સરદાર પટેલે જ્યારે સૈન્ય કાર્યવાહી કરીને હૈદરાબાદને ભારતમાં ભેળવ્યું

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

82,698 ચોરસ કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવતા હૈદરાબાદ રાજ્યની ગણતરી હંમેશાં ભારતનાં મુખ્ય રજવાડાંમાં કરવામાં આવતી હતી.

તેનો વિસ્તાર બ્રિટન અને સ્કોટલૅન્ડના સંયુક્ત વિસ્તાર કરતાં પણ વધારે હતો અને વસતી (એક કરોડ 60 લાખ) યુરોપના ઘણા દેશો કરતાં વધારે હતી.

વિશેષ દરજ્જાના કારણે જ તેને આઝાદી પછી ભારતમાં સામેલ થવા અથવા ન થવા માટે ત્રણ મહિનાનો વધારાનો સમય અપાયો હતો.

તે સમયે ભારતના ગૃહસચિવ રહેલા એચ વીઆર આયંગરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું, "સરદાર પટેલનું પહેલાંથી માનવું હતું કે ભારતના હૃદયમાં એક એવા ક્ષેત્ર હૈદરાબાદનું હોવું, જેની નિષ્ઠા દેશની સરહદોની બહાર હોય, એ ભારતની સુરક્ષા માટે બહુ મોટું જોખમ હતું."

નહેરુ મેમોરિયલ લાઇબ્રેરીમાં રાખેલા આ ઇન્ટવ્યૂમાં આયંગર ત્યાં સુધી કહે છે કે પટેલની હૃદયપૂર્વકની ઇચ્છા હતી કે નિઝામનું અસ્તિત્વ જ ખતમ થઈ જાય.

જોકે નહેરુ અને માઉન્ટબેટનના કારણે સરદાર પટેલ પોતાની આ ઇચ્છા પૂરી કરી શક્યા ન હતા.

નહેરુ પટેલને હંમેશાં યાદ અપાવતાં રહ્યા કે હૈદરાબાદમાં મોટી સંખ્યામાં મુસ્લિમ લઘુમતી રહે છે. નિઝામથી છુટકારો મેળવ્યા પછી તેની જે અસર થશે તેને નિયંત્રણમાં રાખવી ભારત માટે મુશ્કેલ હશે.

માઉન્ટબેટનની માન્યતા હતી કે તેઓ નહેરુની મદદથી નિઝામને સંભાળી શકે છે. પરંતુ પટેલે તેનો વિરોધ કરતાં કહ્યું કે, "તમારો મુકાબલો એક શિયાળ સાથે છે. મને નિઝામ પર બિલકુલ ભરોસો નથી. મારું માનવું છે કે નિઝામ દગો જ કરશે."

પટેલની નજરમાં તે સમયનું હૈદરાબાદ 'ભારતના પેટમાં કૅન્સર' સમાન હતું, જેને કોઈ પણ રીતે સહન કરી શકાય નહીં.

સૈન્ય મોકલવા અંગે પટેલ અને નહેરુ વચ્ચે મતભેદ

શરૂઆતમાં નહેરુ હૈદરાબાદમાં સૈન્ય મોકલવાના પક્ષમા નહોતા. સરદાર પટેલનું જીવનચરિત્ર લખનાર રાજમોહન ગાંધી લખે છે, "નહેરુ માનતા હતા કે હૈદરાબાદમાં સૈન્ય મોકલવાથી કાશ્મીરમાં ભારતીય સૈન્યની કાર્યવાહીને નુકસાન થશે."

એજી નુરાની પોતાના પુસ્તક 'ધ ડિસ્ટ્રક્શન ઑફ હૈદરાબાદ'માં લખે છે, "હૈદરાબાદના પ્રશ્ને કૅબિનેટ બેઠક બોલાવવામાં આવી, જેમાં નહેરુ અને પટેલ બંને હાજર હતા."

"નહેરુ સૈદ્ધાંતિક રીતે સૈન્ય કાર્યવાહીની વિરુદ્ધ ન હતા. પરંતુ તેઓ તેનો ઉપયોગ અંતિમ વિકલ્પ તરીકે કરવા માગતા હતા. બીજી તરફ પટેલ માટે સૈન્ય કાર્યવાહી પહેલો વિકલ્પ હતો. તેમની પાસે વાતચીત કરવાની ધીરજ ન હતી."

"નહેરુ નિઝામની નીતિઓની વિરુદ્ધ હતા, પરંતુ વ્યક્તિગત રીતે તેમની સામે તેમનો કોઈ વિરોધ ન હતો. તેઓ હૈદરાબાદની સંસ્કૃતિના પ્રશંસક હતા, જેનું તેમનાં મિત્ર સરોજીની નાયડુ પ્રતિનિધિત્વ કરતાં હતાં. પટેલને નિઝામ પ્રત્યે વ્યક્તિગત અને વૈચારિક બંને રીતે નફરત હતી."

આ બેઠકની માહિતી પટેલની નિકટ રહેલા અને તે સમયના રિફૉર્મ્સ કમિશનર વી. પી. મેનને એચ વી હોડસનને 1964માં આપેલા ઇન્ટરવ્યૂમાં આપી છે.

મેનનના જણાવ્યા પ્રમાણે "નહેરુએ બેઠકની શરૂઆતમાં જ મારા પર હુમલો કર્યો. હકીકતમાં તેઓ મારા બહાને સરદાર પટેલને નિશાન બનાવી રહ્યા હતા. પટેલ થોડો સમય ચૂપ રહ્યા પરંતુ નહેરુ બહુ કડવું બોલ્યા તો તેઓ બેઠકમાંથી વૉકઆઉટ કરી ગયા."

"હું પણ તેમની પાછળ બહાર આવી ગયો કારણ કે મારા મંત્રીની ગેરહાજરીમાં ત્યાં મારા માટે બેસવાનું કોઈ કારણ રહ્યું ન હતું."

"ત્યાર પછી રાજાજીએ મારો સંપર્ક કરીને સરદારને મનાવવા કહ્યું. એ પછી હું અને રાજાજી સરદાર પટેલ પાસે ગયા. તેઓ પથારી પર સૂતા હતા. તેમનું બ્લડપ્રેશર બહુ વધી ગયું હતું."

"સરદારે ગુસ્સે થઈને બૂમ પાડી કે નહેરુ પોતાની જાતને શું સમજે છે? આઝાદીની લડાઈ બીજા લોકો પણ લડ્યા છે."

સરદારનો ઇરાદો એવો હતો કે કૉંગ્રેસ કાર્યસમિતિની બેઠક બોલાવીને નહેરુને વડા પ્રધાનપદેથી હઠાવી દેવામાં આવે. પરંતુ રાજાજીએ સરદારને ડિફેન્સ કમિટિની બેઠકમાં સામેલ થવા માટે મનાવી લીધા.

આ બેઠકમાં નહેરુ શાંત રહ્યા અને હૈદરાબાદ પર આક્રમણ કરવાની યોજનાને મંજૂરી મળી ગઈ.

વિશ્વની સૌથી ધનાઢ્ય વ્યક્તિ- નિઝામ

કેટલીય સદીઓથી હૈદરાબાદની હીરાની ખાણોમાંથી દુનિયાના એક એકથી ચઢે તેવા મશહુર હીરા નીકળતા આવ્યા હતા, તેમાંથી એક કોહિનૂર પણ હતો.

નિઝામ પાસે દુનિયાનો સૌથી મોટો 185 કૅરેટનો જેકોબ હીરો હતો, જેનો તેઓ પેપરવેઇટ તરીકે ઉપયોગ કરતા હતા.

નિઝામને 'હિઝ એક્લોલ્ટેડ હાઇનેસ' તરીકે નવાજવામાં આવતા હતા અને તેઓ જ્યાં જતા ત્યાં તેમને 21 તોપની સલામી આપવામાં આવતી હતી.

ટાઇમ મૅગેઝિને તેમને 1937માં વિશ્વની સૌથી ધનાઢ્ય વ્યક્તિ જાહેર કરી હતી. પરંતુ તે સમયે પણ તેઓ એક કંગાળની જેમ ફાટેલી શેરવાની અને પાયજામો પહેરતા હતા.

નિઝામની સૌથી નજીક હતા સૈયદ કાસિમ રઝવી, તેમનું પોતાનું રાજકીય દળ હતું મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન.

તેમણે જ જૂનાગઢના વિવાદ પછી સરદાર પટેલની મશ્કરી કરતા કહ્યું હતું કે, "સરદારથી નાનકડું જૂનાગઢ સંભાળી શકાતું નથી, ત્યારે તેઓ હૈદરાબાદ વિશે આટલો દેકારો શા માટે કરે છે?"

જૂનાગઢે જ્યારે આત્મસમર્પણ કર્યું ત્યારે સરદાર પટેલે રઝવીને જવાબ આપતાં કહ્યું હતું કે, "જો જૂનાગઢની દીવાલો પર લખેલું લખાણ નહીં વાંચો તો તમારા પણ એવા જ હાલ થશે જે જૂનાગઢના થયા છે."

જ્યારે નિઝામના પ્રતિનિધિ તરીકે રઝવી સરદાર પટેલને મળવા દિલ્હી ગયા ત્યારે પટેલે તેમને સ્પષ્ટ જણાવી દીધું કે નિઝામ પાસે માત્ર બે વિકલ્પ છે. પ્રથમ, તેઓ ભારતમાં વિલય થવાનું સ્વીકારે અથવા જનમતસંગ્રહ કરાવે.

તેના પર રઝવીએ ટિપ્પણી કરી કે 'હૈદરાબાદમાં જનમતસંગ્રહ તો માત્ર તલવારના જોરે જ કરાવી શકાય.'

પાકિસ્તાનને પોતાના પક્ષમાં કરવાની કોશિ

સત્તાના હસ્તાંતરણના બે દિવસ પછી, એટલે કે 17 ઑગસ્ટ, 1947ના દિવસે લંડનમાં ભારતીય ઉચ્ચાયુક્ત કૃષ્ણ મેનનને ખબર પડી ગઈ હતી કે નિઝામ અને ચેકોસ્લોવેકિયા વચ્ચે એક ગુપ્ત સૈન્ય કરાર માટે વાતચીત ચાલી રહી છે અને હૈદરાબાદના સંરક્ષણમંત્રી અલી યાવર જંગ 30 લાખ પાઉન્ડની રાઇફલો, લાઇટ મશીન ગન, રિવોલ્વર અને બીજો સરંજામ ખરીદવાના છે, જેનો ઉપયોગ પોલીસ નહીં પરંતુ સૈન્ય માટે કરવામાં આવશે.

એટલું જ નહીં નિઝામે પાકિસ્તાનને 20 કરોડ રૂપિયાનું ઋણ આપવાની અને કરાચીમાં એક વ્યાપાર એજન્ટ નિયુક્ત કરવાની જાહેરાતપણ કરી દીધી હતી.

પટેલને એ વાતનો અંદાજ હતો કે હૈદરાબાદ સંપૂર્ણ રીતે પાકિસ્તાનના પ્રભાવ હેઠળ હતું.

એટલે સુધી કે પાકિસ્તાન પોર્ટુગલ સાથે હૈદરાબાદની સમજૂતિ કરાવવાની તૈયારીમાં હતું, જેના હેઠળ હૈદરાબાદ ગોવામાં એક બંદર બનાવવાનું હતું અને જરૂર પડે તો તેનો ઉપયોગ કરવાનો હતો.

ઇંદર મલ્હોત્રાએ 31 મેના રોજ ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત પોતાના લેખ, 'ધ હોર્સિસ ધેટ લેડ ઑપરેશન પોલો'માં લખ્યું છે, "નિઝામે રાષ્ટ્રમંડળ (કૉમનવેલ્થ)ના સભ્ય બનવાની ઇચ્છા પણ વ્યક્ત કરી, જેને સરકારે ફગાવી દીધી હતી. નિઝામે અમેરિકન રાષ્ટ્રપતિને પણ હસ્તક્ષેપ કરવા માટે અપીલ કરી પરંતુ તેમણે આ વિનંતીનો અસ્વીકાર કર્યો હતો."

11 સપ્ટેમ્બર, 1948ના રોજ પાકિસ્તાનના સ્થાપક મહમદઅલી ઝીણાનું અવસાન થયું. આ સાથે જ હૈદરાબાદના નિઝામના સૌથી મોટા સમર્થક આ દુનિયામાંથી જતા રહ્યા.

22 મે 1948ના દિવસે જ્યારે રઝાકારોએ ગંગાપુર સ્ટેશન પર ટ્રેનમાં સફર કરી રહેલા હિંદુઓ પર હુમલો કર્યો, ત્યારે સમગ્ર ભારતમાં સરકારની ટીકા થવા લાગી કે તેઓ નિઝામ પ્રત્યે નરમ વલણ ધરાવે છે.

ભારતીય સેનાના પૂર્વ ઉપસેનાપ્રમુખ જનરલ એસ. કે. સિંહા પોતાની આત્મકથા 'સ્ટ્રેટ ફ્રોમ ધ હાર્ટ'માં લખે છે, "હું જનરલ કરિયપ્પા સાથે કાશ્મીરમાં હતો ત્યારે સંદેશ મળ્યો કે સરદાર પટેલ તેમને તાત્કાલિક મળવા માગે છે."

"દિલ્હી પહોંચ્યા પછી અમે પાલમ ઍરપૉર્ટ પરથી સીધા પટેલના ઘરે ગયા. હું આંગણામાં જ ઊભો રહ્યો જ્યારે કરિયપ્પા તેમને મળવા અંદર ગયા અને પાંચ મિનિટમાં બહાર આવી ગયા."

"ત્યાર પછી તેમણે મને જણાવ્યું કે સરદારે તેમને સીધો સવાલ કર્યો હતો કે હૈદરાબાદના પ્રશ્ને પાકિસ્તાન કોઈ પ્રતિક્રિયા આપે તો શું તેઓ કોઈ પણ વધારાની મદદ વગર પરિસ્થિતિને પહોંચી વળશે?"

કરિયપ્પાએ એક શબ્દમાં જવાબ આપ્યો, "હા" અને આ સાથે જ બેઠક પૂરી થઈ ગઈ.

ત્યાર પછી સરદાર પટેલે હૈદરાબાદ સામે સૈનિક કાર્યવાહીને અંતિમ રૂપ આપ્યું. તેમણે દક્ષિણ કમાન્ડના વડા રાજેન્દ્ર સિંહજી જાડેજાને બોલાવ્યા અને પૂછ્યું કે આ કાર્યવાહી માટે તમને કેટલા દિવસનો સમય જોઈએ?

રાજેન્દ્ર સિંહજીએ જવાબ આપ્યો, "સર, મારા માટે એક અઠવાડિયું પૂરતું હશે. પરંતુ ચોમાસા દરમિયાન આ કાર્યવાહી નહીં કરી શકાય. આપણે ચોમાસું પૂરું થાય ત્યાં સુધી રાહ જોવી પડશે."

ભારતના તત્કાલીન સેનાધ્યક્ષ જનરલ રૉબર્ટ બૂચર આ નિર્ણયની વિરુદ્ધ હતા. તેમનું કહેવું હતું કે વળતી કાર્યવાહીમાં પાકિસ્તાન અમદાવાદ અથવા મુંબઈ પર બૉમ્બમારો કરી શકે છે. પરંતુ પટેલે તેમની સલાહ માની નહીં.

ઇંદર મલ્હોત્રા પોતાના લેખમાં લખે છે, "ભારતીય સેનાએ હૈદરાબાદમાં પ્રવેશ કર્યો કે તરત પાકિસ્તાનના તત્કાલીન વડા પ્રધાન લિયાકત અલી ખાને પોતાની ડિફેન્સ કાઉન્સિલની બેઠક બોલાવી અને સવાલ કર્યો કે હૈદરાબાદમાં પાકિસ્તાન કોઈ ઍક્શન લઈ શકે કે નહીં?"

"બેઠકમાં હાજર ગ્રૂપ કૅપ્ટન એલવર્દીએ, જેઓ પછી એર ચીફ માર્શલ અને બ્રિટનના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બન્યા હતા, તેમણે જવાબ આપ્યોઃ "ના"

લિયાકતે ફરી ભાર મૂકીને પૂછ્યું કે શું આપણે દિલ્હી પર બૉમ્બ ન ફેંકી શકીએ?

એલવર્દીનો જવાબ હતો, "હા, એ શક્ય છે. પણ પાકિસ્તાન પાસે કુલ મળીને ચાર બૉમ્બર વિમાન છે. તેમાંથી માત્ર બે કામ કરે છે. તેમાંથી એકાદ કદાચ દિલ્હી પહોંચીને બૉમ્બ ફેંકી શકે. પરંતુ તેમાંથી કોઈ વિમાન પાછું નહીં આવે."

નિઝામની સેનાએ શરણાગતિ સ્વીકારી

13 ડિસેમ્બર 1948ના રોજ ભારતીય સૈન્ય મેજર જનરલ જે એન ચૌધરીના નેતૃત્વમાં હૈદરાબાદમાં પ્રવેશ્યું. આયંગર જણાવે છે કે 13 સપ્ટેમ્બરે જ નહેરુએ સરદાર પટેલને ફોન કરીને ઉઠાડ્યા હતા.

નહેરુએ કહ્યું, "જનરલ બૂચરે મને ફોન કરીને આ હુમલો રોકવા માટે વિનંતી કરી છે. મારે શું કરવું જોઈએ?"

પટેલનો જવાબ હતો, "તમે સૂઈ જાવ. હું પણ એ જ કરવા જાઉં છું."

ભારતીય સૈન્યની આ કાર્યવાહીને 'ઑપરેશન પોલો' નામ આપવામાં આવ્યું કારણ કે તે સમયે હૈદરાબાદમાં વિશ્વમાં સૌથી વધુ 17 પોલોનાં મેદાન હતાં.

108 કલાક ચાલેલી આ કાર્યવાહીમાં 1373 રઝાકાર માર્યા ગયા. હૈદરાબાદ સ્ટેટના 807 જવાનોનાં પણ મોત નિપજ્યાં. ભારતીય સૈન્યએ પોતાના 66 જવાન ગુમાવ્યા જ્યારે 97 જવાન ઈજાગ્રસ્ત થયા હતા.

નિઝામે હૈદરાબાદમાં સરદારનું સ્વાગત કર્યું

આ દરમિયાન હૈદરાબાદમાં ભારત સરકારના ઍજન્ટ જનરલ કે એમ મુંશીએ પટેલને એક ગુપ્ત ટેલિગ્રામ મોકલ્યો, "નિઝામે પોતાના દૂત મોકલીને ભારતીય સૈન્ય સમક્ષ પોતાના સૈનિકોના આત્મસમર્પણ માટે દરખાસ્ત કરી છે."

"હું રેડિયો-સંદેશમાં આ દરખાસ્તની જાહેરાત કરવા જઈ રહ્યો છું."

સરદાર પટેલને મુંશીની આ વાત પસંદ ન પડી. તેમણે આદેશ આપ્યો કે મુંશીનો સંપર્ક કરીને તેમને આ સંદેશ આપતાં અટકાવવામાં આવે. મુંશીનો સંપર્ક થયો ત્યાં સુધીમાં તેઓ રેડિયો પર હૈદરાબાદની જનતાને સંબોધિત કરી ચૂક્યા હતા.

પોતાના ભાષણમાં તેમણે કહ્યું હતું કે હવે ભારતીય સૈન્ય કમાન્ડરોની બેઠક નિઝામના પુત્ર અને ક્રાઉન પ્રિન્સ સાથે થવી જોઈએ. સરદાર પટેલ તેનાથી બહુ નારાજ થયા.

તેમણે કહ્યું, "મને નથી ખબર કે મુંશીએ પોતાના ભાષણમાં આ વાત શા માટે કહી? આ ચા પાર્ટી નથી, આત્મસમર્પણ છે. હું ઇચ્છું છું કે હૈદરાબાદની સેના ભારતીય સૈન્ય સામે ઔપચારિક રીતે હથિયાર હેઠા મૂકે."

18 સપ્ટેમ્બરે જ્યારે મુંશીએ સરદાર પટેલને ફોન કર્યો તો સરદારે તેમને ફોન પર જ ભારે ઝાટક્યા.

ફેબ્રુઆરી 1949માં સરદાર પટેલનું વિમાન જ્યારે હૈદરાબાદના બેગમપટ ઍરપૉર્ટ પર ઊતર્યું તો હૈદરાબાદના નિઝામ ત્યાં હાજર હતા.

આ પહેલાં સરદારે પોતાના વિમાનની બારીમાંથી નિઝામને જોયા તો તેમણે પોતાના સચિવ વી. શંકરને કહ્યું, 'સો હિઝ ઍક્ઝોસ્ટેડ હાઇનેસ ઇઝ હિયર' પરંતુ જ્યારે નિઝામે તેમની સામે આવીને પોતાનું માથું ઝુકાવીને પોતાના બે હાથ જોડ્યા તો સરદારે સ્મિત સાથે તેમના અભિવાદનનો જવાબ આપ્યો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો