ગુજરાત : એક યુવતીના બે પ્રેમી, અકસ્માતમાં ચાર યુવકોનાં મૃત્યુનો એ મામલો જેને પોલીસ હત્યા ગણી હતી

    • લેેખક, બાદલ દરજી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગયા વર્ષે 13 માર્ચની રાત્રે ખેડા જિલ્લાના માતર પાસે નેશનલ હાઇવે-48 પર એક બાઇક પર જઈ રહેલા ચાર મિત્રોનાં મૃત્યુ થયાં હતાં. શરૂઆતમાં વાહન અકસ્માત તરીકે નોંધાયેલ આ ઘટના મૂળે હત્યાની ઘટના હોવાનું સામે આવ્યું હતું. અકસ્માત લાગતી હત્યાનું પગેરું પોલીસે કેવી રીતે ઉકેલ્યું અને ચાર આરોપીઓની ધરપકડ કરી?

13 માર્ચ 2022 ની રાત્રે ખેડા જિલ્લાના માતર પાસે એક ટ્રક પાછળ ઘૂસી જવાથી બાઇકસવાર ચાર યુવાનોનાં મૃત્યુ થયાં હતાં.

આ ચારેય યુવાનો મૂળ અમદાવાદના રહેવાસી હતા અને તેમની ઉંમર 17થી લઈને 22 વર્ષ વચ્ચેની હતી.

આ મામલે માતર પોલીસમથકે ફરિયાદ પણ નોંધાઈ હતી. જેમાં જણાવ્યા મુજબ સોખડા ગામની સીમમાં આવેલી વેસ્ટર્ન હોટલના પાર્કિંગમાં આ ઘટના ઘટી હતી.

રાત્રે અંદાજે સવા એક વાગ્યે પાર્કિંગમાં એક ટ્રક પાછળ મોટરસાઇકલ ઘૂસી ગઈ હતી. જેના કારણે જોરદાર ધડાકાનો અવાજ આવ્યો હતો.

અવાજ સંભળાતાં જ ટ્રક ડ્રાઇવર અને હોટલના કર્મચારીઓ દોડી આવ્યા હતા. તેમને એક બાઇક અને તેની આસપાસમાં ચાર યુવકોને લોહીલુહાણ હાલતમાં મળી આવ્યાં હતાં.

જોકે, પ્રથમ દૃષ્ટિએ આ હાઈવે પર ઓવરસ્પિડિંગના કારણે બનેલી અકસ્માતની ઘટના જણાઈ હતી અને તેથી જ પોલીસે મૃતકો પૈકી એકને તહોમતદાર બનાવીને ફરિયાદ નોંધી હતી.

પણ આશરે 15 પ્રત્યક્ષદર્શીઓનાં નિવેદન બાદ આ ઘટના સામાન્ય અકસ્માતની નહીં પણ પ્રેમપ્રકરણના કારણે થયેલી હત્યા હોવાનું સામે આવ્યું હતું.

'પગપાળા ડાકોર ચાલીને જવાનું કહીને ગયો, પાછો જ ન આવ્યો'

મૃત્યુ પામેલા ચાર લોકો પૈકી 23 વર્ષીય જિતેશ નોગિયા બાઇક ચલાવી રહ્યા હતા અને ચારેય લોકોમાં ઉંમરમાં સૌથી મોટા હતા.

તેમના ભાઈ સંજય નોગિયાના જણાવ્યા પ્રમાણે, જિતેશ દસમુ ધોરણ નાપાસ હતા, જેથી એક કંપનીમાં કારીગર તરીકે કામ કરતા હતા.

છેલ્લી વખત તેમની સાથે થયેલી વાતચીત અંગે તેઓ કહે છે, "છેલ્લે અમારી વાત શનિવારે થઈ હતી. તે ઉતાવળે ઘરે આવ્યો હતો અને પગપાળા ડાકોર જવાનું કહીને નીકળ્યો હતો."

પરિવારને ડાકોર જવાનું કહીને નીકળેલા જિતેશ તો પાછો ન આવ્યા પણ તેના મૃત્યુના સમાચાર આવ્યા.

જિતેશ સાથે મૃત્યુ પામેલા તેમના અન્ય મિત્રો વિષે તેમને પૂછતાં સંજયે જણાવ્યું કે તેઓ માત્ર એક મિત્ર નરેશ વણઝારાને ઓળખતા હતા. બાકીના કોઈ મિત્ર વિષે તેમને ખ્યાલ નથી.

કઈ રીતે ભાંડો ફૂટ્યો?

પહેલી નજરે આ ઘટના હાઇવે પર ઓવરસ્પિડિંગના કારણે ટ્રકની પાછળ ઘૂસી જવાથી થયેલા અકસ્માત જેવી લાગતી હતી, પરંતુ જ્યારે પોલીસે તપાસ હાથ ધરી તો ઘણા ચોંકાવનારા ખુલાસા થયા.

જેમાં સૌથી મોટી અને મહત્ત્વપૂર્ણ કડી હતી 'રધવાણજ ટોલ પ્લાઝા.' પીછો કરતી વખતે કાળા રંગની એક સ્કૉર્પિયો કારે ટોલ પ્લાઝાના બૅરિકેડ તોડ્યા હતા. જેના કારણે નાઇટ શિફ્ટમાં કામ કરતાં કર્મચારીઓના ધ્યાને આવી હતી.

પોલીસે તપાસમાં પણ સૌથી પહેલા ટોલ પ્લાઝાના સીસીટીવી ફૂટેજ ચકાસ્યાં અને કર્મચારીઓની પૂછપરછ કરી. જેમાં એ વાતની પુષ્ટિ થઈ કે તે સ્કૉર્પિયો મૃતકોની મોટર બાઇકનો પીછો કરી રહી હતી.

જ્યારે તે જ ગાડી ટોલ પ્લાઝાનાં બૅરિકેડ તોડ્યાં હોવાથી કર્મચારીઓને તે સારી રીતે યાદ રહી ગઈ હતી. જેથી અકસ્માતમાં સ્કૉર્પિયોની ભૂમિકાની શંકા વધવા લાગી હતી.

ટોલ પ્લાઝાનાં સીસીટીવી ફૂટેજમાંથી સ્કૉર્પિયોનો નંબર મેળવીને પોલીસે માલિકને બોલાવ્યા બાદ શરૂઆતમાં અકસ્માત તરીકે નોંધાયેલી આ ઘટના હત્યા સુધી પહોંચી હતી.

માતર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ. એસ. અસારીએ જણાવ્યું હતું કે અમદાવાદથી કુલ આઠ લોકો એક બાઇક અને એક મૉપેડ લઇને નડિયાદ રઘુ નામના યુવકને મળવા આવ્યા હતા.

આ આઠ લોકો પૈકી જિતેશ નોગિયા, હરિશ રાણા, નરેશ વણઝારા અને સુંદરમ યાદવ બાઇક પર હતા.

જ્યારે નિખિલ, પ્રેમ, સતીષ અને પંકજ મૉપેડ પર હતા. નડિયાદ પહોંચ્યા બાદ કાળા રંગની સ્કૉર્પિયો કાર તેમની પાછળ પડી હતી.

જેનાંથી બચવા મૉપેડ પર સવાર ચારેય મિત્રો સંતાઈ ગયા હતા અને તે જ કારણથી ચારેય બચી ગયા હતા.

આગળ જતાં બાઇકસવાર ચાર મિત્રો મોતને ભેટ્યા હતા.

શા માટે મારક હથિયારો સાથે લઈ ગયાં હતાં?

પોલીસના જણાવ્યા પ્રમાણે આ આઠેય લોકો રઘુ સાથે મારામારી કરવાના ઇરાદાથી નડિયાદ ગયા હતા.

મૃતકો પૈકી નરેશ વણઝારા અને રઘુ વચ્ચે નડિયાદમાં રહેતી એક યુવતીના કારણે બોલાચાલી થઈ હતી.

ખરેખરમાં નડિયાદની એક યુવતીના નરેશ અને આશિષ બન્ને સાથે પ્રેમસંબંધ હતા.

પીએસઆઈ અસારીના જણાવ્યા પ્રમાણે, આશિષ અને રઘુ બન્ને મિત્રો હતા. જ્યારે નરેશ પણ રઘુને ઓળખતો હતો.

રઘુ આશિષને મદદ કરતો હોવાથી નરેશે એને મારવાની યોજના ઘડી હતી.

પ્લાન મુજબ નરેશ અને તેમના સાત મિત્રો મિત્રો 13 માર્ચે એક મૉપેડ અને બાઇક પર નડિયાદ પહોંચ્યા હતા. રઘુને મારવા માટે તેઓ સાથે હથિયારો પણ લાવ્યાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.

જોકે, રઘુને આ વાતની જાણ થતાં તેના અન્ય એક મિત્ર રવિ તળપદાને આ વિષે વાત કરી હતી.

જેથી રવિ તળપદા આ લોકો ખરેખર મારામારી કરવા આવ્યા છે કે કેમ એ જોવા માટે પોતાની સ્કૉર્પિયો ગાડી લઈને પહોંચ્યા હતા.

પંદર કિલોમીટર સુધી પીછો કર્યો

રવિ તળપદાની સ્કૉર્પિયો કારમાં તેના સિવાય ધર્મેશ તળપદા અને વિજય તળપદા નામના પણ યુવાનો હતા. તેમણે હથિયારો સાથે નરેશ અને તેના મિત્રોને જોતા તેમની તરફ ભાગ્યા હતા.

પોતાની તરફ ગાડીને આવતા જોઈને નરેશ અને તેના મિત્રો પાછા ભાગ્યા હતા.

મૉપેડ અને બાઇક બન્ને પર ચાર-ચાર લોકો સવાર હતા પણ મૉપેડ વધુ ઝડપથી ચાલી શકે તેમ ન હોવાથી મૉપેડસવાર ચાર મિત્રો થોડે આગળ જઈને સંતાઈ ગયા હતા.

જ્યારે બાઇક પર સવાર ચાર મિત્રો પૂરઝડપે આગળ વધી રહ્યા હતા અને સ્કૉર્પિયો ગાડી તેમની પાછળપાછળ આવી રહી હતી.

બાઇકસવાર ચાર મિત્રો પંદરેક કિલોમિટર સુધી પૂરઝડપે જતા રહ્યા. આ વચ્ચે રધવાણજ ટોલ પ્લાઝા પાસે સ્કૉર્પિયોએ બૅરિકેડ તોડીને પણ બાઇકનો પીછો કરવાનું ચાલું રાખ્યું હતું.

જોકે, અંતમાં સોખડા ગામની સીમમાં આવેલ વેસ્ટર્ન હોટલના પાર્કિંગમાં એક ટ્રક પાછળ ઘૂસી જવાથી બાઇકસવાર ચારેય મિત્રોનાં મૃત્યુ થયાં હતાં.

મૃત્યુનું કારણ શું? સ્કૉર્પિયો કે ટ્રક?

પીએસઆઈ એમ. એસ. અસારી પ્રમાણે, યુવકોનું મૃત્યુ તો ખરેખર ઓવરસ્પિડિંગમાં ટ્રકની પાછળ ઘૂસી જવાથી થયું છે પરંતુ સ્કૉર્પિયોએ પણ બાઇકને ટક્કર મારી છે.

તેઓ કહે છે, "ગાડી કબજે કર્યા બાદ એફએસએલે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ગાડીએ બાઇકને ટક્કર મારી હતી."

જોકે, પોલીસે ઘટના બની તેના ત્રીજા જ દિવસે ગાડીમાં સવાર ત્રણેય યુવકો રવિ તળપદા, ધર્મેશ તળપદા અને વિજય તળપદાની ધરપકડ કરી છે.

ત્રણેયને ચાર દિવસ માટે રિમાન્ડ પર રાખ્યા બાદ હાલમાં તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો