You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નાયકીદેવી : ગુજરાતનાં એ મહારાણી જેમણે મહમદ ઘોરીને પરાસ્ત કર્યા
- લેેખક, રવિ પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાતના ઇતિહાસના સુવર્ણ પાનાસમી એક ઘટનામાં એક ગુજરાતણ રાણીએ વિકરાળ વિદેશી સૈન્ય સાથે ગુજરાતની ધરતી પર ત્રાટકેલા આક્રમણકારી મહમદ ઘોરીને હરાવ્યાની વાત નોંધાયેલી છે.
ગુજરાતમાં તે સમયે ચાલુક્ય (સોલંકી)વંશનું રાજ હતું. અને આ બાહોશ રાણી હતાં નાયકીદેવી.
તાજેતરમાં આ રાણીના જીવન પર એક ગુજરાતી ફિલ્મ બની હતી. ફિલ્મનું નામ હતું 'નાયકીદેવી: ધ વૉરિયર ક્વીન'. ફિલ્મમાં નાયકીદેવીનું પાત્ર ખુશી શાહ ભજવી રહ્યાં હતા જ્યારે મહમદ ઘોરીનું પાત્ર બોલીવૂડના અભિનેતા ચંકી પાંડે ભજવ્યું હતું.
ફિલ્મના આગમન પછી ગુજરાતનાં આ રાણીનું નામ ફરી ચર્ચાવા લાગ્યું છે.
આ અહેવાલમાં અમે તમને નાયકીદેવીના જીવન અને ગુજરાતના ઇતિહાસમાં નોંધાઈ ચૂકેલા સુવર્ણ પાનાસમા આ યુદ્ધ વિશે કેટલીક મહત્ત્વપૂર્ણ બાબત જણાવીશું.
રણમેદાનનો માહોલ
નાયકીદેવી અને મહમદ ઘોરીનાં સૈન્યો વચ્ચે વર્ષ 1178માં ભીષણ યુદ્ધ છેડાયું હતું.
હાલના રાજસ્થાનના આબુના કયાદરા પ્રદેશ ખાતે એક છેડે ગુજરાતના ચાલુક્ય વંશની સેના જન્મભૂમિની રક્ષા માટે ઊભી હતી તો બીજા છેડે હાલના અફઘાનિસ્તાનના ઘોર પ્રદેશના સુલતાન શિહાબ-અદ-દિન એટલે કે મહમદ ઘોરીની આગેવાનીમાં સૈનિકોનું મહેરામણ રાજ્યવિસ્તારની મહેચ્છા સાથે ઊભરાઈ રહ્યું હતું.
તે સમયે આ વિસ્તાર ગુજરાતના સોલંકી વંશના તાબા હેઠળ હતો અને ત્યાંનાં રજવાડાં પર સોલંકીઓની ધાક હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચાલુક્ય સૈન્યના નેજાવાળા સૈન્યની જડબેસલાક કિલ્લેબંધીની સામે ઘોર સામ્રાજ્યનાં સૈન્ય ઊભાં હતાં.
હવે, આ યુદ્ધના આગળના પ્રકરણ અને જાજરમાન પરિણામ વિશે જણાવીએ તે પહેલાં આ યુદ્ધના મુખ્ય કિરદારો અને તેમનાં જીવન અંગે કેટલીક દુર્લભ વાતો જણાવીશું.
ચાલુક્ય વંશનાં રાણી નાયકીદેવી કોણ હતાં?
વર્ષ 1094માં રાજા સિદ્ધરાજે પાટણનું શાસન સંભાળ્યું. 47 વર્ષના શાસનમાં તેમણે અનેક સમૃદ્ધિનાં શિખરો સર કર્યાં.
ગાદી સંભાળ્યા બાદ તેમણ પોતાના કાર્યકાળમાં સાંસ્કૃતિક, ધાર્મિક અને સામાજિક ક્ષેત્રોમાં કાર્ય કર્યું.
ત્યાર બાદ પાટણની ગાદીએ કુમારપાળ આવ્યા અને તેમના બાદ તેમના પુત્ર અજયપાલે વારસો સંભાળ્યો.
અજયપાલનાં લગ્ન ગોવાના કદંબા વંશના સિવાચિત્તાનાં પુત્રી નાયકીદેવી સાથે થયાં. દુર્ભાગ્યે 1175ની સાલમાં અજયપાલનું મૃત્યુ થયું. આ સમયે તેમના પુત્ર મુલારાજા દ્વિતીયને નાની ઉંમરમાં ગાદી સોંપવામાં આવી.
મુલારાજાને રાજકાજના પાઠ માતા નાયકીદેવી પાસેથી શીખવા મળતા. આ વાતને માંડ બે-ત્રણ વર્ષ વીત્યાં હશે ત્યાં તો રાજ્ય પર મહમદ ઘોરીએ ચડાઈ કરી છે એવા સમાચાર મળ્યા.
આ સમયે નાયકીદેવીએ યુદ્ધની કમાન સંભાળી અને મહમદ ઘોરી સામે જંગ લડવા નીકળી પડ્યાં.
કયાદરાના મેદાનમાં મહમદ ઘોરી અને નાયકીદેવીની સેના વચ્ચે યુદ્ધ જામ્યું. બન્ને તરફથી કતલેઆમ શરૂ થઈ અને યુદ્ધમેદાનની ધરતી લોહીના લાલ રંગથી રંગાઈ ગઈ.
ઇતિહાસકારો મુજબ નાયકીદેવીની સેનામાં હાથીઓના લશ્કરે બાજી પલટી નાખી. હાથીઓની સેનાથી મહમદ ઘોરીના લશ્કરને વીંખી નાખવામાં અને ઘોડેસવારોને અસ્તવ્યસ્ત કરવામાં ઘણી મદદ કરી.
તેમજ ઘોરીની સેનાને ડુંગરાળ પ્રદેશમાં લડવાનો સારો અનુભવ નહોતો જેને લીધે પણ તેમને ભારે ખુવારી વેઠવી પડી.
'ઇન્ડિયા : અ હિસ્ટ્રી'માં જ્હૉન કી લખે છે કે આ યુદ્ધમાં મહમદ ઘોરીનો પરાજય થયો. ત્યાર બાદ તેમણે આ પ્રદેશ પર ચડાઈ કરવાનું માંડી વાળ્યું અને ઉત્તરમાં લાહોર તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું.
ગુજરાતમાં ચાલુક્ય વંશનું શાસન
ગુજરાતમાં ચાલુક્ય વંશની સ્થાપનાનો ઉલ્લેખ 'પૉલિટિકલ હિસ્ટ્રી ઑફ ધ ચાલુક્યાસ ઑફ બાદામી' પુસ્તકમાં મળી આવે છે.
લેખક દુર્ગાપ્રસાદ દીક્ષિત લખે છે કે હાલના કર્ણાટકમાં ચાલુક્ય વંશની સ્થાપના કરનાર રાજા મંગાલીશાએ પોતાના રાજ્યનો વિસ્તાર વધારતાં-વધારતાં ગુજરાતને પણ આવરી લીધું હતું. એટલું જ નહીં મહારાષ્ટ્રના નાસિક અને કોંકણ સુધી ચાલુક્ય વંશનું શાસન વિસ્તરેલું હતું. (પાના નંબર-2.)
દુર્ગાપ્રસાદના ઉલ્લેખ મુજબ કર્ણાટક અને ગુજરાતના ચાલુક્ય વંશ વચ્ચેના સંબંધ વિશે કોઈ આધારભૂત પુરાવા કે માહિતી ઉપલબ્ધ નથી.
બીજી તરફ 'પ્રિહિસ્ટૉરિક ઍન્સિયન્ટ ઍન્ડ હિંદુ ઇન્ડિયા' પુસ્તક પ્રમાણે દસમી સદીના મધ્યમાં મુલારાજાએ ગુજરાતમાં ચાલુક્ય વંશની સ્થાપના કરી હતી.
મુલારાજાએ અનિલવાડા (હાલનું પાટણ)ને રાજ્યની રાજધાની બનાવી હતી. ઉત્તરથી દક્ષિણ તરફ રાજ્યનો વિસ્તાર વધારતાં તેમણે સુરત અને ભરૂચને પણ આવરી લીધાં હતાં. (પાના નં. 247)
રાજા જયસિંહ સિદ્ધરાજ અને કુમારપાળની વ્યૂહરચના અને રાજ્યવહીવટને લીધે પાટણ પશ્ચિમ ભારતનું ખૂબ જ શક્તિશાળી રજવાડું બની ગયું હતું.
સૌરાષ્ટ્ર, માળવા, નાડુલ (હાલમાં નાડોલ, રાજસ્થાન), આબુ અને કનકનની જમીન સોલંકીઓના ઘોડાઓના પગ નીચે ખૂંદાતી રહેતી.
મહમદ ઘોરી કોણ હતો અને તેની ગુજરાત પર નજર કેમ હતી?
મહમદ ઘોરીનો જન્મ 1149માં ખોરાસાનના ઘોર પ્રદેશમાં થયો હતો. જોકે, મહમદ ઘોરીના જન્મની તારીખ અંગે ઇતિહાસમાં કોઈ ચોક્કસ પુરાવા નથી.
ખોરાસાન ક્ષેત્ર ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું હતું અને તેની સરહદો ઈરાન, તુર્કમેનિસ્તાન, અફઘાનિસ્તાનને અડતી હતી. આ પ્રદેશ પર ઘોરીઓનું રાજ હતું.
'ધ વૉરિયર્સ ઑફ ધ ક્રેસૅન્ટ' પુસ્તકમાં ડબલ્યુ. એચ. ડેવેન પોર્ટ-એડમ્સ લખે છે કે મહમદ ઘોરી તેમના પૂર્વજોની જેમ જ મહત્ત્વાકાંક્ષી હતા અને તેઓ સમૃદ્ધ હિંદુસ્તાન જીતવાનાં સપનાં જોતાં હતાં. (પાના નંબર 38)
આ સપનાંને હકીકતમાં બદલવા માટે 1173ની સાલમાં ગઝનીની ગાદીએ બેઠા બાદ તેમણે હિંદુસ્તાન પર ફતેહ મેળવવાની ચળવળ હાથ ધરી.
અફઘાનિસ્તાનથી હિંદુસ્તાન જીતવાની સફરમાં અન્ય પણ ઘણા પડકારો હતા.
પરંતુ સપનું સાકાર કરવાની ઘેલછામાં સુલતાન મહમદ ઘોરી દરેક પડકારોને પાર કરીને આગળ વધ્યા.
1175-76માં તેમણે ઉંચ અને મુલ્તાન (પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલ પ્રદેશ) પર હુમલો કર્યો અને તેના પર જીત મેળવી.
'અલ હિંદ-મેકિંગ ઑફ ધ ઇન્ડો-ઇસ્લામિક વર્લ્ડ'માં આન્દ્રે વિંક લખે છે કે મુલ્તાન જીત્યા બાદ તેઓ ફરીથી ગઝની પરત ફરી ગયા હતા. તેનાં બે વર્ષ બાદ તેમણે ફરીથી હિંદુસ્તાનની વાટ પકડી.
ઉત્તરમાં ગઝનીથી દક્ષિણ તરફ આવતાં-આવતાં વચ્ચે ઘણાં યુદ્ધ થયાં જેમાં અનેકનું લોહી રેડાયું.
આખરે 1178માં ગુજરાત પર કબજો કરવાની મંશા સાથે તેઓ રાજસ્થાનનું થાર રણ પાર કરી આબુ પહોંચ્યા.
'ઇન્ડિયા : હિસ્ટ્રી' પુસ્તકમાં જ્હૉન કી લખે છે કે મહમદ ઘોરી જાણતા હતા કે ગુજરાતનો ચાલુક્ય વંશ સમૃદ્ધ છે.
આ સિવાય તેમણે ગુજરાતના પશ્ચિમ છેડે આવેલા સોમનાથ પર મહમૂદ ગઝનીએ કરેલી લૂંટ અંગે પણ વાતો સાંભળી હતી.
ધનની લાલચ અને રાજ્યના વિસ્તાર માટે તેઓ કંઈ પણ કરી છૂટવા તૈયાર હતા.
મહમદ ઘોરીનો હેતુ અનિલવારા (હાલનું પાટણ) કબજે કરવાનો હતો. અહીંના કિલ્લાઓ પર સોલંકી વંશની ધજાઓ ફરકતી હતી.
જ્હૉન કી લખે છે કે મહમદ ઘોરીએ ગુજરાતના આ રજવાડા પર આક્રમણ કરવા માટે પૃથ્વીરાજ ચૌહાણનો પણ સાથ માગ્યો પણ પૃથ્વીરાજે ઇન્કાર કરી દીધો. આ સમયે પૃથ્વીરાજ ચૌહાણ દિલ્હી સલ્તનતના શાસક હતા.
ગુજરાતમાં તેમનો સામનો નાયકીદેવીનાં સૈન્ય સાથે થયો અને ડુંગરાળ પ્રદેશમાં સારો અનુભવ ન ધરાવતા ઘોરીની સેનાનો પરાજય થયો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો