉન્સની અસર ઍન્ટિબૉડી કરતાં મોડી જોવા મળે છે. એટલા માટે કે ઇમ્યુનિટી સારી થવા માટે કેટલાંક અઠવાડિયાંની રાહ જોવી પડે છે."

એટલે કે રસી લીધા બાદ તમે કેટલાંક અઠવાડિયાં પછી જ સુરક્ષિત રહી શકો છો. આ એવું છે, જેવી રીતે શરીરને કોઈ સૂચના 'પ્રોસેસ' કરવા અને તેને અનુરૂપ કામ કરવા માટે સમય જોઈએ.

રસી માટે બે ડોઝ જરૂરી

કોરોના વાઇરસના મામલામાં રસી મળ્યા બાદ બીજો મુદ્દો કેટલા સમય સુધી સુરક્ષાત્મક પગલાં લેવાનો છે તે છે.

આ બીમારી સામે તૈયાર થયેલી મોટા ભાગની રસીની સંપૂર્ણ અસર માટે બે ડોઝ જરૂરી છે.

જ્યૉર્જ કલીલ કહે છે, "સંકેત એવા છે કે પહેલો ડોઝ મળ્યા પછી એક મહિના સુધી રાહ જોવી પડે. બીજો ડોઝ લીધા પછી કમસે કમ 15 દિવસ સુધી મહામારીથી બચવા માટે જરૂરી સાવધાની રાખો, જેમ કે સેલ્ફ આઇસોલેશન અને માસ્કનો ઉપયોગ કરો. દરેક રસીની અસર જોતાં એ કહી શકાય કે તેના પછી જ તમે સુરક્ષિત થઈ શકો છો."

નતાલિયા પસ્ટર્નક કહે છે, "પહેલા ડોઝને ડૉક્ટર મુખ્ય બુસ્ટર કહે છે. કહી શકો કે આ ઇમ્યુન સિસ્ટમને 'કિક-સ્ટાર્ટ' આપે છે. બીજો ડોઝ સારો ઇમ્યુન રિસ્પૉન્સ પેદા કરે છે."

જોકે રસી લીધા પછી એકથી દોઢ મહિના સુધી બધી સાવધાની રાખ્યા પછી પણ જિંદગી સામાન્ય થતા વાર લાગશે. અને જ્યાં સુધી વધુ વસતીને રસી ન મળી જાય ત્યાં સુધી લોકોએ સાવધાનીના ઉપાયો કરતા રહેવું જોઈએ.

શું રસીથી પણ કોરોના વાઇરસ નહીં મરે?

તો તેનો જવાબ છે ના. વૈજ્ઞાનિકો કહે છે કે જો સારી રીતે રસીકરણ થયું તો રસી હર્ડ ઇમ્યુનિટીના માધ્યમથી કોરોનાના ચેપને ફેલાતા રોકી શકે છે.

આ સાચું છે કે વ્યક્તિગત રીતે કોઈ પણ રસી 100 ટકા અસરકારક નથી અને આ કોવિડ-19ની રસી મામલે પણ સાચું છે.

પરંતુ કેટલાક લોકોને રસી આપવાથી વાઇરસના સંક્રમણને ફેલાતું કેવી રીતે રોકી શકાય?

જ્યૉર્જ કલીલ કહે છે, "રસી હર્ડ ઇમ્યુનિટીના માધ્યમથી કામ કરે છે. રસી વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા ઘટાડે છે, જેનાથી ચેપ આગળ ન વધે અને એ જ દર્દીઓમાં રહે. આ રીતે જ શીતળાનો નાશ થયો હતો."

હર્ડ ઇમ્યુનિટી માત્ર એટલા માટે જરૂરી નથી કે રસી 100 ટકા અસરદાર છે, પણ એટલા માટે જરૂરી છે કે ઘણા એવા લોકો છે, જે રસી મેળવી પણ નહીં શકે.

ડૉક્ટર કલીલ કહે છે, "ઘણા લોકોને રસી એટલા માટે નહીં મળે કે તેઓ વૃદ્ધ નથી અથવા તો રસીકરણ અભિયાનનો હિસ્સો નથી. કોરોના વાઇરસની રસીનું પરીક્ષણ હજુ સુધી બાળકો અને ગર્ભવતી મહિલાઓ પર થયું નથી."

આ સિવાય જે લોકોને ઇમ્યુન સિસ્ટમ પર અસર કરતી કોઈ બીમારી હોય, તેમને પણ રસી ન આપી શકાય.

ડૉ. કલીલ અનુસાર, "ઓછી વસતીમાં રસીકરણ થશે તો બાકી લોકોનો બચાવ હર્ડ ઇમ્યુનિટીથી હશે."

કોરોના વાઇરસના મામલામાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)નું અનુમાન છે કે મહામારી રોકવા માટે 80 ટકા વસતીનું રસીકરણ જરૂરી છે. આદર્શ રીતે 90 ટકા.

એટલા માટે જરૂરી છે કે જેને રસી મળી ગઈ છે અને જે લોકોએ એકથી દોઢ મહિનાનો સમય પૂરો કરી લીધો હોય તેઓ મહામારીથી બચવાના ઉપાયો ન છોડે.

કોરોનાના કેસમાં એવું છે કે રસીને વધુ વસતી સુધી પહોંચવા માટે કેટલોક સમય લાગશે.

રસીના કરોડો ડોઝ બનાવવા એક રાતનું કામ નથી. સરકાર અને ફાર્મા કંપનીઓ વચ્ચે કરાર, ઘણા દેશોનું વેઇટિંગ લિસ્ટ, વહેંચણી અને સ્ટોરેજની સમસ્યાઓ (કેટલીક રસીને શૂન્ય તાપમાનથી નીચે રાખવાની જરૂર છે) જેવા ઘણા મુદ્દાઓ છે.

બાયૉલૉજિસ્ટ નતાલિયા પસ્ટર્નક કહે છે, "આ મહત્ત્વનું છે કે જેને પણ પહેલા રસી મળે એ મહામારીથી લડવાનો ઉપાય ચાલુ રાખે. રસી મળ્યાના એકથી દોઢ મહિના પછી પણ. જો તેમની ઇમ્યુનિટી સારી થઈ ગઈ તો પણ તેની કોઈ ગૅરંટી નથી કે તેઓ આ બીમારીને ફેલાવાનું કામ નહીં કરે."

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અત્યાર સુધી જે રસી ટેસ્ટ કરાઈ છે, તે શરીરમાં વાઇરસને ફરીથી ફેલાતા રોકશે અને લોકોને બીમાર થતા બચાવશે. પણ તેનું કોઈ પ્રમાણ નથી કે જેને શખ્સને રસી અપાઈ છે, તેનાથી અન્ય લોકોને કોરાના સંક્રમણ નહીં થાય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો