ખુરશીદ નવરોજી : એ પારસી ગાયિકા, જેમણે એવા ધાડપાડુઓને સુધારવાનું બીડું ઝડપ્યું જેમનાથી બ્રિટિશરો પણ ડરતા

કોઈ પણ દેશમાં ઉત્તમ ગાયિકા અને કલાકાર તરીકે જાણીતી વ્યક્તિ પોતાની કારકિર્દી છોડીને ડાકુઓને સુધારવા માટેના કામમાં લાગી જાય ત્યારે તેનો અભ્યાસ થવો જરૂરી છે.

આમ છતાં ભારતમાં આવું કામ કરનારાં મહિલા ખુરશીદબહેન નવરોજી અજાણ્યાં જ રહી ગયાં છે.

ઇતિહાસકાર દિન્યાર પટેલ બ્રિટનની સંસદમાં ભારતના પ્રથમ સાંસદ દાદાભાઈ નવરોજીનાં પૌત્રી અને એક જાણીતા ગાયિકા ખુરશીદ બહેન નવરોજીની કહાણી લઈને આવ્યા છે.

લેખક રામચંદ્ર ગુહાએ એક વખતે ભારતમાં જીવનકથા લેખનને "ખાલીખમ કબાટ" ગણાવ્યો હતો. વાત સાચી પણ છે, કેમ કે ભારતમાં લેખકોને કોઈની જીવનકથામાં બહુ રસ પડતો નથી.

ગુહાના ઘણા વિદ્યાર્થીઓ અને સાથીઓએ જોકે કેટલાક મજાનાં વ્યક્તિત્વો પરના પુસ્તકો લખ્યા છે. તેવું એક પાત્ર એટલે ખુરશીદબહેન નવરોજી.

1894માં ભદ્ર પારસી પરિવારમાં જન્મેલાં ખુરશીદના દાદા એટલે દાદાભાઈ નવરોજી - ભારતના પ્રથમ રાષ્ટ્રવાદી નેતા અને બ્રિટિશ સંસદમાં પ્રવેશનારા પ્રથમ ભારતીય.

મુંબઈના ભદ્ર વિસ્તારમાં ઉછરેલા ખુરશીદે પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીતમાં કુશળતા હાંસલ કરી હતી. મિત્રો અને સ્વજનો તેમને બુલબુલના નામે ઓળખતા થયા હતા.

જ્યારે પેરિસ અને ગ્રીસમાં રહ્યાં ખુરશીદબેન

1920માં સંગીતની તાલીમ માટે તેઓ પેરિસ પહોંચ્યા, પણ યુરોપના માહોલમાં તેમને અજુગતું લાગતું હતું તેવામાં તેમનો પરિચય અન્ય એક પરદેશી ઇવા પામર સિકેલ્યાનોસ સાથે થયો.

ન્યૂ યોર્કનાં એરિસ્ટ્રોકેટ મહિલાનારી સિકેલ્યાનોસ ગ્રીસનાં એથેન્સમાં આવીને વસ્યાં હતાં, કેમ કે તેઓ ક્લાસિકલ ગ્રીક સંસ્કૃતિને પુનઃજીવિત કરવા માગતાં હતાં.

આ બંને મહિલા વચ્ચે ગ્રીક અને ભારતીય સંગીત પરંપરાઓ વિશેની ચર્ચાઓનાં પરિણામ રૂપે એથેન્સમાં નૉન-વેસ્ટર્ન મ્યુઝિક માટેની સ્કૂલની સ્થાપના થઈ.

પેરિસમાં સંગીત શીખવાનું પડતું મૂકીને ખુરશીદ હવે ગ્રીસમાં જ ભારતીય સાડી પહેરીને વિહરવાં લાગ્યાં અને મોકો મળી જાય ત્યાં ભારતીય સંગીત પીરસવાં લાગ્યાં.

તેઓ આ દેશને "મધર ગ્રીસ" કહેતા અને આ દેશમાં જ તેમને માતૃભૂમિ ભારત માટેનો થનગનાટ પણ જાગ્યો.

સિકેલ્યાનોસની જીવનકથાના લેખક આર્ટેમિસ લિઓન્ટિસે લખ્યું છે તે પ્રમાણે ખુરશીદબહેન ભારત માટે પ્રેમ વ્યક્ત કરીને બ્રિટિશ સામ્રાજ્યમાંથી ભારતને મુક્ત કરાવવા માટે મહાત્મા ગાંધીના આંદોલનમાં જોડાઈ જવાની વાતો કરતાં રહેતાં હતાં. સિકેલ્યાનોસે તેમને પોતાના પ્રથમ ડેલ્ફિક ફેસ્ટિવલમાં મદદરૂપ થવાનું કહેલું, પણ ખુરશીદબહેને ના પાડી અને મુંબઈ પરત ફર્યાં.

ભારત પાછા ફર્યાં

તેઓ મુંબઈથી પણ થોડા જ વખતમાં સાબરમતી આશ્રમમાં રહેવા આવી ગયાં અને આઝાદીનાં આંદોલનમાં મહિલાઓને સક્રિય કરવા માટે ગાંધીજીને અરજ કરતાં રહ્યાં.

તેમણે એક અખબારને કહેલું કે ગાંધીજીના પ્રયાસોથી "મહિલાઓમાં ખૂબ જાગૃતિ આવી છે, તેમણે કામની સારી શરૂઆત કરી દીધી છે અને હવે અટકવાની નથી."

જોકે થોડા વખતમાં ખુરશીદબહેનને તેમનું કામ બહુ અજાણ્યા પ્રદેશમાં લઈ ગયું - વાયવ્ય સરહદી પ્રાંતમાં (હાલમાં પાકિસ્તાનમાં ખૈબર પખ્તુનખ્વા). મુંબઈથી બહુ દૂર એવો આ વિસ્તાર બહુ રૂઢિચુસ્ત હતો અને અહીં કબીલાઓ વચ્ચે સતત લડાઈ ચાલ્યા કરે.

આ વિસ્તારમાં તેઓ પ્રથમવાર ક્યારે અને કેવી રીતે પહોંચ્યા તે સ્પષ્ટ નથી, પરંતુ 1930ના દાયકાના પ્રારંભનાં વર્ષોમાં વાયવ્ય સરહદી પ્રાંતમાં આ પારસી બાનુ પ્રખ્યાત થઈ ગયાં હતાં.

સરહદના ગાંધી તરીકે જાણીતા ખાન અબ્દુલ ગફાર ખાન સાથે તેમનો ગાઢ પરિચય થઈ ગયો હતો.

બ્રિટિશરો નારાજ થાય તેવી પ્રવૃત્તિઓ કરતાં અને હસતાં મોઢે જેલમાં પણ જતાં. એક વાર પેશાવરની જેલમાંથી ગાંધીજીને પત્ર લખેલો કે "હું અને ચાંચડ એક બીજાને ગરમી આપતા રહીએ છીએ".

પ્રાંતમાં તેમની સામે હવે રાજકીય પડકાર પણ ઊભો થવા લાગ્યો હતો.

હિંદુ-મુસ્લિમ એકતા માટે કાર્ય

ગાંધીજીની પ્રેરણાથી તેઓ હિન્દુ-મુસ્લિમ એકતા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માટે કામ કરતાં હતાં. પણ તે કામમાં મુશ્કેલી હતી, કેમ કે સ્થાનિક હિન્દુઓ સામે મુસ્લિમ ડાકુઓનો ભય રહેતો હતો.

વજીરિસ્તાનમાંથી આવતા આ ધાડપાડુઓ હુમલો કરતા અને અપહરણો કરતા. બ્રિટિશ અને ભારતીય પોલીસ માટે પણ માથાનો દુખાવો બનેલા આ ડાકુઓને કારણે કોમી તંગદિલી ઊભી થઈ હતી.

ખુરશીદબહેને નક્કી કર્યું કે આ ડાકુઓને જ મળવું પડશે અને તેમને લૂંટફાટ બંધ કરીને ગાંધીનો અહિંસાનો માર્ગ લેવા સમજાવવા પડશે.

પ્રાંતમાં કૉંગ્રેસ સાથે કામ કરનારા સત્યાગ્રહીઓ પણ તેમની વાત સાંભળીને ચોંકી ગયા.

તેમણે વિરોધ કર્યો, તેમ છતાં 1940માં તેમણે અંતરિયાળ વિસ્તારમાં પગપાળા પ્રવાસ કરવાનું શરૂ કર્યું.

ધાડપાડુઓને મળીને તેમને સમજાવવા કોશિશ કરવા લાગ્યા. ખુરશીદબહેન સ્ત્રીઓને મળતાં અને તેમને સમજાવતાં કે લૂંટફાટનો આ ધંધો બંધ કરવા તેઓ પુરુષોને સમજાવે.

આ મક્કમ મહિલા સાથે કેવી રીતે કામ પાર પાડવું તે ધાડપાડુઓને સમજાતું નહોતું.

કેટલાક ડાકુઓએ પોતાના કામનો પસ્તાવો પણ કરેલો. જોકે એક પત્રમાં તેમણે ગાંધીજીને લખેલું કે "ગોળી વાગતાં માંડ-માંડ બચી છું, "મારી બાજુથી રેતી ઉડાડતી ગોળીઓ પસાર થઈ હતી".

જોકે તેમની મહેનત રંગ લાવવા લાગી. ડિસેમ્બર 1940 સુધીમાં અપહરણો ઓછા થવા લાગ્યા અને કોમી વાતાવરણ પણ દૂર થવા લાગ્યું. તેમને કેદ કરનારા બ્રિટિશરો પણ હવે તેમના કામના વખાણ કરવા લાગ્યા હતા.

જ્યારે વજીરિસ્તાનમાં પકડાયાં

પણ હજીય એક પડકાર હતો. કેટલાક હિન્દુઓનું અપહરણ કરીને તેમને વજીરિસ્તાનમાં રાખવામાં આવ્યા હતા. ત્યાં જવાની હિંમત બ્રિટિશ પોલીસની પણ નહોતી.

જીવનું જોખમ હોવા છતાં ખુરશીદબહેન ત્યાં પહોંચ્યાં. તેમણે ગાંધીજીને લખેલું કે "મને પકડીને ખંડણી માગવામાં આવશે અથવા આંગળી કે કાન કાપી નાખવામાં આવશે".

જોકે ડાકુઓ સુધી તેઓ પહોંચી શક્યાં નહીં, કેમ કે બ્રિટિશ સત્તાધીશોએ વજીરિસ્તાનમાં દાખલ થતાં પહેલાં જ તેમને પકડી લીધાં હતાં.

1944 સુધી તેમણે જેલમાં રહેવું પડ્યું. મુંબઈનાં એક મહિલાથી બ્રિટિશરો પણ ડરી ગયા હતા.

તે પછી ફરી સરહદી પ્રાંતમાં જવાનું થયું નહોતું. 1947માં આઝાદી સાથે તે વિસ્તાર ભારતથી જુદો થઈ ગયો તેનું ભારે દુખ તેમને હતું. થોડા મહિનામાં ગાંધીજીની પણ હત્યા થઈ.

તે પછી ખુરશીદ નવરોજી જાણે ખોવાઈ ગયાં.

કેટલાક સરકારી પંચોમાં તેમણે કામ કર્યું હતું અને ફરીથી ગાયિકા તરીકે કારકિર્દી માટે પણ પ્રયાસ કર્યા હતા. કદાચ 1966માં તેમનું અવસાન થયું હતું.

એક રીતે ખુરશીદ નવરોજીની કહાણી નવાઈ પમાડે તેવી પણ નથી, કેમ કે તેમના જેવા અનેક લોકોના પ્રદાનને ભૂલાવી દેવાયું છે. ધૂળ ખાતા આર્કાઇવ્ઝમાં તેમની જીવનકથાઓ દબાયેલી પડી છે.

ખાસ કરીને મહિલાઓની, ખુરશીદબહેન અને તેમનાં જેવાં સત્યાગ્રહી બહેનોની કથા ભૂલાઈ ગઈ છે. ભારતના જીવનકથા લેખનના કબાટમાં તેમની જગ્યાઓ ખાલી જ પડી છે.

(દિન્યાર પટેલ લેખક છે અને હાલમાં જ દાદાભાઈ નવરોજીઃ પાયોનિયર ઑફ ઇન્ડિયન નેશનલિઝમ એ નામના તેમના પુસ્તકને હાર્વર્ડ યુનિવર્સિટી પ્રેસે પ્રગટ કર્યું છે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો