You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સેક્સ વર્કર બનવાના અધિકાર માટે જંગે ચડનાર ભારતીય મહિલાની કહાણી
- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
પહેલી મે 1958ના રોજ અલાહાબાદની એક અદાલતમાં આવેલી મહિલાને સૌ કોઈ તાકી તાકીને જોઈ રહ્યા હતા.
24 વર્ષની હુસૈનબાઈએ ન્યાયાધીશ જગદીશ સહાયને કહ્યું કે પોતે એક સેક્સ વર્કર છે.
બંધારણની જોગવાઈનો ઉલ્લેખ કરીને તેમણે માનવ તસ્કરી વિરુદ્ધના એક કાયદાને પડકારતી અરજી આપી હતી.
હુસૈનબાઈની દલીલ હતી કે આજીવિકાના સાધન પર વાર કરનારો આ નવો કાયદો દેશના બંધારણ પ્રમાણે કલ્યાણકારી રાજ્ય સ્થાપવાના ઉદ્દેશની વિરુદ્ધનો છે.
એક ગરીબ મુસ્લિમ સેક્સ વર્કરે ઉપાડેલું આ પગલું સમાજ સામેના વિદ્રોહ સમાન હતું.
ભારતીય સમાજમાં ત્યારે સેક્સ વર્કરોનું ક્યાંય સ્થાન નહોતું.
રસ્તા પર આવી ગયેલી આવી સ્ત્રીઓ તરફ ધ્યાન આપવા માટે તેમણે ન્યાયાધીશને મજબૂર કરી દીધા હતા.
સત્તાવાર રેકર્ડ અનુસાર સેક્સ વર્કરોની ની સંખ્યા 1951માં 54,000 હતી તે હવે ઘટીને 28,000 થઈ ગઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સેક્સ વર્કરો માટે સહાનુભૂતિ પણ ઓછી થઈ રહી હતી. સેક્સ વર્કરોએ કૉંગ્રેસ પક્ષને ફાળો આપવાની વાત કરી હતી ત્યારે મહાત્મા ગાંધીએ તેની મનાઈ કરી હતી.
બીજી બાજુ હકીકત એ હતી કે સેક્સ વર્કરોનો સમુદાય પણ એક સમુદાય જ હતો, જેને મતદાનની અનુમતી મળી હતી.
તે પૈસા કમાતી હતી અને ટેક્સ પણ ભરતી હતી. તેમની પાસે પોતાના નામે સંપત્તિ પણ હતી.
સેક્સ વર્કરની એ વિસરાઈ ગયેલી કથા
હુસૈન બાઈના અંગત જીવન વિશે ખાસ જાણકારી ઉપલબ્ધ નથી. કોઈ આર્કાઇવ્ઝમાં તેની તસવીર પણ મળતી નથી.
તેના વિશે ફક્ત એટલું જાણવા મળે છે કે તેઓ પિતરાઈ બહેન અને બે નાના ભાઈઓ સાથે તે રહેતાં હતાં.
ભાઈ બહેનોના જીવનનો આધાર પણ તેમની કમાણી પર જ હતો.
દેહવ્યાપાર માટેના અધિકાર માટે લડનારી આ સ્ત્રીની કથા હવે એક નવા પુસ્તકમાં પ્રગટ થઈ છે.
આ વિસરાઈ ગયેલી કથા યેલ યુનિવર્સિટીના ઇતિહાસકાર રોહિત ડેના પુસ્તકમાં સામેલ છે.
'અ પીપલ્સ કન્સ્ટિટ્યૂશનઃ લૉ એન્ડ એવરીડે લાઇફ ઇન ધ ઇન્ડિયન રિપબ્લિક એક્સપ્લોર્સ્ડ' નામના આ પુસ્તકમાં જણાવાયું છે કે કઈ રીતે રોજબરોજની જિંદગીની બાબતોને પણ બંધારણમાં આવરી લેવાઈ હતી.
ભારતીય બંધારણ ભદ્ર વર્ગના સભ્યોએ લખ્યું હતું, તેમ છતાં સામ્રાજ્યમાંથી તે લોકતાંત્રિક સ્વતંત્ર દેશ બન્યો ત્યારે તેમાં આમ આદમીના રોજિંદા જીવનને પણ સાંકળી લેવામાં આવ્યું હતું.
દેશભરની મહિલાઓ સાથે જોડાયેલા આંદોલનની વાતમાં હુસૈન બાઈની કથાને પણ રોહિત ડેએ આવરી લીધી છે.
જોકે, આર્કાઇવ્ઝમાં તેના વિશે કોઈ જાણકારી મળતી નથી.
તેથી આ કથા માટે રોહિત ડેએ અદાલતી કાર્યવાહીના દસ્તાવેજોનો આધાર લીધો હતો.
હુસૈન બાઈએ કરેલી અરજીને કારણે એકતરફ લોકોમાં ચિંતા પેઠી હતી પણ સાથોસાથ અચરજ પણ થઈ રહ્યું હતું.
અમલદારો અને નેતાઓમાં આ મુદ્દે ખાસ્સી ચર્ચા થઈ હતી.
તેના માટે લાંબા લાંબા દસ્તાવેજો પણ તૈયાર થયા હતા.
અલાહાબાદની સેક્સ વર્કરનો એક સમૂહ અને નાચગાન કરતી છોકરીઓનું એક યુનિયન પણ આ અરજીના ટેકામાં જોડાયું હતું.
જ્યારે સેક્સ વર્કરોએ સંસદ સામે પ્રદર્શન કર્યું
દિલ્હી, પંજાબ અને બોમ્બેની અદાલતોમાં પણ સેક્સ વર્કર્સની આ પ્રકારની અરજીઓ આવવા લાગી હતી.
બોમ્બે (હવે મુંબઈ)માં રહેતાં એક સેક્સ વર્કર બેગમ કલાવત સામે ફરિયાદ થઈ તે પછી તેમને હદપાર કરવામાં આવ્યાં હતાં.
તે શાળા પાસે રહીને સેક્સ વર્કરનું કાર્ય કરતી હતી. તેથી તેને તડીપાર કરવામાં આવી હતી.
તેણે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને દલીલ કરી હતી કે તેનો સમાનતાનો અધિકાર, વેપાર કરવાનો અધિકાર અને મુક્ત રીતે આવવાજવાનો અધિકાર આનાથી છીનવાઈ રહ્યો છે.
નવો કાયદો આવ્યો તેના કારણે સેક્સ વર્કર્સ પોતાના ભાવી અંગે ચિંતામાં પડી હતી.
આ કાયદા સામે અદાલતમાં લડવા માટે સેક્સ વર્કરોએ પોતાના ગ્રાહકો તથા સ્થાનિક વેપારીઓ પાસેથી ફાળો એકઠો કર્યો હતો.
ધંધાર્થી ગાયક તથા નર્તકી ઍસોસિયેશનનાં પોતે સભ્ય છે એવા દાવા સાથે 75 સ્ત્રીઓએ રાજધાની દિલ્હીમાં સંસદની સામે દેખાવો પણ કર્યા હતા.
તેમણે સાંસદોને કહ્યું કે સેક્સ વર્કરના વ્યવસાયને ફટકો પડશે તો તેનાથી આ ધંધો સન્માનજનક ક્ષેત્રોમાં પણ ફેલાઈ જશે.
સેક્સ વર્કર બનવા માટેનો વિકલ્પ
નાચગાનનું કામ કરનારી તથા 'બદનામ' ગણવામાં આવતી 450 જેટલી સ્ત્રીઓએ આ કાયદા સામે લડત આપવા માટે એક યુનિયન બનાવ્યું હતું.
અલાહાબાદની નાચનારી યુવતીઓના એક સમૂહે જાહેરાત કરી હતી કે આ કાયદાના વિરોધમાં દેખાવો કરવામાં આવશે.
'કોઈ પણ વ્યવસાય કરવા માટેની છૂટ આપતી બંધારણની જોગવાઈનો' આ કાયદાથી ભંગ થાય છે એમ તેમનું કહેવું હતું.
કલકત્તા (હવે કોલકાતા)ના રેડ લાઇટ વિસ્તારની 13 હજાર સેક્સ વર્કરોએ ધમકી ઉચ્ચારી હતી કે તેમને આજીવિકા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં નહીં આવે તો તેઓ ભૂખ હડતાળ પર ઊતરશે.
પોલીસ અને સરકારે હુસૈન બાઈની અરજી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
મહિલા સાંસદો અને સામાજિક કાર્યકરોએ પણ આ અરજીનો વિરોધ કર્યો હતો તેમાં કોઈ નવાઈની વાત નથી.
આ લોકો દ્વારા જ માનવ તસ્કરી વિરુદ્ધનો કાયદો કરવા માટે સરકાર પર દબાણ કરવામાં આવ્યું હતું.
ઇતિહાસકાર રોહિત ડે કહે છે કે સેક્સ વર્કરો બંધારણ પ્રમાણે અધિકારો માગી રહી હતી તે જાણીને વિશ્લેષકો પણ વિચારમાં પડી હતા.
"હુસૈન બાઈની અરજી અને તેની પાછળ પાછળ થયેલી આવી જ અરજીઓને નવા બનેલા લોકતંત્રના પ્રગતિશીલ પ્રયાસો પર હુમલા તરીકે જોવામાં આવી હતી."
ભારતની બંધારણ સભામાં ઘણી મહિલાઓ પણ હતી. તેઓ અનુભવી અને અભ્યાસુ મહિલાઓ હતી.
તેમનો તર્ક એ હતો કે સ્ત્રીઓ સેક્સ વર્કર બનવાનું જાતે પસંદ કરતી નથી. સ્ત્રીઓએ મજબૂરીને કારણે આ વ્યવસાય કરવો પડે છે.
આવી અરજીઓથી તેઓ પણ ચોંકી ગઈ હશે કે સેક્સ વર્કરો સ્વંય પોતાનો વ્યવસાય ચાલુ રાખવા માટે અરજી કરી રહી છે.
સામે ચાલીને નિમ્ન સ્તરનું જીવન જીવવા માટે બંધારણના મૂળભૂત અધિકારીઓને ટાંકી રહી હતી તે વાત ચોંકાવનારી લાગી હશે.
આજીવિકાનો અધિકાર
ડે કહે છે, "ઝીણવટથી જોવામાં આવે તો ખ્યાલ આવે છે કે આ કોઈ એક વ્યક્તિનું સાહસભર્યું પગલું નહોતું."
"ભારતના દેહવ્યાપાર સાથે સંકળાયેલા લોકોએ સંગઠન બનાવીને સામૂહિક રીતે કરેલી કાર્યવાહી હતી."
"એ સ્પષ્ટ હતું કે દેહવ્યાપાર સાથે જોડાયેલા લોકોને પહેલાંથી જ પોતાના ધંધાનું શું થશે તેનો ડર હતો. નવા કાયદાથી તેમના પર દબાણ વધી ગયું હતું."
જોકે, બે જ અઠવાડિયામાં હુસૈન બાઈની અરજીને ટેક્નિકલ કારણ આપીને રદ કરી દેવામાં આવી હતી.
એવું જણાવાયું હતું કે તેમના અધિકારને હજી સુધી કાયદાથી કોઈ નુકસાન થયું નથી.
તેમને પોતાનું કામ કરતા અટકાવાયા પણ નથી કે તેમની સામે કોઈ ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવી નથી.
તેથી અરજી ટકી શકે તેમ નથી એમ જણાવાયું હતું.
કામ કરતા અટકાવાનો તર્ક બરાબર છે એમ ન્યાયાધીશ સહાયે કહ્યું હતું પણ તે સિવાય બીજું કશું કહ્યું નહોતું.
આખરે સુપ્રીમ કોર્ટે આ કાયદાને બંધારણીય રીતે યોગ્ય માન્યો હતો અને જણાવ્યું હતું કે સેક્સ વર્કરો આજીવિકાના અધિકારનો મુદ્દો આમાં ઉઠાવી શકે નહીં.
(રોહિત ડે 'અ પીપલ્સ કન્સ્ટિટ્યૂશનઃ લૉ એન્ડ એવરીજે લાઇફ ઇન ધ ઇન્ડિયન રિપબ્લિક એક્સપ્લોર્સ્ડ' પુસ્તકના લેખક છે, જેને પ્રિન્સેટન યુનિવર્સિટી પ્રેસ અને પેગ્વિન ઇન્ડિયાએ પ્રકાશિત કર્યું છે.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો