ભારતનું સેક્સ સ્કૅન્ડલ જેણે દુનિયાને હચમચાવી નાખી હતી

    • લેેખક, બેન્યામિન કોહેન
    • પદ, ઇતિહાસકાર

એપ્રિલ 1892માં ભારતના દક્ષિણ ભારતીય શહેર હૈદરાબાદમાં અંગ્રેજીમાં લખાયેલી આઠ પાનાંની પત્રિકા વહેંચવામાં આવી હતી.

તે સમયે હૈદરાબાદ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યની સૌથી મોટી અને સૌથી પૈસાદાર હકૂમત હતી.

આ પત્રિકામાં એક મુસ્લિમ ધનવાન મેહદી હસન અને ભારતમાં જન્મેલાં તેમનાં બ્રિટિશ મૂળનાં પત્ની એલન ડોનેલીનાં નામ હતાં. આ પત્રિકા તેમનું જીવન બરબાદ કરવાની હતી.

19મી સદીના ભારતમાં અલગ-અલગ જ્ઞાતિના લોકોના પ્રેમને સહજ માનવામાં આવે એવો માહોલ નહોતો.

લગ્ન તો દૂરની વાત છે પરંતુ શાસક તો પ્રજાની સાથે સંબંધ પણ રાખતા નહોતા.

કોઈ ભારતીય મૂળની વ્યક્તિના કોઈ શ્વેત મહિલા સાથે સંબંધ હોય એ તો વધારે દુર્લભ વાત હતી.

હૈદરાબાદની હકૂમત પર તે જમાનામાં નિઝામનું શાસન હતું. આ જોડી હૈદરાબાદના અભિજાત્ય વર્ગમાં સામેલ હતી.

મહારાણી વિક્ટોરિયાનું નિમંત્રણ

એલન બ્રિટિશ મૂળનાં હતાં અને મેહદી હસન નિઝામની સરકારમાં મોટા અધિકારી હતા. આ 19મી સદીના જમાનાનું પ્રભાવશાળી દંપતી હતું.

તેમને લંડનથી મહારાણી વિક્ટોરિયા સાથે મુલાકાત કરવાનું નિમંત્રણ પણ મળ્યું હતું.

જેમ-જેમ હૈદરાબાદના પ્રશાસનમાં મેહદી હસનનાં કદ અને પ્રતિષ્ઠા વધી રહ્યાં હતાં, તેમના પ્રત્યે સ્થાનિક લોકો અને ઉત્તર ભારતથી આવેલા લોકોનાં મનમાં ઈર્ષા પણ વધી રહી હતી.

તેઓ હૈદરાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા અને પછી રાજ્યના ગૃહસચિવ પણ રહ્યા.

આ બધાની સાથે ઊંચો પગાર અને સુખી જીવન પણ મળ્યું. આ જ કારણોસર તેમના સાથી પણ ઈર્ષા કરવા લાગ્યા.

આ સમયે એલને પણ પડદો છોડી દીધો અને તેઓ હૈદરાબાદના પ્રભાવશાળી વર્ગ સાથે હળવાં-મળવાં લાગ્યાં.

તેનાથી કેટલાક લોકો દુઃખી હતા પરંતુ એલન અને મેહદી પોતાની વધતી પ્રતિષ્ઠાની મજા માણી રહ્યાં હતાં.

પરંતુ એ આઠ પાનાંની પત્રિકાએ આ દંપતીનો એકદમ અલગ જ ઇતિહાસ રજૂ કર્યો. તે પત્રિકા તેમના નાટકીય પતનનું કારણ પણ બની.

પત્રિકાના અનામી લેખકને મેહદી હસનમાં તો કોઈ ખામી ન જોવા મળી, તો તેમણે એલનને નિશાન બનાવ્યાં.

પત્રિકામાં ત્રણ ખાસ આરોપ લગાવવામાં આવ્યા હતા.

સૌથી પહેલાં તો એ દાવો કરવામાં આવ્યો કે એલન મેહદી સાથે લગ્ન કરતાં પહેલાં એક જાણીતાં વેશ્યા હતાં અને લેખકે અન્ય પુરુષો સાથે મળીને સેક્સની મજા માણવા તેમને પોતાની પાસે ખાસ રાખ્યાં હતાં.

બીજો આરોપ એ લગાવવામાં આવ્યો કે મેહદી અને એલનનાં ક્યારેય લગ્ન થયાં ન હતાં.

અંતિમ આરોપ એ લગાવવામાં આવ્યો કે મેહદીએ આગળ વધવા માટે એલનને હૈદરાબાદના મોટા અધિકારીઓ સામે રજૂ કર્યાં હતાં.

બ્રિટિશ જજે કરી કેસની સુનાવણી

મેહદીએ પોતાના મિત્રોના મત વિરુદ્ધ જઈને પત્રિકા છપાવનાર વિરુદ્ધ કેસ દાખલ કરવાનો નિર્ણય લીધો.

પત્રિકા એસ. એમ. મિત્રાએ છાપી હતી જેમની વિરુદ્ધ રેસિડેન્સી કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો.

અહીં એક બ્રિટિશ જજે કેસની સુનાવણી કરી.

આરોપી અને બચાવ પક્ષ બન્નેએ પોત-પોતાનો પક્ષ રજૂ કરવા માટે પ્રભાવશાળી બ્રિટિશ વકીલોને ખડા કરી દીધા.

દાવો કરવામાં આવે છે કે બન્ને પક્ષોએ સાક્ષીઓને લાંચ આપી, બન્ને પક્ષોએ એકબીજા પર સાક્ષીઓને પ્રભાવિત કરવાના આરોપ લગાવ્યા.

કેટલાક સાક્ષીઓ પહેલાં તો કેટલાક સાક્ષી કોર્ટમાં જ પોતાના નિવેદનથી પલટી મારી ગયા.

આશ્ચર્યની વાત એ રહી કે જજે મિત્રાને પત્રિકા છાપવાના આરોપમાંથી મુક્ત કરી દીધા.

પરંતુ સુનાવણી દરમિયાન સહવાસ, વેશ્યાવૃત્તિ, અનાચાર, છળ, ખોટા પુરાવા રજૂ કરવા, લાંચ આપવી વગેરે જેવા આરોપ પણ સામે આવ્યા જેની તરફ જજે ધ્યાન જ ન આપ્યું.

આ પત્રિકાકાંડ એક આંતરરાષ્ટ્રીય સમાચાર બની ગયો. નિઝામની સરકાર, ભારતમાં બ્રિટિશ સરકાર, લંડનમાં બ્રિટિશ સરકાર સિવાય દુનિયાના સમાચારપત્રોએ નવ મહિના સુધી ચાલેલા આ કેસ પર નજર રાખી.

નિર્ણય આવવાના થોડા દિવસની અંદર જ મેહદી અને એલને લખનૌની ટ્રેન પકડી લીધી. બન્ને ઉત્તર ભારતના આ જ શહેરમાં મોટા થયાં હતાં.

મેહદીએ લખનૌની સ્થાનિક સરકારમાં નોકરી પ્રાપ્ત કરવા ઘણા પ્રયાસ કર્યા. તેઓ અહીં સ્થાનિક કલેક્ટર રહી ચૂક્યા હતા.

તેમણે પોતાનું પેન્શન મેળવવા ઘણા પ્રયાસ કરવા પડ્યા, પરંતુ કંઈ થઈ ન શક્યું.

એક જમાનામાં મેહદીએ એક પત્ર લખીને મહારાણી વિક્ટોરિયા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો અને ત્યારે ખરેખર અસ્તિત્વમાં આવી રહેલી ભારતીય કૉંગ્રેસને ભારત માટે ખતરનાક પણ ગણાવી દીધી હતી.

પરંતુ ભારતમાં બ્રિટિશ સરકારે તેમને કોઈ મદદ આપી ન હતી. નિઝામ સરકારે પણ તેમનો કોઈ સાથ ન આપ્યો.

પૈસાની ખામીમાં વીત્યું ઘડપણ

અંતે નિઝામની સરકારે પણ તેમને ગૃહસચિવના પદ પરથી હઠાવી દીધા અને તેમને પેન્શન કે વળતર પણ ન આપ્યું. આ તેમનો નિરાદર હતો.

જ્યારે 52 વર્ષની ઉંમરમાં તેમનું નિધન થયું તો તેઓ એલન માટે એક પૈસો છોડીને ગયા ન હતા.

વધતી ઉંમર સાથે એલનની પરિસ્થિતિ પણ ખરાબ થતી ગઈ. પોતાનાં જીવનનાં અંતિમ વર્ષોમાં એલને ક્રીમ રંગના કાગળ પર ધ્રૂજતા હાથે હૈદરાબાદના પ્રધાનમંત્રી અને નિઝામના નામે આજીજી પત્ર લખ્યો અને પોતાના માટે થોડું વળતર માગ્યું.

સ્કૅન્ડલ અને ભ્રષ્ટાચારના સમયથી આગળ નીકળી આવેલા હૈદરાબાદના અધિકારીઓને એલન પર દયા આવી અને તેમને સામાન્ય વળતર આપી દેવામાં આવ્યું.

પરંતુ મદદ મળ્યા બાદ થોડા સમયમાં જ પ્લેગના કારણે એલનનું મૃત્યુ થઈ ગયું.

આ દંપતીની કહાણી એક દિશા બતાવે છે કે જેમાં આપણે ભારતમાં બ્રિટિશ શાસનકાળ દરમિયાનના સાંસ્કૃતિક ઢોંગ જોઈ શકીએ છીએ.

તેના થોડા વર્ષો બાદ જ ભારતીય રાષ્ટ્રવાદી શક્તિઓએ દેશના સામાજિક-રાજકીય માળખા સામે ગંભીર પડકારો રજૂ કર્યા.

મેહદી અને એલનની કહાણી એ જમાનાની ભારતની પારંપરિક સમજણને પડકાર આપે છે.

એ સમયમાં આ દંપતી એકબીજાની સાથે રહ્યા, પરંતુ તેમની કહાણીએ તે જમાનાના માપદંડોને એવો પડકાર આપ્યો કે અંતે પોતે જ બરબાદ થઈ ગયા.

આ પત્રિકા બ્રિટિશ ભારતના એ ઇતિહાસનું અંતિમબિંદુ છે કે જેમાં હૈદરાબાદ અને અન્ય હકૂમતો 'ઑરિએન્ટર તાનાશાહી' હતી.

તેના થોડા સમય બાદ જ ઘણી બધી હકૂમતો રાષ્ટ્રવાદ સમર્થક બની ગઈ.

1885માં શરૂ થયેલી ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ એલન મેહદીના 1892માં થયેલા કેસના સમય સુધી પોતાનું સ્થાન બનાવવા લાગી હતી.

એલનના મૃત્યુના થોડા સમય બાદ જ મહાત્મા ગાંધી ભારત પરત ફર્યા અને ભારતની સ્વતંત્રતાના સંઘર્ષમાં કૉંગ્રેસની ભૂમિકાને વધારે મજબૂત બનાવી.

એક મોટું પરિવર્તન આવવાનું હતું જેમાં ભારતના રાજકુમાર, તેમનો પ્રભાવક્ષેત્ર અને તેમના સ્કૅન્ડલની ચર્ચાથી દૂર જવાના હતા અને પહેલા પાના પર રાષ્ટ્રવાદીઓને સ્થાન મળવાનું હતું.

આ જ પરિવર્તનમાં તે પત્રિકા સ્કૅન્ડલ પણ ક્યાંક ખોવાઈ ગયું.

(બેન્યામિન કોહેન યુનિવર્સિટી ઑફ ઉટાહમાં ઇતિહાસના પ્રોફેસર છે. તેમણે 'એન અપીલ ટૂ ધ લેડીઝ ઑફ હૈદરાબાદ : સ્કૅન્ડલ ઇન ધ રાજ' નામનું પુસ્તક લખ્યું છે જેને હાર્વર્ડ યુનિવર્સિટી પ્રેસે પ્રકાશિત કર્યું છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો