યુગાન્ડા : જંગલમાંથી જ્યારે ગોરીલાને બચાવવા માણસોને કાઢી મુકાયા

ત્રણ દાયકા પહેલાં યુગાન્ડાના બાતવા (Batwa) લોકોને જંગલોમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા, જેથી વન્યજીવોનું સંરક્ષણ થઈ શકે. બાતવાના વડવા અહીં સદીઓથી રહેતા હતા, પરંતુ તેઓ બીજાં સ્થળોએ નવેસરથી જિંદગી શરૂ કરવા મજબૂર બન્યા અને શરૂ થયો સન્માનજનક જીવન માટેનો સંઘર્ષ.

બ્વિન્દીના નેશનલ પાર્કમાં બાતવા ઉત્સાહ અને ઉલ્લાસનાં ગીતો ગાતા, પરંતુ અત્યારે તે મરસિયા બની ગયા હોય તેમ જણાય છે.

ભારે જથ્થામાં મધ ઊતરે ત્યારે તેઓ આ ગીત ગાતા, પરંતુ હવે તેમને જંગલમાંથી મધ તો ઠીક બીજું કંઈ પણ લઈ જવાની મંજૂરી નથી.

બાતવાના લોકો હવે પ્રવાસીઓને જંગલમાં લઈ જાય છે અને તેઓ ત્યાં કેવી રીતે રહેતા તેની ઝલક બતાવે છે અને પોતાની આજીવિકા રળે છે.

30 મિનિટ જંગલમાં ઊંડા ઊતર્યા બાદ કેટલાંક ઝૂપડાં જોવા મળ્યાં, ત્યારે ઇચ્યેમ્બે વાદ્ય દ્વારા અમારું સ્વાગત કરવામાં આવ્યું.

ઝૂપડાં પાછળની એક જગ્યા તરફ આંગળી ચીંધતાં ગ્રૂપના વડા ઍરિક તુમુહૈરવેએ કહ્યું, "ત્યાં અમારું સ્થાનક હતું, ત્યાંથી અમે અમારા પૂર્વજો સાથે વાત કરતા."

મૂળ સોતા ખડી ગયા

સદીઓથી બતવા લોકો પહાડોના જંગલવિસ્તારમાં શિકાર કરીને જિંદગી વિતાવતા હતા. તેઓ જે વિસ્તારમાં રહે છે તે યુગાન્ડા, રવાન્ડા તથા રિપબ્લિક ઑફ કૉંગોની સરહદો સાથે જોડાયેલો છે.

1990ના દાયકામાં યુગાન્ડાના બાતવા લોકોને યુગાન્ડાની દક્ષિણ-પશ્ચિમે આવેલા બ્વિન્દી, મગહિનઘા તથા ઇચુયા જંગલોમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા, કારણ કે સરકાર પહાડી ગોરીલાનું રક્ષણ કરવા માટે ત્યાં વાઇલ્ડલાઇફ પાર્ક બનાવવા માગતી હતી.

બાતવા પરંપરાની યાદોને વાગોળતાં ઍરિક કહે છે કે આ ચોકમાં સમાજનાં યુવક-યુવતીઓ મળતાં અને પરિચય કેળવતાં. જો કોઈ યુવકે લગ્ન કરવાં હોય તો તેમણે ઇન્તેન્ઝી (ઊડતી ખિસકોલી) પકડવી પડતી.

"આ ખિસકોલી ખૂબ જ ઝડપથી ઊડતી હોય તેને પકડવું મુશ્કેલ હતું, એટલે જ્યારે તે ઝાડની બખોલમાં ઊંઘતી હોય ત્યારે તેને પકડવામાં આવતી. તે ઊડવાનો પ્રયાસ પણ કરતી. ખિસકોલીને જીવતી પકડવી પડતી નહીંતર પત્ની ન મળે." આ વાત કરતા જ ઍરિક હસી પ઼ડે છે.

ધુમ્મસથી ઘેરાયેલાં ગીચ જંગલોવાળી ટેકરી ઉપર થોડા ઉપર ચઢ્યા, એટલે ઍરિકે અમને ગુફા દેખાડી, જ્યાં સમુદાયના લોકો પૂજા કરવા માટે એકઠા થતા. તેઓ કહે છે :

"અમે જે જિંદગી જીવતા હતા, તે મને પાછી જોઈએ છે. માંસ, ફળ કે દવા, અમને જે કંઈ જોઇતું હતું, જંગલમાંથી મળી રહેતું."

જંગલમાંથી હાંકી કઢાયા બાદ કેટલાક બાતવા પરિવારોને સરકાર દ્વારા ખેડાણ માટે જમીન આપવામાં આવતી હતી, પરંતુ ખેતી જાણતા ન હોવાથી તેમણે જમીનો વેચી દીધી અને પ્રાંતમાં વિખેરાઈ ગયા. હવે તેઓ પાડોશીઓનાં દાન તથા સ્વૈચ્છિક સંસ્થાઓની સહાય ઉપર નભે છે.

ટ્રૅકરોના સમૂહમાં એક માત્ર મહિલા આઇદા કેહુઝો કહે છે કે, "કેટલાક પાડોશીઓ અમારી સામે તિરસ્કારપૂર્વક વર્તે છે. તેઓ અમને જંગલી લોકો કહે છે."

અદાલતના શરણે

યુગાન્ડામાં બાતવા લોકોની વસતિ અંદાજે સાત હજાર જેટલી છે, જે જંગલ પાસેના કિસોરો જેવા શહેરી વિસ્તારોમાં રહે છે. શહેરની બહારની સરકારી જમીન ઉપર તેમણે તાડપત્રી અને પૂંઠામાંથી ઘર બનાવ્યાં છે. આ સમુદાય ખૂબ જ ટાંચાં સાધનોમાં જીવન જીવવા મજબૂર બની ગયો છે.

તેમના ઇન્ટરવ્યૂ કરવાના અનેક પ્રયાસો વ્યર્થ રહ્યા છે, કારણ કે તેમને લાગે છે કે વર્ષોથી રાજનેતાઓ અને સંસ્થાઓએ તેમનું શોષણ કર્યું છે, આથી તેઓ બહારથી આવતાં લોકો પ્રત્યે તિરસ્કાર ધરાવે છે.

એક મહિલાએ કહ્યું, "તમે ફોટા લો છો અને તેને વેચો છો. અમને શું મળે છે ? જો તમે પૈસા નહીં આપો તો હું તમારી સાથે વાત નહીં કરું."

2011માં બાતવા લોકોના એક સમૂહે બિનસરકારી સંગઠનોની સહાયથી યુગાન્ડાની સરકારને કોર્ટમાં ઢસડી ગઈ અને તેમને હાંકી કાઢવાની કાર્યવાહીને પડકારી. ગત વર્ષે (2021)માં બંધારણીય અદાલતે બાતવા લોકોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

અદાલતે ચુકાદામાં નોંધ્યું હતું કે બાતવા સમુદાય સાથે અમાનવીય વ્યવહાર થયો છે અને તેને 12 મહિનામાં "ન્યાયી તથા વાજબી વળતર" મળવું જોઈએ, જોકે સરકાર તેની સામે અપીલ કરવા વિચારી રહી છે.

ઍલન મુસાબી જેવા કેટલાક લોકોએ બદલાતી પરિસ્થિતિ સાથે જીવતા શીખી લીધું છે અને ખેતીનો વ્યવસાય અપનાવ્યો છે.

યુનાઇટેડ ઑર્ગેનાઇઝેશન ફૉર બાતવા ડેવલપમૅન્ટ ઇન યુગાન્ડા (UOBDU)ના આર્થિક સહકારથી ઍલ તથા અન્ય કેટલાકે ખેતર ભાડે લીધું છે અને ત્યાં બટાટાનું વાવેતર કરવાની તૈયારી હાથ ધરી છે. તેઓ કહે છે:

"જો તમારી પાસે જમીન ન હોય તો તમારી પ્રગતિ ન થઈ શકે, તમે બાળકોને શાળાએ મોકલી ન શકો, તમને ખાવાનું ન મળે. પરંતુ જો મને જંગલ જવાનો વિકલ્પ મળે, તો હું ત્યાં દોડી જઈશ."

'પશુ કરતાં બદતર વ્યવહાર'

બાતવા સમુદાયમાંથી બહુ થોડા લોકો ગ્રૅજ્યુએટ બન્યા છે અને ઍલિસ ન્યામીહાંદા એમાંથી એક છે. જેઓ સાથે કામ કરે છે, તેઓ કહે છે કે બાતવા સમાજે સમાનતા માટે લડવું પડે તેમ છે.

ઍલિસ કહે છે કે, "અન્ય લોકો સાથે જેવો વ્યવહાર થાય છે, તેવો જ વ્યવહાર બાતવા લોકો સાથે પણ કરવામાં આવે." કિસોરોમાં તેઓ એઠવાડ ખાવા માટે મજબૂર બની ગયા છે, આવું ન થવું જોઈએ.

તેઓ કહે છે, "બાતવા લોકો સાથે પ્રાણીઓ કરતાં પણ ખરાબ વ્યવહાર થઈ રહ્યો છે. કારણ કે જ્યારે પર્યટકો આવે છે, ત્યારે તેઓ કેટલાક રૂપિયા ચૂકવે છે અને તે પૈસા સરકાર વાપરે છે, જ્યારે બાતવા લોકો હાલાકી ભોગવી રહ્યા છે."

ઍલિસનો પશુ સંદર્ભ પહાડી ગોરીલા સાથે છે. સરકાર દ્વારા ગોરીલા ટ્રૅકિંગ માટે પર્યટકો પાસેથી લગભગ 700 ડૉલર (રૂ. 50 હજાર) સુધીનો ચાર્જ વસૂલ કરવામાં આવે છે.

સંરક્ષણના પ્રયાસો અસર દેખાડી રહ્યા છે. યુગાન્ડામાં પહાડી ગોરીલાની સંખ્યા 459 પર પહોંચી ગઈ છે. વિશ્વભરમાં આ સંખ્યા એક હજાર કરતાં વધુ છે. મતલબ કે તેઓ "ગંભીર રીતે લુપ્તપ્રાયઃ" પ્રાણી નથી.

ઍલિસ ઇચ્છે છે કે વન્યજીવો તથા બાતવા લોકોના અધિકારોનું સંરક્ષણ થાય તેવા વધુ સારા વિકલ્પો પર વિચારણા કરવાની જરૂર છે.

શું કહે છે સરકાર ?

યુગાન્ડા વાઇલ્ડલાઇફ ઑથૉરિટી દ્વારા બાતવા લોકોને પર્યટકોને જંગલમાં લઈ જવાની મંજૂરી આપવામાં આવે છે અને જે આવક થાય છે તેનો પાંચમો ભાગ પાર્કની સ્થાનિક સ્વરાજ્યના એકમો મારફત આજુબાજુનાં ગામડાંના વિકાસ માટે ખર્ચવામાં આવે છે. સત્તામંડળના ઍક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સેમ મવાનધાના કહેવા પ્રમાણે :

"બાતવા સહિત આજુબાજુના વિસ્તારની કોઈ પણ વ્યક્તિ પ્રસ્તાવ આપીને આ નાણાંનો ઉપયોગ કરી શકે છે. તેઓ સ્વીકારે છે કે જંગલમાંથી બાતવાને કાઢતી વખતે કેટલીક ભૂલો થઈ છે. સાથે જ તેઓ ઉમેરે છે કે તેમને જમીનો નથી મળી અથવા તેમની સંસ્કૃતિ જાળવવા દેવામાં નથી આવતા જેવી વાતો ખરી નથી અને ગેરમાર્ગે દોરનારી છે."

તેઓ ઉમેરે છે, "અમે તેમને કહીએ છીએ કે : 'શાળાએ જાઓ અને ભણો', સાથે અમે એમ પણ કહીએ છીએ : 'તમારી સંસ્કૃતિને પણ ભૂલશો નહીં, અને તેનો ઉપયોગ કરીને પૈસા કમાઈ શકો છો.'"

બાતવા ઇચ્છે છે કે તેમની પાસે પણ એક ઘર હોય અને તેમને લુપ્તપ્રાયઃ મૂળનિવાસી તરીકેની ઓળખ મળે, જેથી કરીને આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ તેમને વધુ સારું સંરક્ષણ મળી રહે.

આ બાજુ જંગલમાં ઍરિક સ્વીકારે છે કે જંગલ અને ખેતીને કારણે કેટલાક બાતવા પરિવારોનો ઉદ્ધાર થયો છે, સાથે જ ઉમેરે છે :

"જ્યારે તમે વિચારો ત્યારે તમને ખબર પડે છે કે અમે કોણ છીએ અને ક્યાંથી આવ્યા છીએ, તેની ઓળખ પણ ભૂંસાઈ રહી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો