Google Doodle : એ ડૉક્ટર, જેમણે દુનિયાને હાથ ધોતાં શિખવાડ્યું

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગૂગલે આજે ડૂડલ બનાવીને એક ખાસ વ્યક્તિને યાદ કર્યા છે, જાણો તેઓ કોણ હતા.

આખી દુનિયામાં કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે હાથ ધોવાની સલાહ આપવામાં આવી રહી છે.

સેલેબ્રિટીઝથી માંડીને નેતાઓ અને અધિકારીઓ હાથ ધોવા અંગે સલાહ આપી રહ્યા છે.

ત્યારે ગૂગલે એક ખાસ વ્યક્તિને ડૂડલ બનાવીને યાદ કર્યા છે. ગૂગલે આજે ડૉ. ઇગ્નાઝ સૅમેલ્વિઝ પર ડૂડલ બનાવ્યું છે. તેમની તસવીર ગૂગલ ડૂડલમાં હાથ ધોવાની રીત સાથે જોઈ શકાય છે.

ગૂગલે એક ઍનિમેટેડ વીડિયોના માધ્યમથી લોકોને હાથ ધોવાની રીત મામલે જણાવ્યું છે.

ગૂગલ ડૂડલે ટ્વીટ કરીને કહ્યું છે, "દુનિયામાં ફેલાયેલા કોરોના વાઇરસની વચ્ચે આજે ગૂગલ ડૂડલે ડૉ. ઇગ્નાઝને યાદ કર્યા છે. એ ડૉક્ટર, જેમણે પહેલી વખત દુનિયાને હાથ ધોવાના ફાયદા દર્શાવ્યા હતા."

કોણ હતા ડૉક્ટર ઇગ્નાઝ?

ડૉ. ઇગ્નાઝ સૅમેલ્વિસે જ પહેલી વખત દુનિયાને હાથ ધોવાના ફાયદા ગણાવ્યા હતા.

આજના જ દિવસે 1847માં તેમને વિયેના જનરલ હૉસ્પિટલના મૅટરનિટી ક્લિનિકમાં ચીફ રેસિડેન્ટ ડૉક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આજના જ દિવસે તેમણે હાથ સાફ કરવાના ફાયદા બતાવ્યા હતા.

હાથ ધોવાની પ્રથા કેવી રીતે શરૂ થઈ હતી?

19મી સદીમાં સમગ્ર યુરોપમાં 'ચાઇલ્ડબેડ ફીવર' ખૂબ ઝડપથી પ્રસરી રહ્યો હતો. આ તાવના કારણે મહિલાઓ અને નવજાત બાળકો ઝડપથી મૃત્યુ પામી રહ્યાં હતાં.

તે સમયે સમાજમાં હાથ ધોવાની પ્રથા ન હતી.

ઑપરેશન બાદ ત્યારે ડૉક્ટર પણ હાથ ધોતા ન હતા. તે સમયે ડૉ. ઇગ્નાઝે પ્રસ્તાવ મૂક્યો હતો કે પહેલાં ડૉક્ટર હાથ સાફ કરવાનું શરૂ કરે.

તેમને જાણવા મળ્યું હતું કે ડૉક્ટરોના કારણે જ મહિલાઓ અને અન્ય લોકો બૅક્ટેરિયાથી સંક્રમિત થઈ રહ્યાં હતાં.

ત્યારબાદ આદેશ જાહેર કરવામાં આવ્યા કે કોઈ ડૉક્ટર દર્દીને મળ્યા બાદ પોતાના હાથ ધોશે અને એ બાદ ચાઇલ્ડબેડ ફિવરના કેસ ઝડપથી ઓછા થવા લાગ્યા હતા.

કોઈ સન્માન ન મળ્યું

પ્રસૂતિકેન્દ્રોમાં સંક્રમણ રોકવા માટે સાબુનો પ્રયોગ 1880ના દાયકામાં શરૂ થયો હતો.

આ વિષય પર સૅમેલ્વિસે એક પુસ્તક લખ્યું, જેની નકારાત્મક સમીક્ષાઓ બાદ તેઓ પોતાના ટીકાકારો પર ભડકી ઉઠ્યા હતા.

તેમણે હાથ ન ધોતા ડૉક્ટરોને હત્યારા તરીકે રજૂ કરવાનું શરૂ કર્યું.

વિયેના હૉસ્પિટલમાં સૅમેલ્વિસનો કૉન્ટ્રેક્ટ લંબાવવામાં ન આવ્યો એટલે તેમણે પોતાના વતન હંગેરી પરત ફરવું પડ્યું.

હંગેરી પરત ફર્યા બાદ સૅમેલ્વિસ બુડાપેસ્ટની સેજેંટ રૉક્સ હૉસ્પિટલના પ્રસૂતિવૉર્ડમાં પગાર વગર કામ કરવા લાગ્યા.

આ હૉસ્પિટલ અને બુડાપેસ્ટ યુનિવર્સિટીના મૅટરનિટી ક્લિનિકમાં પ્રસૂતિ દરમિયાન મહિલાઓમાં તાવ આવતો હોવાની ફરિયાદ ખૂબ હતી, જેને ડૉક્ટર સૅમેલ્વિસે ઓછી કરી.

પરંતુ તેમના સિદ્ધાંતની ટીકા રોકાવાનું નામ લઈ રહી નહોતી અને બીજી તરફ સહયોગી તેમની રીતને અપનાવવા અનિચ્છુક હતા.

આ વાતને લઈને સૅમેલ્વિસનો ગુસ્સો પણ વધતો જઈ રહ્યો હતો.

1861 આવતા આવતા તેમનો વ્યવ્હાર ખૂબ અનિશ્ચિત થઈ ગયો અને ચાર વર્ષ બાદ તેમને માનસિક રીતે અસ્થિર લોકો માટેની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

જ્યારે સૅમેલ્વિસને અનુભવ થયો કે તેઓ પાગલખાનામાં છે, તો તેમણે ત્યાંથી નીકળવાનો પ્રયાસ કર્યો.

આ પ્રયાસ દરમિયાન તેમને ત્યાંના સુરક્ષાગાર્ડ્સે ખૂબ માર માર્યો અને તેમને અંધારી કોટડીમાં પૂરી દીધા.

બે અઠવાડિયા બાદ સૅમેલ્વિસનું મૃત્યુ થયું હતું. હાથમાં લાગેલા ઘાના કારણે સંક્રમણ ફેલાવાના કારણે તેઓ માત્ર 47 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો