1971 યુદ્ધમાં જ્યારે કૅપ્ટન મુલ્લાએ દીવ પાસે INS ખુકરી સાથે જ જળસમાધિ લીધી

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

'જહાજ ડૂબે ત્યારે તેની સાથે કૅપ્ટન પણ જળસમાધિ લે,' ભારતીય નૌકાદળમાં આ પ્રકારનો કોઈ લેખિત આદેશ નથી, છતાં આ એક પરંપરા છે. અનેક દરિયાઈ લડાઈઓમાં તેનું પાલન નથી થયું. પરંતુ, 'આઈએનએસ ખુકરી'ના કૅપ્ટન મહેન્દ્રનાથ મુલ્લાએ આ પરંપરાનું પાલન કર્યું.

1971નાં યુદ્ધ દરમિયાન દીવ પાસે તા. 9મી ડિસેમ્બરે 'આઈએનએસ ખુકરી' તથા 192 અન્ય સાથીઓએ સાથે જ જળસમાધિ લીધી.

આટલી મોટી ખુવારીને થવાને કારણે લોકચર્ચામાં તેને 'ભારતીય નૌકાદળની ટાઇટેનિક' તરીકે પણ ઓળખવામાં આવે છે.

ભારતીય નૅવીની આ અત્યારસુધીની સૌથી મોટી ખુવારી છે.

દીવની પાસે આ જહાજનું એક મૅમોરિયલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે ઇન્ડિયન નૅવલ શિપ ખુકરીનાં એ પ્રકરણની યાદ અપાવે છે.

અંદાજ તો હતો, પણ...

1971નાં યુદ્ધના ભણકારા વાગી રહ્યા હતા, ત્યારે જ નૌકાદળને અંદાજ હતો કે પાકિસ્તાની સબમરીન મુંબઈની ગોદીમાં તહેનાત નૌકાદળના કાફલાને નિશાન બનાવી શકે છે.

એટલે બીજી અને ત્રીજી ડિસેમ્બરની રાત્રે આ જહાજોને મુંબઈથી બહાર મોકલી દેવાયા હતા.

'આઈએનએસ ખુકરી'ને નિશાન બનાવનારી પાકિસ્તાની સબમરીન હંગોરના લેફ્ટનન્ટ કમાન્ડર (જેઓ આગળ જતાં પાકિસ્તાની નૌકાદળના રિયર ઍડમિરલ પણ બન્યા) તસનીમ અહમદ એ દિવસ અંગે કહે છે :

"ભારતીય નૌકા કાફલો અમારી ઉપરથી પસાર થયો, પરંતુ અમને હુમલો કરવાનો આદેશ ન હતો. ઉપરાંત ઔપચારિક રીતે યુદ્ધ શરૂ થયું ન હતું."

"હું માત્ર લેફ્ટનન્ટ કમાન્ડર જ હતો, જો મેં હુમલો કર્યો હોત તો તે યુદ્ધ શરૂ કરવા સમાન હોત. એટલે અમે નૌકા કાફલાને પસાર થવા દીધો."

આ ગાળા દરમિયાન પાકિસ્તાની સબમરીનમાં ઍરકંડિશનિંગ સિસ્ટમમાં ખામી સર્જાઈ અને તેને દરિયાની સપાટી ઉપર આવવું પડ્યું.

આ સાથે જ પાકિસ્તાની સબમરીનની હાજરી છતી થઈ ગઈ.

આઠમી ડિસેમ્બરે બે ઍન્ટિ-સબમરીન ફ્રિગ્રૅટ આઈએનએસ (ઇન્ડિયન નૅવી શિપ) ખુકરી (ગોરખાઓ દ્વારા રાખવામાં આવતાં હથિયાર ખુકરી પરથી તેનું નામ રાખવામાં આવ્યું હતું.) તથા આઈએનએસ કિરપાણને (શીખો દ્વારા રાખવામાં આવતાં હથિયાર કિરપાણ પરથી તેનું નામ રાખવામાં આવ્યું હતું.) પાકિસ્તાની સબમરીનનું 'કામ તમામ' કરવા મુંબઈથી રવાના થઈ.

કૅપ્ટન મહેન્દ્રનાથ મુલ્લા INS ખુકરીને કમાન્ડ કરી રહ્યા હતા.

નૅવી હેડ ક્વાર્ટર્સને આશંકા હતી કે આ સબમરીન દીવના દરિયા કિનારાની આજુબાજુ છે, એટલે આ બે જહાજ INS ખુકરી તથા INS કિરપાણ એ વિસ્તાર તરફ રવાનાં થયાં.

બંને જહાજ ઝિગઝેગ (આડાઅવળી) ફૉર્મેશનમાં હંકારી રહ્યાં હતાં, જેથી કરીને પાકિસ્તાની સબમરીન તેની ઉપર નિશાન સાધી ન શકે.

જોકે, વિશેષ ક્ષમતાને કારણે પાકિસ્તાની સબમરીનને આ બંને જહાજોનાં આગમન અંગે જાણ થઈ ગઈ હતી, પરંતુ હંગોરના કૅપ્ટને INS ખુકરી તથા INS કિરપાણ મારકક્ષમતાની રેન્જમાં આવે તેની રાહ જોઈ.

INS ખુકરી પર એક પરંપરા હતી. જહાજ પરના તમામ નૌસૈનિકો બ્રિજ (સમગ્ર જહાજને જ્યાંથી કમાન્ડ કરવામાં આવે એ પ્લેટફૉર્મ) પર એકઠાં થઈને સાંજે આઠ વાગ્યા અને 45 મિનિટના આકાશવાણીના સમાચાર સાથે સાંભળતા.

જેથી કરીને બહારની દુનિયામાં શું ચાલી રહ્યું છે, તે અંગે જહાજ પરના નૌસૈનિકોને જાણકારી રહે.

કૅપ્ટન મહેન્દ્રનાથ મુલ્લા બ્રિજ પર તેમની ખુરશી પર બેઠા હતા.

તેમના હાથમાં સિગારેટ હતી. તેમની પાસે બે સહાયક લેફ્ટનન્ટ મનુ શર્મા તથા લેફ્ટનન્ટ કુંદનલાલ હતા.

'ત્રણ કિલોમીટર દૂરથી નિશાન'

પાકિસ્તાની સબમરીને ત્રણ કિલોમીટર દૂરથી સૌ પહેલાં INS કિરપાણ પર ટોર્પીડો છોડ્યો, જે નિષ્ફળ રહ્યો.

કમાન્ડર તસનીમ અહમદ કહે છે, "અમારી પાસે બે વિકલ્પ હતા, ત્યાંથી નાસી છૂટીએ અથવા ફરી પ્રહાર કરીએ. અમે બીજો વિકલ્પ પસંદ કર્યો."

"અમે ખુકરી પર પાછળથી બીજો રાઉન્ડ ફાયર કર્યો. દોઢ મિનિટની અંદર તે ખુકરીના મૅગેઝિનની નીચે જઈને બ્લાસ્ટ થયો. બેથી ત્રણ મિનિટમાં જહાજ પાણીમાં ડૂબવું શરૂ થઈ ગયું."

હજુ સમાચાર શરૂ થયા જ હતા કે પીએનએસ હંગોરે છોડેલો પહેલો ટોર્પીડો ખુકરીની સાથે ટકરાયો.

કૅપ્ટન મુલ્લા તેમની ખુરશી પરથી નીચે પડી ગયા અને રૅલિંગ સાથે માથું ટકરાવાને કારણે લોહીલુહાણ થઈ ગયા.

એટલામાં બીજો ધડાકો થયો અને જહાજ પરની લાઇટ જતી રહી.

કૅપ્ટન મુલ્લાએ તેમના સાથી લેફ્ટનન્ટ મનુ શર્માને ધડાકાના કારણ અને અસરને તપાસવા માટે મોકલ્યા.

લેફટનન્ટ શર્માએ જોયું તો આઈએનએસ ખુકરીમાં બે ગાબડાં પડી ગયાં હતાં અને જહાજમાં પાણી ભરાઈ રહ્યું હતું.

કૅપ્ટન મુલ્લાએ જહાજના ચીફ યોમેનને સૂચના આપી કે જહાજ પર હુમલો થયો હોવાની માહિતી પશ્ચિમ નૅવલ કમાન્ડને મોકલવામાં આવે.

આઈએનએસ ખુકરીનું બ્રિજ દરિયાની સપાટીથી ચોથા માળે હતું, આમ છતાંય એક મિનિટ કરતાં ઓછા સમયમાં તે દરિયાની જળસપાટીને સમાંતર આવી ગયું હતું.

'મુશ્કેલ છે, અશક્ય નહીં'

કૅપ્ટન મહેન્દ્રનાથ મુલ્લા વીરગતિને વર્યા ત્યારે તેમના પત્ની સુધા માત્ર 34 વર્ષીય હતાં. અચાનક જ બે દીકરીઓનાં ઉછેરની જવાબદારી તેમની પર આવી ગઈ.

કૅપ્ટન મુલ્લાનું એક પ્રિય વાક્ય હતું, 'મુશ્કેલ છે, પરંતુ અશક્ય નહીં.'

કૅપ્ટન મુલ્લાએ ઇચ્છ્યું હોત તો તેઓ જહાજ છોડીને લાઇફ જૅકેટ પહેરીને પોતાનો જીવ બચાવી શક્યા હોત,પરંતુ તેમણે પોતાનું લાઇફ સેવિંગ જૅકેટ એક યુવા નૌસૈનિકને આપીને તેને જહાજ પરથી રવાના કર્યો.

કૅપ્ટન મુલ્લા જાણતા હતા કે લોઅર ડેક પર રહેલા નૌસૈનિકોને ઇચ્છવા છતાંય બચાવી નહીં શકાય, એટલે તેમણે જહાજ નહીં છોડવાનો અને સાથીઓની સાથે જ જળસમાધિ લેવાનો નિર્ણય લીધો.

બીબીસી સાથેની વાતચીતમાં તેમનાં પુત્રી અમિતા મુલ્લાએ જણાવ્યું, "તેઓ (પિતા કૅપ્ટન મહેન્દ્રનાથ મુલ્લા) જે રીતે જીવી ગયા, તેનાં કારણે હું અલગ પ્રકારની વ્યક્તિ બની છું.''

''પોતાના મિજાજ તથા મૂલ્યો મુજબ, તેઓ અન્યોને પોતાના હાલ પર છોડી દઈને પોતાનો જીવ બચાવી ન શકે.''

''જો તેમણે એવું કર્યું હોત તો તે મારા પપ્પા નહીં બીજું કોઈ હોત. તેમના એ નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું, તેમણે જે કહ્યું, તે જ કર્યું."

'કૅપ્ટન મુલ્લાના હાથમાં સિગારેટ હતી'

જહાજના કૅપ્ટન મહેન્દ્રનાથ મુલ્લાએ તેમના સાથીઓ લેફ. શર્મા તથા લેફ. કુંદનમલને જહાજ છોડી દેવા આદેશ આપ્યો.

બંનેએ કૅપ્ટન મુલ્લાને સાથે આવવા આગ્રહ કર્યો, પરંતુ તેઓ માન્યા નહીં. લેફ. મનુ શર્માએ પાણીમાં ઝંપલાવ્યું. દરિયાની સપાટી ઉપર આગ લાગેલી હોવાને કારણે લેફ. શર્માએ તેની નીચેથી તરીને જવું પડ્યું.

થોડે દૂર જઈને લેફ. મનુ શર્માએ જોયું તો ખુકરીનો આગળનો ભાગ લગભગ એંસી અંશના કોણથી સીધો થઈ ગયો હતો.

સમગ્ર જહાજ પર આગ લાગેલી હતી.

કૅપ્ટન મુલ્લા તેમની ખુરશી પર બેઠા હતા, તેમના હાથમાં સિગારેટ હતી અને બીજા હાથેથી રેલિંગ પકડી રાખી હતી.

અચાનક જ સક્શન પ્રેશર ઊભું થયું અને સમગ્ર જહાજ દરિયાના પેટાળમાં સમાઈ ગયું.

કૅપ્ટન મુલ્લા સહિત નૌસૈનિકો દરિયાના પેટાળમાં સમાઈ ગયા.

બીજા વિશ્વયુદ્ધ બાદ એવું પ્રથમ વખત થયું હતું કે કોઈ સબમરીને એક જહાજને ડૂબાડ્યું હોય.

બંને કમાન્ડર્સને વીરતા પદક

આગામી દિવસો દરમિયાન ભારતીય નૌકાદળના જહાજો આ વિસ્તારમાં ફરી વળ્યાં અને પાકિસ્તાની સબમરીનને શોધવા માટે દરિયો ખૂંદી વળ્યાં.

પીએનએસ હંગોરના એક નૌસૈનિકના કહેવા પ્રમાણે, ભારતીય નૌકાદળના જહાજોએ 156 ડૅપ્થ ચાર્જ (દરિયાઈ બૉમ્બ) છોડવામાં આવ્યા હતા.

આ હુમલાઓથી જેમતેમ બચીને તા. 16મી ડિસેમ્બરે પીએનએસ હંગોર કરાચી બંદરે પહોંચી.

નૌસેનાની ઉન્નત પરંપરા નિભાવતા જહાજની સાથે જ જળસમાધિ લેનારા કૅપ્ટન મહેન્દ્રનાથ મુલ્લાને મરણોપરાંત 'મહાવીર ચક્ર' એનાયત થયો.

બીજી બાજુ, આઈએનએસ ખુકરીને જળગરકાવ કરવા બદલ તસનીમ અહમદને 'સિતાર-એ-જુર્રત' એનાયત થયો.

આ દિવસે જ બાંગ્લાદેશમાં જનરલ નિયાઝીએ ભારતીય દળો સામે હથિયાર મૂકી દીધા અને આત્મસમર્પણના કાગળિયાં પર સહી કરી આપી.

આ સાથે જ વિશ્વના નક્શા પર બાંગ્લાદેશ નામના રાષ્ટ્રનો ઉદય થયો, જેનું નિર્માણ પાકિસ્તાનની એક બાજુના (પૂર્વ પાકિસ્તાન) ભોગે થયું હતું.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો