હૈદરાબાદના નિઝામ પોર્ટુગલ પાસેથી ગોવા કેમ ખરીદવા માગતા હતા?

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

એક જમાનામાં બ્રિટિશ સરકારના વિશ્વાસુ રહેલા આસફ જાહ મુઝફ્ફુલ મુલ્ક સર મીર ઉસમાન અલી ખાંએ 1911માં હૈદરાબાદ રાજ્યની ધુરા સંભાળી હતી.

એ જમાનામાં તેમની ગણતરી વિશ્વના સૌથી વધુ સમૃદ્ધ લોકોમાં થતી હતી. ટાઇમ સામયિકે તેના 22 ફેબ્રુઆરી, 1937ના અંકમાં મુખપૃષ્ઠ પર તેમની તસવીર "વિશ્વની સૌથી ધનવાન વ્યક્તિ" એવા શીર્ષક સાથે પ્રકાશિત કરી હતી.

હૈદરાબાદ રાજ્ય કુલ 80,000 ચોરસ કિલોમિટર વિસ્તારમાં ફેલાયેલું હતું. તેનું ક્ષેત્રફળ ઇંગ્લૅન્ડ અને સ્કૉટલૅન્ડ કરતાં પણ મોટું હતું. નિઝામ અમીર હોવાની સાથે ખૂબ જ કંજૂસ પણ હતા.

નિઝામની બહુ નજીક રહેલા વૉલ્ટર મૉન્કટનના જીવનચરિત્રમાં ફ્રેડરિક બરકેનહૅડે લખ્યું છે, "નિઝામનું કદ બહુ નાનું હતું અને તેઓ ચાલતા પણ ઝૂકીને હતા. તેમના ખભા નાના હતા અને તેઓ ચાલતી વખતે ભૂરા રંગની વાંકી લાકડીનો સહારો લેતા હતા."

"અજાણી વ્યક્તિને તેઓ આક્રમક નજરે નિહાળતા હતા. તેઓ 35 વર્ષ જૂની ફૈઝ ટોપી પહેરતા હતા. એ કૅપમાં ભારોભાર ખોડો ચોંટેલો હતો."

"તેઓ આછા બ્રાઉન રંગની શેરવાની પહેરતા હતા. એ શેરવાનીના ગર્દન પાસેના બટન ખુલ્લાં રાખતા હતા. શેરવાનીની નીચે તેઓ ઓફ્ફ વ્હાઇટ કલરનો પાયજામો પહેરતા હતા. પગમાં પીળાં રંગના ઢીલાં થઈ ગયેલાં મોજાં પહેરતા હતા."

"તેઓ વારંવાર પાયજામો ઊંચો કરતા હતા. પરિણામે તેમના પગ દેખાતા હતા. ખરાબ વ્યક્તિત્વ હોવા છતાં તેઓ લોકો પર હાવી થયેલા રહેતા હતા.

"તેઓ ગુસ્સામાં કે ઉત્સાહમાં એટલા જોરથી બરાડતા હતા કે તેમનો અવાજ 50 ગજ દૂર સુધી સંભળાતો હતો."

સસ્તી સિગારેટ પીવાના શોખીન

દીવાન જર્મની દાસે તેમના વિખ્યાત પુસ્તક "મહારાજા"માં લખ્યું છે, "તેઓ કોઈને જમવા બોલાવતા ત્યારે એ વ્યક્તિને બહુ ઓછું ભોજન પીરસવામાં આવતું હતું."

"ચા સાથે ખાવા માટે માત્ર બે બિસ્કીટ આપવામાં આવતા હતા, જેમાનું એક નિઝામ માટે અને બીજું મહેમાન માટે."

"મહેમાનોની સંખ્યા વધારે હોય તો બિસ્કિટની સંખ્યામાં વધારો કરવામાં આવતો હતો. નિઝામને ઓળખતા લોકો તેમને બ્રિટિશ, અમેરિકન કે તુર્ક સિગારેટ પીવાની ઑફર કરતા ત્યારે નિઝામ એકને બદલે પૅકેટમાંથી ચાર-પાંચ સિગારેટ કાઢી લેતા હતા અને પોતાના સિગારેટ કેસમાં રાખી લેતા હતા."

"તેઓ પોતે સસ્તી ચારમિનાર સિગારેટ જ પીતા હતા. ચારમિનારનું 10 સિગારેટનું પૅકેજ એક જમાનામાં 12 પૈસામાં મળતું હતું."

મોંઘા હીરાનો ઉપયોગ પેપરવેઈટની જેમ

હૈદરાબાદના નિઝામ પાસે વિશ્વનો સૌથી મોટો લીંબુના કદનો 282 કૅરેટનો જેકબ હીરો હતો. દુનિયાની ખરાબ નજરથી બચાવવા માટે નિઝામ એ હીરાને સાબુદાનીમાં રાખતા હતા અને ક્યારેક પેપરવેઈટની જેમ તેનો ઉપયોગ કરતા હતા.

ડૉમિનિક લાપિયરે અને લૅરી કોલિન્સે તેમના પુસ્તક "ફ્રીડમ એટ મીડનાઇટ"માં એક રસપ્રદ કિસ્સો નોંધ્યો છેઃ "હૈદરાબાદમાં એક પરંપરા હતી. એ મુજબ નિઝામને તેમના રાજ્યના કુલીન લોકો વર્ષમાં એક વખત સોનાનો સિક્કો ભેટ આપતા હતા."

"એ સિક્કાને સ્પર્શ કરીને નિઝામ પાછો આપી દેતા હતા, પરંતુ છેલ્લા નિઝામ એ સિક્કાઓ પાછા આપવાને બદલે પોતાના સિંહાસન પર રાખવામાં આવેલી કાગળની એક થેલીમાં એકઠા કરતા હતા."

"એક વખત એક સિક્કો જમીન પર પડી ગયો ત્યારે તેને શોધવા માટે નિઝામ જમીન પર બેસી ગયા હતા અને સિક્કો હાથમાં ન આવ્યો ત્યાં સુધી વાંકા વળીને સિક્કાની પાછળ ભાગતા રહ્યા હતા."

નિઝામના શયનખંડમાં બંદગી

નિઝામે 1946માં સર વૉલ્ટર મૉન્કટનને પોતાને ત્યાં નોકરી પર રાખ્યા હતા.

મૉન્કટન માનતા હતા કે નિઝામનું આઝાદી મેળવવાનું સપનું ક્યારેય સાકાર નહીં થાય, કારણ કે તેમનું રાજ્ય જમીનથી ઘેરાયેલું હતું. તેમની પાસે સમુદ્ર સુધી જવાનો કોઈ રસ્તો ન હતો.

બીજું કારણ એ હતું કે તેઓ મુસલમાન હતા, પરંતુ તેમના રાજ્યના મોટાભાગના લોકો હિન્દુ હતા.

મૉન્કટનના જીવનચરિત્ર "ધ લાઇફ ઑફ વાઇકાઉન્ટ મૉન્કટન ઑફ બ્રેંચલી"માં લખ્યું છે, "નિઝામ અવ્યવહારુ જીવન જીવતા હતા. તેઓ ક્યારેય હૈદરાબાદની બહાર નીકળ્યા ન હતા અને પોતાના કોઈ પ્રધાનને સુદ્ધાં મળ્યા ન હતા."

"અનેક વિશાળ ઇમારતોના માલિક હોવા છતાં નિઝામે મૉન્કટનને કામ કરવા માટે એક નાનો, ગંદો ઓરડો આપ્યો હતો."

"એ ઓરડામાં બે જૂની ખુરશી અને એક ટેબલ પડ્યાં હતાં. એ જ ઓરડામાં એક નાનકડો કબાટ હતો. તેની ઉપર જૂનાં બૉક્સ, ધૂળિયા પત્રો તથા દસ્તાવેજો પડ્યા હતા."

"એટલું જ નહીં, એ ઓરડાની છત પર કરોળિયાના જાળાં લટકતાં હતાં. નિઝામનો અંગત શયનખંડ પણ એટલો જ ગંદો હતો."

"તેમાં બૉટલ્સ, સિગારેટના ઠૂંઠાં અને કચરો પડ્યો રહેતો હતો. એ ઓરડાને વર્ષમાં એક જ વખત નિઝામના જન્મદિવસે સાફ કરવામાં આવતો હતો."

ભારતનો હિસ્સો નહીં બનવાની જાહેરાત

અંગ્રેજોએ નિઝામના મનમાં શરૂઆતમાં એવી ગેરસમજ ઘૂસાડી હતી કે અંગ્રેજો ભારત છોડે પછી નિઝામ પોતાની આઝાદીની જાહેરાત કરી શકે છે.

જોકે, બ્રિટિશ સંસદસભ્ય સ્ટોફોર્ડ ક્રિપ્સને 1942માં બીજા વિશ્વયુદ્ધ વખતે કૉંગ્રેસ પક્ષ તથા મુસ્લિમ લીગનો ટેકો મેળવવા માટે ભારત મોકલવામાં આવ્યા ત્યારે વાઇસરૉય લિનલિથગોના દબાણને કારણે તેમણે મજબૂરીમાં વિચાર બદલવો પડ્યો હતો.

ક્રિપ્સે સ્પષ્ટ રીતે જણાવી દીધું હતું કે નિઝામના આઝાદીના કોઈ પણ દાવાનું નિરાકરણ રાજાઓ તથા ભારતના રાજકીય નેતાઓ સાથે મંત્રણા બાદ જ થઈ શકશે.

આ સ્પષ્ટતાથી નિઝામ ચિંતાતુર થઈ ગયા હતા, કારણ કે તેઓ છેક 1914થી મધ્ય-પૂર્વમાં મુસલમાનોની બ્રિટન સામેની લડાઈમાં બ્રિટનનું સમર્થન કરતા રહ્યા હતા.

તેમ છતાં 1947ની ત્રીજી જૂને નિઝામે એક ફરમાન બહાર પાડીને ભારતની આઝાદી પછી હૈદરાબાદને આઝાદ, સ્વાયત્ત રાજ્ય રાખવાની પોતાની ઇચ્છા સ્પષ્ટ દર્શાવી દીધી હતી.

એટલું જ નહીં, તેમણે 12 જૂને વાઇસરૉયને ટેલિગ્રામ મોકલીને જણાવી દીધું હતું કે હૈદરાબાદ કોઈ પણ સંજોગોમાં ભારતનો હિસ્સો બનશે નહીં. તેમણે 11 જુલાઈએ તેમનું પ્રતિનિધિ મંડળ દિલ્હી મોકલ્યું હતું.

તેમાં હૈદરાબાદના વડાપ્રધાન મીર લઈક, અલી છતારીના નવાબ મોહમ્મદ અહમદ સઈદ ખાં, ગૃહ પ્રધાન અલી યાવર જંગ, સર વૉલ્ટર મૉન્કટન અને હૈદરાબાદના હિંન્દુ તથા મુસ્લિમ સમુદાયના એક-એક પ્રતિનિધિ સામેલ હતા.

જોન ઝુબ્રઝિકીએ તેમના પુસ્તક "ધ લાસ્ટ નિઝામ"માં લખ્યું છે, "એ લોકોએ નિઝામની સહમતિથી એક દરખાસ્ત રજૂ કરી હતી."

"તે મુજબ ભારત સાથેના કરાર હેઠળ વિદેશ સંબંધ, સંરક્ષણ અને સંચારની જવાબદારી ભારત સરકારના હાથમાં રહેવા દેવાની વાત હતી."

"એ પ્રતિનિધિમંડળે લૉર્ડ માઉન્ટબેટન, સર કૉનરાડ કોરફિલ્ડ તથા વી પી મેનન સાથે મુલાકાત કરી હતી, પરંતુ ભારત સરકારે હૈદરાબાદના ભારતમાં વિલયની શરત મૂકી ત્યારે વાતચીત ઠપ્પ થઈ ગઈ હતી."

કાસિમ રઝવીએ કરાવ્યો નિઝામના સાથીઓનો ઘેરાવ

ઉપરોક્ત ઘટનાના લગભગ અઢી મહિના પછી નિઝામે ભારત સાથેની પોતાની સમજૂતીને મૌખિક સ્વીકૃતિ આપી દીધી હતી અને કરાર પર આગલા દિવસે સહી કરવાનો સંકેત આપ્યો હતો, પરંતુ નિઝામના નિકટના સાથી કાસિમ રઝવીના ટેકેદારોએ 28 ઑક્ટોબરની સવારે મૉન્કટન, નવાબ છતારી અને સર સુલ્તાન અહમદના ઘરોને ઘેરીને ધમકી આપી હતી કે નિઝામ એ કરારને રદ્દ નહીં કરે તો તેમના ઘરોને સળગાવી દેવામાં આવશે.

એ પછી નિઝામના વડાપ્રધાન મીર લઈક અલીએ તેમના પુસ્તક "ધ ટ્રૅજેડી ઑફ હૈદરાબાદ"માં લખ્યું હતું, "નિઝામને સમજાઈ ગયું હતું કે હવે તેમની મનમાની ચાલશે નહીં. તેમણે લોકપ્રિય નેતાઓને સાથે લઈને આગળ વધવું પડશે."

હૈદરાબાદની સૌથી મોટી મુશ્કેલી એ હતી કે તેની પાસે હથિયારો ન હતાં.

વસંતકુમાર બાવાએ તેમના પુસ્તક "ધ લાસ્ટ નિઝામ"માં લખ્યું છે, "સમજૂતી વિશે ચાલી રહેલી વાતચીતના અંતિમ તબક્કામાં મૉન્કટને હૈદરાબાદના સૈન્ય કમાન્ડર જનરલ એલ એદરૂસને સવાલ કર્યો હતો કે ભારત હૈદરાબાદ પર હુમલો કરશે તો હૈદરાબાદનું સૈન્ય કેટલા દિવસ સુધી ઝીંક ઝીલી શકશે."

"એદરૂસે જણાવ્યું હતું કે ચાર દિવસથી વધારે સમય સુધી હૈદરાબાદનું સૈન્ય ઝીંક ઝીલી શકશે નહીં. નિઝામે વચ્ચે તેમને ટોકતાં કહ્યું હતું કે ચાર નહીં, બે દિવસથી વધુ નહીં."

ગોવા માર્ગે પાકિસ્તાનથી હથિયાર મગાવ્યા

નિઝામે 1948માં એક ઑસ્ટ્રેલિયન પાઇલટ સિડની કોટનની પોતાને ત્યાં નિમણૂંક કરી હતી.

કોટને નિઝામને ખાતરી આપી હતી કે તે હૈદરાબાદને મશીનગન, ગ્રેનેડ્ઝ, મોર્ટાર અને વિમાનભેદી તોપો સપ્લાય કરી શકે છે.

કોટને પાંચ જૂના લૅંકાસ્ટર બૉમ્બર વિમાન ખરીદ્યાં હતાં અને દરેક વિમાનમાં 5,000 પાઉન્ડનો ખર્ચો કરીને તેને ઊડવા લાયક બિનલશ્કરી વિમાન બનાવ્યાં હતાં.

નિઝામ 1947માં પોર્ટુગલ પાસેથી ગોવા ખરીદવા વિચારી રહ્યા હતા, જેથી ચારે તરફ જમીનથી ઘેરાયેલા હૈદરાબાદને એક દરિયાઈ બંદર મળી શકે.

જોન ઝુબ્રઝિકીએ લખ્યું છે, "કોટન રાતે એ વિમાનોને ઊડાવીને ગોવાની હવાઈ સીમામાં પ્રવેશ કરાવતા હતા અને પછી ભારતીય ક્ષેત્રને પાર કરીને બીદર, વારાંગલ કે આદિલાબાદમાં પોતાના પ્લેનનું ઉતરાણ કરતા હતા."

"પ્લેનોના આવવાનો અવાજ સંભળાય કે તરત જ ઍરસ્ટ્રીપ પર તહેનાત કેરેસીન છાંટીને રનવે પર આગ ચાંપતા હતા, જેથી વિમાન અંધારામાં ઉતરાણ કરી શકે."

"ભારતને તેની ખબર હતી, પરંતુ એ સમય, ઊંચું ઉડ્ડયન કરીને લેંકાસ્ટર વિમાનોને પડકારી શકે એવાં વિમાનો ભારત પાસે ન હતા."

માઉન્ટબેટને નિઝામને મળવા પ્રતિનિધિ મોકલ્યા

હૈદરાબાદ ભારત પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે અને તેને ઑપરેશન પોલો એવું નામ આપવામાં આવ્યું છે તેની ખબર માર્ચ-1948માં માઉન્ટબેટનને પડી ત્યારે તેમણે ભારત તથા હૈદરાબાદ વચ્ચે સમજૂતીના પ્રયાસ વેગવાન બનાવ્યા હતા.

તેનું કોઈ સકારાત્મક પરિણામ ન આવ્યું ત્યારે માઉન્ટબેટન નિઝામને મંત્રણા માટે દિલ્હી બોલાવ્યા હતા. નિઝામે તેમના આમંત્રણનો અસ્વીકાર કર્યો હતો અને માઉન્ટબેટનને હૈદરાબાદ બોલાવ્યા હતા.

માઉન્ટબેટને ખુદ જવાને બદલે તેમના પ્રેસ અટેશે એલન કૅમ્પબેલ જોનસનને હૈદરાબાદ મોકલ્યા હતા.

પછી જોનસને તેમના રિપોર્ટમાં લખ્યું હતું, "નિઝામની વાતચીત કરવાની રીતથી મંત્રણા મુશ્કેલ બની ગઈ હતી. તેઓ જૂના જમાનાના શાસક હતા. તેઓ હઠીલા હોવાની સાથે સંકીર્ણ વિચારધારાવાળા પણ હતા." એ પછી જોનસન રઝકાર નેતા કાસિમ રઝવીને મળવા ગયા હતા.

જોનસનના જણાવ્યા મુજબ, કાસિમ રઝવી એક "કટ્ટર વ્યક્તિ" હતા.

એ પછી કનૈયાલાલ મુનશીએ તેમના પુસ્તક "ધ ઍન્ડ ઑફ એન એરા"માં લખ્યું હતું, "કાસિમ રઝવી તેમના ભાષણોમાં ભારતની ટીકા વારંવાર કરતા હતા. તેઓ કહેતા હતા કે કાગળ પર કલમથી લખેલી ઇબારત કરતાં હાથમાં તલવાર લઈને મરી જવું બહેતર છે."

"તમે અમને સાથ આપશો તો બંગાળની ખાડીની લહેરો નિઝામના કદમ ચૂમશે. અમે મહમૂદ ગઝનવીના વંશજ છીએ. અમે નિર્ણય કરીશું તો લાલ કિલ્લા પર આસફજાહી ઝંડો ફરકાવીશું."

પોતાનો ટેકો વધારે મજબૂત બનાવવા માટે નિઝામે મે મહિનાના આરંભમાં કમ્યુનિસ્ટ પાર્ટી પરનો પ્રતિબંધ અચાનક હઠાવી લીધો હતો.

એ નિર્ણયને કારણે ભારત સરકારના વર્તુળોમાં ચિંતા થવા લાગી હતી. માઉન્ટબેટન ભારતમાંથી ગયા તેના એક સપ્તાહ પહેલાં ભારત સરકારે નિઝામની સામે અંતિમ દરખાસ્ત મૂકીને જણાવ્યું હતું કે હૈદરાબાદના વિલયનો નિર્ણય એક જનમત સંગ્રહ પછી કરવામાં આવશે.

નિઝામે એ દરખાસ્તનો પણ અસ્વીકાર કર્યો હતો.

પાકિસ્તાન દ્વારા ભારત પર હુમલાની અફવા

વી પી મેનને તેમના પુસ્તક "ધ સ્ટોરી ઑફ ધ ઇન્ટિગ્રેશન ઑફ ઇન્ડિયન સ્ટેટ્સ"માં લખ્યું છે, "એ દરમિયાન હૈદરાબાદમાં રઝાકારો હિન્દુઓ પર જુલમ કરવા લાગ્યા હતા અને તેમણે વિભાજન પછી પોતાનું વતન ગૂમાવી ચૂકેલા મુસ્લિમ શરણાર્થીઓને હૈદરાબાદમાં વસાવવાની ઝુંબેશ શરૂ કરી હતી, જેથી જનસંખ્યામાનું અસંતુલન હઠાવીને મુસ્લિમોને બહુમતીમાં લાવી શકાય."

"એવી અફવા ફેલાવવામાં આવતી હતી કે લાખો મુસલમાનો નિઝામને સમર્થન આપશે અને ભારત હૈદરાબાદ પર હુમલો કરશે તો પાકિસ્તાન ભારત વિરુદ્ધ યુદ્ધ છેડશે."

આ ઘટનાક્રમ ઝડપભેર બદલાયો હતો. ઑગસ્ટના અંત સુધીમાં ભારતીય સૈન્યએ લગભગ આખા હૈદરાબાદને ઘેરી લીધું હતું અને અંદર પ્રવેશવાના આદેશની રાહ જોવામાં આવતી હતી.

હૈદરાબાદના વિદેશી માલાના પ્રતિનિધિ ઝહીર અહમદે 21 ઑગસ્ટે સંયુક્ત રાષ્ટ્રસંઘને અપીલ કરી હતી અને આ મામલે મધ્યસ્થતા કરતા સલામતી પરિષદને વિનંતી કરી હતી.

આ મામલે વિચારણા માટે 16 સપ્ટેમ્બરના દિવસની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું.

ભારતીય સૈનિકો સામે ટકી ન શકી નિઝામની સેના

જોકે, લેફટેનેન્ટ જનરલ રાજેન્દ્ર સિંહજીના નેતૃત્વમાં ભારતીય સૈનિકો દ્વારા હુમલાની આશંકા ઘણા સપ્તાહોથી વ્યક્ત કરવામાં આવતી હતી, પરંતુ હૈદરાબાદનું 25,000 સૈનિકોનું સૈન્ય એ હુમલાના જવાબ માટે ખુદને તૈયાર કરી શક્યું ન હતું.

તેના નકશા જૂના થઈ ગયા હતા અને કોટન જે હથિયારો લાવ્યા હતા એ સૈનિકો સુધી પહોંચાડી શકાયા ન હતા.

જોન ઝુબ્રઝિકી લખે છે, "હજારો રઝાકારોએ ભારતીય ટૅન્કો પર પથ્થરો તથા ભાલાઓ વડે હુમલો કર્યો હતો."

"ભારત પર હુમલાની માગ સાથે પ્રદર્શનકર્તાઓ કરાચીની શેરીઓમાં ઉતરી પડ્યા હતા, પરંતુ આ બધી ઘટનાઓના બે દિવસ પહેલાં જ જિન્નાનું મૃત્યુ થયું હતું. તેથી પાકિસ્તાન તરફથી હસ્તક્ષેપની શક્યતા નગણ્ય થઈ ગઈ હતી."

લંડનના ટાઇમ અખબારમાં ભારત દ્વારા તેના પાડોશી વિરુદ્ધ બળના ઉપયોગની ટીકા કરતો એક તંત્રીલેખ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

1948ની 17 સપ્ટેમ્બરે નિઝામના વડાપ્રધાન મીર લઈક અલીએ એક રેડિયો સંદેશમાં જાહેરાત કરી હતી કે "આપણાથી ઘણા મોટા સૈન્ય સામે લોહી વહાવવામાં કોઈ ઔચિત્ય નથી એવું આજે સવારે પ્રધાનમંડળને સમજાયું છે."

"હૈદરાબાદની 1.60 કરોડની જનતા બદલાયેલી પરિસ્થિતિમાં અત્યંત બહાદુરી સાથે પરિવર્તનનો સ્વીકાર કરે છે."

સિડની કોટનના જીવનચરિત્ર લેખક ઓમર ખાલિદીએ તેમના પુસ્તક "મેમૉયર્સ ઑફ સિડની કોટન"માં લખ્યું છે, "એ સમયે નિઝામ ઈજિપ્ત ભાગી જવાની યોજના ઘડતા હતા.

ત્યાંના બાદશાહ ફારુકના મહેલમાં તેમના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેના બદલામાં નિઝામે હૈદરાબાદથી લાવવામાં આવેલા 10 કરોડ પાઉન્ડના 25 ટકા નાણાં તેમને ચૂકવવાના હતાં.

નિઝામ જે સમયે તેમની અંતિમ નમાઝ પઢી રહ્યા હતા ત્યારે ભારતીય સૈનિકોએ તેમના મહેલને કબજે કરી લીધો હતો અને નિઝામ ઍરપોર્ટ સુધી પહોંચી શક્યા ન હતા. ઍરપોર્ટ પર કોટન એક વિમાનમાં 100-100 રૂપિયાની ચલણી નોટોની થપ્પીઓ ભરેલાં બોક્સીસ લઈને ઉડ્ડયન માટે તૈયાર હતા."

કેટલાક હૈદરાબાદીઓ આ કથાનો વિશ્વાસ કરતા નથી, પરંતુ કેટલાક સાક્ષીઓનું માનવું છે કે રૂપિયા ભરેલાં બૉક્સીસ તેમણે સગી આંખે નિહાળ્યાં હતાં.

ભારતમાં વિલયને નિઝામે આપી મંજૂરી

હૈદરાબાદના સૈનિકોના આત્મસમર્પણ બાદ નિઝામના સૌથી શક્તિશાળી સહયોગી રઝવી તથા લઈક અહમદની ધરપકડ કરવામાં આવી હતી.

એ પછી લઈક અહમદ બુરખો પહેરીને પલાયન થઈ ગયા હતા અને મુંબઈથી કરાચીની ફ્લાઇટમાં સવાર થવામાં સફળ થયા હતા.

નિઝામ અને તેમના પરિવારને હાથ સુદ્ધાં લગાવવામાં આવ્યો ન હતો.

નિઝામ ઉસમાન અલી ખાંને તેમના મહેલમાં જ રહેવા દેવાયા હતા. નિઝામના પરિવારે એક ફરમાન બહાર પાડીને જણાવ્યું હતું કે "હવે ભારતનું બંધારણ જ હૈદરાબાદનું બંધારણ હશે."

આ રીતે 562માં રાજ્ય તરીકે હૈદરાબાદનો ભારતમાં વિલય થયો હતો. નિઝામે ભારત સરકાર સાથેના કરાર પર 1950ની 25 જાન્યુઆરીએ સહી કરી હતી.

તે મુજબ ભારત સરકારે તેમને દર વર્ષે સાલિયાણા પેટે 42,85,714 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.

નિઝામે 1956ની પહેલી નવેમ્બર સુધી હૈદરાબાદના રાજપ્રમુખ તરીકે કામ કર્યું હતું.

એ પછી રાજ્ય પુનર્રચના વિધેયક હેઠળ તેમના રાજ્યના ત્રણ હિસ્સાને મહારાષ્ટ્ર, કર્ણાટક તથા નવા રચાયેલા આંધ્ર પ્રદેશ રાજ્યોમાં વહેંચી દેવામાં આવ્યા હતા. 1967ની 24 ફેબ્રુઆરીએ નિઝામનું અવસાન થયું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો