સેક્સ ઍજ્યુકેશન બાળકો માટે કેમ જરૂરી છે અને તેમને ક્યારે મળવું જોઈએ?

    • લેેખક, મહેઝબીન સૈયદ
    • પદ, બીબીસી ગુજરાતી

'સેક્સ...' એક સામાન્ય અઢી અક્ષરનો શબ્દ છે પરંતુ આ નાનો એવો શબ્દ હંમેશાંથી ચર્ચાનો વિષય રહ્યો છે.

થોડા સમય પહેલાં ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપનાં પુત્રી તેમજ યૂટ્યુબર આલિયા કશ્યપનો એક વીડિયો ચર્ચામાં આવ્યો હતો જેમાં તેઓ પોતાના પિતા સાથે સેક્સ અને લગ્ન અગાઉ ગર્ભાવસ્થા જેવા વિષયો પર ચર્ચા કરી રહ્યાં છે.

પોતાના યૂટ્યુબ વીડિયોમાં તેમણે પિતા અનુરાગ કશ્યપને આવા અનેક સવાલો પૂછ્યા હતા અને તેના કારણે તેમણે લોકોની "હેટ-સ્પીચ"નો સામનો કરવો પડ્યો હતો.

આ વાત તેમણે એક ઍન્ટર્ટેઇનમેન્ટ ચેનલ સાથે ઇન્ટરવ્યૂ દરમિયાન સ્વીકારી હતી.

શું હતું વીડિયોમાં?

યૂટ્યુબ વીડિયોમાં આલિયા કશ્યપ પોતાના પિતાને તેમના પ્રશંસકો દ્વારા પૂછાયેલા અમુક સવાલો કરે છે અને તેમનો મત જાણવા માગે છે.

આ સવાલોમાં એક રાત માટે બંધાતા સંબંધો વિશે પણ વાત કરવામાં આવી છે, ચરસ (એક પ્રકારનું ડ્રગ) વિશે પૂછે છે કે તે માન્ય છે કે નહીં.

સાથે જ તેમણે પૂછ્યું કે જો કોઈ દિવસ આવીને તેઓ કહે કે 'હું ગર્ભવતી છું' તો તેમની પ્રતિક્રિયા કેવી હશે. અનુરાગ કશ્યપ આ દરેક સવાલોના જવાબ આપે છે જેના કેટલાક લોકોએ વખાણ કર્યા છે તો કેટલાક લોકો તેમની ટીકા કરી રહ્યા છે.

'લોકો કહે છે કે મને શરમ આવવી જોઈએ'

આ વીડિયો વિશે ઘણી ચર્ચાઓ બાદ તેઓ એક ચેનલ પર ઇન્ટરવ્યૂ આપવા પહોંચ્યાં હતાં જ્યાં તેમણે કહ્યું, "મને ઘણા મૅસેજ મળ્યા છે જેમાં લોકો કહે છે કે એ જોઈને સારું લાગે છે કે આવી વિચારધારા ધરાવતાં માતાપિતા પણ હોય છે."

"લોકોનાં મનમાં ઘણા સવાલો હોય છે અને તેઓ તેમનાં માતાપિતાને તે પૂછવાથી ડરે છે. તો આ એક સારું માધ્યમ છે જ્યાં તેમને તેમના સવાલોના જવાબ મળે છે."

"જોકે સિક્કાની બીજી બાજુ પણ છે. કેટલાક લોકો અલગ માનસિકતા ધરાવે છે અને તેઓ આ પ્રકારની ચર્ચા જોઈ-સાંભળી શકતા નથી."

તેમણે આગળ કહ્યું, "તમારે મારા પિતા સાથેના વીડિયો પર કૉમેન્ટ જોવાની જરૂર છે. તેમાં નફરત જ ભરાયેલી છે. સેક્સ, પ્રેગનન્સી, ડ્રગ્સ જેવી વાતો કૉમેન્ટમાં લખેલી છે. લોકો કહે છે 'આવી વાતો માતાપિતા સાથે કેવી રીતે થઈ શકે? તમને શરમ આવવી જોઈએ.'"

સેક્સ શબ્દથી શરમ કેમ?

સેક્સ ઍજ્યુકેશનથી યુવાનોને ન માત્ર હકારાત્મક માહિતી મળે છે, પણ સાથોસાથ તેમની અંદર યોગ્ય વ્યવહાર પણ જોવા મળે છે.

પણ આપણા સમાજમાં સેક્સ શબ્દ જ મગજમાં એલાર્મ વગાડવા માટે પૂરતો છે. લોકો એ નથી સમજતા કે આ જ શબ્દ વિશે ચર્ચા કેટલી જરૂરી છે.

'સેક્સ' એક એવો શબ્દ જ રહી ગયો છે જેના વિશે આપણા સમાજમાં વાત કરવામાં લોકો મૂંઝવણ અનુભવતા હોય છે, પણ આ જ શબ્દ પર જો ચર્ચા કરવામાં આવે તો તેનાથી બાળકને સાચી માહિતી મળી શકે છે.

બાળક સમજી શકે છે પ્રાઇવસી અને સંમતિ શું છે. તેનાથી બાળક એક માહિતગાર વયસ્ક બની શકે છે જે સેક્સને એક "વર્જિત વિષય" તરીકે નહીં જુએ.

આ વિશે બીબીસી ગુજરાતીએ અમદાવાદની શેલ્બી હૉસ્પિટલના ચાઇલ્ડ સાઇકિયાટ્રિસ્ટ અને સેક્સોલૉજિસ્ટ ડૉક્ટર કલરવ મિસ્ત્રી સાથે વાત કરી.

તેમણે કહ્યું, "સેક્સ ઍજ્યુકેશનના અભાવના કારણે દેશમાં બળાત્કાર, શોષણ, ચાઇલ્ડ પૉર્નોગ્રાફીના કેસો વધી રહ્યા છે."

"આ જોતાં સરકારે સેક્સ ઍજ્યુકેશન મામલે પૉલિસી તો બનાવી લીધી પણ શરમના લીધે માતાપિતા જાગરૂક થયાં નથી. એટલે સૌથી પહેલાં માતાપિતા અને સ્કૂલના શિક્ષકોએ શરમ છોડીને જાગરૂક થવાની જરૂર છે."

"જો માતાપિતા આ સ્વસ્થ ચર્ચા બાળકો સાથે નહીં કરે તો આગામી થોડાં જ વર્ષોમાં તેનાં ગંભીર પરિણામો જોવા મળી શકે છે અને જાતીય સતામણીના કિસ્સાઓમાં વધારો જોવા મળી શકે છે."

તેઓ ઉમેરે છે, "બાળકોમાં યોગ્ય સેક્સ ઍજ્યુકેશનની ખામીના પગલે તેઓ ખોટી જાણકારીનો ભોગ બને છે. બાળકને યોગ્ય ભાવનાત્મક સહારો મળતો નથી અને તેઓ એકલાં પડી જાય છે જેનું પરિણામ તણાવ અને માનસિક રોગો સ્વરૂપે સામે આવે છે."

આ વિશે બીબીસી ગુજરાતીએ અમદાવાદના મનોચિકિત્સક ડૉ. કેયુર પંચાલ સાથે પણ વાત કરી.

તેઓ જણાવે છે, "કેટલાક લોકો છે જે સેક્સ ઍજ્યુકેશનની જરૂરિયાતને સમજતા થયા છે અને જાતીય સતામણી જેવી ઘટનાઓથી સતર્ક રહેવા માતાપિતા બાળકો સાથે માહિતી શૅર કરતાં પણ થયાં છે. પણ મોટાભાગનાં માતાપિતા એવાં છે જેઓ માને છે કે આ પ્રકારની માહિતીથી વધારે સમસ્યા સર્જાઈ શકે છે."

"તેનું મોટું કારણ એ છે કે માતાપિતા પોતે પણ તેના ફાયદા અને ગેરફાયદા સારી રીતે જાણતાં નથી. માતાપિતા એટલાં જાગરૂક નથી. એટલા માટે જ માતાપિતા માટે તે એક સંવેદનશીલ મુદ્દો છે. "

"માતાપિતા જાતીય જ્ઞાન વિશે પૂરતી માહિતી મેળવી શકે તેના માટે ઘણાં માધ્યમો છે જેમકે મનોવૈજ્ઞાનિક, ગાયનેકૉલૉજિસ્ટ અને ઍજ્યુકેશનલ વીડિયો વગેરે જેનો તેમણે ઉપયોગ કરવો જોઈએ. તે માહિતી મેળવી તેઓ નક્કી કરી શકે છે કે બાળકોને કેવી માહિતી આપવી અને તેની તેમનાં બાળકો પર શું અસર થઈ શકે છે."

કેવી રીતે બાળકો સાથે વાતની શરૂઆત કરવી?

માની લો કે બાળક સ્કૂલે જઈ રહ્યું છે અને રસ્તામાં તેને કોઈ ફિલ્મના પોસ્ટરનું હૉર્ડિંગ દેખાય છે જેમાં હીરો-હીરોઇન એકબીજાને કિસ કરતાં દેખાય છે.

તમે ઘરે ટીવી જોઈ રહ્યા છો અને સીરિયલની બ્રેકમાં કૉન્ડોમની જાહેરાત આવે છે અથવા કોઈ ફિલ્મમાં હીરો-હીરોઇન વચ્ચે પ્રેમનાં દૃશ્યો દર્શાવવામાં આવે છે.

સમાચાર જોતાં પણ ઘણી વાર બાળકો બળાત્કાર અને જાતીય સતામણી જેવા શબ્દો સાંભળે છે. આવું તેમના રોજિંદા જીવનમાં થાય છે. શું તમને લાગે છે બાળક તેના પર ધ્યાન આપતું નથી અને તેના મનમાં સવાલ ઊભા થતા નથી?

તેઓ આ વિશે તેમનાં માતાપિતા સાથે વાત કરતાં નથી તેનો એ મતલબ જરાય નથી કે તેમના મગજમાં આ વિશે કોઈ વિચાર જ નથી.

બસ, તેમના આ જ વિચારો અને મનમાં ઉદ્ભવેલા સવાલો તેમને ઇન્ટરનેટ કે કોઈ મિત્ર સુધી લઈ જાય છે જ્યાં તેઓ જવાબની શોધમાં હોય છે અને તે જ બાળક માટે ખતરનાક હોઈ શકે છે.

એવું નથી કે સેક્સ સંબંધિત દરેક માહિતી નકારાત્મક હોય છે. પણ જે રીતે તે માહિતીને રજૂ કરવામાં આવે છે તેની નકારાત્મક કે હકારાત્મક અસર હોય છે.

ડૉ. કલરવ આ મુદ્દે કહે છે, "જો માતાપિતા પોતાના બાળકને શાંતિથી સાંભળે, તેની સાથે ચર્ચા કરે અને એક મિત્ર તરીકે તેની સમસ્યા અને સવાલોને સમજે તો બાળક ઇન્ટરનેટ કે કોઈ અજાણ્યા મિત્રની મદદ નહીં લે. જો માતાપિતા જ બાળક માટે સારા મનોચિકિત્સક અને સલાહકાર બની જાય તો બાળકને કોઈ મનોચિકિત્સકની પણ જરૂર ન પડે."

પણ સવાલ થાય છે કે બાળકોને ઘરમાં જ સેક્સ ઍજ્યુકેશન આપવાની યોગ્ય ઉંમર શું હોઈ શકે? આ મુદ્દે લોકોનાં અલગઅલગ જવાબ હોય છે.

જેમ કે ડૉ. કલરવ આ વિશે માને છે, "10-12 વર્ષની ઉંમર સૌથી વધારે મહત્ત્વની ઉંમર ગણાય છે. આ એ સમય હોય છે જ્યારે તેમની અંદર હૉર્મોનલ પરિવર્તન આવતાં હોય છે."

"આ પરિવર્તન પહેલાં 14-16 વર્ષની ઉંમરે જોવા મળતાં હતાં પણ હાલ જેમ જેમ લાઇફસ્ટાઇલ બદલાઈ રહી છે તેમ તેમ શરીરના હૉર્મોન અને તેની ઉંમરમાં પણ પરિવર્તન આવી રહ્યાં છે."

"સેક્સ હૉર્મોન બનતાં બાળકને વિપરીત સેક્સના બાળક પ્રત્યે આકર્ષણ અનુભવાય છે જે સામાન્ય બાબત છે. આ જ એ સમય છે જ્યારે બાળક સેક્સ ઍજ્યુકેશનના બીજા તબક્કામાં પ્રવેશે છે. આને ધ્યાનમાં રાખતાં માતાપિતાએ સાતથી નવ વર્ષની ઉંમરે બાળકને ધીમે-ધીમે સેક્સ ઍજ્યુકેશન આપવાનું ચાલુ કરી દેવું જોઈએ. જેમ-જેમ બાળક પુખ્ત વય તરફ આગળ વધે તેમ-તેમ તબક્કાવાર તેમને આ વિશે માહિતી આપવી જોઈએ."

"બાળકની સામે જો અમુક એડલ્ટ કન્ટેન્ટ આવી જાય તો તેને જોવાની ના પાડવાને બદલે તેને તેનાં હકારાત્મક અને નકારાત્મક પાસાં સમજાવો. કેમ કે જો બાળકને કંઈ કરવાની ના પાડવામાં આવે છે, તો માનસિકતા પ્રમાણે તે વધારે તે વસ્તુ તરફ આકર્ષાય એ ઉત્સુકતા સાથે કે આ કન્ટેન્ટ તેને જોવાની ના કેમ પડાઈ છે."

બીજી તરફ ડૉ. પંચાલ પણ કહે છે, "બધાં બાળકોની સમજશક્તિ અલગ-અલગ હોય છે તેના આધારે તેમને સેક્સ ઍજ્યુકેશન મળવું જોઈએ. પણ સામાન્યપણે આ ઉંમર આઠથી દસ વર્ષની હોવી જોઈએ. આ ઉંમર બાળકોને સેક્સ ઍજ્યુકેશન આપવાનું શરૂ કરી દેવું જોઈએ."

"પણ જરૂરી છે કે પહેલાં માતાપિતા પોતે આધારભૂત માહિતી મેળવે અને તેના માટે યોગ્ય સ્રોતનો ઉપયોગ કરે અને પછી બાળક સમક્ષ પોતાની વાત મૂકે."

માતાપિતા દ્વારા થતી ભૂલો

આપણા જીવનનું જ એક ઉદાહરણ લઈએ તો નાનપણ દરમિયાન મોટાભાગના લોકો એવા હશે જેમને સેક્સ ઍજ્યુકેશન મળ્યું નહીં હોય અને જનનાંગોને ખરેખર શું કહેવું જોઈએ તે પણ ઘણાં વર્ષો સુધી ખબર નહીં પડી હોય.

કેમ કે મોટાભાગના પરિવારોમાં ટેવ હોય છે જનનાંગોને કોઈ નામ આપી દે જેમાં પેનિસ એટલે કે પુરુષનું લિંગ 'નૂનૂ' બની જાય છે અને 'વજાઇના' એટલે મહિલાનું જનનાંગ બની જાય છે 'સૂસૂ'.

નિષ્ણાતો કહે છે કે બાળકોને આ પ્રકારનું જ્ઞાન આપવું એ સૌથી મોટી ભૂલ છે.

હા, આ વ્યવહાર બદલવો આપણા માટે થોડો મુશ્કેલ છે કેમ કે આપણે પણ પહેલાં સેક્સ ઍજ્યુકેશન મેળવ્યું નથી, પરંતુ જો માતાપિતા મહિલા અને પુરુષોનાં જનનાંગને એક ચોક્કસ નામથી ન બોલાવી શકતાં હોય તો તેઓ માત્ર તેને જનનાંગ કહીને પણ શરૂઆત કરી શકે છે.

ડૉ. કલરવ આ વિશે કહે છે કે, "સેક્સ ઍજ્યુકેશન તરફ પ્રથમ પગલા તરીકે બાળકો જ્યારે ત્રણ-ચાર વર્ષનાં હોય ત્યારે એમને જનનાંગો વિશે જણાવવું જરૂરી હોય છે."

રહી વાત સેક્સની તો, જ્યાં સુધી તેને એક પ્રાકૃતિક અને સાધારણ પ્રવૃત્તિ તરીકે નહીં જોવામાં આવે અને તેને યોગ્ય અયોગ્યની ધારણા સાથે જોડવામાં આવશે ત્યાં સુધી તેને લઈને લોકોમાં જે ખચકાટ છે તે દૂર નહીં થાય.

એટલે માતાપિતા તરીકે એ વાતને પ્રોત્સાહન ન આપવું જોઈએ કે સેક્સ માત્ર વયસ્કોના જાણવા માટે છે અને બાળકોએ તેના વિશે જાણવું પણ પાપ સમાન છે.

તેની સામે માતાપિતાએ પિરિયડ્સ, સેક્સ અને અસુરક્ષિત સેક્સના ખતરા વિશે વાતચીત કરવી જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો