You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અરબી મહિલાઓનાં 'પ્રેમ અને વાસના'થી ભરેલા સાહિત્યનો ત્રણ હજાર વર્ષનો ઇતિહાસ
- લેેખક, ફર્નાઝ સૈફી
- પદ, લેખક અને પત્રકાર
પેલેસ્ટાઇનના રેફ્યુજી કેમ્પમાં એક વાર્તા આકાર લે છે, જેમાં 40 વર્ષનાં વિધવા ફાતીમા સૌ સૂતા હોય છે ત્યારે ટોઇલેટમાં જઈને હસ્તમૈથુન કરે છે.
આ છાવણીમાં લોકસમિતિ બનેલી હોય છે, તેના વડા તરીકે રકાત છે. તેઓ પણ ફાતીમા ટોઇલેટમાં જાય છે તે જ વખતે બાજુના પુરુષોના ટોઇલેટમાં જાય છે અને ફાતીમાના ઊંહકારા વચ્ચે પોતે પણ હસ્તમૈથુન કરે છે.
કોઈ પોતાને જોઈ જશે તો છાવણીમાં આબરૂ નહીં રહે તેનો ફફડાટ પણ હોય છે. આમ છતાં બંને પોતાને રોકી શકતાં નથી.
આ વાર્તા એ દર્શાવે છે કે ફાતીમાનો પતિ હાજર હતો ત્યારે તેને ખરેખર જાતીય આનંદ મળ્યો નહોતો. તેમને ખબર જ નહોતી કે સુખ શું હોય! તેઓ પતિ માટે માંસનું એક શરીર જ હતું. તે વિધવા થયાં ત્યારે જ નારીત્વને સમજી શક્યાં હતાં.
લેબેનોનની સામિયા ઇસ્સાની 'ધ લાયન ઑફ ફિગ્ઝ' નામની આ વાર્તા "વી રાઇટ વીધ સાઇન્સ - લવ ઍન્ડ લસ્ટ બાય અરબ વિમેન રાઇટર્સ" પુસ્તકમાં લેવાઈ છે.
છેલ્લાં 3000 વર્ષ દરમિયાન 75 આરબ મહિલાઓની 101 સાહિત્ય રચનાઓ (કવિતા, વાર્તા, નવલકથાના અંશો અને લેખો)નું સંપાદન પુસ્તકમાં થયું છે.
આરબ નારીઓના પ્રેમ અને સુખની વાત
પુસ્તકની પ્રસ્તાવનામાં લખાયું છે, "દમાસ્કસના નેશનલ મ્યુઝિયમમાં 38 નંબરની કાચની બરણીમાં એક નાનું શિલ્પ રખાયેલું છે. અસિરિયન સૌંદર્ય અને પ્રેમની દેવી ઇશ્તારની એ પ્રતિમા છે. નિર્વસ્ત્ર અને ચાર વંકાયેલી આંખ સાથેનું શિલ્પ સીધું જોનારાની આંખમાં જ તાકે છે. તેની પાછળ એક નાનકડું પ્રતીક છે, એકબીજામાં પરોવાયેલા હાથનું."
પેલેસ્ટેનિયન-બ્રિટિશ લેખિકા સેલ્મા અલ-દબ્બાગે આ પુસ્તકનું સંપાદન કર્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
1980ના દાયકામાં કુવૈતમાં ઊછરેલાં સાલ્મી લખે છે કે એવા ઘૃણાસ્પદ માહોલ અને સંસ્કૃતિમાં અમારે ઊછરવું પડ્યું હતું કે અંદર એક આક્રોશ પેદા થયો હતો.
વર્ષો પછી તેઓ ફરી આરબ જગતની મુલાકાતે ગયાં અને તેના હાથમાં અરબી સાહિત્યનો ખજાનો પડ્યો, ત્યારે તેને ખ્યાલ આવ્યો કે આ તો ચીલાચાલુથી જૂદું જ છે. આરબ નારીઓએ પ્રેમ, શરીર, સમાગમનો આનંદ અને કામેચ્છા વિશે લખ્યું છે.
ચીલાચાલુ માન્યતાથી વિપરિત આ મહિલાઓએ સંકોચ વિના વાસના વિશે લખ્યું છે.
અરબી મહિલાઓના સાહિત્યનું સંપાદન આ રીતે પ્રગટ થયું હોય તેવું પ્રથમ વાર બની રહ્યું છે અને તે પણ ઉત્તેજક સાહિત્ય રચનાઓનું.
સમાજના જુદા જુદા વર્ગોની મહિલાઓએ રચેલું આ સાહિત્ય છે, જેમાંથી કેટલાકનું ક્યારેય પ્રકાશન જ નહોતું થયું.
બેની ઓળખ થઈ શકી નથી અને ઘણી મહિલાઓએ ઉપનામથી લખ્યું છે. આમાંની કેટલીક નારીઓ અંદાલુસિયા અને દમાસ્કસથી લઈને બર્લિન અને ન્યૂયોર્કની પણ હતી.
સંપાદનમાં પ્રાચીન રચનાઓ લેવામાં આવી છે, તેમાં એકમાં હરમ વિશેની પણ વાત છે.
એક બાજુ હરમ એટલે મહિલાઓને પકડીને ગુલામ તરીકે રખાઈ હોય તે, પણ સાથે જ હરમમાં મહિલાઓને એક પ્રકારની મુક્તિ મળતી હતી અને પોતાની કામેચ્છાને સમજી શકતી હતી.
અહીં પુરુષની હાજરી વિના અન્ય મહિલા સાથે શારીરિક સુખ માણી શકતી હતી અને એક બીજાની ભાવનાને વ્યક્ત કરી શકતી હતી.
જુદાજુદા પંથો પાળનારી અરબી નારીઓએ દાયકાઓ પહેલાં લખ્યું છે અને તે સમાજના બધા જ વર્ગોમાંથી આવનારી મહિલાઓ હતી. કોઈ ગૃહિણી હતી, કોઈ વકીલ, કોઈ એન્જિનિયર, કોઈ પ્રાધ્યાપક, ધનિક અને ગુલામડી પણ.
સજાતીય વૃત્તિ ધરાવતી મહિલાઓનું સાહિત્ય પણ પોતાના સંપાદનમાં આવી જાય તેમ સેલ્મા દબ્બાગ ઈચ્છતાં હતાં. આ મહિલાઓને તેમના જમાનામાં લખવા દેવાયું નહોતું અને તેમના સાહિત્યને પ્રતિબંધિત કરી દેવાયું હતું.
સેલ્મા જણાવે છે કે ઉત્ખનન કરવામાં આવ્યું તેમાં પણ આરબ જગતમાં બહુ પ્રાચીન સમયથી મહિલાઓ દ્વારા સાહિત્ય અને કલા સર્જન થતું રહ્યું હતું. એક હજાર કરતાંય વધુ વર્ષો પહેલાં બગદાદમાં જૈયત અલ-નતિફી નામનાં શાયરાની રચનાઓને બગદાદના ઉત્તેજક શાયરીઓ લખનારા સાહિત્યિક વર્તુળમાં સ્થાન મળ્યું હતું.
જૈયતની શાયરીઓ એટલી રસપ્રદ હતી કે તે વખતના મોટા કવિઓ પણ ઇર્ષા કરતા હતા. શરાબ અને મયખાના વિશે જેમની પ્રાચીન અરબી રચનાઓ સુપ્રસિદ્ધ થઈ છે તે અબુ નવાસ સહિતના શાયરો જૈયતને દાદ દેતા થઈ ગયા હતા.
જૈયત અને બીજી મહિલાઓની રચનાનો અભ્યાસ કરતાં ખ્યાલ આવે છે કે યુદ્ધ અને શાંતિ બંને સમયગાળામાં અરબી મહિલાઓ પ્રતિબંધિત કામેચ્છાના વિષયની, પ્રેમની ઉત્તેજક કવિતાઓ લખતી રહી હતી.
આરબ મહિલાઓની ઉત્તેજક સાહિત્ય રચનાનો ઉદય અને પતન
બેન્જામાઇટ અને અબ્બાસીદ આ બે શાસકોની ખિલાફત વખતે શાંતિનો માહોલ હતો અને તેના કારણે મહિલા લેખિકાઓ સહિત જીવનનું સુખ માણનારી સાહિત્ય રચનાઓને પ્રોત્સાહન મળ્યું હતું.
અબ્બાસીદ શાસનના કેટલાક પુરાવો દર્શાવે છે કે મહિલાઓ તેમના પતિથી શારીરિક રીતે સંતોષ ના ધરાવતી હોય તો તલાક લેવાનો અધિકાર હતો.
1492માં અંદાલુસિયા પડ્યું તે પછી અરબી મહિલાઓનાં ઉત્તેજક લખાણો સામે મુશ્કેલી શરૂ થઈ. અગાઉના સાહિત્યનો નાશ કરાયો અને નવું લખવા પર મનાઈ હતી. તે પછીનાં સેંકડો વર્ષ બાદ મહિલાઓ ફરી લખતી થઈ હતી, પણ તેનું પ્રકાશન થયું નહોતું.
19મી સદીની શરૂઆતમાં અરબી કવિઓ અને લેખકો માટે ફરી નવો યુગ શરૂ થયો અને તે લોકો જાતીય સુખની કવિતાઓ ફરીથી લખતા થયા.
ઓટ્ટોમન સામ્રાજ્ય અને ઇજિપ્તમાં પરાણી શાદી જેવી બાબતોની ટીકા કરતા થયા અને લેખકો કામેચ્છા વિશે લખવાની હિંમત કરતા થયા હતા.
લેબેનોનનાં શિયા નવલકથાકાર ઝૈનાબ ફવાઝ આ યુગનાં સૌથી જાણીતાં સાહિત્યકાર બન્યાં હતાં, જેમણે મહિલાઓને કામેચ્છા વિશે, દેહાવલી વિશે લખ્યું હતું. આ વિશે વાર્તાઓ અને અખબારોમાં લેખો પણ લખ્યા હતા.
'હેપ્પી ઍન્ડિંગ' નામની પોતાની પ્રથમ નવલકથામાં ઝૈનાબે લખ્યું હતું કે પરસ્પર સન્માન ના હોય તેવા પ્રેમનો કોઈ અર્થ નથી. રાજકીય સ્થિતિને કારણે પ્રેમ અને સન્માન નથી એવું પણ લખ્યું હતું.
સમાજની વ્યવસ્થાથી અલગ વ્યક્તિની પ્રેમની એષણા છે એવું લખનારાં કદાચ તેઓ પ્રથમ લેખિકા હતા. ઝેરીલા રાજકીય માહોલને કારણે પ્રેમ ઝેરીલી ચાર દીવાલોમાં દબાઈ ગયો હતો એમ તેમણે લખ્યું હતું.
અન્ય અરબી મહિલાઓને પણ સાહિત્ય રચના માટે અને પોતાના દિલની વાતો લખવા માટે પ્રેરવામાં ઝૈનાબની ભૂમિકા સૌથી અગત્યની હતી.
આરબ મહિલાઓને કામેચ્છા અને શારીરિક આનંદ માટે કેવી રીતે સંઘર્ષ કરવો પડ્યો હતો તેની વાત પણ પોતાના સંપાદનમાં સેલ્માએ વણી લીધી છે.
અરબ મહિલાઓએ કામેચ્છાઓ બાબત કંઈ લખ્યું નથી એવી ચીલાચાલુ માન્યતા તેઓ તોડવા માગે છે અને પુરાવા આપી જણાવે છે કે હજારો વર્ષોથી આના પર લખાયું છે. જોકે તેમાં મહિલાઓને કેવો સંઘર્ષ કરવો પડ્યો હતો અને આજેય સમાજમાં અને મહિલાઓના પોતાના મનમાં સેક્સ વિશે લખવાની બાબતમાં કેવો અવઢવ હોય છે તે જણાવ્યું છે.
સંજ્ઞાઓમાં સર્જન
હારૂન અલ-રશિદનાં બહેન આલિયા બિન અલ-મહદી મહિલા અને પુરુષ બંને સાથે સંબંધ ધરાવતાં હતાં.
આલિયાએ કવિતા લખી હતી તેના પરથી જ આ સંપાદનનું શિર્ષક નક્કી થયેલું છે. આ કવિતામાં આલિયાએ લખ્યું છે કે: "અમે ચિહ્નોથી લખીએ છીએ / અમે લાઈનો લખ્યા વિના ઈશારાથી લખીએ છીએ". પુસ્તકમાં રીતે પ્રતીકો અને ચિહ્નો સાથેની ઘણી રચનાઓ છે, જે વાચકોને પ્રતીકોનો સાંસ્કૃતિક ઇતિહાસ પણ જણાવે છે.
સેલ્મા પુસ્તકની પ્રસ્તાવનામાં લખે છે કે ઇસ્લામના આગમન પહેલાં અને ઇસ્લામની પ્રથમ બે સદી દરમિયાન સેક્સનો સંકોચ નહોતો અને મહિલા પુરુષના ભેદભાવ નહોતા.
બાદમાં આરબ સામ્રાજ્યો સ્થપાયાં તે પછી દંભની શરૂઆત થયેલી. આમાં સમાવાયેલી કેટલીક રચનાઓમાં એકથી વધારે સાથે સહવાસ અને મહિલા અને પુરુષ બંને સાથે સહવાસની પણ વાતો લખેલી છે.
આધુનિક આરબ લેખિકાઓએ પણ કેટલીક એવી રચનાઓ કરેલી છે. દાખલા તરીકે યુકેમાં રહેતાં મોરોક્કોની સાઈદ રાઉસ પ્રાચીન સમયની ત્યજાયેલી કન્યાની ગાથા લખે છે, જેમાં પ્રાચીન સમયની 'સુખે અને ઇરોસ'ની પ્રેમની દંતકથાને અલગ રીતે નિરૂપે છે.
ઇજિપ્તનાં લેખિકા યોસરા સમીર ઇમરાને કતારની 30 વર્ષની યુવતીની કથા લખી છે, જે સાઉદી અરેબિયાના પુરુષને ટ્વીટર પર મળે છે. આ પુરુષ કતાર આવે છે અને હોટેલમાં તેને મળે છે.
જોકે તેને લાગે છે કે આ યુવતી તેના પ્રેમમાં પડવા લાગી છે ત્યારે પુરુષ અદૃશ્ય થઈ જાય છે અને ટ્વીટર એકાઉન્ટ પણ ડિલિટ કરી નાખે છે. લગ્નબાહ્ય સંબંધો દ્વારા જાતીય ઇચ્છાઓ પૂરી કરવામાં કેવી ગૂંચ ઊભી થાય છે તેની વાતો તેમણે વણી લીધી છે.
દાખલા તરીકે મહિલા અને પુરુષ ફાઇવસ્ટાર હોટેલમાં મળી શકે છે, કેમ કે અહીં જ આ બંને પરણેલાં નથી તે બાબત તરફ આંખ આડા કાન કરવામાં આવે છે.
ઘણી રચનાઓમાં રોમેન્ટિક અને શારીરિક સંબંધોની આંટીઘૂંટીનું, તેની સાથે જોડાયેલી આબરૂ અને શરમની બાબતોનું પણ વર્ણન છે. ઘણી રચનાઓમાં પ્રેમમાં, વાસનામાં, ચાર દિવાલની અંદર કે બહારની દુનિયામાં મહિલા અને પુરુષો વચ્ચે અસમાનતા છે તે પણ દર્શાવાયું છે.
ઇજિપ્તનાં લેખિકા સ્વિફ્ટે 'આય ઑફ ધ સન' વાર્તામાં અસમાન સંબંધોમાં કેવો સંઘર્ષ કરવો પડે છે તેનું વર્ણન કર્યું છે.
આરબ લેખિકાઓની ઉત્તેજક રચનાઓનું અનોખું સંપાદન આ પુસ્તકમાં થયું છે. જે સાહિત્યને દબાવી દેવાયું, પ્રતિબંધિત કરાયું તેને વાચકો સામે પાછું હાજર કરવામાં આવ્યું છે.
આરબ મહિલાઓની કામેચ્છાઓ, લાગણીઓ, સંઘર્ષ, પ્રેમ, ભય અને અસલામતી સહિતની બધી લાગણીઓનું એક ચિત્ર આ રચનાઓમાંથી ઉપસે છે.
જાણે કે આલિયાએ હારૂન અલ-રશિદના યુગમાં કહ્યું હતું તેનો પડઘો આજના યુગમાંય પડી રહ્યો છે: "લૉર્ડ! આવી ઈચ્છા હોવી એ કોઈ ગુનો નથી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો