You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચંદ્રપ્રભા સૈકિયાની : આસામમાં પડદાપ્રથા હઠાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવનાર મહિલાની કહાણી
- લેેખક, સુશીલા સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
1925નું વર્ષ હતું. આસામના નૌગામમાં આસામ સાહિત્યસભાની બેઠક થઈ રહી હતી. આ બેઠકમાં મહિલાઓમાં શિક્ષણને ભાર આપવા પર ચર્ચા થતી હતી અને છોકરીઓમાં શિક્ષણનો વ્યાપ વધારવા પર ભાર આપવામાં આવી રહ્યો હતો.
આ બેઠકમાં પુરુષો અને મહિલાઓ બંને હતાં. જોકે મહિલાઓ પુરુષથી અલગ વાંસથી બનેલા પડદા પાછળ બેઠાં હતાં.
ચંદ્રપ્રભા સૈકિયાની મંચ પર આવ્યાં અને માઇક પર સિંહગર્જના કરીને બોલ્યાં, "તમે પડદાની પાછળ કેમ બેઠાં છો" અને મહિલાઓને આગળ આવવા કહ્યું.
તેમની આ વાતથી સભામાં બેસેલાં મહિલાઓ એટલાં પ્રેરિત થયાં કે તેઓ પુરુષથી અલગ કરનારી વાંસની દીવાલને તોડીને તેમની સાથે આવીને બેસી ગયાં.
ચંદ્રપ્રભાની આ પહેલને આસામ સમાજમાં એ સમયે પ્રચલિત પડદાપ્રથા હઠાવવા માટે મહત્ત્વની માનવામાં આવે છે.
આ વિશેષ શ્રેણીની આ પહેલાંની કહાણીઓ વાંચવા માટે ક્લિક કરો:
મહિલાઓના શિક્ષણ પર ભાર મૂક્યો
આસામનાં રહેવાસી આ તેજસ્વી મહિલાનો જન્મ 16 માર્ચ, 1901માં કામરૂપ જિલ્લાના દોહીસિંગારી ગામમાં થયો હતો.
તેમના પિતા રતિરામ મજુમદાર ગામના મુખી હતા અને તેઓએ પોતાની દીકરીના શિક્ષણ પર ઘણો ભાર મૂક્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચંદ્રપ્રભાએ ન માત્ર શિક્ષણ લીધું, પણ પોતાના ગામમાં ભણતી છોકરીઓ પર પણ ધ્યાન આપ્યું.
તેમના પુત્ર અંતનુ સૈકિયાની કહે છે, "જ્યારે તે 13 વર્ષની હતા ત્યારે પોતાના ગામની છોકરીઓ માટે પ્રાઇમરી સ્કૂલ ખોલી. ત્યાં આ કિશોર શિક્ષિકાને જોઈને સ્કૂલ ઇન્સ્પેક્ટર પ્રભાવિત થયા અને તેઓએ ચંદ્રપ્રભા સૈકિયાનીને નૌગામ મિશન સ્કૂલ માટે અનુદાન અપાવ્યું."
"છોકરીઓ સાથે શિક્ષણના સ્તરે થતાં ભેદભાવ સામે પણ તેઓએ પોતાનો અવાજ નૌગામ મિશન સ્કૂલમાં ભારપૂર્વક મૂક્યો અને તે આવું કરનારી પહેલી છોકરી માનવામાં આવે છે."
ચંદ્રપ્રભા એક હિંમતવાન મહિલા
તેઓએ 1920-21માં કોરોનમૉયી અગ્રવાલની મદદથી તેજપુરમાં મહિલા સમિતિની રચના કરી.
ચંદ્રપ્રભા પર નવલકથા લખનારાં નિરુપમા બૉરગોહાઈ જણાવે છે કે ચંદ્રપ્રભા અને અન્ય સ્વાતંત્ર્યસેનાનીઓ 'વસ્ત્ર યજના' એટલે કે વિદેશી કપડાંના બહિષ્કાર માટે અભિયાન આદર્યું અને વસ્ત્રોને સળગાવ્યાં, જેમાં મોટા પાયે મહિલાઓએ ભાગ લીધો. આ સમયે મહાત્મા ગાંધી તેજપુર આવ્યા હતા.
નિરુપમા બૉરગોહાઈની નવલકથા 'અભિજાત્રી'ને સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ મળ્યો છે.
તેઓ કહે છે, "પછાત જ્ઞાતિમાંથી આવતી ચંદ્રપ્રભા સૈકિયાનીનાં લગ્ન બહુ નાની ઉંમરમાં એક મોટી ઉંમરના પુરુષ સાથે કરવામાં આવ્યાં હતાં અને તેઓએ આ લગ્નનો ઇન્કાર કરી દીધો હતો."
લેખિકા નિરુપમા બૉરગોહાઈ કહે છે કે તેઓ ઘણાં હિંમતવાન મહિલા હતી.
તેઓ જ્યારે શિક્ષિકા હતાં ત્યારે એ અલગ સંબંધમાં અવિવાહિત માતા બન્યાં. જોકે આ સંબંધ સફળ રહ્યો નહોતો અને તેઓએ આ સંબંધથી થયેલા પુત્રને પોતાની પાસે રાખવાનો નિર્ણય કર્યો હતો અને તેનું લાલનપાલન કર્યું હતું.
તળાવમાંથી પાણી ભરવાનો હક અપાવ્યો
ચંદ્રપ્રભા સૈકિયાનીએ ન માત્ર છોકરીઓના શિક્ષણ માટે કામ કર્યું, પરંતુ તેમના અધિકારો પ્રત્યે જાગરૂક કરવા અને સ્વતંત્રતા આંદોલનને તેમના સુધી પહોંચાડવા માટે આખા રાજ્યમાં સાઇકલયાત્રા કાઢી અને તેઓ આવું કરનારાં રાજ્યનાં પ્રથમ મહિલા માનવામાં આવે છે.
તેમના પુત્ર અંતનુ કહે છે, "ગામમાં અનુસૂચિત જાતિના લોકોને તળાવમાંથી પાણી ભરવાની મંજૂરી નહોતી, પરંતુ ચંદ્રપ્રભા સૈકિયાનીએ તેની સામે પોતાના અવાજ ઉઠાવ્યો, લડાઈ લડી અને લોકોને તેમને હક અપાવ્યો."
"તેમની કોશિશને કારણે લોકોને તળાવમાંથી પાણી ભરવાનો અધિકાર મળ્યો. તેઓએ પછાત જાતિના લોકોને મંદિરપ્રવેશ માટે પણ આંદોલન કર્યું, પણ તેમાં તેઓ સફળ ન થયાં."
વર્ષ 1930માં તેઓએ 'અસહયોગ આંદોલન'માં પણ ભાગ લીધો હતો અને જેલમાં પણ ગયાં અને વર્ષ 1947 સુધી તેઓ કૉંગ્રેસ પાર્ટીનાં કાર્યકર તરીકે કામ કરતાં રહ્યાં હતાં.
તેમને તેમના કામ માટે વર્ષ 1972માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યાં હતાં.
(તમામ ઇલેસ્ટ્રેશન :ગોપાલ શૂન્ય)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો