કોરોના વાઇરસ : ભારતે યુ.કે. તથા યુરોપથી આવતાં મુસાફરો પર પ્રતિબંધ મૂક્યો

ભારતે યુ.કે. યુરોપિયન સંઘ તથા તુર્કીથી આવતાં મુસાફરોના આગમન ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે.

ઍરલાઇન્સ કંપનીઓને ઉપરોક્ત દેશોમાંથી મુસાફરોને નહીં લાવવા સૂચના આપવામાં આવી છે.

આરોગ્ય તથા વિદેશ મંત્રાલયની સંયુક્ત પત્રકાર પરિષદમાં થયેલી જાહેરાત મુજબ, યુ.એ.ઈ. (યુનાઇટેડ આરબ અમિરાત), કતાર, ઓમાન તથા કુવૈતથી આવતાં ભારતીયોને ફરજિયાત 14 દિવસ સુધી ક્વોરૅન્ટીનમાં રાખવાની જાહેરાત કરી છે.

આ પહેલાં ભારતે કોરોનાના સંક્રમણને રોકવા માટે 15 એપ્રિલ સુધી વિઝા રદ કરી દીધા છે.

સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કોરોના વાઇરસ કોવિડ-19ના સંક્રમણને ફેલાતું રોકવા માટે અને તેના બચવાના ઉપાયોની ચર્ચા કરવામાં આવી હતી. જે બાદ વિઝા મામલે નિર્ણય લેવામાં આવ્યો હતો.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરી દીધી છે.

કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતમાં કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો

કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો

કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો

કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો

વિઝા પ્રતિબંધ છતાં કોણ ભારત આવી શકશે?

  • રાજદ્વારી વિઝા ધરાવતા લોકો
  • સંયુક્ત રાષ્ટ્ર સાથે કામ કરતા લોકો
  • કેટલીક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સંકળાયેલા લોકો
  • ઍમ્પ્લૉયમૅન્ટ વિઝામાં કેટલી છૂટછાટ અપાઈ છે
  • કોઈ પ્રોજેક્ટ માટેના વિઝા લીધેલા છે તેવા લોકો

કોણ નહીં આવી શકે?

ઉપરોક્ત વિઝાને છોડીને અન્ય તમામ પ્રકારના વિઝા ધરાવતા લોકો પર આ પ્રતિબંધ લાદી દેવાયો છે.

ઓસીઆઈ કાર્ડધારકો (પ્રવાસી ભારતીય નાગરિકો) જેઓને ભારતમાં આવવા માટે વિઝાની જરૂર નથી. તેઓ પણ 15 એપ્રિલ 2020 સુધી નહીં આવી શકે.

વિદેશથી ભારતમાં ફરવા આવતા લોકો પણ હવે નહીં આવી શકે.

આ પ્રતિબંધ તમામ ઍરપૉર્ટ્સ અને બંદરો પર 13 માર્ચ 2020ની મધ્યરાત્રીથી લાગુ થઈ જશે.

વિદેશ ગયેલા ભારતીયોનું શું?

વિદેશ ગયેલા ભારતીયો આ ગાળા દરમિયાન ભારત પરત આવી શકશે.

જોકે, તેમના માટે કેટલીક બાબતો નક્કી કરવામાં આવી છે.

ચીન, ઇટાલી, ઈરાન, દક્ષિણ કોરિયા, ફ્રાંસ, સ્પેન અને જર્મનીથી જેઓ આવતા હોય અથવા તેમણે આ 15 ફેબ્રુઆરી બાદ આ દેશોની મુલાકાત લીધી હોય તેમને ઓછામાં ઓછા 14 દિવસ સુધી ક્વોરૅન્ટીનમાં રાખવામાં આવશે.

ભારતમાંથી વિદેશ જનારા લોકોનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવી શકે છે.

ભારતીય વિદેશયાત્રા ન કરે : સરકાર

ભારત સરકારે એવું પણ કહ્યું છે કે જો ખૂબ જરૂરી ના હોય તો ભારતની યાત્રા ના કરવી.

ઉપરાંત સરકારે કહ્યું છે કે ભારત આવનારા લોકોને ઓછામાં 14 દિવસ સુધી ક્વોરૅન્ટીનમાં રાખવામાં આવી શકે છે.

ભારતીય નાગરિકોને કહેવામાં આવ્યું છે કે તેઓ જરૂરિયાત ન હોય તો વિદેશની યાત્રા ના કરે. તેમને દેશમાં પરત ફર્યા બાદ ઓછામાં ઓછા બે અઠવાડિયાં સુધી ક્વોરૅન્ટીનમાં રાખવામાં આવશે.

સરકારે એ સ્પષ્ટતા કરી છે કે વિદ્યાર્થીઓ અને જરૂરી કામથી બહાર જનારા લોકોની જલદી તપાસ કરવામાં આવશે અને સંક્રમણ ન હોવાના નાતે તેમને વિદેશ જવા દેવામાં આવશે.

જોકે, તેઓ પરત આવશે ત્યારે તેમને ક્વોરૅન્ટીનમાં રાખવામાં આવી શકે છે.

સરકારે એવું પણ કીધું છે કે રોડ-રસ્તેથી દેશમાં પ્રવેશતા લોકો માટે તપાસની વ્યવસ્થા કરવામાં આવશે અને તેના માટેની વધુ જાણકારી ગૃહમંત્રાલય આપશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો