You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Corona Tips : કેવો ખોરાક લેવાથી કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધી શકે?
કોરોના વાઇરસ કોવિડ-19ની મહામારીને પગલે જે વાત વારંવાર સામે આવી રહી છે એ રોગપ્રતિકારક શક્તિ યાને કે ઇમ્યુન સિસ્ટમની છે.
હાથ ધોવા, સ્વચ્છતા જાળવવી, શરદી-છીંક વખતે ટિસ્યૂનો ઉપયોગ કરવો વગેરે જેવી સલાહ ઉપરાંત એવું ભારપૂર્વક કહેવાય છે કે શરીરની રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવી. કેટલાક લોકો એને વધારવાની સલાહ પણ આપે છે. જોકે, શરીરની રોગપ્રતિકારક શક્તિની વ્યવસ્થા યાને કે ઇમ્યુન સિસ્ટમ એક જટિલ વિશ્વ છે.
વિટામિન્સ, મિનરલ્સ તથા પ્રોબાયોટિક્સનું સેવન કરીને અથવા ચોક્કસ પ્રકારનો ખોરાક ખાઈને આપણે આપણી રોગપ્રતિકારક શક્તિને 'વધારી' શકીએ એવું સૂચવતા સંખ્યાબંધ લેખો અખબારોમાં અને ઇન્ટરનેટ પર પ્રકાશિત થતા રહે છે, પણ સવાલ એ છે કે આપણે એ માટે નાણાં ખર્ચવા જોઈએ?
રોગપ્રતિકારક શક્તિની દુનિયા
સામાન્ય ધારણા છે કે રોગપ્રતિકારક શક્તિને આપણે આસાનીથી પ્રભાવિત કરી શકીએ છીએ, પણ આપણી ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગપ્રતિકારક વ્યવસ્થા કેટલી જટિલ છે એ જાણ્યા પછી આપણને એ વિશે શંકા થવા લાગે છે.
આપણાં શરીરમાંની ઇમ્યુન સિસ્ટમમાં અલગ-અલગ પ્રકારના હજારો કોષો જાતજાતનું કામ કરતા હોય છે.
આમાં આક્રમણકર્તાઓને ઓળખવાનો, સંદેશાવહનના, જાણીતા જીવાણુઓનું ભક્ષણ કરવાનો અથવા શરીરને નવા દુશ્મનો સામે લડતાં શિખવાના કામોનો સમાવેશ થાય છે.
ઇમ્યુન સિસ્ટમના મુખ્યત્વે બે ઘટક હોય છેઃ એક, સહજ પ્રતિસાદ અને બે, હસ્તગત કરેલો પ્રતિસાદ.
ઇનેટ રિસ્પોન્સ એટલે સહજ પ્રતિસાદ દુશ્મનોમાં રહેલા દોસ્તોને ઓળખવાનું કામ કરે છે. એ આક્રમણકર્તાઓને શરીરની બહાર કાઢીને અથવા તેને નષ્ટ કરીને સમસ્યાનો પ્રતિસાદ આપે છે. તેને કારણે આપણને શરીર તપ્યાની અનુભૂતિ કે શરદી જેવું થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હસ્તગત કરેલો પ્રતિસાદ
એક્વાયર્ડ રિસ્પોન્સ અથવા હસ્તગત કરેલો પ્રતિસાદ શરીરના સતર્ક ચોકીદારોની ટુકડી જેવો છે. શરીરમાં કોઈ ચોક્કસ ઘૂસણખોરની ઓળખ થઈ જાય પછી ઇમ્યુન સિસ્ટમનો આ હિસ્સો, પેલા ઘૂસણખોરને ખતમ કરી શકે તેવા કોષને ઓળખી કાઢે છે અને પછી તેને એ ઘૂસણખોર સામે લડવા મોકલે છે.
ઇમ્યુન સિસ્ટમમાંના આ પૈકીના કેટલાક કોષો વિશે જાણકારી મેળવવા માટે ગ્લાસગો યુનિવર્સિટીના સંશોધકો લેસર માઇક્રોસ્કોપીનો ઉપયોગ કરી રહ્યા છે.
તેમનું સંશોધન દર્શાવે છે કે આપણી ઇમ્યુન સિસ્ટમ કેટલી જટિલ અને સુસંકલિત છે. એ દર્શાવે છે કે આપણા શરીરમાં દિવસ-રાત વિવિધ કોષો એકબીજા સાથે સતત 'વાત' કરે છે. એ દર્શાવે છે કે આ વૈવિધ્યસભર ક્રિયા-પ્રતિક્રિયાના મોટા હિસ્સાને આપણે હજુ સમજી શક્યા નથી.
તેથી કોઈ આપણી ઇમ્યુન સિસ્ટમને શક્તિશાળી બનાવવાનો દાવો કરે કે વાત કરે ત્યારે આપણે સૌથી પહેલાં એ સવાલ કરવો જોઈએ કે તે દાવો કે વાત ઇમ્યુન સિસ્ટમના ક્યા હિસ્સાને શક્તિશાળી બનાવવા માટે છે? એ કેવી રીતે કરવામાં આવશે? સૌથી મહત્વની વાત છે શક્તિવર્ધનના પુરાવા. સજ્જડ વૈજ્ઞાનિક પુરાવા મળવા મોટાભાગે મુશ્કેલ હોય છે.
વિટામિનન્સ, મિનરલ્સ અને હર્બલ સપ્લિમેન્ટ્સ
આપણી ઇમ્યુન સિસ્ટમને સ્વસ્થ રાખવા માટે વિટામિન્સ અને મિનરલ્સ જરૂરી હોય છે.
જેમનામાં વિટામિન D કે વિટામિન Cની કમી હોય તેમણે તેનાં સપ્લિમૅન્ટસ લેવાં પડે છે. જોકે, ખોરાકમાંથી વિટામિન્સ અને મિનરલ્સ સારા એવા પ્રમાણમાં મળી રહેતાં હોય છે.
તેથી જો આપણે આરોગ્યવર્ધક ખોરાક લેતાં હોઈએ તો આપણાં શરીર માટે જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ તેમાંથી મળી રહે. વિટામિન્સનું પ્રમાણ વધારવાથી તમને રોગ સામે લડવાની વધારે શક્તિ પ્રાપ્ત થશે, એવું સાબિત કરતા સજ્જડ પુરાવા હજુ સુધી મળ્યા નથી.
વાસ્તવમાં કેટલાંક વિટામિન્સ અને મિનરલ્સ જરૂર કરતાં વધુ પ્રમાણમાં લેવામાં આવે તો એ ઘાતક સાબિત થતાં હોય છે. દાખલા તરીકે, વધારે પડતું વિટામીન A ઝેરી અને જીવલેણ બની શકે છે.
એકિનેસિયા, સેલેનિયમ, બીટા-કેરોટિન, ગ્રીન ટી, બાયોફ્લેવોનોઈડ્ઝ, લસણ અને વ્હીટગ્રાસ જેવાં સપ્લિમૅન્ટસ સુક્ષ્મ જંતુઓથી આપણને દૂર રાખવામાં મદદરૂપ થાય છે કે કેમ તેની જાણકારી પણ સંશોધનમાં મેળવવામાં આવી હતી.
તેમાં સમસ્યા એ છે કે તેના જે પુરાવા મળ્યા છે એ સજ્જડ નથી. એ બાબતે પૂરતો અભ્યાસ થયો નથી અને જેટલો અભ્યાસ કરવામાં આવ્યો હતો એ પદ્ધતિસરનો ન હોવાથી તેની ટીકા કરવામાં આવી હતી.
એ ઉપરાંત આ બાબતો આપણી ઇમ્યુન સિસ્ટમને બહેતર બનાવતી હોવાનું દર્શાવવામાં આવ્યાનો અર્થ એ નથી કે તે રોગ સામે લડવાની આપણી ક્ષમતામાં વધારો કરશે. ખરેખર તો, કોઈ ચોક્કસ સારવાર લોકોને ચેપ લાગતો અટકાવી શકે અથવા ચેપની તીવ્રતા ઘટાડી શકે કે કેમ તેનું વ્યવસ્થિત પરીક્ષણ કરવાની જરૂર છે.
પ્રોબાયોટિક પ્રોડક્ટ્સ
પ્રોબાયોટિક પ્રોડક્ટ્સમાં આપણાં આંતરડાંની તંદુરસ્તી બહેતર બનાવતા 'સારા બૅક્ટેરિયા' હોય છે. આ પ્રોડક્ટ્સ ઇમ્યુન સિસ્ટમને બહેતર બનાવતી હોવાનું ભૂતકાળમાં જણાવવામાં આવ્યું હતું, પણ યુરોપની ફૂડ સેફટી સત્તાવાળાઓએ એવો ચૂકાદો આપ્યો હતો કે કોઈ વૈજ્ઞાનિક પુરાવા ન હોવાથી પ્રોબાયોટિક પ્રોડક્ટ્સ ઇમ્યુન સિસ્ટમને બહેતર બનાવતી હોવાનો દાવો કરી શકાય નહી.
આંતરડાંનાં માઇક્રોબિયમ વિશેનું સંશોધન ચાલી રહ્યું છે ત્યારે, આપણાં આંતરડાંનાં બૅક્ટેરિયા આપણી ઇમ્યુન સિસ્ટમને કઈ રીતે પ્રભાવિત કરતાં હોય છે એ વિશે સમય જતાં આપણને વિગતવાર સમજણ મળશે.
શક્તિ મહત્ત્વની કે સંતુલન?
ઇમ્યુન સિસ્ટમને 'શક્તિશાળી' બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરવાને બદલે 'સંતુલન' વિશે વિચારવાનું વધારે ડહાપણભર્યું ગણાશે, કારણ કે સ્વસ્થ ઇમ્યુન સિસ્ટમનો આધાર જ સંતુલન હોય છે.
આપણે ઇમ્યુન સિસ્ટમનો વિચાર 'ઓછી સક્રિયતા'થી માંડીને 'અતિ સક્રિયતા'ના માપદંડ સ્વરૂપે કરી શકીએ.
આપણે જાણીએ છીએ કે ઇમ્યુન સિસ્ટમ યોગ્ય રીતે કાર્યરત ન હોય એ ખરાબ બાબત છે. દાખલા તરીકે એચઆઈવી અને મલેરિયામાં તેની ભૂમિકા મહત્વની હોય છે. બીજી તરફ અતિ સક્રિય ઇમ્યુન સિસ્ટમ તેના પોતાના જ કોષોને નુકસાન પહોંચાડી શકે છે.
આત્યંતિક કિસ્સાઓમાં એ રૂમેટોઇડ આર્થરાઇટિસ અને મલ્ટીપલ સ્ક્લેરોસિસ જેવા ઓટોઇમ્યુન રોગનું કારણ બનતા હોય છે. ઇમ્યુન સિસ્ટમનો વધારે પડતો આકરો પ્રતિભાવ સોજાના સ્વરૂપમાં આવે છે, જેને ઇમ્યુન સિસ્ટમ તથા આક્રમણકર્તા વાયરસ વચ્ચેના યુદ્ધનું ગૌણ નુકસાન ગણી શકાય.
વધુ પડતી સક્રિય ઇમ્યુન સિસ્ટમને લીધે થતું નુકસાન ગંભીર બીમારી કે મોતનું કારણ બનતું હોય છે.
તો સવાલ એ છે કે ઇમ્યુન સિસ્ટમને શક્તિશાળી બનાવવાનો પ્રયાસ કરાય?
ઇમ્યુન સિસ્ટમની પ્રતિક્રિયા સુધારવાનો કે તેમાં ખોટ પૂરી કરવાની સાબિત થયેલી રીત વૅક્સિનેશન યાને કે રસીકરણ છે.
ઇમ્યુન સિસ્ટમને શક્તિશાળી બનાવવાનો વિચાર કરવાને બદલે તેને સ્વસ્થ અને સંતુલિત રાખવાનો વિચાર બહેતર છે. વળી એ સંબંધે કોઈ પ્રોડક્ટ ખરીદવાનો નિર્ણય કરવાની ઘડી આવે ત્યારે સાશંક વલણ રાખવું વધારે સારું.
તમારી ઇમ્યુન સિસ્ટમમાં કશું ખૂટતું હોય ત્યારે વિટામિન્સ અને મિનરલ સપ્લિમૅન્ટસ ઉપયોગી થઈ શકે, પણ તમે સંતુલિત ખોરાક લેતા હો અને નિયમિત કસરત કરતા હો તો એ તમારી ઇમ્યુન સિસ્ટમની સ્વસ્થતા માટે પૂરતું છે.
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો