રુકૈયા બેગમ : મહિલાઓ પરના એમના એક લેખથી જ્યારે હોબાળો થયો

    • લેેખક, નાસીરુદ્દીન
    • પદ, બીબીસી ગુજરાતી માટે

રુકૈયા સખાવત હુસૈન એટલે નારીવાદી વિચારક, કથાકાર, નવલકથાકાર, કવિ, બંગાળમાં મુસ્લિમ છોકરીઓના શિક્ષણ માટે આંદોલન ચલાવનાર, મુસ્લિમ મહિલાઓનું સંગઠન બનાવનાર.

તેમણે મુસ્લિમ છોકરીઓ માટે સ્કૂલ ખોલી હતી. આ સ્કૂલે અનેક છોકરીઓનું જીવન બદલી નાખ્યું.

જોકે, તેમની ચિંતા માત્ર મુસ્લિમ મહિલાઓ સુધી સીમિત ન હતી. તેઓ તો સ્ત્રી જાતિનું સન્માન વધારવા અને તેમના હક માટે કામ કરી રહ્યાં હતાં.

તેઓ એક એવો સમાજ અને એવી દુનિયા બનાવવાં માગતાં હતાં, જ્યાં તમામ એક સાથે રહે. મહિલાઓ પોતે મુખત્યાર થાય. તેમના હાથમાં દુનિયાનો વેપાર આવે.

રુકૈયાનો જન્મ વર્ષ 1880માં અવિભાજિત ભારતના રંગપુર જિલ્લાના પૈરાબંધ વિસ્તારમાં થયો.

આજે આ વિસ્તાર બાંગ્લાદેશમાં પડે છે. જમીનદાર ખાનદાન હતું. ભાઈઓને તો આધુનિક શાળા-કૉલેજની તાલીમ મળી પરંતુ બહેનોને નહીં.

આ વિશેષ શ્રેણીની આ પહેલાંની કહાણીઓ વાંચવા માટે ક્લિક કરો:

ભાઈએ રાતના અંધારામાં ભણાવ્યાં

રુકૈયાને ભણવાની જબરજસ્ત ઇચ્છા હતી. તેમના મોટા ભાઈએ બધાની નજરમાંથી છુપાઈને નાની બહેનને ભણાવી.

એવું જાણવા મળે છે કે રાત્રે જ્યારે ઘરના તમામ લોકો સૂઈ જતા હતા, ત્યારે ઘરના એક ખૂણામાં ભાઈ પોતાની આ બહેનને ભણાવતા હતા.

રુકૈયા ઘણા તેજ હતાં. દુનિયાને જોવાનો તેમનો દૃષ્ટિકોણ ઘણો અલગ હતો.

તેમના ભાઈને આ વાતનો ખ્યાલ સારી રીતે હતો. એટલા માટે જ્યારે લગ્નનો સમય થયો ત્યારે તેમને ચિંતા પણ થઈ હતી.

તેમના પ્રયત્નોથી વર્ષ 1898માં અઢાર વર્ષની ઉંમરે રુકૈયાનાં લગ્ન બિહારના ભાગલપુરમાં રહેતા અને ઉંમરમાં ઘણા મોટા સખાવત હુસૈન સાથે થયાં.

સખાવત હુસૈન ભણેલી-ગણેલી અને તરક્કીપસંદ વ્યક્તિ હતી.

તેમના સંગાથે રુકૈયાને ઘણી વસ્તુઓને કરવાની, વિચારવાની અને સમજવાની તક આપી.

જોકે બંનેનો સાથ ઘણો લાંબો સમય ન રહ્યો. વર્ષ 1909માં સખાવત હુસૈનનું મૃત્યુ થયું.

દુનિયાની સામે રુકૈયા સૌથી પહેલાં એક લેખિકા તરીકે પ્રસ્તુત થયાં છે. સખાવત હુસૈનના મૃત્યુ પહેલાં રુકૈયાની બંગાળી સાહિત્યમાં એક સારી ઓળખ ઊભી થઈ ચૂકી હતી.

પોતાની રચનાઓ દ્વારા તેમણે મહિલાઓની ખરાબ સ્થિતિને સમજવા અને સમજાવવાના મહત્વપૂર્ણ પ્રયાસો શરૂ કરી દીધા હતા.

તેમના એક લેખ ‘સ્ત્રી જાતિર અબોનતિ’ પર તો ભારે હોબાળો થયો હતો. કહેવામાં આવે છે કે એમાં માત્ર મહિલા, મહિલાઓ સાથે જ તેમની હાલત પર આકરી ચર્ચા કરાઈ હતી. પરંતુ હકીકતમાં તેમાં આ પુરુષપ્રધાન સમાજને અરીસો દેખાડવાનું કામ કરાયું હતું.

વાર્તાએ હોબાળો કર્યો

એમાં આ સમાજમાં મહિલાઓની ખરાબ સ્થિતિનું વિવરણ હતું. આવા સવાલ અને આવી વાત ભારતમાં કોઈ મહિલાએ આટલી ગંભીરતાથી નથી કરી.

તેમણે જ્યારે આ લેખ લખ્યો ત્યારે તેમની ઉંમર 22-23 વર્ષની હોવાનું અનુમાન છે.

તેમની એક રચના છે, 'સુલતાનાઝ ડ્રીમ્સ' એટલે સુલતાનાનાં સપનાં. અંગ્રેજીમાં લખાયેલી આ લાંબી વાર્તા છે. આને લઘુ નવલકથા પણ કહી શકાય.

આ એક એવા દેશની કહાણી છે, જ્યાં દેશ અને સમાજની તમામ પ્રવૃતિઓ મહિલાઓ ચલાવે છે.

મહિલાઓ આઝાદ છે. પુરુષો ઘરની અંદર રહે છે. આને નારીવાદી કલ્પનાલોક, વિજ્ઞાનકથા કહેવામાં આવી.

આ કહાણી વર્ષો પહેલાં મદ્રાસથી છપાતાં 'ઇન્ડિયન લેડિઝ મૅગેઝિન'માં 1905માં છપાઈ હતી. આ તે સમયની અંગ્રેજીની ઘણી પ્રતિષ્ઠિત પત્રિકા હતી.

બંગાળી ભાષા સિવાયની ભાષાઓમાં રુકૈયા આ જ વાર્તાના કારણે જાણીતા થયાં. કારણ કે તેમણે મોટા ભાગની વાર્તાઓ બંગાળીમાં જ લખી છે.

વિચારો રુકૈયાની આ વાર્તા પણ બંગાળી ભાષામાં હોત તો શું થાત? શું દુનિયા તેમને ઓળખી શકી હોત? આજે પણ હિંદીનો મોટો વિસ્તાર તેમના કામથી અપરિચિત છે.

જો રુકૈયાએ અંગ્રેજીમાં જ લખ્યું હોત તો તેઓ નારીવાદી વિચારની દુનિયામાં લીડર હોત. અબરોધ બાસિની, મોતિચૂર, પદ્મોરાગ, સ્ત્રીજાતિર અબોનતિ, સુલતાનાઝ ડ્રિમ્સ, બે ભાગોમાં મોતિચૂર... તેમની મુખ્ય રચનાઓ છે.

રુકૈયા એવાં મહિલા છે, જેમને મહિલાઓની હાલત અને હક વિશે ન માત્ર લખ્યું પરંતુ જમીની હકીકતને બદલવા માટે કામ પણ કર્યું.

સખાવત હુસૈનના મૃત્યુ પછી તેમની ઇચ્છા પ્રમાણે તેમની યાદમાં છોકરીઓ માટે 1910માં સૌથી પહેલાં ભાગલપુર અને પછી 1911માં કલકત્તામાં સ્કૂલ ખોલવામાં આવી.

તેમના પ્રયત્નોના કારણે બંગાળમાં મુસ્લિમ છોકરીઓને તાલીમ આપવાની બાબતે જાગૃતિ આવી.

મુસ્લિમ મહિલાઓ માટે આશાનું કિરણ

ઘણી તકલીફોને સહન કર્યા બાદ રુકૈયાએ આ શાળા ચલાવી. બંગાળની મુસ્લિમ છોકરીઓ માટે આ શાળા વરદાન સાબિત થઈ.

રુકૈયા દ્વારા સ્થાપિત 'સખાવત મેમોરિયલ ગવરમેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ' આજે પણ કોલકતામાં ચાલે છે.

પરંતુ આ સ્કૂલને ચલાવવા અને મુસ્લિમ છોકરીઓને આધુનિક તાલીમ આપવાના લીધે રુકૈયાને ઘણા વિરોધનો સામનો પણ કરવો પડ્યો.

તેઓ ભારતીય નારીવાદી વિચારના મજબૂત સ્તંભ છે. તેમણે છોકરીઓને તાલીમ, ખાસ કરીને મુસ્લિમ છોકરીઓને તાલીમ અપાવામાં મોટી ભૂમિકા નિભાવી છે.

મુસ્લિમ મહિલાઓને સંગઠિત કરવામાં યોગદાન આપ્યું. તેમનાથી પ્રેરણા લઈને અનેક છોકરીઓએ લખવાનું શરૂ કર્યું. સમાજસુધાર અને નારીઅધિકારના આંદોલનમાં ભાગ લીધો.

9 ડિસેમ્બર 1932 માત્ર 52 વર્ષની ઉંમરમાં કલકત્તામાં તેઓ મૃત્યુ પામ્યાં.

મૃત્યુના કેટલાક કલાકો પહેલાં તેમણે એક લેખની શરૂઆત કરી હતી. તેમણે તેને નામ આપ્યું હતું, 'નારીરો અધિકાર' એટલે મહિલાઓના હક.

મહિલાઓના કામ કરવા અને તેમની જિંદગીમાં ફેરફાર લાવવાના કારણે બંગાળના વિસ્તારમાં તેમને રામમોહન રોય અને ઈશ્વરચંદ વિદ્યાસાગર જેવાં ગણવામાં આવે છે.

ભારત-બાંગ્લાદેશ એટલે બંગાળના વિસ્તારની છોકરીઓ તો કહે છે કે 'તેઓ ન હોત તો અમે ન હોત. રુકૈયા અમારા સૌનાં પૂર્વજ છે.'

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો