ફેસબુકનાં COOએ ગુજરાતની સ્કૂલનાં વખાણ કેમ કર્યાં?

સમગ્ર વિશ્વ આજે કોરોના વાઇરસ સામે લડી રહ્યું છે. આ વાઇરસની હજુ સુધી કોઈ રસી કે દવા શોધાઈ નથી, એકમાત્ર સ્વચ્છતા અને સાવધાની તેનાથી બચવાનો વિકલ્પ છે એમ ડૉક્ટરો કહી રહ્યા છે.

કોરોના વાઇરસનો ચેપ ન લાગે એ માટે નિષ્ણાત ડૉક્ટરો વારંવાર હાથ ધોવાની સલાહ આપી રહ્યા છે.

તો હાથ કેવી રીતે ધોવા જોઈએ એ અંગેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ફરતા થયા છે.

અભિનેત્રી દીપિકા પાદુકોણથી માંડીને બોલીવૂડ સેલિબ્રિટી સહિતનાં લોકો હાથ ધોવાની રીતનો વીડિયો શૅર કરીને લોકોને જાગૃત કરવાની કોશિશ કરી રહ્યાં છે.

ત્યારે ગુજરાતની એક સ્કૂલના વિદ્યાર્થીઓનો એક વીડિયો હાલ ચર્ચામાં આવ્યો છે.

આ વીડિયો ફેસબુકનાં ચીફ ઑપરેટિંગ ઑફિસર શૅરિંગ સૅન્ડબર્ગે શૅર કર્યો છે.

ફેસબુકનાં ચીફ ઑપરેટિંગ ઑફિસરે શું લખ્યું?

ફેસબુકનાં ચીફ ઑપરેટિંગ ઑફિસર શેરિંગ સૈન્ડબર્ગને ગુજરાતની સ્કૂલનાં વખાણ કર્યાં છે.

તેઓએ આ સંદર્ભે ફેસબુક પર ગુજરાતની અમરગઢ પ્રાઇમરી સ્કૂલની એક પોસ્ટ પણ મૂકી છે, જેમાં બે વિદ્યાર્થીઓ હાથ કેવી ધોવા જોઈએ એ દર્શાવી રહ્યા છે.

તેઓએ લખ્યું કે "હું બધા શિક્ષકો, શિક્ષણાધિકારીઓ અને લોકોને અભિનંદન આપવા માગું છું જેઓ પોતાનાં બાળકો અને સમુદાયને કોવિડ-19ના પ્રકોપથી બચવા માટે કાર્ય કરી રહ્યા છે."

"આ સરળ નથી. સ્કૂલ સંચાલકોએ તેમનાં હજારો બાળકોની સુરક્ષા માટે તથ્યો અને સાબિત સાથે સલાહ આપવાની જરૂર છે. આ બાળકોની સુરક્ષાથી પણ વધુ છે, જે ખરેખર મહત્ત્વનું છે."

તેઓએ લખ્યું કે "ગુજરાતમાં હજારો વિદ્યાલયોમાં 100,000થી વધુ શિક્ષકો છે, જેઓ વીડિયો, ઇન્ફોગ્રાફિક્સ અને સમાચાર શૅર કરવા માટે ફેસબુકનો ઉપયોગ કરે છે. સરકારની સલાહ પ્રમાણે બાળકોએ હાથ કેવી રીતે ધોવા જોઈએ એ આપણને દેખાડી રહ્યા છે. અમે તેમના શિક્ષણ વિભાગ સાથે એક લાઇવ સત્રનું આયોજન કરી રહ્યા છીએ, જેથી લોકોને માહિતી મળી રહે."

"જ્યાં સ્કૂલોને પોતાના દરવાજા બંધ કરવા પડે છે, ત્યાં આપણે જોઈએ છીએ કે શિક્ષકો પોતાનાં બાળકો અને સમાજ સાથે સંપર્ક જાળવી રાખવા માટે રચનાત્મક રીતો અપનાવે છે."

શૅરિંગ સૅન્ડબર્ગે વિદેશોમાં પણ કોણ-કોણ ફેસબુકનો ઉપયોગ કરીને લોકોને માહિતગાર કરી રહ્યા છે એની પણ વાત કરી હતી.

તેઓએ લખ્યું, "ઉત્તર ઇટાલીના ઇસ્ટિટ્યૂટો ક્વાર્ટો સાસુયોલો ઓવેસ્ટમાં જે ત્રણ સ્કૂલો ઘણાં અઠવાડિયાંથી બંધ છે, ત્યાંના ડીન ફેસબુક પેજનો ઉપયોગ કરીને માતાપિતાને મહત્ત્વની જાણકારી અને સલાહ આપી રહ્યા છે. તેમાં બાળકો માટે સૌથી સારું શું છે એ પણ કહી કહ્યા છે."

"અને થાઇલૅન્ડના ક્રિસ્ટન ડ્યૂરવોર્ડમાં સ્કૂલ બંધ થતાં દુનિયાભરના શિક્ષકો અને અન્ય લોકોની મદદ માટે શૈક્ષણિક ગ્રૂપ ઑનલાઇન શિક્ષણની પદ્ધતિ અપનાવી રહ્યું છે."

"શિક્ષકો ખરેખર હીરો છે, આભાર."

વિશ્વભરમાં કોરોનાનો કેર

કોરોના વાઇરસથી દુનિયાભરમાં 1,85,000થી વધુ લોકો સંક્રમિત થયા છે. આ વાઇરસને કારણે અત્યાર સુધીમાં 7,500થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.

છ દેશો એવા છે જ્યાં સંક્રમિત લોકોના સૌથી વધુ કેસ સામે આવ્યા છે, જેમાં ચીન, ઇટાલી, ઈરાન, સ્પેન, કોરિયા અને ફ્રાન્સનો સમાવેશ થાય છે.

ભારતમાં કોરોના વાઇરસને લીધે અત્યાર સુધીમાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે. પહેલું મૃત્યુ કર્ણાટક, બીજું દિલ્હી અને ત્રીજું મહારાષ્ટ્રમાં થયું છે.

ભારતમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં આવ્યા છે અને બીજા નંબરે કેરળ છે.

મુંબઈની 'જીવાદોરી' ગણાતી લોકલ ટ્રેનસેવા બંધી કરવા અંગે વિચારણા કરાઈ રહી છે. મહારાષ્ટ્ર સરકારનું મંત્રીમંડળ થોડા દિવસ માટે લોકલ ટ્રેનસેવા બંધ કરવા અંગે વિચાર કરી શકે છે.

મુંબઈમાં વેસ્ટ, સૅન્ટ્રલ અને હાર્બર લોકલ ટ્રેનની સુવિધા ઉપલબ્ધ છે. મહાનગરમાં રોજ 2,334 લોકલ ટ્રેન દોડે છે, જેમાં 75 લાખ કરતાં વધારે લોકો આવજા કરે છે.

આ દરમિયાન સૅન્ટ્રલ રેલવેએ મુંબઈથી સંલગ્ન લાંબા રૂટની 23 ટ્રેનો રદ કરી નાખી છે.

ભારતીય રેલવે દ્વારા સ્ટેશન પર ભીડ ઘટાડવા માટે પ્લૅટફૉર્મ ટિકિટના દરમાં પાંચગણો વધારો કરવામાં આવ્યો છે.

અગાઉ રૂ. 10માં મળતી પ્લૅટફૉર્મ ટિકિટના ભાવ વધારીને રૂ. 50 કરી દેવામાં આવ્યાં છે.

ગુજરાતમાં શું છે પરિસ્થિતિ?

ગુજરાત સરકારે 29 માર્ચ સુધી શાળા-કૉલેજો અને ટ્યૂશન ક્લાસો, આંગણવાડી બંધ કરવાની જાહેરાત કરી છે.

ગુજરાત સરકારે હેલ્પલાઇન નંબર 104ની જાહેરાત કરી હતી. ઉપરાંત રોગ અંગે માહિતી મેળવવા ટ્વિટર એકાઉન્ટ @GujHFWDeptની જાહેરાત કરી.

ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમે જાહેરાત કરી હતી.

રાજ્યમાં સ્વિમિંગ-પૂલ, સિનેમાગૃહો તેમજ આંગણવાડીઓ પણ બંધ કરવાના આદેશ અપાયા છે. આ પ્રતિબંધ બે અઠવાડિયાં માટે લાગુ કરવામાં આવ્યો છે.

સરકારે જાહેર કરેલાં નૉટિફિકેશન મુજબ કોરોના વાઇરસનો ચેપ લોકોમાં ફેલાય નહીં તે માટે જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ મૂકવાનું નક્કી કરાયું છે.

જાહેરમાં થૂકનારને 500 રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી હતી.

સરકારે ખાનગી અને ધાર્મિક સંસ્થાઓમાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતાં હોય તેવા કાર્યક્રમને મોકૂફ રાખવાનું કહ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો