બાઇડનના એક નિર્ણયથી અમેરિકા અબજો ડૉલરનું દેવાદાર કેવી રીતે બની જશે?

    • લેેખક, ઝુબૈર અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

20 જાન્યુઆરી બુધવારના રોજ 78 વર્ષીય જોસેફ રૉબનેટ બાઇડન જુનિયર વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ બની જશે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પના સમર્થકોના હુમલાના ડરના કારણે પાટનગર વોશિંગટન ડીસીમાં સુરક્ષા બંદોબસ્ત વધુ હશે. કહેવાઈ રહ્યું છે કે ઇરાક કે અફઘાનિસ્તાનમાં પણ અમેરિકન સૈનિકોની સંખ્યા એટલી નહીં હોય જેટલી આ અવસરે વોશિંગટન ડીસીમાં હશે.

જોકે, આ વખત શપથસમારોહ સુરક્ષા અને મહામારીના કારણે ફીક્કો રહેશે, પરંતુ તે છતાં આ વખતે પણ 20 જાન્યુઆરીના રોજ દુનિયા અમેરિકાની પરંપરાગત ઝાકઝમાળ અને રોનક જોશે. આ સમરોહ અમેરિકાની સફળતા અને ખુશાલીને દુનિયા સમક્ષ મૂકવાની પણ એક તક હોય છે.

પરંતુ આ સમારોહને જોઈને કોણ એ કહેશે કે અમેરિકા પગથી માથા સુધી દેવામાં ડૂબેલું છે અને તેની આવનારી બે પેઢીઓ આ દેવું ઉતારવામાં લાગેલી રહેશે.

આવી પરિસ્થિતિમાં બાઇડને પોતાના કાર્યકાળની શરૂઆત પહેલાં એવું પગલું ઉઠાવવાની વાત કરી છે જેનાથી અમેરિકા પર કરજ હજુ વધશે.

ગુરુવારે બાઇડને લગભગ 2 ખર્વ ડૉલરના એક આર્થિક પૅકેજની જાહેરાત કરી. જેનો ઉદ્દેશ મહામારી સાથે લડવાનો, નાગરિકોને રસી પૂરી પાડવાનો, ઓછી આવકવાળાને રોકડ સહાય કરવાનો, નાના વેપારીઓની મદદ કરવાનો અને સમગ્ર અર્થતંત્રને ગતિમાન કરવાનો છે. તેને ફેડરલ બૅંક ફાઇનાન્સ કરશે.

દેવામાં ડૂબેલું અમેરિકા

ગુરુવારે પૅકેજની જાહેરાત કરાઈ એ પહેલાં, પાછલા નવ મહિનામાં અપાયેલા આર્થિક પૅકેજમાંથી સરકાર 3.5 ખર્વ ડૉલર ખર્ચ કરી ચૂકી છે.

મહામારીની રોકથામ અને મોટા પૅકેજ રોલ આઉટ છતાં વિકાસ દર ધીમો છે અને મહામારી ઝડપથી ફેલાઈ રહી છે.

ગુરુવાર સુધી 3,75,000 અમેરિકન આ બીમારીથી જીવ ગુમાવી ચૂક્યા છે અને દરરોજ સરેરાશ 4000 લોકો તેનો શિકાર થઈ રહ્યા છે.

ગરીબ જનતા પરેશાન છે, નાના વેપારીઓ નિરાશ છે, બેરોજગારી ફરી એક વાર વધી રહી છે.

આ પરિસ્થિતિમાં આ પૅકેજની લોકોને તાતી જરૂરિયાત છે. આ એક એવી કડવી દવા છે જે પીવી દેશ માટે જરૂરી છે, એ આશામાં કે દેશનું સ્વાસ્થ્ય ફરી પહેલાં જેવું થઈ જશે. પરંતુ તેની અવળી અસર પણ પડી શકે છે.

પ્રોફેસર સ્ટીવલ હૈંકી જૉન્સ હૉપકિન્સ વિશ્વવિદ્યાલયમાં એપ્લાઇડ અર્થશાસ્ત્રના એક પ્રસિદ્ધ શિક્ષક છે અને રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગનની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય રહી ચૂક્યા છે.

તેમણે જો બાઇડનના નવા આર્થિક પૅકેજ પર અમેરિકાથી બીબીસીને ઇમેઇલ થકી જણાવ્યું કે આ પગલાથી સરકાર પરનું દેવું વધશે.

તેઓ જણાવે છે, “અમેરિકન સરકારને ખર્ચમાં વૃદ્ધિની કિંમત ચૂકવવી પડશે. રાષ્ટ્રીય ઋણમાં વૃદ્ધિ કરીને ખર્ચને ફાઇનાન્સ કરવામાં આવશે.”

ગયા વર્ષે વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર અમેરિકાની GDP 21.44 ખર્વ ડૉલર હતી. પરંતુ તેનું રાષ્ટ્રીય દેવું 27 ખર્વ ડૉલર હતું.

જો આ દેવું દેશની 32 કરોડ વસતીમાં વહેંચવામાં આવે તો દરેક નાગરિકના નામે 23,500 ડૉલરનું દેવું હશે. તેનો અર્થ એ થયો કે અમેરિકા જો પોતાનું સમગ્ર અર્થતંત્ર વેચી દે, તો પણ પોતાનું આ દેવું ચૂકતે નહીં કરી શકે.

કોણ છે તેનો જવાબદાર?

અમેરિકન આર્થિક વિશેષજ્ઞ કહે છે કે દેશના વધતા દેવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પ જવાબદાર છે. તેમના અનુસાર ટ્રમ્પે સત્તામાં આવ્યા એ પહેલાં દેવું ઘટાડવાનો વાયદો કર્યો હતો પરંતુ તે પૂરો ન કર્યો.

રાષ્ટ્રપતિ ટ્રમ્પનાં ચાર વર્ષના કાર્યકાળમાં દેશનું દેવું 7.8 ખર્વ ડૉલરના હિસાબે વધ્યું, જ્યારે રાષ્ટ્રપતિએ 2016માં ચૂંટણી જીતી હતી ત્યારે તે સમયે પ્રશાસનનું દેવું 19.95 ટ્રિલિયન ડૉલર હતું. 31 ડિસેમ્બર, 2020 સુધી રાષ્ટ્રીય દેવું 27.75 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી ગયું.

'પ્રો પુબ્લિકા' નામની એક પત્રિકામાં ગત અઠવાડિયે છપાયેલા એક લેખ અનુસાર અમેરિકા ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન સંઘીય નાણાકીય મહામારીના આગમન પહેલાં પણ ગંભીર સ્થિતિમાં હતું. આ એક એવા સમયે થયું હતું જ્યારે અર્થતંત્રમાં વધારો થઈ રહ્યો હતો અને બેરોજગારી ઐતિહાસિકપણે નીચલી સંપાટી પર હતી. ટ્રમ્પ પ્રશાસનના વિવરણ અનુસાર મહામારી પહેલાં જ રાષ્ટ્રીય ઋણનો સ્તર ‘સંકટ’માં હતો.

સંકટનું કારણ હતું ટ્ર્મ્પ દ્વારા ટૅક્સમાં ઘટાડો અને સરકારી ખર્ચમાં રોક ન લગાવવી.

આ અંગે વૉશિંગટન પોસ્ટ અખબારે હાલમાં લખ્યું હતું, “ટ્ર્મ્પે 2017માં ટૅક્સમાં ભારે ઘટાડો કર્યો અને ગંભીર ખર્ચ પર કોઈ સંયમ ન જાળવ્યો જે કારણે રાષ્ટ્રીય ઋણમાં જરૂરિયાત કરતાં વધારે વધારો થયો.”

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે કૉર્પોરેટ ટૅક્સ 35 ટકાથી ઘટાડીને 21 ટકા કરી દીધો હતો.

પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પના રેકૉર્ડનો બચાવ કરનારા તર્ક આપે છે કે તેમના કાળમાં અમેરિકાએ દેવાં લીધાં તો તેનો ફાયદો પણ દેખાયો – આર્થિક વિકાસના દરમાં વધારો થયો, મોંઘવારી ઘટી, બેરોજગારીમાં રેકૉર્ડ તોડ ઘટાડો થયો અને વ્યાજના દર ઘટ્યા.

દક્ષિણપંથી અર્થશાસ્ત્રી કહે છે કે રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમની પહેલાંના રાષ્ટ્રપતિ જૉર્જ બુશના સમયમાં સૌથી વધુ દેવાં વધ્યાં.

જોહાન્સ કેપલર યુનિવર્સિટી, ઑસ્ટ્રિયાના કેટલાક શિક્ષકોએ અમેરિકાન રાષ્ટ્રપતિઓ દ્વારા ખર્ચના રેકૉર્ડ પર એક રિસર્ચ પેપર તૈયાર કર્યો છે જે અનુસાર ઓબામાના સમયમાં ખર્ચ વધ્યા હતા અને એ પહેલાં જૉર્જ બુશના સમયમાં પણ આવું જ કંઈક બન્યું હતું. કારણ કે રાષ્ટ્રપતિ બુશના પ્રવાસમાં અમેરિકાએ અફઘાનિસ્તાન અને ઇરાક વિરુદ્ધ સૈન્ય અભિયાન શરૂ કર્યું હતું જે વર્ષો સુધી ચાલુ રહ્યું. પરંતુ હવે દેવાં હજુ વધુ વધ્યાં છે.

'પ્રો પુબ્લિકા'ના લેખમાં દાવો કરાયો, “અમારું રાષ્ટ્રીય ઋણ એ સ્તરે પહોંચી ગયું છે જે દ્વિતિય વિશ્વ યુદ્ધના અંતમાં હતું. યાદ રહે કે 75 વર્ષ પહેલાં યુદ્ધના કારણે દેવું વધ્યું હતું, ટ્રમ્પના કાર્યકાળમાં કોઈ સૈન્ય અભિયાન શરૂ નથી કરાયું."

"દ્વિતિય વિશ્વ યુદ્ધનાં દેવાની ખીણમાંથી નીકળવું સરળ હતું કારણ કે સરકાર પાસે મેડિકૅર અને સોશિયલ સિક્યોરિટી જેવા મોટા ખર્ચવાળી જવાબદારી નહોતી.”

હાલમાં દેવું કોણ આપશે અને તેનાં પરિણામો શું હશે?

અમેરિકામાં જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી સ્ટીવ હૈંકીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે હાલનું દેવું ફેડરલ રિઝર્વ (ભારતમાં સેન્ટ્રલ બૅંક આરબીઆઈ જેવી નાણાકીય સંસ્થા) આપશે.

પ્રોફેસર હૈંકી કહે છે, “તેનો અર્થ એ છે કે વધારાની મોંઘવારી વધવાનો સમય નિકટ છે. ઊંડા ઋણના ખાડામાં પડવા સિવાય, નવા સરકારી ખર્ચાના બોજાને અમુક નવા કરોએ ઉઠાવવો પડશે. અને નવા કરોના બોજાથી ખાનગી ક્ષેત્રમાં જીવન મુશ્કેલ બની જશે.”

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો