રખમાબાઈ રાઉત : 'મરજીવિરુદ્ધ થયેલાં લગ્ન મને માન્ય નથી, હું જેલમાં જઈશ'

    • લેેખક, અનઘા પાઠક
    • પદ, બીબીસી મરાઠી

ડૉ. રખમાબાઈ રાઉત કદાચ ભારતનાં પ્રથમ વ્યવસાયી મહિલા તબીબી હતાં. તેના કરતાંય તેમની વધારે ઓળખ એ છે કે તેઓ ભારતના પ્રારંભિક નારીવાદી હતાં. 22 વર્ષની ઉંમરે તેમણે પોતાના છૂટાછેડા માટે અદાલતમાં લડત માંડી હતી.

તે વખતે પુરુષ પત્નીને ત્યજી દે અથવા છૂટાછેડા આપી દે વાત સામાન્ય ગણાતી હતી, પરંતુ રખમાબાઈ કદાચ પ્રથમ પરિણીત નારી હતાં, જેમણે પોતાના પતિ પાસેથી છૂટાછેડાની માગણી કરી હતી.

છૂટાછેડાના કેસથી રૂઢિચુસ્ત ભારતીય સમાજમાં ખળભળાટ

રખમાબાઈનો જન્મ મુંબઈમાં 1864માં થયો હતો. તેમનાં માતા વિધવા હતાં અને તેમણે 11 વર્ષની નાની ઉંમરે જ રખમાબાઈનાં લગ્ન કરાવી દીધાં. જોકે તેમનું આણું વાળવામાં આવ્યું નહોતું અને લગ્નવિધિ પછી તેઓ માતા સાથે જ રહ્યાં હતાં.

આ વિશેષ શ્રેણીની આ પહેલાંની કહાણીઓ વાંચવા માટે ક્લિક કરો:

1887માં તેમના પતિ દાદાજી ભીકાજીએ લગ્નસંબંધના હક માટેના અધિકાર માટે કેસ કર્યો હતો. તેના બચાવમાં રખમાબાઈએ કહ્યું કે પોતે બહુ નાની ઉંમરનાં હતાં ત્યારે લગ્ન થઈ ગયાં હતાં. પોતાની મરજી વિરુદ્ધ લગ્ન થયાં હોય ત્યારે આ રીતે બળજબરીથી તેમને સંસારમાં જોડી શકાય નહીં.

જોકે અદાલતમાં મુકદ્દમો ચાલ્યા પછી લગ્નને માન્ય ગણવામાં આવ્યા હતા.

અદાલતે બે વિકલ્પો આપ્યા, કાં તો પતિ સાથે રહેવા જવું અને નહીં તો છ મહિના માટે જેલ ભોગવવી. રખમાબાઈ છ મહિનાની કેદ માટે તૈયાર થઈ ગયાં, પણ પરાણે કરેલાં લગ્ન માન્ય કરવા માગતા નહોતાં. તે વખતે આવો વિકલ્પ સ્વીકારવો તે બહુ મોટી હિંમતનું કામ હતું.

આ મુકદ્દમાને કારણે એટલી બધી ચકચાર મચી હતી કે તે વખતે સ્વાતંત્ર્યસેનાની બાલગંગાધર ટિળકે રખમાબાઈ વિરુદ્ધ પોતાના અખબારમાં ઝુંબેશ ચલાવી હતી. રખમાબાઈના વલણને ટિળકે 'હિન્દુ પરંપરા વિરુદ્ધનો ડાઘ' ગણાવ્યો હતો.

ટિળકે ત્યાં સુધી લખ્યું હતું કે રખમાબાઈ જેવી સ્ત્રીઓ સાથે 'ચોર, ધુતારા અને હત્યારા' જેવો વ્યવહાર કરવો જોઈએ. આમ છતાં રખમાબાઈ ઝૂક્યાં નહોતાં. તેમના સાવકા પિતા સખારામ અર્જુન તેમની વહારે હતા અને તેના કારણે રખમાબાઈ છૂટાછેડા માટે લડતાં રહ્યાં.

અદાલતે તેમની વિરુદ્ધ અને તેમના પતિની તરફેણમાં ચુકાદો આપ્યો તે પછી પણ રખમાબાઈ હામ હાર્યાં નહોતાં.

તેમણે ક્વીન વિક્ટોરિયાને પત્ર લખીને પોતાના લગ્નને ફોક કરાવાની માગણી કરી. ઇંગ્લૅન્ડનાં રાણીએ અદાલતના ચુકાદાને રદબાતલ જાહેર કર્યો.

તે પછી રખમાબાઈના પતિ અદાલતમાંથી મુકદ્દમો પાછો ખેંચવા અને અદાલતની બહાર નાણાં લઈને સમાધાન કરવા તૈયાર થયા હતા.

આ સીમાચિહ્નરૂપ મુકદ્દમા પછી શું પરિવર્તન આવ્યું?

રખમાબાઈના મુકદ્દમાને કારણે ભારતમાં તે વખતે કન્યાની લગ્નની ઉંમર નક્કી કરતો કાયદો એટલે કે 'એજ ઑફ કન્સેન્ટ ઍક્ટ 1891' પસાર થયો હતો.

આ કાયદા સાથે હવે લગ્ન માટે કન્યાની ઉંમર 10થી વધારીને 12 કરવામાં આવી અથવા તો કહો કે સેક્સ માટેની તેની હા પાડવા માટેની ઉંમર વધારવામાં આવી.

આજે કદાચ આ બહુ મોટા પાયાનો ફેરફાર નહીં લાગે, પરંતુ તે જમાનામાં બહુ અગત્યનો હતો. તેના કારણે પ્રથમ વાર એવો કાયદો બન્યો કે જેના કારણે સગીર કિશોરી સાથે કોઈ પુરુષ જાતીય સંસર્ગ કરે તો તે સજાલાયક ગુનો બન્યો હતો. આ કાયદાનો ભંગ કરવો એટલે બળાત્કાર કરવો ગણાયો હતો.

રખમાબાઈ લગ્નમાંથી મુક્ત થઈ શક્યાં તે પછી 1889માં તેઓ લંડન સ્કૂલ ઑફ મેડિસિન ફૉર વિમેનમાં દાખલ થયાં હતાં.

1894માં તેઓ સ્નાતક થયાં અને તે પછી તેમની ઇચ્છા MDની ડિગ્રી લેવાની હતી. તે વખતે લંડન સ્કૂલ ઑફ મેડિસિનમાં પણ મહિલાઓને MDનો અભ્યાસ કરવાની છૂટ નહોતી.

આવા પક્ષપાતી નિયમ સામે પણ રખમાબાઈએ અવાજ ઉઠાવ્યો. બાદમાં તેમણે બ્રસેલ્સમાંથી MDની ડિગ્રી મેળવી હતી.

આ રીતે રખમાબાઈ ભારતનાં MD ડિગ્રી મેળવનારાં અને તેની પ્રેક્ટિસ કરનારાં પ્રથમ મહિલા ડૉક્ટર બન્યાં હતાં.

જોકે તેમણે પતિથી છૂટા પડવાનું નક્કી કર્યું હતું, તેના કારણે ઘણા લોકો તેમના તરફ નારાજગી રાખતા હતા.

પ્રારંભમાં રખમાબાઈએ મુંબઈની કામા હૉસ્પિટલમાં કામ કર્યું હતું, પરંતુ બાદમાં તેઓ સુરત જતાં રહ્યાં હતાં.

સુરતમાં રહીને તેમણે પોતાનું જીવનકાર્ય મહિલાઓના સ્વાસ્થ્ય માટે સમર્પિત કરી દીધું હતું. તેમણે બીજી વાર લગ્ન કર્યાં નહોતાં અને 35 વર્ષ સુધી તબીબ તરીકે સેવા કરતા રહ્યાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો