You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદીએ ગૃહમંત્રી અમિત શાહને જ કેમ સહકારી મંત્રી બનાવ્યા?
- લેેખક, રજનીશ કુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સૌથી ભરોસાપાત્ર મનાતા ગૃહમંત્રી અમિત શાહને વધુ એક નવું મંત્રાલય અપાયું છે.
મોદી સરકારમાં નવું સહકારિતા મંત્રાલય બનાવાયું છે અને સાત જુલાઈના રોજ થયેલા કૅબિનેટ-વિસ્તરણમાં તેની જવાબદારી અમિત શાહને સોંપવામાં આવી છે.
અમિત શાહ ઘણા સમય સુધી અમદાવાદ જિલ્લા કેન્દ્રીય સહકારી બૅન્કના પ્રમુખ રહી ચૂક્યા છે, પરંતુ હવે તેમના માટે એક નવું મંત્રાલય બની ગયું છે.
અમિત શાહ જ્યારે પ્રમુખ હતા ત્યારે જ નોટબંધી સમયે ત્યાંથી સૌથી વધુ પ્રમાણમાં જૂની નોટો જમા કરાઈ હોવાની વાત સામે આવી હતી. આ જાણકારી એક RTI મારફતે સામે આવી હતી.
મોદી સરકાર આ પહેલાં પણ ઘણાં નવાં મંત્રાલયો બનાવી ચૂકી છે. જેમ કે જળશક્તિ, ગંગાસફાઈ, કૌશલ્ય-વિકાસ અને આયુષ મંત્રાલય. ઘણાં મંત્રાલયો અને સંસ્થાઓનાં નામ પણ બદલવામાં આવ્યાં છે. જેમ કે માનવ-સંસાધન વિકાસ મંત્રાલય શિક્ષણ મંત્રાલય બની ગયું અને આયોજનપંચ બની ગયું નીતિ આયોગ.
ભાજપ સરકારે આ પ્રકારનાં ઘણાં પરિવર્તન કર્યાં છે. જેમ કે, વડા પ્રધાન મોદીએ નવી દિલ્હીસ્થિત પોતાના આવાસવાળા વિસ્તારનું નામ રેસકોર્સ રોડમાંથી બદલીને લોકકલ્યાણ માર્ગ કરી દીધું હતું.
આ તમામની કામ પર કેટલી અસર થઈ અને લોકોને કેટલો લાભ થયો તે એક ચર્ચાનો વિષય છે.
આ પહેલાં સહકારિતાનાં કામ કૃષિ મંત્રાલય હેઠળ આવતાં હતાં, પરંતુ હવે તેને એક અલગ મંત્રાલયનું સ્વરૂપ આપી દેવાયું છે. ભારત સરકારના પ્રેસ સૂચના બ્યૂરો (PIB)એ અલગ સહકારિતા મંત્રાલયને લઈને એક પ્રેસ રિલીઝ જારી કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમાં કહેવાયું હતું કે દેશમાં સહકારિતા આંદોલનને વધુ મજબૂતી આપવા માટે અલગથી નીતિ અને વહીવટી માળખું તૈયાર કરાશે.
PIBની પ્રેસ રિલીઝ અનુસાર, "અલગ સહકારિતા મંત્રાલય બનવાથી દૂરના વિસ્તારો સુધી પહોંચવામાં મદદ મળશે. આપણા દેશમાં સહકારિતા આધારિત આર્થિક વિકાસ અત્યંત પ્રાસંગિક છે. આ મૉડલમાં દરેક વ્યક્તિ જવાબદારી અને ઉત્સાહ સાથે કામ કરે છે. આ મંત્રાલય કારોબારને સુલભ બનાવવાને લઈને કામ કરશે."
અલગ મંત્રાલય
પોતાના બજેટ ભાષણમાં પણ નાણામંત્રી નિર્મલા સીતારમણે સહકારિતાને મજબૂત બનાવવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.
શનિવારે અમિત શાહે અમુક સહકારી સંસ્થાના પ્રમુખો સાથે પણ બેઠક કરી હતી.
બેઠક બાદ અમિત શાહે સોશિયલ મીડિયા પર તસવીર જારી કરીને લખ્યું, "આજે NCUI (નૅશનલ કો-ઑપરેટિવ યુનિયન ઑફ ઇન્ડિયા)ના અધ્યક્ષ દિલીપ સંઘાણી, ઇફકોના ચૅરમૅન બી. એસ. નકઈ, મૅનેજમૅન્ટ નિદેશક યુ. એસ. અવસ્થી અને NAFEDના ચૅરમૅન ડૉ. બિજેન્દ્ર સિંહજી સાથે મુલાકાત કરી. મોદીજીના નેતૃત્વમાં આપણે સહકારિતા અને તમામ સહકારી સંસ્થાઓને વધુ સશક્ત બનાવવા માટે દૃઢ સંકલ્પિત છીએ."
સહકારિતા સંસ્થાઓનું નિર્માણ પાયાના સ્તરે સામૂહિક કોશિશો દ્વારા થયું છે જેમનું લક્ષ્ય કલ્યાણકારી હોય છે.
ઉદાહરણ તરીકે કૃષિક્ષેત્રમાં સહકારી ડેરી, ખાંડની મિલો અને કાપડમિલોનું નિર્માણ ખેડૂતોએ પોતાનાં સામૂહિક સંસાધનો વડે ઉત્પાદનની સારી કિંમત હાંસલ કરવાના લક્ષ્યથી કર્યું છે.
હાલ ભારતમાં બે લાખની આસપાસ સહકારી ડેરી સોસાયટી અને 330 સહકારી ખાંડની મિલો છે.
નૅશનલ ડેરી ડેવલપમૅન્ટ બોર્ડના વર્ષ 2019-20ના વાર્ષિક રિપોર્ટ અનુસાર સહકારી ડેરીએ 1.7 કરોડ સભ્યો પાસેથી દરરોજ 4.8 કરોડ લિટર દૂધ ખરીદ્યું અને 3.7 કરોડ લિટર દૂધ દરરોજ વેચ્યું. આવી જ રીતે દેશના ખાંડઉત્પાદનમાં પણ સહકારી ખાંડની મિલોનો ભાગ 35 ટકા છે.
બૅંકિંગ અને ફાઇનાન્સના ક્ષેત્રે સમગ્ર દેશમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સહકારી સંસ્થાઓ ફેલાયેલી છે. ગ્રામીણ સ્તરે પ્રાથમિક કૃષિ ક્રૅડિટ સોસાયટી છે.
આ સોસાયટી ગામના ખર્ચના અનુમાનની માગ જિલ્લા સહકારી બૅંકોને મોકલે છે.
ગ્રામીણોને ધિરાણની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આ સહકારી સંસ્થાઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. આ સહકારી બૅન્કોમાં સામૂહિક ભાગીદારી હોવાના કારણે ધિરાણની સુવિધાનો લાભ લેતી વખતે ભાવતાલનો અધિકાર ખેડૂતો પાસે હોય છે.
આ સુવિધા અન્ય વ્યાવસાયિક બૅન્કોમાં ઉપલબ્ધ નથી હોતી. આ સાથે ગ્રામીણ ક્ષેત્રોમાં સહકારી માર્કેટિંગ સોસાયટી અને શહેરી વિસ્તારમાં સહકારી હાઉસિંગ સોસાયટી પણ છે.
નાણાકીય તાકાત
2019-20ના નાબાર્ડના વાર્ષિક રિપોર્ટ અનુસાર, દેશમાં કુલ 95,238 પ્રાઇમરી ઍગ્રિકલ્ચર સોસાયટી (PACS), 363 ડિસ્ટ્રિક્ટ કો-ઑપરેટિવ સૅન્ટ્રલ બૅન્ક અને 33 સ્ટેટ કો-ઑપરેટિવ બૅન્ક છે. સ્ટેટ કો-ઑપરેટિવ બૅન્કને રોકાણકારો પાસેથી 6,104 કરોડ રૂપિયાની રકમ મળી અને કુલ 1,35,393 કરોડ રૂપિયા જમા થયા.
તેમજ જિલ્લા સહકારી બૅન્કોને રોકાણકારો પાસેથી 21,147 કરોડ રૂપિયા મળ્યા અને 3,78,248 કરોડ રૂપિયા જમા થયા. જિલ્લા સહકારી બૅન્કોનું મુખ્ય કામ ખેડૂતોને ટૂંકા ગાળાની લૉન આપવાનું છે અને આ બૅન્કોએ વર્ષ 2019-20માં 3,00,034 કરોડ રૂપિયાનું ધિરાણ કર્યું છે.
આવી જ રીતે રાજ્ય સહકારી બૅન્ક કૃષિઉત્પાદનો સાથે જોડાયેલી ઇન્ડસ્ટ્રીને ધિરાણની સુવિધા પૂરી પાડે છે. તેમાં ખાંડ અને કાપડની મિલ પણ સામેલ છે. વર્ષ 2019-20માં રાજ્ય સહકારી બૅન્કોએ 1,48,625 કરોડ રૂપિયા દેવાં તરીકે આપ્યા હતા.
શહેરી વિસ્તારોમાં સહકારી બૅન્ક અને સહકારી ક્રૅડિટ સોસાયટીએ પોતાની સેવાનો વ્યાપ વધાર્યો છે. આ જ કારણે ઘણાં સૅક્ટરના લોકોને લાભ પણ થયો છે.
RBIના ડેટા અનુસાર દેશમાં કુલ 1,539 શહેરી સહકારી બૅન્કો છે, જેની વર્ષ 2019-20માં મૂડી 14,993.54 કરોડ રૂપિયા હતી.
કૃષિની માફક સહકારિતા પણ સંયુક્ત યાદીમાં સામેલ છે. તેનો અર્થ એ થાય છે કે સહકારી સૅક્ટર કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેના અધિકારક્ષેત્રમાં આવે છે.
મોટા ભાગની સહકારી સોસાયટીઓ પર રાજ્યના કાયદા લાગુ થાય છે. તેમાં એક સહકારી કમિશનર અને રજિસ્ટ્રાર ઑફ સોસાયટી ઑફિસ પાસેથી મદદ લેવામાં આવે છે.
કેન્દ્રે વર્ષ 2002માં બહુરાજ્ય સહકારી સોસાયટી કાયદો ઘડ્યો, જે અંતર્ગત એક કરતાં વધુ રાજ્યોમાં સહકારી સોસાયટીને કામ કરવાની મંજૂરી મળી.
તે પૈકી મોટા ભાગની બૅન્કો, ડેરી અને ખાંડની મિલો જેવા કારોબાર સામેલ છે. તેનો વ્યાપ એક કરતાં વધુ રાજ્યોમાં છે. તેના પર સૅન્ટ્રલ રજિસ્ટ્રાર ઑફ સોસાયટીઝનું નિયંત્રણ હોય છે પરંતુ વાસ્તવિક નિયંત્રણ સ્ટેટ રજિસ્ટ્રારનું હોય છે.
મોદી સરકારના ઇરાદા સામે સવાલ
એવું પણ કહેવાઈ રહ્યું છે કે નવું મંત્રાલય બનવાથી મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકની જેમ દેશનાં અન્ય રાજ્યોમાં પણ સહકારિતા આંદોલનને ગતિ મળશે. સહકારી સંસ્થાઓને કેન્દ્ર પાસેથી નાણાં મળે છે અને રાજ્ય સરકારો ગૅરંટી આપે છે.
પરંતુ આ સિસ્ટમ ઘણાં રાજ્યોમાં સારી રીતે કામ નથી કરી રહી. પાછલાં ઘણાં વર્ષથી સહકારી સૅક્ટર ફંડની અછત સામે ઝૂઝી રહ્યું છે. કહેવાઈ રહ્યું છે કે આવનારાં વર્ષોમાં અલગ મંત્રાલયના કારણે સહકારી સંસ્થાઓને નવી ઊર્જા મળી શકે છે.
મહારાષ્ટ્રના રાજકારણમાં સહકારી સંસ્થાઓની દખલ અત્યંત પ્રભાવશાળી છે. મહારાષ્ટ્રમાં 100 કરતાં વધુ ધારાસભ્યો કોઈને કોઈ સહકારી સંસ્થા સાથે જોડાયેલા છે.
મહારાષ્ટ્રમાં NCPના પ્રમુખ શરદ પવાર અને વર્તમાન ઉપમુખ્ય મંત્રી અજિત પવારે સહકારી સંસ્થાઓમાં થનારી ચૂંટણીઓમાંથી જ રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. મહારાષ્ટ્રના અર્થતંત્રમાં સહકારી સંસ્થાઓની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
નવું મંત્રાલય બનાવવા અંગે વિપક્ષ ટીકા કરી રહ્યો છે અને તેનો આરોપ છે કે ભાજપનો ઇરાદો મહારાષ્ટ્ર અને ગુજરાતની સહકારી સંસ્થાઓ પર નિયંત્રણ હાંસલ કરવાનો છે. 19 જુલાઈથી સંસદનું ચોમાસુસત્ર શરૂ થઈ રહ્યું છે અને સંસદમાં આ મુદ્દે ગરમાગરમી થઈ શકે છે.
વિપક્ષનું કહેવું છે કે મોદી સરકારે સહકારી આંદોલનને પોતાના નિયંત્રણમાં કરવા માટે આ નવું મંત્રાલય બનાવવાની વ્યૂહરચના ઘડી છે.
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રમેશ ચેનિથાલાએ અંગ્રેજી અખબાર 'ધ હિંદુ' સાથે વાત કરતાં કહ્યું હતું કે આ મોદી સરકારનું એક સુનિયોજિત કાવતરું છે, જેથી સહકારી સંસ્થાઓને રાજ્યોનાં નિયંત્રણમાંથી પોતાના નિયંત્રણ હેઠળ લાવી શકાય.
તેમણે અખબારને જણાવ્યું, "ભાજપ સહકારી આંદોલન પર સંપૂર્ણ નિયંત્રણ ઇચ્છે છે, તેથી અલગ મંત્રાલય બનાવીને અમિત શાહને મંત્રી નીમવામાં આવ્યા છે. સહકારી ક્ષેત્ર રાજ્યનો વિષય છે અને તે બંધારણની સાતમી અનુસૂચિનો એક ભાગ છે, સંસદમાં કોઈ ખરડો પસાર કર્યા વગર આ મંત્રાલય કેવી રીતે બની શકે?"
મહારાષ્ટ્ર, કેરળ, ગુજરાત, કર્ણાટક, તામિલનાડુ અને મધ્ય પ્રદેશમાં સહકારી સંસ્થાઓની સત્તા સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા હોવાનું મનાય છે.
આ પૈકી ઘણી પૈસાદાર સહકારી સંસ્થાઓ પર વિપક્ષની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી, CPIM અને કૉંગ્રેસનું નિયંત્રણ છે.
CPIના મહાસચિવ ડી. રાજાએ કહ્યું છે કે સરકારે અલગ મંત્રાલય બનાવવાનું કારણ નથી જણાવ્યું અને અમિત શાહની નિમણૂકથી ઘણા પ્રશ્ન સર્જાયા છે.
ડી. રાજાનું કહેવું છે કે આ રાજ્યના વિષયમાં અતિક્રમણ છે અને ચોમાસુસત્રમાં આ વિષયને ઉઠાવાશે, CPIMના મહાસચિવ સીતારામ યેચુરીએ પણ પ્રશ્ન ઉઠાવતાં કહ્યું છે કે સરકારની નજર સહકારી બૅન્કોની રોકડ પર છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો