ગુજરાત આવેલો એ પ્રથમ રશિયન પ્રવાસી, જેને મુસ્લિમ બનવા દબાણ કરાયું

    • લેેખક, જાન્હવી મુળે
    • પદ, બીબીસી મરાઠી

અવારનવાર કહેવાતું રહ્યું છે કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો ઘણા ગાઢ અને મૈત્રીપૂર્ણ રહ્યા છે. પરંતુ આ મૈત્રી કેટલી જૂની છે અને બંને દેશોના લોકોમાં એકમેકને ત્યાં આવવા-જવાની પરંપરા ક્યારે શરૂ થઈ? આ સવાલનો જવાબ ઇતિહાસના ગ્રંથોમાં મળે છે.

વર્ષ 1469માં રશિયન પ્રવાસી અફનાસી નિકિતિન એક ઘોડા અને પોતાની ડાયરી સાથે ભારત પહોંચ્યા હતા.

દીવ અને ગુજરાતમાંથી પસાર થઈને તેઓ મહારાષ્ટ્રના તટીય ગામ ચૌલમાં પહોંચ્યા અને દક્ષિણના ગ્રામીણ વિસ્તારોમાં થઈને વર્તમાન તેલંગણા પહોંચ્યા હતા.

એ સમયનું ભારત કેવું હતું? નિકિતિને માત્ર એ સમયના ભારતને જ ન જોયું બલકે એના વિશે વિસ્તારથી લખ્યું.

આ એ સમયની કથા છે જ્યારે ભારતમાં મુઘલ સામ્રાજ્યની શરૂઆત પણ નહોતી થઈ; બાબર હજુ જન્મ્યા પણ નહોતા; દિલ્હી પર લોદી વંશનું શાસન શરૂ જ નહોતું થયું; અને દક્ષિણમાં વિજયનગર અને બહમની સલ્તનતનું રાજ હતું.

વાસ્કો ડી ગામાનો જન્મ થોડાં વરસો પહેલાં જ થયેલો અને એમના ભારત આવવાને ત્રણ દાયકાની વાર હતી.

નિકિતિનની કથા બોલિવૂડ ફિલ્મ 'પરદેશી' દ્વારા પણ દર્શાવાઈ છે જેમાં હિન્દી સિનેમાનાં ઘણાં ખ્યાતનામ અભિનેતાઓ અને અભિનેત્રીઓએ કામ કર્યું છે. એની સાથે જ ચૌલમાં એમની યાદમાં એક સ્મારક બનાવવામાં આવ્યું છે.

પરંતુ સવાલ એ છે કે નિકિતિન કોણ હતા અને એમની કથા આટલી રસપ્રદ શા માટે છે?

વોલ્ગાથી કુંડલિકા સુધીની સફર

રશિયન દસ્તાવેજો અનુસાર, અફનાસી નિકિતિન એક રશિયન પ્રવાસી અને વેપારી હતા. તેમનો જન્મ 1433માં રશિયન શહેર ત્વેરમાં થયો હતો.

એમના ભારત આવ્યા પહેલાંના જીવન વિશે ઘણી ઓછી માહિતી મળે છે પરંતુ કોઈ પણ વ્યક્તિ એ વાતનું અનુમાન કરી શકે એમ છે કે એમણે પ્રવાસ ખેડવાનો નિર્ણય શા માટે કર્યો.

એ સમયે ત્વેર વેપારીઓનો ગઢ ગણાતું હતું. વોલ્ગા નદીતટે વસેલું ત્વેર શહેર સાહસિક વેપારીઓ માટે જાણીતું હતું જેઓ યુરોપ અને મધ્ય એશિયાના પ્રવાસ કરતા રહેતા.

નિકિતિને પણ એવી જ વ્યાપારિક યાત્રા પર જવાનો નિર્ણય કરીને 1466માં ત્વેર છોડી દીધું. કહેવાય છે કે એમને કોઈએ જણાવેલું કે ભારતમાં જાતવાન ઘોડા ખૂબ ઓછા મળે છે. એ જોતાં એમણે પોતાની સાથે એક ઘોડો લઈ જવાનો નિર્ણય કર્યો.

નિકિતિને પોતાના આ પ્રવાસ વિશે વિસ્તારથી લખ્યું છે. એમાંથી મધ્યકાલીન ભારતના વેપારી માર્ગો વિશેની માહિતી મળે છે.

નિકિતિને જણાવ્યું છે કે એમણે કઈ રીતે વોલ્ગા નદીથી કૅસ્પિયન સમુદ્ર સુધીનો પ્રવાસ કર્યો.

આ સફરમાં એમને બે વાર લૂંટી લેવાયા. આ પ્રવાસમાં એમની સાથે કેટલાક અન્ય લોકો પણ હતા જેમણે પાછા ફરવાનો અથવા જ્યાં સુધી પહોંચ્યા હતા ત્યાં જ રોકાઈ જવાનો નિર્ણય કર્યો હતો.

પરંતુ નિકિતિન આગળ વધતા રહ્યા. ત્યાર બાદ તેઓ પર્શિયા (આજનું ઈરાન)માં પ્રવેશ્યા, ત્યાંથી હોરમુઝ પહોંચ્યા અને ત્યાંથી અરબ સાગરના રસ્તે ભારત પહોંચ્યા.

નિકિતિનની હોડી સૌથી પહેલાં દીવ પહોંચી હતી, ત્યાર બાદ તેઓ ગુજરાતના ખંભાત પહોંચ્યા. ખંભાત બંદરે પહોંચીને એમણે ઇન્ડિગો એટલે કે ગળી વિશે લખ્યું. ગળી રશિયામાં ખૂબ મોંઘી હતી.

ત્યાર બાદ એમણે મહારાષ્ટ્રની કુંડલિકા નદીના મુખપ્રદેશ પાસે સ્થિતિ ચૌલ બંદર માટે યાત્રા શરૂ કરી. રશિયન ઇતિહાસકારો માને છે કે અફનાસી નિકિતિને ભારતની ધરતીનો ચૌલમાં પહેલી વાર સ્પર્શ કર્યો હતો.

નિકિતિને દક્ષિણમાં શું જોયું?

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના અલીબાગ શહેરની દક્ષિણે મુંબઈથી 110 કિલોમિટર દૂર આવેલું ચૌલ એક સામાન્ય ગામ હતું.

નારિયેળ, પામ સહિત અન્ય તમામ ઉષ્ણકટિબંધીય વૃક્ષોથી ઘેરાયેલું ચૌલ અન્ય પડોશી તટવર્તી ગામો જેવું જ દેખાય છે. પરંતુ આ સામાન્ય લાગતું તટીય ગામ બે હજાર વર્ષનો ઇતિહાસ સંઘરીને બેઠું છે.

ઘણા ઐતિહાસિક દસ્તાવેજો અને પ્રવાસીઓએ આ બંદરનો ઉલ્લેખ અલગ અલગ નામે કર્યો છે. જેમ કે, ચંપાવતી, ચિઉલ અને ચિવલી.

મધ્યકાલીન સમયમાં ચૌલ એક મોટું બંદર ધરાવતું શહેર હતું જ્યાં સુદૂર દેશોમાંથી વેપારીઓ આવતા હતા. તેઓ કુંડલિકા નદીમાર્ગે બંદરમાં પ્રવેશીને એક સ્થળે આવતા હતા જે હવે રેવડંડાની નજીક આવેલું ગામ છે.

અફનાસી નિકિતિન આવા વેપારીઓમાંના એક હતા. તેઓ ઈસવીસન 1469માં કોઈ એક સમયે અહીં પહોંચ્યા હતા અને એમણે પોતાની ડાયરીમાં અહીંના લોકો વિશે લખ્યું.

એમણે લખ્યું કે, "અહીં બધા લોકો નગ્ન રહે છે. તેઓ પોતાનું માથું નથી ઢાંકતા. ઉઘાડા પગે ચાલે છે. અહીંની મહિલાઓ પોતાના વાળને એક ચોટલામાં ગૂંથે છે. સમૃદ્ધ લોકો પોતાનું માથું ઢાંકે છે. તેઓ પોતાના ખભા પર એક કપડું રાખે છે અને બીજું કમર પર બાંધે છે."

"મહિલાઓ કમર પર એક કપડું બાંધે છે અને એમનાં સ્તન ઢાંકેલાં નથી હોતાં. અહીં મહિલાઓ અને પુરુષોની ત્વચાનો રંગ ઘાટો હોય છે. હું જ્યાં પણ જાઉં છું, લોકો મારી ગોરી ત્વચા જોઈને મોહિત થયેલા દેખાય છે."

નિકિતિનની ડાયરી વાંચતાં કોઈ પણ એવી કલ્પના કરી શકે કે એક રશિયન તરીકે એમને આ બધું જોવું કેટલું રસપ્રદ લાગ્યું હશે.

નિકિતિન ચૌલથી પાલી ગયા અને ત્યાંથી જુન્નર પહોંચ્યા. તેમણે લખ્યું છે, "સતત ચાર મહિના સુધી દિવસરાત પાણી વરસતું રહ્યું અને દરેક જગ્યાએ કીચડ થઈ ગયો."

તેમણે લખ્યું છે કે એ દિવસોમાં લોકો પોતાનાં ખેતરોમાં કેવું કામ કરતા હતા અને ખીચડી ખાતા હતા. જુન્નરમાં નિકિતિનની સાથે કંઈક એવું બન્યું જેના કારણે એમનાં આસ્થા અને ધર્મની કસોટી થઈ.

અસદ ખાન નામના એક સ્થાનિક નેતાએ નિકિતિનનો ઘોડો પડાવી લીધો અને આદેશ આપ્યો કે ખ્રિસ્તી ધર્મમાં માનનારા નિકિતિને પોતાનો ઘોડો પાછો મેળવવા માટે ઇસ્લામ ધર્મ અપનાવવો પડશે અથવા ખૂબ મોટો દંડ ભરવો પડશે.

નિકિતિન માટે ખૂબ મોટી મુશ્કેલી હતી પરંતુ તુર્કી મૂળના એક મુસલમાન મંત્રી મોહમ્મદ ખોરસન આ મામલામાં નિકિતિનની મદદે આવ્યા.

ખોરસને અસદ ખાનને ધમકાવતાં નિકિતિન પર ઇસ્લામ સ્વીકારવાનું દબાણ કરવાની મના કરી. ત્યાર બાદ એમણે નિકિતિનનો ઘોડો પાછો અપાવ્યો અને બંને સારા મિત્ર બની ગયા.

બહમની અને વિજયનગર

ત્યાર બાદ નિકિતિન બહમની સલ્તનતના પાટનગર બીદર પહોંચ્યા. ત્યાં તેઓ પોતાનો ઘોડો વેચવામાં સફળ થયા. એના બદલામાં એમને સારી એવી રકમ મળી અને તેઓ વિજયનગર સામ્રાજ્ય તરફ આગળ વધ્યા.

નિકિતિને આ બંને શક્તિશાળી સામ્રાજ્યો વચ્ચેની દુશ્મનાવટ વિશે પણ લખ્યું છે. તેઓ શ્રીશૈલની ધાર્મિક યાત્રા કરવા પણ ગયા જ્યાં તેઓ "હાથીના મસ્તક" અને "કપિ મુખ"વાળા દેવતાઓની મૂર્તિઓ જોઈને ચકિત થઈ ગયા. એમણે મંદિરમાં થતા ભંડારા વિશે પણ લખ્યું છે.

નિકિતિને રમજાન દરમિયાન વ્રત પણ કર્યું. તેઓ ગુલબર્ગ પણ પહોંચ્યા અને રાયચૂર અને ગોલકોંડામાં હીરાની ખાણ જોવા ગયા.

એ સમય સુધી તેઓ ભારતમાં લગભગ ત્રણ વર્ષ પસાર કરી ચૂક્યા હતા અને હવે વતનમાં પાછા ફરવાનો સમય આવી ગયો હતો. ચૌલથી 180 કિલોમિટર દૂર દાભોલ બંદર પરથી એમણે વતનવાપસીનો પ્રવાસ શરૂ કર્યો.

એમણે લખ્યું છે કે, મિસર (ઇજિપ્ત), અરબ અને તુર્કીમાંથી ઘોડા સહિત અન્ય ઘણી વસ્તુઓ અહીં વેચવા માટે લવાય છે.

નિકિતિન દાભોલથી ઇથિયોપિયા ગયા અને ત્યાંથી ઈરાન પહોંચ્યા. ત્યાંથી તેમણે ક્રાઇમિયા અને કિએવ (હાલનું યુક્રેન)ના સડકમાર્ગે પોતાની સફર ચાલુ રાખી.

પરંતુ પોતાના શહેર ત્વેર પહોંચે એ પહેલાં જ 1472માં, રશિયાના સ્મોલેન્સ્કમાં નિકિતિનનું અવસાન થયું.

બોલીવૂડ ફિલ્મ અને ચૌલમાં સ્મારક

નિકિતિનના મૃત્યુ પછી રશિયામાં ઘણાં સામ્રાજ્ય અને શાસકો આવ્યાં અને ગયાં પરંતુ આઝાદી પછી ભારત અને સોવિયત સંઘમાં નિકિતિનને બંને દેશો વચ્ચેની મૈત્રીના પ્રતીકરૂપ માનવામાં આવ્યા.

એટલું જ નહીં, ભારતીય અને રશિયન ફિલ્મ નિર્માતાઓએ એમના જીવન પર એક ફિલ્મ 'પરદેશી' પણ બનાવી જે ઈસવીસન 1957માં રિલીઝ થઈ હતી.

આ ફિલ્મ બે ભાષા રશિયન (રંગીન) અને હિન્દી (બ્લૅક ઍન્ડ વ્હાઇટ)માં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં નરગિસ, પૃથ્વીરાજ કપૂર, બલરાજ સાહની, પદ્મિની જેવાં દિગ્ગજ કલાકારોએ કામ કર્યું અને રશિયન અભિનેતા ઓલેગ સ્ટ્રીજેના મુખ્ય ભૂમિકામાં હતા.

આ ફિલ્મમાં મન્ના ડેનું 'યાર દસવિદાનિયા' જેવું ગીત અને લતા મંગેશકર અને મીનાકુમારીના અવાજમાં ગીતો છે.

વર્ષ 2002માં ચૌલમાં રશિયન વાણિજ્ય દૂતાવાસની મદદથી એક સ્મારક સ્તંભ બનાવવામાં આવ્યો છે. આ સ્મારક એસઆરટી હાઈસ્કૂલના પરિસરમાં છે. ત્યાં અવારનવાર રશિયન લોકો અને ઇતિહાસકારો આવે છે. એની સાથે જ ક્રાઇમિયાના ફિઓડોસિયા અને ત્વેરમાં પણ એમનાં સ્મારકો છે.

નિકિતિનની ડાયરી મહત્ત્વની કેમ?

નિકિતિન પોતાના જીવનનાં અંતિમ વર્ષો સુધી ડાયરી લખતા રહ્યા. એમના મૃત્યુનાં ઘણાં વર્ષો પછી એમની ડાયરી દુનિયા સામે પ્રકટ થઈ અને હાલ એક મોનૅસ્ટ્રીમાં રાખવામાં આવી છે.

આ ડાયરીને "ખોજેનિયે ઝા ત્રિ મોર્યા" એટલે કે 'ત્રણ સાગરની પારની યાત્રા' નામથી ઓળખવામાં આવે છે. નિકિતિને ત્રણ સાગર કૅસ્પિયન સાગર, અરબ સાગર અને કાળો સમુદ્ર પાર કર્યા હતા.

આ ડાયરીને રશિયન ભાષામાં ભારત વિશે વિસ્તારથી લખાયેલો પ્રથમ દસ્તાવેજ માનવામાં આવે છે.

નિકિતિન પંદરમી સદીમાં ભારત આવેલા એકમાત્ર યુરોપિયન પ્રવાસી નહોતા, પરંતુ એમણે જે જોયું અને લખ્યું એ એમને અન્યો કરતાં આગવા બનાવે છે.

આવું કોલ્હાપુરની શિવાજી યુનિવર્સિટીના વિદેશી ભાષા વિભાગનાં પ્રોફેસર ડૉ. મેધા પાનસરેએ કહ્યું છે.

મેધાએ જણાવ્યું કે, "આ વ્યક્તિ તમામ મુશ્કેલીઓનો સામનો કરતા ભારત પહોંચ્યા અને સૌથી અગત્યની વાત એ છે કે એમણે ગ્રામીણ ભારતમાં પહોંચીને ત્યાંના વિશે લખ્યું. એમનો પ્રવાસ જુદો હતો. તેઓ સામાન્ય લોકો સાથે હળીભળી ગયા અને સ્થાનિક સંસ્કૃતિ અને ગ્રામીણ જીવનને જોયાં અને લખ્યું."

"એમણે જે લખ્યું એ રશિયન દૃષ્ટિએ લખ્યું. તેઓ જ્યારે મહિલાઓ વિશે વાત કરે છે ત્યારે લખે છે કે મહિલાઓએ કઈ રીતે પોતાના વાળ નથી ઢાંક્યા, કેમ કે એમના દેશ રશિયામાં મહિલાઓ હંમેશાં વાળ ઢાંકીને રાખતી હતી."

નિકિતિનને પોતાના સમયના બીજા પ્રવાસીઓની જેમ શાહી સમર્થન નહોતું મળેલું, તેમ છતાં એમણે પોતાનો પ્રવાસ ચાલુ રાખ્યો. એ દર્શાવે છે કે તેઓ આ દેશ તરફ આકર્ષાયા હતા.

નિકિતિને પોતાની ડાયરીમાં તત્કાલીન ભારતીય સમાજનું પણ વર્ણન કર્યું છે. એમણે ઘણા મુસલમાન અને હિન્દુ સાથે મૈત્રી કેળવી, તાડી પીધી, ફણસ ખાધું અને પોતાના જીવનમાં પહેલી વાર ઘીનો સ્વાદ ચાખ્યો.

તેમણે લખ્યું છે કે, લોકો કેવું ગાય અને બળદને ઘોડા કરતાં વધારે મહત્ત્વ આપતા હતા. એની સાથે જ એમણે સમુદાયો વચ્ચેની અમીરી ગરીબીના મોટા તફાવતનો ઉલ્લેખ કર્યો. એમણે લખ્યું કે એક સમુદાયના લોકોનો બીજા સમુદાયના લોકો સાથે રોટી-બેટીનો વ્યવહાર નહોતો.

મેધા પાનસરેએ જણાવ્યું કે, "આપણી પાસે ઇતિહાસનો સીમિત સ્રોત છે અને આ ડાયરી સૌથી નક્કર સ્રોતોમાંની એક છે. મને લાગે છે કે એમની ડાયરી સ્વસ્થ અને સાંસ્કૃતિક રીતે વિવિધ વારસા વિશે જણાવે છે."

"એવું જોઈ શકાય કે એ સમયે ઘણા મુસ્લિમ શાસક હતા, જેમાંના ઘણા સારા પણ હતા. નિકિતિન જુદાજુદા ધર્મોના લોકોના સહ-અસ્તિત્વની વાત કરે છે. આજના જમાનામાં એ જાણવું ખૂબ મહત્ત્વનું છે."

તેમણે જણાવ્યું કે, "નિકિતિન ખ્રિસ્તી ધર્મમાં માનતા હતા અને એમને જ્યારે એમનો ધર્મ બદલવા કહેવામાં આવ્યું ત્યારે તેઓ પરેશાન થઈ ગયા. આ પ્રસંગ વિશે તેમણે લખ્યું કે, જો તમે અહીં આવવા માગતા હો તો પોતાની આસ્થા અને ધર્મને છોડીને આવો. પરંતુ તથ્ય એ છે કે તેઓ અહીં રહીને પણ પોતાના ધર્મનું પાલન કરી શક્યા."

ડૉ. મેધા પાનસરે જેવા વિશેષજ્ઞ હાલના સમયમાં નિકિતિનની કથા જાણવા પર ભાર મૂકે છે.

તેમણે કહ્યું, "આપણે ભારત અને રશિયા વચ્ચેના મૈત્રીભર્યા સંબંધોની વાતો કરીએ છીએ કે આ સંબંધોએ ભારતને કેવું યુક્રેન યુદ્ધ પર એક વલણ અપનાવવાનું મુશ્કેલ કરી દીધું. પરંતુ આપણે સાચે જ જો આ બે દેશ વચ્ચેના સમીકરણને સમજવા માગતા હોઈએ તો આપણે અફનાસી નિકિતિનને સમજવા પડશે, કેમ કે જો આપણે ઇતિહાસનાં પાનાં ફેરવીએ તો આપણને ખબર પડશે કે આપણા સંબંધ કેટલા ગાઢ છે અને આપણે એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા છીએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો