કોરોના વાઇરસ : ગુજરાતમાં જુલાઈ-ઑગસ્ટમાં સંક્રમણનો ખતરો વધશે?

એક તરફ જ્યાં ભારત કોરોનાના કેસોની સંખ્યા બાબતે બ્રિટનને વટાવી વિશ્વનો ચોથા ક્રમનો સૌથી અસરગ્રસ્ત દેશ બની ગયો છે, તો બીજી તરફ ભારત સરકારે ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં આવનારા સમયમાં કોરોનાની પરિસ્થિતિ વધુ વિકટ બનવાનું અનુમાન કર્યું છે.

ગુરુવારે કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલી માહિતીમાં કહેવાયું હતું કે, ‘ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં જો વાઇરસની આગેકૂચ આ જ ગતિથી ચાલુ રહી તો જૂન-ઑગસ્ટ સુધીમાં આ રાજ્યોમાં ઇન્ટેન્સિવ કૅર યુનિટો અને વૅન્ટિલેટરો ખૂટી પડી શકે છે.’

અનુમાન પ્રમાણે આ અછતની શરૂઆત દિલ્હીમાં તો શરૂ પણ થઈ ગઈ છે. દિલ્હીમાં 3 જૂનના રોજ ICU બેડ ખૂટી પડ્યા, તેમજ 12 જૂનના રોજ વૅન્ટિલેટરો ખૂટી પડવાનું અનુમાન છે.

જ્યારે 25 જૂનના રોજ ઑક્સિજનની સુવિધા સાથેના આઇસોલેશન બેડ ખૂટી પડવાની આશંકા વ્યક્ત કરાઈ છે.

પથારી અને વૅન્ટિલેટર ખૂટી પડવાની શક્યતા

નોંધનીય છે કે આ અનુમાન કેન્દ્રીય કૅબિનેટ સેક્રેટરી રાજીવ ગૌબાએ રાજ્યોના ચીફ સેક્રેટરી અને હેલ્થ સેક્રેટરી સાથેની વીડિયો કૉન્ફરન્સ મિટિંગમાં રજૂ કર્યાં હતાં.

જ્યારે મહારાષ્ટ્ર માટે કરાયેલા અનુમાન પ્રમાણે, મહારાષ્ટ્રમાં ICU બેડ 8 ઑગસ્ટના રોજ ખૂટી પડવાનું અનુમાન છે, જ્યારે 27 જુલાઈના રોજ રાજ્યમાં વૅન્ટિલેટર ઘટી પડવાનું અનુમાન છે.

જ્યારે તામિલનાડુમાં ICU બેડ અને વૅન્ટિલેટર 9 જુલાઈ સુધી ખૂટી પડવાનું અનુમાન કરાઈ રહ્યું છે. જ્યારે ઑક્સિજનની સુવિધાવાળા આઇસોલેશન બેડની 21 જુલાઈના રોજ અછત સર્જાવાનું અનુમાન કરાઈ રહ્યું છે.

આવી જ રીતે સમયાંતરે પરંતુ બહુ ઝડપથી ગુજરાતમાં વર્તમાનદરે કોરોનાના દર્દીઓની સંખ્યા વધવાને કારણે ગુજરાતમાં પણ ICU અને વૅન્ટિલેટરની અછત સર્જાવાનું અનુમાન છે.

કેન્દ્રશાસિત પ્રદેશોને પણ ચેતવણી

આ સિવાય અન્ય પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે પણ આ મિટિંગ દ્વારા ચેતવણીભર્યા સમાચાર આવ્યા છે.

હરિયાણા, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળ માટે પણ આ બેઠકમાં આવનારા દિવસોમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ સર્જાવાની આશંકા વ્યક્ત કરાઈ છે.

બેઠકમાં વ્યક્ત કરાયેલી આશંકા પ્રમાણે જો વર્તમાન પરિસ્થિતિ ચાલુ રહે તો મુંબઈ, ગુરુગ્રામ જેવા 17 જિલ્લાઓમાં આવતા માસ સુધી આરોગ્યસેવાઓની અછત સર્જાવાની શક્યતા છે.

નોંધનીય છે કે બેઠકમાં જે રાજ્યો અને શહેરો માટે ચેતવણી જારી કરાઈ છે, તે રાજ્યો અને શહેરોમાં જ દેશના કુલ દર્દીઓ પૈકી 80 ટકા દર્દીઓ છે. તેમજ આ રાજ્યોનો મૃત્યુદર પણ ચિંતાજનક રીતે વધારે છે.

આવી પરિસ્થિતિમાં જો વહીવટીતંત્ર અને સરકાર દ્વારા યોગ્ય સંકલન સાધી કોરોનાને જડમૂળથી ખતમ કરવા માટે યોગ્ય દિશામાં પગલાં નહીં લેવાય તો આ અનુમાનોને હકીકત બનતા વાર નહીં લાગે, તેમાં કોઈ બેમત નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો