કોરોના વાઇરસ : રસી લીધા પછી શું તકેદારી રાખવી અને માસ્ક ક્યાં સુધી પહેરી રાખવું પડશે?

ભારતમાં ભારે ઘાતક નીવડેલી કોરોના વાઇરસની બીજી લહેર હવે ધીમી પડી ગઈ છે અને આ દરમિયાન ત્રીજી લહેરની શક્યતા અંગે ચેતવણી ઉચ્ચારવામાં આવી રહી છે.

આ દરમિયાન દેશભરમાં રસિકરણ-અભિયાનને વેગ આપવામાં આવી રહ્યો છે. હાલમાં દેશમાં કોરોનાની ચાર રસીને મંજૂરી આપી દેવાઈ છે. કોવિશિલ્ડ, કોવૅક્સિન, સ્પુતનિક V અને મૉડર્ના એમ ચાર રસીને ભારતે મંજૂરી આપી છે.

જોકે, કેટલાક લોકો હજુ પણ કોરાનાની રસી લેતા ખચકાટ અનુભવી રહ્યા છે.

કોરોના રસીકરણને લઈને તેની અસર, આડઅસર અને યોગ્યતા તથા તકેદારીઓ બાબતે અનેક લોકો હજી અસમંજસમાં છે.

રસી અને રસીકરણ વિશે ડૉ. પાર્થિવ મહેતા સાથે બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યે અગાઉ વાતચીત કરી હતી. ડૉ. પાર્થિવ મહેતા અમદાવાદમાં પલ્મોનૉલૉજિસ્ટ (છાતી-ફૅફ્સાનાં નિષ્ણાત) છે.

આગળ વાંચો તેજસ વૈદ્યના સવાલો અને ડૉ. પાર્થિવ મહેતાના જવાબો.

રસી લીધા બાદ શું ફરીથી કોરનાનો ચેપ લાગી શકે?

હા. ધારો કે કોરોનાની રસીની અસર બે વર્ષ સુધી જ રહે છે એવું પ્રતિપાદિત થાય તો એ બે વર્ષ પૂરાં થાય એ અગાઉ જ એની રસી લઈ લેવી પડે. સાદી ભાષામાં કહીએ તો આ લાઇસન્સ રિન્યૂ કરાવવા જેવી જ વાત છે. તેથી એ રિન્યૂ કરાવવું પડે.

દૂરના અંતરિયાળ વિસ્તારમાં કે ગામડાંમાં રહેતા લોકોને એવો સવાલ થાય છે કે તેમને રસી ક્યારે મળશે?

ભારતનું રસીકરણ વ્યવસ્થાતંત્ર સબળ છે. લોકોને ખબર હશે કે પોલિયોની રસી બાળકોને પીવડાવવાં આંગણવાડી બહેનો ખભે આઇસબૉક્સમાં સૂકા બરફ સાથે રસી લઈને જતાં હોય છે.

એ બહેનો છેક છેવાડાનાં ગામ સુધી રસી પહોંચાડતાં હોય છે. નાનાં બાળકો માટેનો જે રસીકરણ કાર્યક્રમ છે એનું હવે કોરોના મામલે આપણે વયસ્કો માટે વિસ્તરણ કરી રહ્યા છીએ.

ભારતમાં જે બે વૅક્સિનને હંગામી મંજૂરી મળી છે તે બંને કૉવૅક્સિન અને કૉવિશીલ્ડને બેથી આઠ ડિગ્રી તાપમાને જ રાખવાની છે.

આ તાપમાને રસી રાખવા માટે જે આઇસબૉક્સ કે આઇસપેક્સની જરૂર છે તે આપણાં આરોગ્યકેન્દ્રો અને પેટા આરોગ્યકેન્દ્રો પર ઉપલબ્ધ છે. ત્યાં પહોંચાડવાની કોઈ તકલીફ પડે એવું તો હાલમાં દેખાતું નથી.

આરોગ્યતંત્ર દ્વારા છેલ્લા ત્રણ મહિનામાં આ માટેની તૈયારીઓ કરવામાં આવી છે. રસીકરણ કેવી રીતે થશે એની ટ્રાયલ સાથેની તૈયારીઓ આપણે ત્યાં કરી દેવામાં આવી છે.

ઉનાળામાં ગામડાંમાં રસીને રાખવાની વ્યવસ્થા કઈ રીતે શક્ય બનશે?

વિજ્ઞાન ખૂબ આગળ વધી ગયું છે. અત્યારે પણ ઘણી રસી ઉપલબ્ધ છે. જેમ કે ઇન્ફ્લુએન્ઝા રસી, રુબેલા રસી, મગજના તાવની રસી, પોલિયોના ટીપાં વગેરે. આ બધાં કોલ્ડ ચેઇન દ્વારા એટલે કે રસી માટે જરૂરી નિયંત્રિત તાપમાનમાં, જ્યાં તેનું ઉત્પાદન થાય છે ત્યાંથી ઍન્ડ યુઝર એટલે કે ડૉક્ટરના દવાખાના સુધી કે પ્રાથમિક આરોગ્યકેન્દ્ર સુધી જાય જ છે.

રસીને કોલ્ડ ચેઇનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરી શકે એવાં ઇન્સ્યુલેટેડ કોલ્ડ વાહનો પણ છે જ. મહત્ત્વની વાત એ છે કે એમાં 'ડેટા લૉગર' હોય છે. એ એવું સાધન છે જે સતત રસીનું તાપમાન માપતું રહે છે.

જો સંજોગોવશાત્ ઇન્સ્યુલેટેડ વાહનની અંદર તાપમાન ન જળવાયું હોય તો ડેટા લૉગર પોતે જ એવું કહી દે છે કે આ રસી હવે ઉપયોગ કરવા માટે યોગ્ય નથી. એણે ગુણવત્તા ગુમાવી દીધી છે. એ રસીને ઉપયોગમાં લેવામાં આવતી નથી.

તેથી છેલ્લામાં છેલ્લી વ્યક્તિને પણ રસી અપાશે ત્યારે એની કોલ્ડ ચેઇન જળવાયેલી છે કે નહીં એ જોઈને જ અપાશે. તેથી એમાં શંકા કરવાની જરૂર નથી.

રસી માટે જેમનું નામ નોંધાયેલું હોય તેમને જો એ વખતે કોરોના થયો હોય તો રસી લઈ શકે?

જેમને હાલમાં કોરોના થયો છે અથવા છેલ્લા બે મહિનામાં કોરોના થઈ ચૂક્યો છે તેમને હાલમાં રસીકરણ પ્રોગ્રામમાં સમાવવાના નથી. કારણ કે આપણી પાસે રસીનો જથ્થો મર્યાદિત છે.

આ ડોઝ એવી વ્યક્તિને પહોંચાડવાના છે જેમને કોરોના સામે રક્ષણ આપવું ખૂબ જરૂરી છે.

જેમને કોરોના થઈ ચૂક્યો છે તેમને જાતે જ, કુદરતી રીતે જ રક્ષણ મળી ગયું છે. નેચરલ ડોઝ ઑફ વૅક્સિન મળી ગયો છે. તેમના શરીરે જાતે જ કુદરતી રીતે રોગપ્રતિકારક ઍન્ટિબોડી ઉત્પન્ન કરી છે જે કૃત્રિમ રીતે વૅક્સિન વડે વધારવા માગીએ છીએ.

એક જાગૃત નાગરિક તરીકે તેમણે પણ જાતે જ કહેવું જોઈએ કે તેમને વૅક્સિનની જરૂર નથી.

હા, એવા ઘણા લોકો જેમને છેલ્લા નવ મહિનામાં કોરોના થયો છે અને હાઈરિસ્કમાં રાખવામાં આવે છે. તેમને કૅટેગરી-4માં રાખવામાં આવ્યા છે. જેમાં કોરોના વૉરિયર્સ આરોગ્યકર્મીઓ તેમજ ફ્રન્ટલાઇન વૉરિયર્સનો સમાવેશ થાય છે.

એના પછી એવા લોકો કે જેમની ઊંમર 50 વર્ષ કરતાં વધુ છે અને તેમને ડાયાબિટીસ, લોહીનું દબાણ, કિડની વગેરેની બીમારી છે એવા લોકોને રસી અપાશે. પછી એવા લોકો કે જેમને વધુ રક્ષણની જરૂર છે તેમને અપાશે.

ટૂંકમાં, સરકાર દ્વારા ખૂબ સમજણપૂર્વક રસીકરણ માટેની કૅટેગરી નક્કી કરવામાં આવી છે.

જો કોઈને કોરોના થઈ ચૂક્યો છે અને તેને રસી નહીં મળે તો એનો મતલબ એ નથી કે તેના હક પર તરાપ મારવામાં આવી છે. સમજણપૂર્વક તે વ્યક્તિને રસીકરણ માટે પછીથી રાખવામાં આવી છે.

પોલિયો રસીકરણનો પ્રોગ્રામ આપણે ત્યાં વર્ષોથી ચાલે છે, શું કોરોના રસીનો પ્રોગ્રામ પણ ચાલતો રહેશે?

કોરોના વાઇરસની વર્તણૂક સમજવામાં તેમજ એની મારક રસીની ક્ષમતા સમજવામાં આપણે હજી પ્રાથમિક તબક્કામાં છીએ.

તમને જાણીને આશ્ચર્ય થશે કે ઇન્ફ્લુએન્ઝાની રસી આપણે દર વર્ષે આપીએ છીએ.

ઇન્ફ્લુએન્ઝા અને 2008-09માં આવેલા સ્વાઇનફ્લૂ વાઇરસનું રસીકરણ શરૂ થયું ત્યારથી એને રિ-વૅરક્સિનેટ કરવું જરૂરી છે. કારણકે અમુક વાઇરસ પોતાની ક્ષમતા અને સ્વરૂપ બદલતાં રહે છે એટલે કે મ્યૂટેટ થતાં રહે છે.

રસીથી આપણે રક્ષણ મેળવી લઈએ એટલે વાઇરસ પોતાનો બીજો અવતાર લઈને હુમલો કરવા આવે છે.

માટે દરેક દેશમાં તબક્કાવાર વાઇરસના નમૂનાનું પરીક્ષણ થતું રહે છે. વર્ષ પૂર્ણ થાય એટલે અમેરિકાની એક ઉચ્ચ સંસ્થા સીડીસી છે ત્યાં એનો ડેટા મોકલવામાં આવે છે.

સીડીસી એ ડાટાનું વિશ્લેષણ કરીને જણાવે છે કે નવી રસીમાં ક્યા વાઇરસના કેટલાં મ્યૂટેશન્સને સમાવવામાં આવશે એની વિગત વગેરે આપે છે.

ન્યુમોનિયાની વૅક્સિન પાંચ વર્ષે લેવામાં આવે છે. એવું પણ બની શકે કે કોરોનાની વૅક્સિન દર પાંચ વર્ષે કે એ અગાઉ પણ લેવાની આવે.

પણ હાલ આ તબક્કે આ મુદ્દે કોઈ નિવેદન આપવું એ કદાચ વિજ્ઞાન સામે સવાલ ઊભો કરીએ એવું બની શકે.

રસી આપ્યા પછી શરીરમાં કોરોના સામેની પ્રતિકારકતા ક્યાં સુધીમાં ઉત્પન્ન થશે?

અત્યારે જે પરીક્ષણ કરવામાં આવ્યા છે એમાં ત્રીજા તબક્કા સુધીની જે ફેઝ-થ્રી કન્ટ્રોલ ટ્રાયલ કરવામાં આવ્યા છે એ જોતા જ્યારે આપણે પહેલો ડોઝ આપીએ છીએ એના બે સપ્તાહ પછી રોગપ્રતિકારક ઍન્ટિબોડી ઉત્પન્ન થવા માંડે છે.

ત્રીજા સપ્તાહના અંતે તો સારા પ્રમાણમાં ઍન્ટિબોડી ઉત્પન્ન થયેલા જોવા મળે છે. 28મા દિવસે એટલે કે ચોથા સપ્તાહમાં આપણે ફરી એનો બીજો ડોઝ આપીએ એના બે જ સપ્તાહની અંદર શરીરને સંપૂર્ણ રક્ષણ મળી જાય છે.

સરળ રીતે સમજીએ તો પહેલો ડોઝ આપ્યાના ત્રણથી ચાર સપ્તાહમાં સીત્તેર ટકા રક્ષણ અને બીજો ડોઝ આપ્યાના બે સપ્તાહમાં પંચાણુથી અટ્ઠાણુ ટકા રક્ષણ મળે એટલી ઍન્ટિબોડી ઉત્પન્ન થયેલી ટ્રાયલ્સમાં જોવા મળી છે.

હવે જેને રસી આપવામાં આવશે એના પણ નમૂના એકઠા કરવામાં આવશે. તેથી જે મોટો ડેટા આપણી પાસે આવશે ત્યારે એના વિશે સાચી માહિતી આપણને મળી શકશે.

કૉવિશીલ્ડ અને કૉવેક્સીન બંનેના બહોળી માત્રામાં જરૂરી ડોઝ બનાવી લેવામાં આવ્યા છે અને કંપનીઓએ પહોંચાડવાની તત્પરતા દર્શાવી છે. બંને વૅક્સિનની ઍન્ટિબોડી ઉત્પન્ન કરવાની ક્ષમતામાં કોઈ દેખીતો ફરક નથી.

સારી વાત એ છે કે બંને વૅક્સિન પરીક્ષણના જે પણ તબક્કે વાપરવામાં આવી છે ત્યારે એમાંથી કોઈએ જીવલેણ આડઅસર દર્શાવી નથી. બંને રસી લેનારાઓમાં ઍન્ટિબોડી ઉત્પન્ન થવાનું પ્રમાણ નૅક ટુ નૅક એટલે કે દોરાથી દોરા સુધીનું સરખું જ દેખાડવામાં આવ્યું છે.

અગત્યની વાત એ પણ છે કે બંનેને એક સ્થળેથી બીજે સ્થળે વહન કરવા માટે બેથી આઠ ડિગ્રીનું તાપમાન જ જોઈએ છે. કૉવિશીલ્ડ અને કૉવૅક્સિન બંને એકબીજાના પૂરક પડછાયાં છે એવું કહી શકાય.

બ્રિટનમાં કૉવિશીલ્ડની હંગામી મંજૂરી આપવામાં આવી હતી. એ પછી કેટલાકને આડ અસર દેખાતા પાછી ખેંચવામાં આવી હતી

જે તે દેશમાં કોઈ પણ રસીનો ઉપયોગ થાય ત્યારે ત્યાંના લોકોનાં જનીન બંધારણ, રોગપ્રતિકારક ક્ષમતા તેમજ ત્યાંના વપરાશના જે પરિબળ હોય છે એમાં ફરક હોય છે.

તેથી વિશ્વમાં જ્યારે પણ નવી દવા કે રસી આવે ત્યારે દરેક દેશ અને દરેક ખંડનાં લોકોનાં સૅમ્પલ - નમૂના લેવામાં આવે છે. વ્યક્તિના વિવિધ વયજૂથને સમાવીને તેનું પરીક્ષણ કરવામાં આવે છે.

એના પરથી એવી માહિતી મળે છે કે ક્યા સબગૃપમાં એની અસરકારકતા વધતી કે ઓછી છે. ક્યા સબગૃપમાં એના ઉપયોગને લીધે આડઅસર થઈ શકે એમ છે? એને આધારે જે તે સબગૃપને રક્ષણ કરવા માટેની રણનીતિ ઘડાતી હોય છે.

શું કોરોનાની રસી પણ આજથી પચાસ કે સિત્તેર વર્ષ પછી અપાતી હશે?

એક કોષી જીવથી માંડીને મનુષ્ય જેવા જટિલ જીવ જ્યારે પણ એવી સ્થિતિમાં મૂકાય કે જીવન ટકાવી રાખવા ઝઝૂમવું પડે ત્યારે તે પોતાના ગુણધર્મ બદલે છે. જેને મ્યુટેશન કે એડપ્ટેશન કહેવામાં આવે છે.

પચીસ પેઢી એટલે કે જનરેશન્સ થાય ત્યારે એને નવું એડપ્ટેશન મળે છે. જેનાથી એ ઓછા તાપમાન કે વધુ ભેજ કે એવી કોઈ પણ અગાઉની પડકારજનક સ્થિતિમાં જીવી શકે.

દાખલા તરીકે પૃથ્વી પરથી વીજળી નાબૂદ થઈ જાય તો આપણી પચ્ચીસમી જનરેશન એવી હશે કે જેને વીજળી વગર રહેવામાં કોઈ તકલીફ નહીં પડે.

કોરોનાની વાત કરીએ તો એની પચ્ચીસ જનરેશન થતાં થોડા દિવસો જ થાય છે.

મુદ્દો એ છે કે જ્યારે પણ નવી પડકારજનક સ્થિતિ આવે ત્યારે જીવ કે વાઇરસ પોતાની રીતે એનો રસ્તો કાઢી લે છે. નવી સ્થિતિને અનુકૂળ થઈને એ પોતાનું કલેવર બદલે છે. એ પોતાની ટકી શકવાની ક્ષમતા વધારે છે. તેથી ડૉક્ટર તરીકે હું જો એમ કહું કે છ મહિના કે પાંચ વર્ષ પછી કોરોના નહીં રહે તો હું ખોટો ઠરીશ એવી મને સો ટકાની ખાતરી છે.

આપણે કોરોનાની સાથે રહીને જીવતા શીખવાનું છે. જેમ આપણે ઇન્ફ્લુએન્ઝાની સાથે રહીને જીવીએ છીએ, જેમ ટ્યુબરક્યુલોસીસ(ટીબી-ક્ષય), કમળો, ટાઇફોઈડ કે મેલેરિયાની સાથે રહીને જીવીએ છીએ, એવી રીતે આવા અન્ય એક ચેપી રોગની સાથે રહીને જીવતાં શીખવું પડશે.

અમુક લોકો એવું પણ માને છે કે રસી લીધા પછી માસ્ક પહેરવાની કે વારંવાર હાથ ધોવાની જરૂર નહીં રહે

જ્યાં સુધી આપણી સામે નવા કોરોના કેસના આંકડા એટલા ઓછા પ્રમાણમાં ન થઈ જાય કે જેને કારણે સામાન્ય સંજોગોમાં આપણે એકબીજાને મળીએ ત્યારે સંભવિત સંક્રમણની ક્ષમતા ઓછી થઈ જાય. તેથી જ્યાં સુધી સરકાર જાહેર ન કરે ત્યાં સુધી તો માસ્ક છોડવાનો નથી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો