You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇન્દિરા ગાંધીએ જ્યારે કટોકટીમાં બે મહારાણીઓને જેલમાં પૂરી દીધાં
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
કટોકટી લદાયા બાદ ઇન્દિરા ગાંધીનાં ટાર્ગેટ પર જયપુર અને ગ્વાલિયરનાં મહારાણીઓ હતાં. તેઓ સંસદમાં વિપક્ષના મુખ્ય નેતાઓમાં જ નહોતાં, બલકે પોતપોતાના ક્ષેત્રમાં સામાન્ય લોકોમાં લોકપ્રિય પણ હતાં.
એમની રાજકીય શાખ ઘટાડવા માટે રાજકીય વિરોધીઓ તરીકે નહીં, બલકે આર્થિક ગુનેગારો તરીકે એમની ધરપકડ કરવામાં આવી હતી.
રાજમાતા ગાયત્રીદેવીને પરેશાન કરવાનો સિલસિલો કટોકટીની જાહેરાત કર્યા પહેલાંથી શરૂ થઈ ગયો હતો અને જયપુર રાજપરિવારના દરેક ઘર, મહેલ અને કચેરીઓ પર આવકવેરા વિભાગના દરોડા પડવાનું શરૂ થઈ ગયું હતું.
કટોકટી જાહેર થઈ એ વખતે ગાયત્રીદેવીની ઉંમર 56 વર્ષ હતી અને મુંબઈમાં એમની સારવાર ચાલી રહી હતી.
30 જુલાઈ, 1975ની રાત્રે તેઓ જ્યારે દિલ્હીના ઘરે પહોંચ્યાં ત્યારે પોલીસે વિદેશી વિનિમય અને સ્મગ્લિંગ વિરોધી કાયદા હેઠળ એમની ધરપકડ કરી લીધી.
એમની સાથે એમના પુત્ર કર્નલ ભવાનીસિંહને પણ પોલીસે કસ્ટડીમાં લઈ લીધા.
એમના પર આરોપ કરાયો કે એમની પાસે વિદેશયાત્રાથી પરત આવ્યા પછી બચેલા કેટલાક ડૉલર્સ છે જેનો હિસાબ એમણે સરકારને નથી આપ્યો.
બંનેને દિલ્હીની તિહાડ જેલમાં મોકલી દેવામાં આવ્યાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તિહાડની દુર્ગંધભરી કોટડીમાં પંખો પણ નહોતો
ત્યાં લઈ ગયાં પહેલાં એમને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લઈ જવાયાં હતાં.
ગાયત્રીદેવીએ 'અ પ્રિન્સેસ રિમેમ્બર્સ' નામની આત્મકથામાં લખ્યું છે, "પોલીસ સ્ટેશનમાં દરેકે ભવાનીસિંહને ઓળખ્યા. તેઓ રાષ્ટ્રપતિના બૉડીગાર્ડ રહી ચૂક્યા હતા અને એમને 1971ના યુદ્ધમાં વીરતા માટે મહાવીરચક્ર મળ્યો હતો."
"એ વખતે દિલ્હીની બધી જેલો એ રીતે ભરેલી હતી જે રીતે પિક ટૂરિસ્ટ સીઝનમાં હોટલ ભરાઈ જાય છે. તિહાડ જેલના અધીક્ષકે પોલીસ અધિકારીને થોડોક સમય રાહ જોવા કહ્યું જેથી ત્યાં અમારા રહેવાનો બંદોબસ્ત કરી શકે."
"ત્રણ કલાક પછી અમે જ્યારે તિહાડ જેલ પહોંચ્યાં ત્યારે અમારા માટે ચા મંગાવવામાં આવી અને અમારા ઘરે ફોન કરીને બિસ્તરો મંગાવી લીધા."
જૉન ઝુબ્રઝિકીએ રાજમાતાનાં જીવનચરિત્ર 'ધ હાઉસ ઑફ જયપુર'માં લખ્યું છે, "ભવાનીસિંહને જેલમાં બાથરૂમવાળી ઓરડીમાં રાખવામાં આવ્યા, જ્યારે ગાયત્રીદેવીને એક દુર્ગંધવાળી ઓરડી ફાળવવામાં આવી હતી. તેમાં એક નળ તો હતો પરંતુ એમાં પાણી નહોતું આવતું. મહારાણીની ઓરડીમાં કમ્યુનિસ્ટ કાર્યકર્તા શ્રીલતા સ્વામીનાથનને પણ રાખવામાં આવ્યાં હતાં."
ઓરડીમાં માત્ર એક જ પલંગ હતો જે શ્રીલતાએ મહારાણીને આપી દીધો હતો અને તેઓ પોતે જમીન પર ચટાઈ પર સૂતાં હતાં. મહારાણીની પ્રતિષ્ઠાને કારણે એમને દરરોજ એક સેન્સર કરેલું સમાચારપત્ર અને સવારની ચા આપવામાં આવતાં હતાં. સાંજે એમને પોતાના પુત્રની સાથે ફરવાની પણ મંજૂરી હતી.
એક કેદી લૈલાબેગમને એમની સેવામાં રાખવામાં આવ્યાં હતાં, જે એમની ઓરડીની સફાઈ કરતાં હતાં.
15 નવેમ્બર, 1977ના રોજ ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં છપાયેલા ઇન્ટર્વ્યૂ 'રાજમાતા નરેટ્સ ટેલ્સ ઑફ વેન્ડેટા'માં ગાયત્રીદેવીએ કહેલું, "પહેલી રાત્રે હું ઊંઘી ના શકી. મારી કોટડીની બહાર એક નાળું હતું જેમાં કેદીઓ મળત્યાગ કરતા હતા. ઓરડીમાં પંખો નહોતો અને મચ્છરોને અમારા લોહી સાથે કંઈક વધારે જ પ્રેમ થઈ ગયો હતો."
"જેલનું સમગ્ર વાતાવરણ મચ્છીબજાર જેવું હતું, જ્યાં ચોરીચપાટી કરનારીઓ અને રૂપજીવિનીઓ એકબીજા સામે કકળાટ કરતી રહેતી. અમને સી ક્લાસ શ્રેણી અપાઈ હતી."
વાંચન અને ભરતગૂંથણને લીધે આંખો બગડી
તિહાડમાં રહ્યાં તે દરમિયાન મહારાણી ગાયત્રીદેવીના પુત્ર જગત એમને ઇંગ્લૅન્ડમાંથી વોગ અને ટૅટલર પત્રિકાઓના તાજા અંક મોકલતા હતા.
એમને અઠવાડિયામાં બે વાર મળવા આવતા લોકો એમના માટે જેલમાં એક ટ્રાન્ઝિસ્ટર રેડિયો પહોંચાડવામાં સફળ થયા હતા.
મહારાણી એ ટ્રાન્ઝિસ્ટર પર બીબીસીના સમાચાર સાંભળતાં હતાં.
કૂમી કપૂરે પોતાના પુસ્તક 'ધ ઇમરજન્સી એ પર્સનલ હિસ્ટરી'માં પત્રકાર વીરેન્દ્ર કપૂરને જણાવ્યું છે કે, "ગાયત્રી જેલમાં રહેલી અન્ય મહિલાઓથી એક અંતર જાળવતાં હતાં. ક્યારેક ક્યારેક તેઓ એમને સ્મિત આપતાં હતાં, ક્યારેક ક્યારેક એમની સાથે વાતચીત પણ કરી લેતાં હતાં, પરંતુ, ક્યારેય એમની સાથે હળતાંભળતાં નહોતાં."
વિજયારાજે સિંધિયાને પણ તિહાડમાં મોકલાયાં
એક મહિના પછી તિહાડ જેલના અધિકારીઓએ ગાયત્રીદેવીને જણાવ્યું કે ગ્વાલિયરનાં રાજમાતા વિજયારાજે સિંધિયાને પણ ત્યાં જ લઈ અવાય છે અને એમને એમની ઓરડીમાં જ રાખવામાં આવશે.
રાજમાતાએ એનો એમ કહીને વિરોધ કર્યો કે જો એમની ઓરડીમાં બીજો એક પલંગ રાખવામાં આવશે તો ત્યાં ઊભા રહેવાની જગ્યા પણ નહીં રહે.
ગાયત્રીદેવીએ આત્મકથા 'ધ પ્રિન્સેસ રિમેમ્બર્સ'માં લખ્યું છે, "મારે યોગ કરવા માટે ઓરડીમાં થોડીક જગ્યા જોઈતી હતી અને મને રાત્રે વાંચવાની અને સંગીત સાંભળવાની પણ ટેવ હતી. અમારી બંનેની ટેવો પણ જુદી-જુદી હતી. તેઓ પોતાનો મોટા ભાગનો સમય પૂજાપાઠમાં પસાર કરતાં હતાં."
"જોકે જેલ સુપરિન્ટેન્ડટે મારી વિનંતી સ્વીકારી અને રાજમાતા માટે બીજા ઓરડાની વ્યવસ્થા કરવામાં આવી. જોકે એ સપ્ટેમ્બરની બફારાવાળી ગરમી હતી તેથી, રાજમાતાને પૂછવામાં આવ્યું કે શું તેઓ મારી ઓરડીની ઓસરીમાં સૂઈ શકશે? મેં એક પરદો લગાડીને મારી ઓરડીની ઓસરીમાં એમના માટે પલંગ પાથર્યો."
ગ્વાલિયરનાં રાજમાતા વિજયારાજે સિંધિયાને 3 સપ્ટેમ્બર, 1975એ તિહાડ જેલમાં લઈ અવાયાં હતાં.
એમના પર પણ આર્થિક ગુનાની કલમો લગાડવામાં આવી. એમનાં બધાં જ બૅન્ક ખાતાં સીલ કરી દેવાયાં. એક સમયે તો પરિસ્થિતિ ત્યાં સુધી પહોંચી ગઈ કે એમણે પોતાની સંપત્તિ વેચીને કે મિત્રો પાસેથી ઉધાર લઈને પોતાનું ગુજરાન ચલાવવું પડ્યું. મિત્રો પાસેથી ઉધાર લેવું પણ એટલું આસાન નહોતું, કેમ કે જે કોઈ ઇમર્જન્સી પીડિતની મદદ કરતા એમના પર વહીવટીતંત્રનો કેર વરસતો.
રાજમાતા અને મહારાણીની મુલાકાત
સિંધિયાએ આત્મકથા 'પ્રિન્સેસ'માં લખ્યું છે, "તિહાડમાં હું કેદી નંબર 2265 હતી. જ્યારે હું તિહાડ પહોંચી ત્યારે ત્યાં જયપુરનાં મહારાણી ગાયત્રીદેવીએ મારું સ્વાગત કર્યું. અમે બંનેએ માથું નમાવીને, હાથ જોડીને એકબીજાનું અભિવાદન કર્યું."
"એમણે ચિંતિત થઈને મને પૂછ્યું, 'તમે અહીં કઈ રીતે આવી ગયાં? આ ખૂબ ખરાબ જગ્યા છે.' મારી ઓરડીની બાજુમાં આવેલા બાથરૂમમાં નળ નહોતો. ટૉઇલેટના નામે માત્ર એક ખાડો કરેલો હતો. જેલના એક સફાઈકર્મી દિવસમાં બે વાર પાણીની ડોલ લઈને આવતા હતા અને ખાડામાં પાણી નાખીને સાફ કરવાની કોશિશ કરતા હતા."
જેલમાં માખો અને મચ્છર
વિજયારાજે સિંધિયાએ આગળ લખ્યું છે, "ગાયત્રીદેવી અને હું પૂર્વમહારાણીઓ ભલે હતાં પરંતુ તિહાડ જેલમાં પોતાનાં રાણી એક કેદી હતાં, જેમની વિરુદ્ધ 27 મુકદમા ચાલતા હતા, જેમાંના ચાર હત્યાના હતા."
"તેઓ પોતાના બ્લાઉઝમાં એક બ્લેડ રાખતાં હતાં અને ધમકીઓ આપ્યાં કરતાં હતાં કે જે કોઈ એમના માર્ગમાં આવશે, બ્લેડથી તેઓ તેનો ચહેરો ખરાબ કરી દેશે."
"એમની પાસે ગંદી ગાળોનો સારો એવો ભંડાર હતો જેનો તેઓ ખચકાટ વિના ઉપયોગ કરતાં હતાં."
ગાયત્રીદેવીને ત્યાં આવ્યે બે મહિના થઈ ગયા હતા, તેથી દર અઠવાડિયે લોકો એમને મળવા આવી શકતા હતા. એમના દ્વારા ગાયત્રીદેવી જેલની અંદર બૅડમિન્ટન રૅકેટ, એક ફૂટબૉલ અને ક્રિકેટનાં બે બૅટ તથા થોડા દડા મંગાવવામાં સફળ રહ્યાં.
ત્યાર બાદ એમણે જેલમાં રહેતાં બાળકોને રમત શીખવવાનું શરૂ કર્યું. પરંતુ જેલમાં રહેવાની પરિસ્થિતિઓ ખૂબ ખરાબ હતી.
વિજયારાજેએ લખ્યું છે, "ઓરડીમાં આખો દિવસ દુર્ગંધ રહેતી હતી. ખાવાનું ખાતાં સમયે અમે અમારા એક હાથનો ઉપયોગ બણબણતી માખોને દૂર કરવા કરતાં હતાં."
"રાત્રે જ્યારે માખો સૂવા જતી રહેતી ત્યારે એમનું સ્થાન મચ્છર અને બીજાં કીડા-મકોડા લઈ લેતા હતા."
"પહેલા મહિને મને એક પણ વ્યક્તિને મળવા ન દીધી. મારી પુત્રીઓને ખબર જ નહોતી કે મને કોઈ જેલમાં રાખવામાં આવી છે. રાત્રે મારી ઓરડીમાં એક લાઇટ ચાલુ રહેતી હતી, જેના બલ્બ પર કોઈ શેડ નહોતો."
ગાયત્રીદેવીની તબિયત બગડી
આ દરમિયાન ગાયત્રીદેવીનું દસ કિલો વજન ઊતરી ગયું હતું અને એમનું બ્લડ પ્રેશર લો રહેવા લાગ્યું હતું.
કૂમી કપૂરે પોતાના પુસ્તક 'ધ ઇમર્જન્સી અ પર્સનલ હિસ્ટરી'માં લખ્યું છે, "ગાયત્રીદેવીનાં મોંમાં ચાંદી પડી ગઈ હતી. જેલના વહીવટીતંત્રએ એમના અંગત દંત-ચિકિત્સકને એમની તપાસ કરવાની મંજૂરી ના આપી. ઘણાં અઠવાડિયાં વીત્યાં પછી એમને દિલ્હીના જાણીતા દંત-ચિકિત્સક ડૉ. બેરીના કર્જન રોડસ્થિત ક્લિનિકમાં ઑપરેશન કરાવવાની મંજૂરી મળી."
પછીથી જેલના ડૉક્ટરોની સલાહના આધારે એમને દિલ્હીની જી.બી. પંત હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યાં. ત્યાં પહેલી વાર ખબર પડી કે ગાયત્રીદેવીનાં ગૉલ બ્લૅડરમાં પથરી પણ છે. પરંતુ એમણે પોતાના પરિવારજનોની હાજરી વગર હૉસ્પિટલમાં ઑપરેશન કરાવવાની ના પાડી દીધી.
ગાયત્રીદેવીએ આત્મકથામાં લખ્યું છે, "પંત હૉસ્પિટલમાં પસાર કરેલી પહેલી રાત બહુ ડરામણી હતી. મારા રૂમમાં મોટા મોટા ઉંદર ફરી રહ્યા હતા. મારા રૂમની બહાર બંદોબસ્ત પરના સંત્રી એને ભગાડવાની કોશિશ કરતા હતા."
"એમના બૂટોનો અવાજ બીજા દર્દીઓને સૂવા નહોતો દેતો. બીજા દિવસે ડૉક્ટર પદ્માવતીએ મને બાથરૂમ સાથેના એક ચોખ્ખા રૂમમાં શિફ્ટ કરી દીધી."
"ઑગસ્ટ, 1975માં ગાયત્રીદેવી અને એમના પુત્ર ભવાનીસિંહે સ્વાસ્થ્યના મુદ્દે જેલમાંથી છોડી મૂકવાની સરકારને વિનંતી કરી હતી."
"નાણાકીય બાબતોના તત્કાલીન રાજ્યમંત્રી પ્રણવ મુખરજીએ એમને છોડી મૂકવાની ભલામણ સાથે એ પત્ર ઇન્દિરા ગાંધીને મોકલી દીધો હતો પરંતુ વડાં પ્રધાને ગાયત્રીદેવી અને ભવાનીસિંહની વિનંતીનો સ્વીકાર નહોતો કર્યો."
બીજી તરફ, લંડનમાં લૉર્ડ માઉન્ટ બેટને બ્રિટનનાં મહારાણી પર દબાણ કરવાનું શરૂ કર્યું કે તેઓ ગાયત્રીદેવીની જેલમુક્તિ માટે ઇન્દિરા ગાંધીને પત્ર લખે.
જૉન ઝુબ્રઝિકીએ ગાયત્રીદેવીનાં જીવનચરિત્રમાં લખ્યું છે, "દિલ્હીસ્થિત બ્રિટિશ ઉચ્ચાયોગનો મત હતો કે બ્રિટિશ રાજપરિવારે આ મામલામાં હસ્તક્ષેપ ના કરવો જોઈએ, કેમ કે એમની દૃષ્ટિએ આ ભારતની આંતરિક બાબત હતી. એમનું માનવું હતું કે જો એવો પ્રયાસ કરવામાં આવે તો, ઇન્દિરા ગાંધી એને માને એવી સંભાવના ખૂબ ઓછી છે."
ગાયત્રીદેવીએ ઇન્દિરાને પત્ર લખ્યો
આખરે ગાયત્રીદેવીની ધીરજ ખૂટી ગઈ અને એમણે પોતાની જેલમુક્તિ માટે સીધી ઇન્દિરા ગાંધીને ચિઠ્ઠી લખી.
એમણે લખ્યું, "આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષના પૂર્ણાહુતિ પ્રસંગે પોતાના દેશના ભલા માટે હું તમારું અને તમારાં કાર્યોનું સમર્થન કરવાનું આશ્વાસન આપું છું."
એમણે એમ પણ લખ્યું કે તેઓ રાજકારણમાંથી સંન્યાસ લઈ રહ્યાં છે. અને એમની પાર્ટી ખતમ થઈ ગઈ છે. વળી, કોઈ અન્ય દળનાં સદસ્ય બનવાનો એમનો કોઈ ઇરાદો નથી, તેથી, તેમને છોડી મૂકવામાં આવે. "જો એ માટે તમારી કોઈ શરત હોય તો હું એને પૂરી કરવા માટે તૈયાર છું."
જૉન ઝુબ્રઝિકીએ લખ્યું છે, "સરકારની પહેલી શરત એ હતી કે ગાયત્રીદેવી અને એમના પુત્ર પોતાની ધરપકડને પડકારતી અરજીઓ પાછી ખેંચી લે. એમણે આ શરત પૂરી કરવામાં જરા પણ વિલંબ ના કર્યો."
"11 જાન્યુઆરી, 1976એ એમની જેલમુક્તિના આદેશ પર સહી થઈ. એમનાં બહેન મેનકા એમને હૉસ્પિટલમાંથી તિહાડ જેલ લઈ ગયાં, જ્યાંથી એમણે પોતાનો સામાન લીધો. ત્યાં એમણે કુલ 156 રાત વિતાવી હતી."
"ત્યાં એમની સાથે રહેતાં કેદીઓ અને ગ્વાલિયરનાં રાજમાતાએ એમને વિદાય આપી. તેઓ દિલ્હીમાં ઔરંગઝેબ રોડસ્થિત પોતાના નિવાસે પાછાં ફર્યાં."
"બે દિવસ પછી ત્યાંથી તેઓ કાર દ્વારા જયપુર ગયાં, જ્યાં સાર્વજનિક જગ્યાએ ટોળાં એકઠાં થવા સામે પ્રતિબંધ હોવા છતાં એમના સ્વાગત માટે લગભગ 600 લોકો ઊભા હતા. ત્યાર બાદ તેઓ મુંબઈ ગયાં. ત્યાં એમના ગૉલ બ્લૅડરમાંની પથરીનું ઑપરેશન થયું."
તિહાડ જેલમાં ભજન અને 'કૅબ્રે'
બીજી તરફ, વિજયારાજે સિંધિયાનાં પુત્રી ઉષા ઘણા પ્રયાસો પછી ઇન્દિરા ગાંધીને મળવામાં સફળ થયાં.
જ્યારે એમણે પોતાનાં માતાને છોડી મૂકવાની વિનંતી કરી, તો ઇન્દિરા ગાંધીએ કહ્યું કે રાજકીય કારણોસર નહીં, બલકે આર્થિક ગુનાના લીધે એમની ધરપકડ કરવામાં આવી છે.
જેલમાં રહેવાની પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી. પરંતુ જેલમાં એમના મનોરંજન માટેની પણ વ્યવસ્થા થતી હતી.
વિજયારાજે સિંધિયાએ લખ્યું છે, "એક દિવસ મહિલા કેદીઓનો એક સમૂહ મારા મનોરંજન માટે ગીત-સંગીતનો કાર્યક્રમ લઈ આવ્યો. એમાં તેઓ નવી ફિલ્મોનાં ગીતો કોરસમાં ગાતાં હતાં અને એને 'કૅબ્રે' કહેતાં હતાં. મેં એમને સલાહ આપી કે કે એની જગ્યાએ જો તેઓ ભજન ગાય તો મને વધારે સારું લાગશે. પછી તેઓ મારી ફરમાઈશ પર ભજન ગાવા લાગ્યાં."
"પરંતુ એમને એ ના સમજાયું કે 'કૅબ્રે'ના બદલે કોઈ ભજન કઈ રીતે પસંદ કરી શકે? પછીથી તેઓ મને કહેવા લાગ્યાં, 'ઠીક ત્યારે, પહેલાં ભજન, પરંતુ એના પછી 'કૅબ્રે'."
જેલમાંથી મુક્તિ
થોડા દિવસો બાદ વિજયારાજે સિંધિયા બીમાર પડી ગયાં અને એમની સારવાર માટે એમને દિલ્હીની એમ્સ હૉસ્પિટલનાં દાખલ કરાવવામાં આવ્યાં.
સિંધિયાએ લખ્યું છે, "મને એક પ્રાઇવેટ રૂમમાં રાખવામાં આવી અને બહાર એક સંત્રી બેસાડી દેવાયો. મને મળવાની કોઈને મંજૂરી નહોતી. એક દિવસ જોયું કે એક આગંતુક જબરજસ્તી મારા રૂમમાં ઘૂસી ગયા."
"તેઓ કાશ્મીરના મુખ્ય મંત્રી શેખ અબ્દુલ્લા હતા, એમની પોતાની સારવાર એમ્સમાં ચાલતી હતી. આ એક વિચિત્ર સંયોગ હતો. મને 12 વર્ષ જૂની વાત યાદ આવી ગઈ, જ્યારે તેઓ કેદી હતા અને હું એમને મળવા ગઈ હતી. એક સવારે મને જણાવાયું કે મારી ખરાબ તબિયતના કારણે મને પેરોલ પર છોડવામાં આવે છે."
જ્યારે સિંધિયાનો બહાર જવાનો સમય થયો ત્યારે મહિલા કેદીઓએ જેલના અંદરના દરવાજે બંને તરફ ઊભા રહીને એમના પર ફૂલ વરસાવ્યાં. જ્યારે વિજયારાજે સિંધિયા જેલમાંથી બહાર નીકળ્યાં ત્યારે એમનાં ત્રણ પુત્રી એમની રાહ જોઈ રહ્યાં હતાં. તેઓ સ્મિત કરી રહ્યાં હતાં પરંતુ સાથે જ એમની આંખોમાં આંસુ પણ હતાં.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો