શેરશાહ : હિંદુસ્તાનના એ બાદશાહ જેમણે એક પણ સૈનિક ગુમાવ્યા વગર મુગલોને હરાવ્યા

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

શેરશાહ સૂરીની ગણના એવા બાદશાહોમાં થાય છે જેમને ઇતિહાસે ક્યારેય ન્યાય નથી આપ્યો. કદાચ એનું કારણ એ હશે કે એમણે માત્ર 5 વર્ષ સુધી ભારત પર રાજ કર્યું અને એમના મૃત્યુ પછીનાં 10 વર્ષની અંદર જ એમના વંશનું શાસન પણ સમાપ્ત થઈ ગયું.

શેરશાહનું જીવનચરિત્ર લખનારા કાલિકારંજન કાનૂનગોએ લખ્યું છે કે, "શેરશાહનું શાસન ભલે માત્ર 5 વર્ષ રહ્યું હોય પરંતુ શાસન કરવાની સૂક્ષ્મતા અને ક્ષમતા, મહેનત, ન્યાયપ્રિયતા, અંગત ચારિત્ર્યની બાબતે વિશ્વાસપાત્રતા, હિન્દુઓ અને મુસલમાનોને સાથે રાખીને ચાલવાની ભાવના, શિસ્તપ્રિયતા અને રણનીતિ ઘડવામાં તેઓ અકબર કરતાં ઊણા નહોતા."

શેરશાહ સૂરીનું સાચું નામ ફરીદ હતું. એમણે મુગલ સેનામાં કામ કર્યું હતું અને બાબરની સાથે 1528માં એમના ચંદેરી અભિયાનમાં પણ ભાગ લીધો હતો. બાબરની સેનામાં હતા ત્યારે એમણે હિન્દુસ્તાનની ગાદી પર બેસવાનું સ્વપ્ન જોવા માંડ્યું હતું.

પોતાના પુસ્તક 'તારીખ-એ-શેરશાહી'માં અબ્બાસ સરવાનીએ એક કિસ્સો નોંધ્યો છે, "એક વાર શેરશાહ બાબરની સાથે ભોજન કરી રહ્યા હતા. એમને જમતાં જોઈને બાબરે પોતાના ખાસમખાસ ખલીફાને કહ્યું, આના હાવભાવ તો જુઓ. હું આમના માથા પર સુલતાન બનવાની રેખાઓ જોઉં છું. આનાથી સાચવીને રહો અને બની શકે તો આને પકડી લો."

"ખલીફાએ બાદશાહ સમક્ષ ખુલાસો કર્યો કે શેરશાહમાં એવું બધું કરવાની ક્ષમતા નથી જેવું આપ એના વિશે વિચારો છો."

પછીથી શેરશાહ બિહારના એક નાના સરદાર જલાલખાંના દરબારમાં ઉપનેતા તરીકે કામ કરવા લાગ્યા.

મુગલ બાદશાહ હુમાયુ સાથે યુદ્ધ

બાબરના મૃત્યુ પછી એમના પુત્ર હુમાયુની ઇચ્છા બંગાળ જીતવાની હતી, પરંતુ વચ્ચે શેરશાહ સૂરીનો વિસ્તાર આવતો હતો. હુમાયુએ એની સાથે યુદ્ધ કરવાનું નક્કી કરી લીધું.

ખ્યાતનામ ઇતિહાસકાર ફરહત નસરીને પોતાના પુસ્તક 'ઇફ હિસ્ટરી હૅઝ ટૉટ અસ એનીથિંગ'માં લખ્યું છે કે, "શેરશાહની મહત્ત્વાકાંક્ષા એટલા માટે વધી, કેમ કે બિહાર અને બંગાળ પર એમનું સંપૂર્ણ નિયંત્રણ હતું. તેથી તેઓ મુગલ બાદશાહ હુમાયુ માટે ખૂબ મોટું જોખમ બની ગયા હતા. જ્યાં સુધી યુદ્ધકૌશલની વાત છે તો શેરશાહ હુમાયુ કરતાં ઘણા વધારે કુશળ હતા."

ઈ.સ. 1537માં ચૌસામાં બંને સેનાઓ એકબીજાની સામે આવી ગઈ હતી પરંતુ યુદ્ધ પહેલાં હુમાયુએ પોતાના એક દૂતને શેરશાહ પાસે મોકલ્યો. અબ્દુલ કાદિર બદાયૂનીએ પોતાના પુસ્તક 'તખ્ત-ઉત-તવારીખ'માં લખ્યું છે કે, "જ્યારે હુમાયુના દૂત મોહમ્મદ અઝીઝ અફઘાન છાવણીમાં પહોંચ્યા ત્યારે એમણે જોયું કે શેરશાહ આકરા તડકામાં પોતાની બાંય ચડાવીને કુહાડી વડે એક ઝાડનાં ડાળાં કાપતા હતા. જમીન પર બેસીને જ તેમણે હુમાયુનો સંદેશો સાંભળ્યો."

અઝીઝે જ બંને વચ્ચે સમજૂતી કરાવી, જેમાં એવું નક્કી થયું કે મુગલિયા ઝંડા નીચે બંગાળ અને બિહાર શેરશાહ સૂરીને આપી દેવામાં આવે. એના થોડા મહિના પછી 17 મે, 1540એ કનોજમાં હુમાયુ અને શેરશાહ સૂરીની સેનાઓ વચ્ચે ફરીથી લડાઈ થઈ.

હુમાયુની સેના શેરશાહની સેનાની સરખામણીએ ઘણી મોટી હતી. સામે, શેરશાહની સેનામાં કુલ 15 હજાર સૈનિકો હતા, તો હુમાયુની સેનામાં 40 હજારથી ઓછા સૈનિકો નહોતા. પરંતુ હુમાયુના સૈનિકોએ યુદ્ધ આરંભાતાં પહેલાં જ એમનો સાથ છોડી દીધો અને એક પણ સૈનિક ગુમાવ્યા વગર શેરશાહને જીત મળી ગઈ.

હુમાયુને ભારત બહાર ખદેડી મૂક્યા

જ્યારે હુમાયુ ત્યાંથી ભાગવા લાગ્યા ત્યારે શેરશાહે એમનો પીછો કરવા માટે પોતાના રાજપૂત સિપહસાલાર બ્રહ્માદિત્ય ગૌડને એક મોટી ટુકડી સાથે મોકલી દીધા.

અબ્બાસ સરવાનીએ લખ્યું છે કે, "ગૌડને સૂચના અપાઈ હતી કે તેઓ હુમાયુ સાથે લડવાના બદલે માત્ર એમનો પીછો કરે. હુમાયુ પોતાના બચી ગયેલા સૈનિકોની સાથે કોઈક રીતે આગ્રા પહોંચ્યા. આગ્રા પહોંચીને એમણે પોતાનાં બેગમ દિલદારને સાથે લીધાં અને પોતાના ખજાનામાંથી કેટલુંક ધન લઈને મેવાતના રસ્તે લાહોર તરફ રવાના થઈ ગયા."

"થોડાક દિવસો પછી શેરશાહ પણ આગ્રા પહોંચી ગયા. એમણે પોતાના સિપહસાલાર બ્રહ્માદિત્યને આગ્રાવાસીઓ પર જુલ્મ કરવા બદલ ખૂબ જ ઠપકો આપ્યો. પછી એમણે બ્રહ્માદિત્ય અને ખ્વાસખાં, બંનેને હુમાયુની પાછળ લગાડી દીધા."

હુમાયુનો પીછો કરવાનો ઉદ્દેશ એમને પકડવાનો નહોતો બલકે એમને હિન્દુસ્તાનમાંથી ખદેડી મૂકવાનો હતો. હુમાયુ કોઈ રીતે લાહોર પહોંચવામાં સફળ થયા. ત્યાં તેઓ લગભગ 3 મહિના રહ્યા કેમ કે એમની પાછળ મોકલવામાં આવેલા શેરશાહના સૈનિકો વરસાદના કારણે આગળ નહોતા વધી શક્યા.

હુમાયુનો કાફલો બે ભાગમાં વહેંચાયો

ઑક્ટોબર, 1540ના ત્રીજે અઠવાડિયે શેરશાહના સૈનિકોએ સુલ્તાનપુર નદી પાર કરી. મિર્ઝા મોહમ્મદ હૈદર દુગલતે પોતાના પુસ્તક 'તારીખ-એ-રાશિદી'માં લખ્યું છે કે, "જેવા શેરશાહ લાહોર તરફ આગળ વધ્યાના ખબર મળ્યા કે બાદશાહ હુમાયુ ત્યાંથી ભાગી ગયા. એમના માણસોએ પોતાનાં સજાવેલાં ઘર એવી જ સ્થિતિમાં છોડી દીધાં જેવી સ્થિતિમાં તે હતાં."

એમણે પોતાનો બધો સરસામાન ત્યાં જ છોડી દીધો પરંતુ જેટલું ધન તેઓ પોતાની સાથે લઈ જઈ શકે એમ હતા એટલું તેઓ લઈ ગયા. તેઓ પહેલાં કાશ્મીર જવા માગતા હતા પરંતુ એમનો એક પણ સાથી ત્યાં જવા માટે તૈયાર નહોતો.

રસ્તામાં ખુશબની નજીક હુમાયુ અને એમના ભાઈ કામરાન વચ્ચે અથડામણ થઈ અને ત્યાંથી મુગલ કાફલો બે ભાગમાં વહેંચાઈ ગયો.

હુમાયુની સાથે ઘણા ઓછા સૈનિકો અને એમનાં પત્નીઓ ગયાં. હુમાયુએ જેવી હિન્દુસ્તાનની સરહદ પાર કરી કે એમનો પીછો કરતા ખ્વાસખાંએ પણ ઝેલમ નદીના પશ્ચિમ કિનારેથી એમનો પીછો કરવાનું છોડી દીધું.

શેરશાહે ઘણા માર્ગો અને ધર્મશાળા બંધાવ્યાં

શેરશાહને આખા હિન્દુસ્તાનમાં માર્ગો અને ધર્મશાળાઓ બનાવનાર તરીકે ઓળખવામાં આવે છે. એમણે માર્ગોની બંને તરફ ઝાડ રોપાવ્યાં જેથી માર્ગો પર ચાલનારા લોકોને છાંયો મળી શકે. એમણે ચાર મોટા માર્ગો બંધાવ્યા, જેમાંનો સૌથી મોટો માર્ગ હતો ઢાકાની પાસેનો સોનારગાંવથી સિંધુ નદી સુધીનો 1500 કિલોમીટર લાંબો માર્ગ, જેને આજે જીટી રોડ તરીકે ઓળખવામાં આવે છે.

તે ઉપરાંત એમણે આગ્રાથી બુરહાનપુર, આગ્રાથી જોધપુર અને લાહોરથી મુલ્તાન સુધીના માર્ગો પણ બનાવડાવ્યા. આટલું જ માત્ર નહીં, એમણે દર બે કોસના અંતરે લોકોના રોકાણ માટે ધર્મશાળા બંધાવી.

દરેક ધર્મશાળામાં 2 ઘોડા પર રખાવ્યા, જેનો ઉપયોગ કોઈ પણ મુસાફર સંદેશા મોકલવા માટે કરી શકે. શેરશાહના વહીવટી તંત્રની સફળતામાં આ માર્ગો અને ધર્મશાળાઓએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

એમના શાસન દરમિયાન ઘણી વાર અધિકારીઓની બદલી કરી દેવાતી હતી અને એમના સૈનિકો પણ ઘણી વાર ગતિશીલ રહેતા હતા.

આ ધર્મશાળાઓ આવા અધિકારીઓ અને ખુદ બાદશાહ માટે વિશ્રામગૃહ તરીકે કામમાં આવતી હતી. દરેક ધર્મશાળામાં બાદશાહ માટે એક અલગ ઓરડો આરક્ષિત રાખવામાં આવતો હતો.

શેરશાહનો શાસનકાળ ટૂંકો હોવા છતાં સ્થાપત્યકળામાં એમના યોગદાનને ઓછું આંકી શકાય તેમ નથી. એમણે દિલ્હીમાં પુરાના કિલા બનાવડાવ્યો. એમની ઇચ્છા એને દિલ્હીનું છઠ્ઠું શહેર બનાવવાની હતી.

ઈ.સ. 1542માં એમણે પુરાના કિલાની અંદર જ કિલા-એ-કુહના મસ્જિદ બનાવડાવી. પરંતુ સાસારામમાં બનેલા એમના મકબરાને સ્થાપત્યકલાનો ઉત્તમ નમૂનો માનવામાં આવે છે.

જનતાનું ધ્યાન રાખનારા બાદશાહ

શેખ રિઝોઉલ્લાહ મુશ્તકીએ પોતાના પુસ્તક 'વકિયત-એ-મુશ્તકી'માં લખ્યું છે કે, "શેરશાહ પોતાના માણસો માટે પિતા સમાન હતા. અસામાજિત તત્ત્વો સામે ઘણા સખત હતા પરંતુ દબાયેલા-કચડાયેલા લોકો અને શારીરિક રીતે અક્ષમ લોકો પ્રત્યે એમના મનમાં ઘણી દયા અને પ્રેમ હતાં.

એમણે ભૂખ્યા જનોના ભોજન માટે પ્રત્યેક દિવસ માટે 500 તોલા સોનું વેચવાથી મળનારી રકમ જેટલી રકમ નક્કી કરી હતી."

"એમણે એવો નિયમ બનાવી દીધો હતો કે જ્યાં ક્યાંય કોઈ પણ રોકાયા હોય ત્યાં દરેક વ્યક્તિને ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવે. બધાને આદેશ હતો કે શાહી ભોજનાલયમાં આવનારા પ્રત્યેક વ્યક્તિને ભોજન કરાવીને પાછા જવા દેવાય. ત્યાં હજારો લોકોને દરરોજ ભોજન કરાવાતું હતું."

રિઝોઉલ્લાહ મુશ્તકીએ આગળ લખ્યું છે કે, "શેરશાહે ક્યારેય અત્યાચાર કરનારને સાથ નથી આપ્યો, ભલે ને પછી તે એમના નિકટના સંબંધી જ કેમ ના હોય. પોણી રાત વીત્યા પછી એમના નોકર એમને જગાડી દેતા હતા. ત્યાર બાદ તેઓ 4 કલાક સુધી એટલે કે ફઝ્રની નમાજ સુધી દેશની પરિસ્થિતિ વિશેના રિપોર્ટ સાંભળતા હતા. તેઓ કારણ વગર લોહી વહેવડાવવા અને ક્રૂરતાના સખત વિરોધી હતા."

શેરશાહનું વહીવટી તંત્ર ઘણું ચુસ્ત હતું. જે કોઈ વિસ્તારમાં અપરાધ થતા ત્યાંના અધિકારીઓને ભોગ બનેલા લોકોને વળતર ચૂકવવા કહેવાતું હતું.

અબ્બાસખાં સરવાનીએ લખ્યું છે કે, "ગ્રામપ્રમુખ એટલે કે 'મુકદ્દમ' (સરપંચ)નું કામ ગામનો હિસાબકિતાબ સંભાળવા કરતાં ઘણું વધારે હતું. જો ગામમાં કોઈ ગુનો બનતો તો તેના માટે એમને જવાબદાર ઠરાવાતા હતા. લૂંટ કે યાત્રીઓની હત્યા થાય તો એમની જવાબદારી રહેતી હતી કે તેઓ દોષિતોને પકડે અને લૂંટવામાં આવેલો માલસામાન પાછો મેળવે."

ખેડૂતોનું ખાસ ધ્યાન

શેરશાહના દયાળુપણાના ઘણા કિસ્સા મશહૂર છે. અબ્બાસ સરવાનીએ લખ્યું છે કે, "શેરશાહની ગણના હંમેશાં સૌથી દયાળુ વિજેતાઓમાં કરવામાં આવશે. એ વાતનાં વિવરણો મળે છે કે તેઓ હુમાયુની હાર પછી આગ્રા પહોંચ્યા ત્યારે ઘણાં મુગલ રાણી અને મહિલાઓ બહાર આવીને એમની સામે માથું ઝુકાવવા લાગ્યાં તો એમની આંખમાં આંસુ આવી ગયાં."

"એમણે હંમેશાં એ વાતનું ધ્યાન રાખ્યું કે એમની સેનાના પગ નીચે ખેતરો ચગદાય નહીં. જો કોઈ કારણે એમની સેનાના લીધે ખેતરોને નુકસાન થાય તો તેઓ પોતાના અમીરને મોકલીને ખેડૂતને તરત જ નુકસાની ભરપાઈ કરાવી આપતા હતા."

ધાર્મિક સૌહાર્દ પર ભાર

પોતાના સૈનિકો સાથેનો એમનો વ્યવહાર પણ ખૂબ જ સારો રહેતો હતો અને એમના સૈનિકો એમના માટે કંઈ પણ કરવા તૈયાર રહેતા હતા. પ્રખ્યાત ઇતિહાસકાર એચ.જી. કીને પોતાના પુસ્તક 'મેમૉએર્સ ઑફ ધ રેસેઝ ઑફ ધ નૉર્થ વેસ્ટ ફ્રન્ટિયર'માં લખ્યું છે કે, "તેઓ પહેલા મુસ્લિમ શાસક હતા જેમણે હંમેશાં પોતાની પ્રજાનું ભલું ઇચ્છ્યું."

"પોતાની ટૂંકી કારકિર્દીમાં એમણે લોકોમાં ધાર્મિક સૌહાર્દ સ્થાપિત કરવા પર ભાર મૂક્યો. શેરશાહના શાસનમાં હિન્દુઓને મહત્ત્વનાં પદો પર મૂકવામાં આવતા હતા. એમના સૌથી પ્રિય જનરલ બ્રહ્મજિત ગૌડ હતા, જેમને એમણે ચૌસા અને બિલગ્રામની લડાઈ પછી હુમાયુનો પીછો કરવા મોકલ્યા હતા. એમણે પહેલી વાર એવું વિચાર્યું કે સરકારે હંમેશાં પોતાની પ્રજામાં લોકપ્રિય રહેવું જોઈએ. પછીની કોઈ પણ સરકારે, જેમાં અંગ્રેજ પણ સામેલ છે, એવું સમજવાની બુદ્ધિમતા ન દર્શાવી."

શેરશાહની સરકાર એમના પર જ કેન્દ્રિત હતી

શેરશાહની સરકાર મૂળભૂત રીતે એક વ્યક્તિની સરકાર હતી. અબ્બાસ સરવાનીએ લખ્યું છે કે, "શેરશાહ પોતાના રાજ્યનાં દરેક અંગોની, ખાસ કરીને નાણાકીય બાબતો, જાતે દેખરેખ રાખતા હતા. દરરોજ એમના દરેક મંત્રી એ કામોના અહેવાલ આપતા હતા જે એમણે કર્યાં હોય અને જે તેઓ કરવાના હોય. શેરશાહના મંત્રી એમના સચિવની જેમ કામ કરતા હતા. નીતિગત બાબતોના બધા તાર ખુદ શેરશાહના હાથમાં રહેતા હતા."

"સૈનિક બાબતો પર પણ શેરશાહની સંપૂર્ણ પકડ હતી. એમના સૈનિક પોતાના સમ્રાટના આદેશોનું પાલન કરતા હતા, નહીં કે પોતાના કમાન્ડિંગ ઑફિસરના. પોતાના દરેક સૈનિકનું વેતન તેઓ જાતે નક્કી કરતા હતા અને દરેક સૈનિકને એની ક્ષમતા અને ગુણના આધારે વેતન અપાતું હતું."

કલિંજર કિલ્લાના ઘેરા દરમિયાન આગના લીધે બળી ગયા શેરશાહ

શેરશાહે ઈ.સ. 1544માં કલિંજરના કિલ્લાને ઘેરી લીધો. મોટા ભાગના ઇતિહાસકારોનું માનવું છે કે શેરશાહ કછવાડાથી આગ્રા પાછા આવ્યા વગર સીધા કલિંજર ગયા હતા.

'સલાતિન-એ-અફઘાન'ના લેખક અહમદ યાદગારે લખ્યું છે કે, "શેરશાહનું કલિંજર જવાનું કારણ બીરસિંહ બુંદેલા હતું, જેમને શેરશાહે પોતાના દરબારમાં બોલાવ્યા હતા પરંતુ એમણે ભાગી જઈને કલિંજરના રાજાને ત્યાં શરણ લીધું હતું અને એમણે એમને શેરશાહને સોંપવાનો ઇનકાર કરી દીધો હતો."

કલિંજરનો કિલ્લો સમુદ્રની સપાટીથી 1,230 ફૂટની ઊંચાઈએ બનેલો હતો. શેરશાહે કિલ્લાને ઘેરીને ભોંયરાં અને ઊંચા મિનારા બનાવડાવવાની શરૂઆત કરી.

જ્યારે બધી તૈયારી પૂરી થઈ ગઈ ત્યારે નક્કી થયું કે 22 મે, 1545એ કિલ્લા પર હુમલો કરી દેવાશે. હુમલામાં ભાગ લેવા માટે શેરશાહ ખુદ આગળ આવ્યા.

અબ્દુલ કાદિર બદાયૂનીએ લખ્યું છે કે, "જ્યારે દરિયાખાં બૉમ્બ લાવ્યા ત્યારે શેરશાહ એ ઊંચા પ્લૅટફૉર્મ પરથી નીચે ઊતરી આવ્યા જ્યાંથી તેઓ તીર છોડી રહ્યા હતા અને એ સ્થાન પર ઊભા રહી ગયા જ્યાં બૉમ્બ રાખવામાં આવ્યા હતા. એમણે બૉમ્બની જામગરીમાં આગ લગાડીને એને કિલ્લામાં અંદર ફેંકવાનો આદેશ આપ્યો."

"જ્યારે સૈનિકો એ બૉમ્બને કિલ્લામાં ફેંકતા હતા ત્યારે એક બૉમ્બ કિલ્લાની દીવાલને અથડાઈને પાછો આવ્યો અને એ સ્થળે ફૂટ્યો જ્યાં બાકીના બૉમ્બ મૂક્યા હતા. ખૂબ જોરદાર ધડાકો થયો અને ચારેબાજુ આગ લાગી ગઈ. ત્યાં હાજર શેખ ખલીલ, શેખ નિઝામ અને બીજા સૈનિકો તો આંશિક દાઝ્યા પરંતુ શેરશાહ લગભગ અડધા જેટલા બળી ગયા."

મરતાં પહેલાં ફતેહ કર્યો કિલ્લો

એ જ હાલતમાં એમને શિબિરની વચ્ચોવચ લઈ જવાયા. ત્યાં એમના દરબારના બધા વિશિષ્ટ લોકો હાજર હતા. શેરશાહે એવી જ દાઝેલી હાલતમાં પોતાના એક જનરલ ઈસાખાંને બોલાવ્યા અને આદેશ આપ્યો કે તેઓ જીવતા છે ત્યાં સુધીમાં કિલ્લા પર કબજો કરી લેવામાં આવે. ઈસાખાંએ તે સાંભળતાં જ ચારેબાજુથી કિલ્લા પર આક્રમણ કર્યું.

અબ્બાસ સરવાનીએ લખ્યું છે કે, "શેરશાહના સૈનિકો કીડી-મકોડાની જેમ કિલ્લા પર તૂટી પડ્યા. જ્યારે પણ શેરશાહને થોડુંક ભાન આવતું ત્યારે તેઓ બૂમ પાડીને પોતાના સૈનિકોને કિલ્લા પર કબજો કરવા માટે પ્રોત્સાહિત કરતા હતા. જો કોઈ એમને જોવા આવતા તો તેઓ કહેતા કે અહીં પોતાનો સમય બગાડવા કરતાં લડવા જાઓ. એ મે મહિનાનો સમય હતો અને ત્યાં ખૂબ ગરમ પવન ફૂંકાતો હતો."

શેરશાહના સૈનિકોએ એમના શરીર પર ચંદનનો લેપ અને ગુલાબજળનો છંટકાવ કર્યો પરંતુ દર કલાકે ગરમી વધતી જ ગઈ અને શેરશાહને કશો આરામ ના થયો.

"બપોરની નમાજના સમયે શેરશાહની સેના કિલ્લામાં ઘૂસવામાં સફળ થઈ. રાજા કીરતસિંહે પોતાના કેટલાક સમર્થકો સાથે એક ઘરમાં પોતાને કેદ કરી લીધા હતા. એ ઘરને શેરશાહના સૈનિકોએ ચારેબાજુથી ઘેરી લીધું."

અબ્બાસે આગળ લખ્યું છે કે, "જેવા શેરશાહને જીતના ખબર આપવામાં આવ્યા, ત્યારે એવી તકલીફમાં પણ એમના ચહેરા પર ખુશી અને સંતોષના ભાવ ઊભરી આવ્યા. પરંતુ થોડીક જ ક્ષણોમાં એમણે પોતાના અંતિમ શબ્દો કહ્યા, 'યા ખુદા, હું તમારો આભારી છું કે તમે મારી ઇચ્છા પૂરી કરી.' આવું કહેતાં જ એમની આંખો હંમેશ માટે બંધ થઈ ગઈ."

શેરશાહના મૃત્યુ પછીના પાંચમા દિવસે એમના બીજા નંબરના પુત્ર જલાલખાં કલિંજર પહોંચ્યા જ્યાં એમને હિન્દુસ્તાનના બાદશાહની ગાદીએ બેસાડાયા. શેરશાહને કલિંજર નજીકની એક જગ્યા લાલગઢમાં દફનાવાયા. પછીથી એમના પાર્થિવ શરીરને ત્યાંથી બહાર કાઢીને સાસારામમાં શેરશાહના મકબરામાં દફનાવાયું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો