અનસૂયા સારાભાઈ : પોતાના મિલમાલિક ભાઈ સામે મોરચો માંડનાર ગુજરાતણની કહાણી

    • લેેખક, અનઘા પાઠક
    • પદ, બીબીસી સંવાદદાતા

તેમને પ્રેમથી સૌ મોટાં બહેન કહેતાં હતાં અને તેમણે સૌનાં મોટાં બહેન તરીકે જ આખી જિંદગી વીતાવી. અનસૂયા સારાભાઈ ભારતમાં શ્રમિકોના અધિકારોની લડાઈનાં મહિલા પ્રણેતા ગણાય છે.

તેમનો જન્મ 1885માં અમદાવાદના ધનાઢ્ય સારાભાઈ પરિવારમાં થયો હતો. નાની ઉંમરે તેમણે માતાપિતાને ગુમાવ્યાં અને કાકાએ તેમને ઉછેર્યાં.

તે વખતની પરંપરા પ્રમાણે 13 વર્ષની કિશારોવસ્થામાં જ તેમનાં લગ્ન થઈ ગયાં હતાં. જોકે તેમનો ઘરસંસાર ઠીક ચાલ્યો નહીં અને થોડા જ વખતમાં તેઓ પિયરમાં પરત ફર્યાં. તેમના ભાઈ અંબાલાલે તેમને આગળ અભ્યાસ માટે પ્રોત્સાહન આપ્યું અને ભણવા માટે લંડન મોકલ્યાં.

આ વિશેષ શ્રેણીની આ પહેલાંની કહાણીઓ વાંચવા માટે ક્લિક કરો:

લંડનમાં કેળવાયું સ્વતંત્ર માનસ

અનસૂયા અને અંબાલાલ ભાઈ-બહેન તરીકે એકબીજાની બહુ નજીક હતાં. જોકે તેમને ખબર નહોતી કે આગળ જતાં ભાઈ-બહેનના સંબંધમાં તણાવ ઊભો કરશે.

અભ્યાસ માટે લંડનમાં નિવાસ દરમિયાન અનસૂયાબહેનની જીવનદૃષ્ટિ ઘણી બદલાઈ ગઈ. તેઓ તે વખતના પ્રચલિત ફેબિયન સમાજવાદના વિચારોથી આકર્ષાયાં.

આ ઉપરાંત ઇંગ્લૅન્ડની નારીઓને મતાધિકાર અપાવવાના આંદોલનમાં પણ સક્રિય થયાં હતાં. આ બધા અનુભવોના આધારે તેમનું આગળનું જીવન ઘડાયું.

ભત્રીજી ગીતા સારાભાઈએ તેમની જીવનકથા લખી છે અને તેમાં જણાવ્યું છે કે કઈ રીતે ઇંગ્લૅન્ડમાં વિતાવેલા દિવસોએ અનસૂયામાં મુક્ત વિચારોને જન્મ આપ્યો.

તેઓ એકલાં જ ફરવા નીકળી પડતાં, બર્નાડ શૉ, સિડની અને બ્રિટાઇસ વૅબ જેવા સમાજવાદી વિચારકોનાં પ્રવચનો સાંભળવા જતાં, બૉલરૂમ ડાન્સિંગ શીખ્યાં અને ધૂમ્રપાન પણ કરતાં થઈ ગયાં હતાં.

જોકે આધુનિક ઢબછબ અપનાવનારાં અનસૂયા આગળ જતાં મહાત્મા ગાંધીથી પ્રભાવિત થયાં. તેમના અનુયાયી બન્યાં અને ફરી એક વાર તેમના જીવનનો પ્રવાહ પલટાયો.

એક બનાવે જીવનને આપી નવી દિશા

પારિવારિક સમસ્યાને કારણે અનસૂયાને ઇંગ્લૅન્ડથી અધવચ્ચે ભારત પરત ફરવું પડ્યું હતું. ભારત પરત ફર્યા પછી તેઓ જુદાં-જુદાં કલ્યાણકાર્યોમાં જોડાયાં હતાં.

આ કાર્યક્રમો મોટા ભાગે પરિવારની કાપડમિલોના કામદારો માટે ચાલતા હતા. પરિવારની માલિકીની કેલિકો મિલના કમ્પાઉન્ડમાં જ મિલકામદારો પરિવારો અને તેમનાં બાળકો માટે વિવિધ પ્રોજેક્ટ ચાલતા હતા.

આ સમયગાળા દરમિયાન તેમણે 'સ્ત્રીઓ અને તેમના રાજકીય અધિકારો' એવી પત્રિકા પણ છપાવી હતી. તે પછી એક બનાવે તેમના જીવનને તદ્દન નવીન દિશા આપી.

પોતાના જ શબ્દોમાં તેમણે આની વાત કરી છે, "એક સવારે મેં જોયું તો 15 જેટલા કામદારો જાણે તંદ્રામાં હોય તેમ ચાલતાં-ચાલતાં જઈ રહ્યા હતા. મેં પૂછપરછ કરી કે આવા કેમ લાગો છો, ત્યારે તેમાંના એકે જણાવ્યું કે બહેન અમે હમણાં જ 36 કલાકની શિફ્ટ પૂરી કરી છે."

"વચ્ચે વિરામ વિના કામ કર્યું છે. બે દિવસ અને એક રાત કામ કરીને આવ્યા છીએ."

તેમની આવી હાલત જોઈને અનસૂયા હચમચી ગયાં અને તેમણે નક્કી કર્યું કે મિલના કામદારોના અધિકાર માટે તેમનું સંગઠન કરવું જરૂરી છે.

તેઓ મિલકામદારોની સ્થિતિ જેમ-જેમ જાણતાં ગયાં, તેમ-તેમ તેમને લાગ્યું કે તેમના માટે લડત આપવી પડશે. તેમના કામના અમાનવીય હદે લાંબા કલાકો, ગરીબી અને શોષણથી તેઓ વિચલિત થઈ ગયાં હતાં. કામદારો માટે પરિવારના લોકો સામે લડત આપવી પડે તો પણ તેઓ તૈયાર થઈ ગયાં હતાં.

ખાસ કરીને અત્યાર સુધી તેમની પડખે જ ઊભા રહેલા ભાઈ અને મિલમાલિક અંબાલાલભાઈ સામે જ તેમણે મોરચો માંડવો પડે તેમ હતો.

તેમણે માગણી કરી કે કામદારોની કામની સ્થિતિ સુધરવી જોઈએ અને કામના કલાકો સુનિશ્ચિત હોવા જોઈએ.

આવી માગણી સાથે 1914માં તેમની આગેવાનીમાં અમદાવાદમાં મિલના કામદારોની 21 દિવસ લાંબી હડતાળ પડી હતી. જોકે તેનાથી વધારે અગત્યની હડતાળ 1918માં પાડવામાં આવી હતી.

તે વખતે સારાભાઈ પરિવાર સાથે સારા સંબંધો ધરાવતા મહાત્મા ગાંધી પણ તેમનો સાથ આપી રહ્યા હતા. તેઓ હવે અનસૂયા માટે માર્ગદર્શક બની ગયા હતા.

મિલમાલિકો અને કામદારો વચ્ચે મડાગાંઠ

જુલાઈ 1917માં અમદાવાદમાં પ્લેગનો રોગચાળો ફેલાયો હતો અને શહેરની હાલત ખરાબ થઈ ગઈ હતી. લોકો નગર છોડીને જવા લાગ્યા હતા.

મિલના કામદારો પણ વતનમાં જવા માગતા હતા, પણ તેમને રોકવા માટે મિલમાલિકોએ પ્લેગ બોનસ તરીકે 50 ટકા વધારે વેતન આપવાની ઑફર કરી.

વધારે વેતન મળવા લાગ્યું એટલે ચારે બાજુ રોગચાળો હોવા છતાં મિલના કામદારો કામ કરતા રહ્યા. જોકે રોગચાળો કાબૂમાં આવી ગયો તે પછી મિલમાલિકોએ બોનસ તરીકે અપાતું વધારાનું વેતન બંધ કરી દીધું.

દરમિયાન મોંઘવારી વધી ગઈ હતી અને હવે પગારમાં કાપ આવ્યો તે મિલના કામદારો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ હતી.

કામદારોએ અનસૂયાને વિનંતી કરી કે તેમના પગારમાં 50 ટકાનો કાયમી વધારો થાય તે માટે તેમની આગેવાની લઈને રજૂઆત કરે.

બીજી બાજુ મિલમાલિકો આવી રીતે વેતનવધારો આપવા માટે તૈયાર નહોતા. માલિકોએ લૉકઆઉટ જાહેર કરીને મિલોને તાળાં મારી દીધાં.

તેની સામે હવે મિલના કામદારોએ પણ હડતાળ પાડી. મિલમાલિકોએ પણ હવે સ્થિતિનો સામનો કરવા માટે પોતાનું ઍસોસિયેશન બનાવ્યું હતું.

અનસૂયાના ભાઈ અંબાલાલ સારાભાઈ જ ઍસોસિયેશનના પ્રમુખ બન્યા હતા. ભાઈ અને બહેન વચ્ચે અધિકારોની લડાઈ માટે ટક્કર થાય તેવી હિન્દી ફિલ્મોની કથા જેવી સ્થિતિ ઊભી થઈ હતી.

એક તરફ મૂડીવાદી ભાઈ હતો અને તેની સામે શ્રમિકોનાં નેતા તરીકે બહેન કામદારોના હક માટે હડતાળ પાડી રહી હતી.

અનસૂયાબહેનના સંકલ્પ અને કામદારોની જીત

અનસૂયા સારાભાઈની આગેવાની હેઠળ 16,000 જેટલા કામદારો અને વીવર્સ સંગઠિત થયા.

ગાંધીજીના ભત્રીજા છગનલાલ અને અનસૂયા રોજ સવારે અને સાંજે કામદારોની છાવણીની મુલાકાત લેતાં.

તેમને લડત માટે પ્રોત્સાહિત કરતાં, જુસ્સો વધારતાં અને આરોગ્યની સેવા સહિતની જરૂરિયાત હોય તેની પૂછપરછ કરીને પૂરી પાડતાં.

આ રીતે અમદાવાદ કાપડમિલોમાં એક મહિના સુધી હડતાળ ચાલી. રોજ સાંજે કામદારો હાથમાં ઝંડા અને સૂત્રો સાથેનાં પાટિયાં લઈને સરઘસ કાઢતાં. પાટિયામાં લખ્યું હોય કે અમે પાછા હઠવાના નથી.

આવી કૂચ યોજાય તેમાં ઘણી વાર અનસૂયા પણ આગળ રહીને જોડાતાં. કામદારો માટે સારી છાપ ન ધરાવતા નગરજનોને પણ આશ્ચર્ય થતું કે કેવી શિસ્તબદ્ધ રીતે કામદારો કૂચ કાઢે છે અને સંગઠિત રીતે હડતાળ ચાલે છે.

હડતાળને બે અઠવાડિયાં થયાં તે પછી હવે મિલમાલિકો અને કામદારો બંને અકળાવા લાગ્યા હતા. પણ ભાઈ અને બહેન વચ્ચે અહમની લડાઈ જામી હતી. બેમાંથી એક પણ સમાધાન કરવા તૈયાર નહોતાં.

હવે મધ્યસ્થી માટે ગાંધીજી વચ્ચે પડ્યા અને તેમણે અનોખી સમાધાનની યોજના રજૂ કરી. ગાંધીજી મિલકામદારોની માગણીઓને સમર્થન આપી રહ્યા હતા, પરંતુ તેમના માટે મિલમાલિકોને અને ખાસ કરીને અંબાલાલને ઘણું માન હતું.

તેથી ગાંધીજીએ હવે અંબાલાલ અને અનસૂયા બંનેને પોતાના આશ્રમે જમવા બોલાવવાનું શરૂ કર્યું.

બંને જણ રોજ આશ્રમે જતાં અને ગાંધીજી અને અંબાલાલ જમવા બેઠા હોય ત્યારે અનસૂયા પીરસે પણ ખરાં. આ રીત કામ કરી ગઈ અને ધીમે-ધીમે ભાઈ-બહેન વાતચીત કરતાં થયાં અને કામદારો તથા મિલમાલિકો ઉકેલ લાવવા માટે વાટાઘાટો કરવા તૈયાર થયાં.

વાટાઘાટો પછી કામદારોના પગારમાં 35 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવાયો.

1920માં અનસૂયા મજદૂર મહાજન સંઘની સ્થાપના કરી અને તેઓ તેનાં પ્રથમ અધ્યક્ષા બન્યાં. 1927માં તેમણે મિલકામદારોની દીકરીઓના અભ્યાસ માટે કન્યાગૃહની પણ સ્થાપના કરી.

અનસૂયા ખરેખર અનોખાં શ્રમિક નેતા કહેવાય, કેમ કે તેઓ મૂળ તો મિલમાલિક અને વેપારી પરિવારનાં પુત્રી હતાં. તેમણે અમદાવાદમાં કામદારસંઘની પ્રવૃત્તિઓને મજબૂત બનાવી અને 1972માં તેમનું અવસાન થયું, ત્યાં સુધીમાં તેમની આગેવાનીમાં બે લાખ કામદારો સંગઠિત થયા હતા.

સંશોધન સહયોગ: પાર્થ પંડ્યા

ઇલસ્ટ્રેશન્સ : ગોપાલ શૂન્ય

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો