તૃષા અને ગ્રીષ્મા હત્યા કેસ જેવા બનાવ ગુજરાતમાં કેમ વધી રહ્યા છે?

    • લેેખક, બાદલ દરજી
    • પદ, બીબીસી ગુજરાતી

ગ્રીષ્મા વેકરિયાની હત્યા બાદ તાજેતરમાં વડોદરમાં તૃષા સોલંકી નામનાં યુવતીની પણ હત્યા કરવામાં આવી છે. જેની પાછળ એકતરફી પ્રેમપ્રકરણ જવાબદાર હોવાનું પોલીસે જણાવ્યું છે. બીજી તરફ પાછલા બે મહિનામાં મહિલાઓ પર ખુલ્લેઆમ હુમલાની આવી છ ઘટનાઓ સામે આવી છે. જેના કારણે એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓ શા માટે વધી રહી છે?

સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યાવાળા પ્રકરણે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું હતું. સુરતમાં વૅલેન્ટાઇન ડેના બે દિવસ પહેલાં એકતરફી પ્રેમમાં ફેનિલ નામના આરોપી યુવકે ગ્રીષ્મા વેકરિયા નામક યુવતીના ઘર બહાર જ તેમની હત્યા કરી હતી.

આ ઘટનામાં ગ્રીષ્માના પરિવારજનોની સામે જ યુવતી પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ત્યાર બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

ત્યાર બાદ તાજેતરમાં જ વડોદરામાં તૃષા સોલંકી નામનાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ પ્રમાણે આ યુવતીની હત્યા કરાઈ હતી. આ ઘટનામાં પોલીસે એકતરફી પ્રે પ્રકરણને જવાબદાર ઠેરવ્યું છે.

રાજ્યમાં બે મહિનામાં લગભગ એક સરખી રીતે બનેલી આ છ ઘટનાઓ સમાજ માટે ચોંકવનારી છે.

વેબ સિરીઝ અને ઓટીટી પ્લૅટફૉર્મ જવાબદાર?

વડોદરાના મનોચિકિત્સક ડૉ. યોગેશ પટેલ આ ઘટનાઓ પાછળ ઓવર ધ ટૉપ પ્લૅટફૉર્મ (ઓટીટી પ્લૅટફૉર્મ) અને વેબ સિરીઝને જવાબદાર માને છે.

તેઓ કહે છે, "જે રીતે હાલમાં ઓટીટી પ્લૅટફૉર્મ પર વેબ સિરીઝનું ચલણ વધ્યું છે, તેની યુવાઓ પર ચોક્કસ અસર પડે તેમ છે."

તેઓ આગળ કહે છે કે ઓટીટી પ્લૅટફૉર્મ પર હિંસક કન્ટેન્ટ જોયા બાદ યુવાનો પર તેની હિંસક અસર પડે છે અને તેમના વ્યવહારમાં પણ તે દેખાવા લાગે છે. જે આ પ્રકારના ગુનાઓ સુધી પહોંચી જાય છે.

ડૉ. મુકુલ ચોકસીના જણાવ્યા પ્રમાણે, "જ્યારે કંઈક પણ જોયા બાદ તેને અનુસરવાની પ્રેરણા મળે તેને 'રોલ મૉડલિંગ' કહે છે અને તે સગીરો અને યુવાનોમાં સૌથી વધારે જોવા મળે છે. "

ડૉ. યોગેશના કહેવા પ્રમાણે આ લોકો કોઈ રીઢા ગુનેગાર નથી હોતા. પળભરના ગુસ્સામાં તેઓ આમ કરી બેસે છે.

મનોચિકિત્સક ડૉ. મુકુલ ચોકસી પણ આ વાતથી સંમત છે. તેઓ કહે છે, "પળભરના ગુસ્સામાં હદ વટાવી લેનારા આ યુવાનો એ ભૂલી બેસે છે કે તેની સજા તેમણે જિંદગીભર ભોગવવી પડશે."

તમામ કિસ્સામાં હત્યાની મોડસ ઑપરેન્ડી લગભગ એકસરખી

આ કડીમાં સૌથી પહેલો કેસ છે સુરતની ગ્રીષ્મા વેકરિયાનો. ફેનિલ ગોયાણી નામના કથિતપણે એકતરફી પ્રેમમાં રહેલા યુવાને ગ્રીષ્માના ઘર બહાર જઈને તેમના કાકા અને ભાઈ પર હુમલો કર્યો હતો.

ત્યાર બાદ વચ્ચે છોડાવવા પડેલાં ગ્રીષ્માને પકડીને તેમના ગળા પર ચપ્પુ ફેરવી દીધું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાઇરલ થયો હતો.

બીજી ઘટનામાં ગાંધીનગરમાં કથિતપણે એક 17 વર્ષીય સગીરાને તેમના ભૂતપૂર્વપ્રેમી સ્કૂલમાંથી લઈ ગયા હતા અને માણસા પાસેથી પસાર થતી અમરાપુર નદીના પટ પર લઈ જઈ તેમના ગળા પર છરી વડે હુમલો કર્યો હતો.

જોકે, ગળા પર 30થી વધુ ટાંકા સાથે હાલમાં આ સગીરા સારવાર હેઠળ છે.

ત્રીજી ઘટનામાં કથિતપણે આરોપી યુવક દ્વારા વારંવાર પ્રેમિકાને મળવા માટે દબાણ કરવામાં આવતું હોવાથી તે રાજકોટથી ધોરાજીસ્થિત પોતાનાં માતાના ઘરે જતી રહ્યાં હતાં.

જેથી ઉશ્કેરાયેલા યુવાન રાજકોટથી ધોરાજી ગયા હતા અને ત્યાં મહિલાના શરીર પર આડેધડ ચપ્પાના ઘા ઝીંકી દીધા હોવાનો આરોપ છે.

ઘટનામાં મહિલાના બન્ને ગાલ પર ઈજા થઈ હતી અને નાકનું ટેરવું પણ કપાઈ ગયું હતું. આ ઉપરાંત હાથની આંગળીઓ પણ કપાઈ હોવાના અહેવાલો સામે આવ્યા હતા.

ચોથી ઘટનામાં ગીર સોમનાથના વેરાવળમાં કથિતપણે એક અજાણ્યા શખ્સે 22 વર્ષીય યુવતીના ઘરમાં પ્રવેશીને તેમના ગળા પર ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો અને ત્યાંથી ભાગી ગયા હતા.

જોકે, આ ઘટનામાં યુવતીનો જીવ બચી જવા પામ્યો હતો પણ ગંભીર હાલતમાં તે સારવાર મેળવી રહ્યાં છે.

જ્યારે પાંચમી ઘટનામાં કથિતપણે એકતરફી પ્રેમમાં પ્રેમીએ મહિલાની પોલીસ સ્ટેશનથી માત્ર 100 મિટર દૂર જાહેરમાં છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી.

જોકે, ગ્રીષ્મા હત્યાકાંડ જેવા જ આ મામલામાં અલગ વાત એ હતી કે અહીં મૃતક અને આરોપી બન્નેની ઉંમર 35 વર્ષથી વધારે હતી.

તાજેતરનો કિસ્સો છે તૃષા સોલંકીનો. જેમાં પોલીસ દાવો કરી રહી છે કે એકતરફી પ્રેમમાં હોવાથી યુવકે તેમની હત્યા કરી નાખી છે.

આ તમામ કિસ્સામાં મોટાભાગે પ્રેમપ્રકરણ જ જવાબદાર છે અને હુમલાની મોડસ ઑપરેન્ડી ગ્રીષ્મા હત્યાકાંડ સાથે મળતી આવે છે.

શું સોશિયલ મીડિયા છે જવાબદાર?

બરોડા મેડિકલ કૉલેજમાં ડિપાર્ટમેન્ટ ઑફ સાઇકિયાટ્રીના ઍસોસિયેટ પ્રોફેસર ડૉ. ચિરાગ બારોટ આ ઘટના પાછળ "રિસન્સી ઇફૅક્ટ"ને જવાબદાર માને છે.

"રિસન્સી ઇફૅક્ટ" એટલે તાજેતરમાં બનેલી એક ઘટનાનું અનુસરણ થવું.

ડૉ. ચિરાગના જણાવ્યા પ્રમાણે, "ગ્રીષ્મા હત્યાકાંડમાં મૂળ વાત હતી, પ્રેમસંબંધમાં તકરાર. તકરારો અને સમસ્યા તો વિશ્વના દરેક ખૂણામાં હોય છે."

"પરંતુ ગ્રીષ્માના કેસમાં જે પ્રકારે વીડિયો વાઇરલ થયો હતો અને જે પ્રકારના અહેવાલો પ્રકાશિત થયા હતા. તેના કારણે આ પ્રકારની સમસ્યા ધરવાતા અને તેનાથી હતાશ થયેલા લોકો પર તેની અસર થઈ."

"પ્રેમસંબંધમાં તકરાર અને ગુસ્સા વચ્ચે જ્યારે આ લોકો સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયો જોયા હશે ત્યારે ઉશ્કેરાઈને તેમણે આ પ્રકારનું પગલું ભર્યું હોઈ શકે છે."

તમામ છ કિસ્સામાં એક જ રીતે કથિત હુમલો કરવામાં આવ્યો હતો. જેના પરથી અંદાજ કાઢી શકાય છે કે સ્પષ્ટપણે ગ્રીષ્માની હત્યા બાદ જ આ લોકોએ આમ કર્યું હશે.

અન્ય એક મનોચિકિત્સક મુકુલ ચોકસી જણાવે છે કે સોશિયલ મીડિયાના કારણે લોકોમાં વાઇરલ થતી વસ્તુઓનું અનુસરણ કરવાની આદત પડી ગઈ છે.

આ અંગેનું ઉદાહરણ આપતાં તેઓ કહે છે, "જે રીતે હમણાં 'પુષ્પા' ફિલ્મ આવ્યા બાદ લોકો તેના સ્ટેપ કરીને સોશિયલ મીડિયા પર મૂકતા હતા. આવું જ કંઈક પાછલાં કેટલાંક વર્ષોથી વાઇરલ થતા લગભગ તમામ વીડિયો સાથે કરે છે."

આથી લોકોને તાજેતરના ટ્રેન્ડને અનુસરવાની આદત પડી જાય છે.

'સેલ્ફ-સેન્સરશિપ પણ જરૂરી'

ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑફ કૉમ્યુનિકેશનનાં ડિરેક્ટર ડૉ. સોનલ પંડ્યા આ વિશે કહે છે કે, ગ્રીષ્માના કેસમાં મુખ્ય પ્રવાહવાળાં મીડિયા કરતાં સોશિયલ મીડિયાએ વધારે સમસ્યા ઊભી કરી.

તેઓ કહે છે, "મુખ્ય પ્રવાહવાળાં મીડિયાએ તો રિપોર્ટિંગ કરવામાં ભૂલ કરી જ છે પરંતુ તે પહેલાં સોશિયલ મીડિયામાં હત્યાનો વીડિયો વાઇરલ થઈ ગયો હતો, જે ખૂબ દયનીય બાબત કહેવાય."

તેઓ કહે છે, "સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ થઈ જ ગયો હતો અને મુખ્ય પ્રવાહવાળાં મીડિયાએ પણ તે બ્લર કરીને બતાવ્યો. જેની કોઈ જરૂર ન હતી. આ જ કારણથી સેલ્ફ-સેન્સરશિપ જરૂરી છે."

અન્ય એક બાબત કે લોકોએ પણ સમજવાની જરૂર છે કે આ પ્રકારની બાબતો ક્યારેય ફોરવર્ડ કરવાની જરૂર નથી. પોલીસે પણ આ પ્રકારના વીડિયો વાઇરલ ન થાય તે માટે ચોક્કસ પગલાં લેવાં જોઈએ.

ડૉ. સોનલ પંડ્યા પ્રમાણે, મીડિયા દ્વારા જાણેઅજાણે ઘટનાનું ગ્લોરીફિકેશન થઈ જતું હોય છે પણ લોકોને સમજાવવા માટે શિક્ષણ અને કાયદાની જરૂર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો